1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૩૪)

26 March, 2023 07:27 AM IST  |  Mumbai | Rashmin Shah

‘તમે જરા સમજો તો ખરા... અત્યારની પરિસ્થિતિનો તમે વિચાર કરો અને એ વિચારીને જરા જાતને પૂછો કે શું કરી શકવાના આપણે જ્યારે આપણા હાથ ખાલી છે?! શું કરી શકવાના જ્યારે આપણી પાસે રૉ-મટીરિયલ પણ નથી?! છે કોઈ જવાબ? છે કોઈની પાસે આન્સર...’

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૩૪)

‘આ વૉર છે અને વૉરમાં પાકિસ્તાન સતત અટૅક કરે છે. આવા સમયે હું કોઈ હિસાબે સિવિલિયન લાઇફને રિસ્કમાં ન મૂકી શકું...’ 
કર્ણિક ઑલમોસ્ટ જજમેન્ટ પર હતા અને એ વાત કલેક્ટર ગોપાલસ્વામીને સ્પષ્ટપણે સમજાતી હતી. અલબત્ત, સિવિલિયન લાઇફની વાત તો ગોપાલસ્વામી માટે પણ ટેન્શન આપનારી હતી અને એમાં ભારોભાર તથ્ય પણ હતું. વૉરની સિચુએશન સમયે પણ સૌથી પહેલાં સિવિલિયનને સલામત સ્થળે ખસેડવામાં આવતા હોય છે, જ્યારે આ તો ઑલરેડી વૉર ઘોષિત થઈ ગઈ હતી. યુનાઇટેડ નેશન્સ સામે ઇન્ડિયાએ કમ્પ્લેઇન ફાઇલ કરી દીધી હતી અને યુનાઇટેડ નેશન્સ ઑફ ઑર્ગેનાઇઝેશન સામે જવાબ આપવા હાજર થવાની પાકિસ્તાન સ્પષ્ટ ના પણ પાડી દીધી હતી.

હાયર ઑથોરિટી દ્વારા મળેલા આ સંદેશા પછી એ સ્પષ્ટ થતું હતું કે પાકિસ્તાન ક્યાંય અટકવા તૈયાર નથી.

lll

‘ઇટ્સ સો રિડિક્યુલસ...’ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતી સેનેટ સામે જોઈને યુનાઇટેડ નેશન્સના પ્રેસિડન્ટ આદમ મલિકે કડક શબ્દોમાં ટીકા કરતાં કહ્યું, ‘પાકિસ્તાન જવાબ નહીં આપે એવો જવાબ આવે છે ત્યારે તમે એ વાતમાં તમારી સંમતિ કેવી રીતે આપી શકો? ઇન્ડો-પાક વૉર મસ્ટ બી ડેન્જરસ ફૉર એશિયા...’
‘એક્સ્ટ્રીમલી સૉરી મિસ્ટર પ્રેસિડન્ટ...’ અમેરિકા વતી સફાઈ આવી, ‘એ બન્ને દેશોનો ઇન્ટરનલ પ્રશ્ન છે. અમે પાકિસ્તાન સાથે વાત કરી અને પાકિસ્તાને સ્પષ્ટતા સાથે કહ્યું છે કે જ્યાં સુધી ઈસ્ટ પાકિસ્તાનમાં ઇન્ડિયાનું ઇન્ટરફિયરન્સ બંધ નહીં થાય ત્યાં સુધી તે ઇન્ડિયા સામેથી પોતાનાં વેપન્સ હટાવશે નહીં ઍન્ડ નથિંગ રૉન્ગ ઇન ઇટ...’

‘ઇન્ડિયાનો જવાબ આવી ગયો છે...’ આદમ મલિકે કહ્યું, ‘ઈસ્ટ પાકિસ્તાનમાં ઇન્ડિયા ક્યાંય ઇન્વૉલ્વ નથી અને ઇન્ડિયાએ અગાઉ પણ આ જ જવાબ આપ્યો છે. ચેક ઑલ ડૉક્યુમેન્ટ્સ...’
‘બટ ઇટ્સ ફેક...’
‘નો... ફર્સ્ટ લેટ મી ફિનિશ...’ 
મુઠ્ઠી જેવડા ઇન્ડોનેશિયાને પહેલી વાર યુનાઇટેડ નેશન્સમાં પ્રતિનિધિત્વ કરવા મળ્યું એ વાતનો લાભ આદમ મલિકે સિફતપૂર્વક લીધો અને પ્રેસિડન્ટની વાત વચ્ચે કાપવાની ગુસ્તાખી કરવા બદલે તેમણે અમેરિકાને ચૂપ કર્યું.
‘ઇન્ડિયા ક્યાંય પણ ઈસ્ટ પાકિસ્તાનમાં ઇન્વૉલ્વમેન્ટ નથી રાખતું એની તપાસ ઑર્ગેનાઇઝેશને પણ કરી છે. ઈસ્ટ પાકિસ્તાનમાં જે ચાલે છે એ આતંરિક ચળવળ છે અને એમાં કોઈની દખલગીરી ચાલી શકવાની નથી. લેટ પાકિસ્તાન હૅન્ડલ ઇટ ધેર ઑન વે... અત્યારે વાત છે એ વૉરની છે ઍન્ડ ઇટ્સ ટુ ડેન્જરસ...’
આદમ મલિકે શ્વાસ લઈ વાત આગળ વધારી.
‘ઇન્ડિયા-પાકિસ્તાન વૉરમાં સોવિયેટ સંઘ સામેલ થશે એટલે પાકિસ્તાન પોતાના ફ્રેન્ડ્સ નેશનને ઇન્વૉલ્વ કરશે. ઇટ મે કન્વર્ટ ઇન ટુ વર્લ્ડ વૉર થ્રી... સો બેટર, વી હૅવ ટુ સ્ટૉપ ઇટ ફૉર એન્ટાયર હ્યુમન એનર્જી...’
‘વી વિલ ટૉક ટુ ધેમ...’ 
અમેરિકી સેનેટે જવાબ તો આપ્યો, પણ એ જવાબનું પરિણામ શું આવશે એ તેના પોતાના ચહેરા પર પ્રસરી ગયેલા સ્માઇલ પર સ્પષ્ટ વંચાતું હતું.
‘નૉટ જસ્ટ કન્વર્સેશન...’ સ્માઇલને ઓળખી ગયેલા મલિકે તાકિદ કરી, ‘યુ હૅવ ટુ કન્વિન્સ ધેમ. કોઈ પણ રીતે આ વૉર અટકવી જોઈએ.’
‘ઇન્ડિયા શૂડ સ્ટૉપ ધેર ઇન્ટરફિયરન્સ...’
‘ધેટ આ’લ શી...’ મલિકે વાતને પૂર્ણવિરામ આપતાં કહ્યું, ‘યુ મસ્ટ ફોકસ ઑન વૉર ઍન્ડ સ્ટૉપ ઇટ...’
lll
૧૯૭૧ના યુદ્ધ દરમ્યાન પહેલી વાર અમેરિકાની મેલી મુરાદ સ્પષ્ટ થઈ હતી. અલબત્ત, એમાં ભારત પ્રત્યેના દ્વેષ કરતાં પણ સોવિયેટ સંઘ તરફનું ખૂન્નસ વધારે કારણભૂત હતું. ઇન્દિરા ગાંધી અને સોવિયેટ સંઘની દોસ્તી તથા સશસ્ત્રીકરણ અને તકનીકી મુદ્દે સોવિયેટ સંઘને જે કોઈ સહાય હતી એ સહાયને કારણે અમેરિકાના પેટમાં તેલ રેડાયું હતું. અમેરિકા નહોતું ઇચ્છતું કે એશિયામાં સોવિયેટ સંઘને કોઈ પણ રાષ્ટ્રનો સાથ-સહકાર મળે કે પછી કોઈ દેશ રશિયાનો સહારો લે, પણ ભારતે એ કાર્ય કર્યું જેના માટે જવાબદાર પણ અમેરિકા જ હતું.

અમેરિકાએ ચોરીછૂપીથી શસ્ત્ર-સહાય પાકિસ્તાનને આપવાનું ચાલુ કર્યું, જેનો વિરોધ પણ ભારતે યુનાઇટેડ નેશન્સમાં કર્યો હતો, પણ દરેક વખતે અમેરિકા અને પાકિસ્તાને સ્ટિરિયોટાઇપ્ડ જવાબ આપીને વાત ઉડાડી દીધી હતી. જોકે એ પછી પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં થતાં છમકલાં દરમ્યાન અનેક વખત એવું પુરવાર થયું હતું કે એને અમેરિકા દ્વારા શસ્ત્ર-સહાય મળે છે અને પાકિસ્તાન અમેરિકા પર જ કૂદાકૂદ કરે છે. અમેરિકાએ કૂટનીતિ વાપરી હતી. શસ્ત્રસરંજામના વેપારમાં વિશ્વના નંબર વન બનવાની લાયમાં ઊગતી આ મહાસત્તાની ઇચ્છા હતી કે ઇન્ડિયા પણ અમેરિકા પાસેથી શસ્ત્રોની ખરીદી શરૂ કરે અને બે બિલાડાની લડાઈમાં એ વાંદરો અબજો ડૉલર રળતો રહે. જોકે ઇન્ડિયાએ વેપન-હેલ્પ માટે અમેરિકાના રાઇવલ અને એ સમયની મહાસત્તા એવા સોવિયેટ સંઘનો સાથ પસંદ કર્યો અને અમેરિકાએ સંપૂર્ણપણે પાકિસ્તાનને દત્તક લઈ લીધું, જેનો પાકિસ્તાનને ભરપૂર લાભ મળ્યો અને ૧૯૭૧ના વૉર સમયે યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાએ છડેચોક પાકિસ્તાનને સહકાર આપવાનું એલાન કરી દીધું.

‘જો ઈસ્ટ પાકિસ્તાનમાં ભારત પોતાની હરકતો બંધ નહીં કરે તો પાકિસ્તાનને અમે પ્રેશર નહીં કરીએ...’ પાંચમી ડિસેમ્બરે અમેરિકી સેનેટે સત્તાવાર જવાબ ફાઇલ કર્યો, ‘એવા સમયે અમે પાકિસ્તાનને સહકાર આપવાની પણ તૈયારી રાખીશું.’
જે દિવસે અમેરિકાએ જવાબ ફાઇલ કર્યો એ એના ચાર જ કલાકમાં હિન્દુસ્તાનના સનદી અધિકારીઓ સુધી પણ એ જવાબ પહોંચી ગયો. આ જવાબ સ્વભાવિક રીતે સૌકોઈનું બ્લડ-પ્રેશર વધારનારો હતો. જો અમેરિકા આ યુદ્ધમાં ઝંપલાવે તો...
lll
‘નથિંગ ટુ વરી... વી આર ઑલવેઝ વિથ યુ મિસિસ ગાંધી...’
ખટ... ખટ... ખટ...
એકધારો ખટકારો કરતા ટેલેક્સ મશીન પર મેસેજ ટાઇપ થતો હતો. જ્યાં અને જ્યારે મેસેજમાં ત્રણ ફુદડીની સાઇન આવતી હતી ત્યાંથી એ મેસેજનો પેપર લેતા જવાનું કામ પ્રિન્સિપલ સેક્રેટરી પરમેશ્વર હસકર કરતા જતા હતા. અંગ્રેજીમાં આવતા મેસેજનું ભાષાંતર કરવાની જરૂર નહોતી એટલે રશિયાથી આવતા તમામ મેસેજ સીધા જ પ્રાઇમ મિનિસ્ટરના ટેબલ પર મૂકવામાં આવતા હતા. મેસેજની પ્રત્યેક લાઇન ઇન્દિરા ગાંધીના ચહેરા પર હળવાશ આણવાનું કામ કરતી હતી.
પાકિસ્તાનના સપોર્ટમાં ખુલ્લેઆમ આવી ગયેલા અમેરિકા સામે હિન્દુસ્તાનની સાથે રશિયાનું હોવું એ જરા પણ નાનીસૂની વાત નહોતી.
‘વાત અમે યુનોમાં મૂકી શકીએ?’ 
મિસિસ ગાંધીએ મેસેજ પર નજર રાખીને જ હસકરને પૂછ્યું એટલે પરમેશ્વર હસકરે તરત જ ઑફિસમાંથી મેસેજ રવાના કર્યો. મેસેજ રવાના થયાને દસ મિનિટ પસાર થઈ પણ રશિયાથી કોઈ જવાબ આવ્યો નહીં એટલે ગાંધી મનોમન સહેજ નાસીપાસ થયાં, પણ એ પછી જે જવાબ આવ્યો એ જવાબ ઇન્દિરા ગાંધીના ચહેરા પર મહિનાઓ પછી સાંત્વન પાથરી ગયો.
‘ઑલરેડી અમે યુનોમાં એ જાણ કરી દીધી છે અને અમારા આ જવાબ પર આજે રાતે ઑર્ગેનાઇઝેશને ઇમર્જન્સી મીટિંગ બોલાવી છે...’
સત્તાવાર રીતે હવે રશિયા ભારતના પક્ષે જોડાઈ ગયું હતું, જે ભારત માટે રાહતના અને વિશ્વ માટે પરસેવો છોડાવી દે એવા સમાચાર હતા. જે સમયે યુનાઇટેડ નેશન્સ ઑર્ગેનાઇઝેશનમાં આ સંદર્ભની ઇમર્જન્સી મીટિંગ શરૂ થઈ એ સમયે હિન્દુસ્તાનના કચ્છ નામના જિલ્લાનાં ખોબલાં જેવડાં ગામોની કેટલીક મહિલાઓ ઍરફોર્સ ઑફિસર સામે ઊભી રહીને એવી વાત કરતી હતી જે કોઈ પણ સેન્સિબલ અધિકારીને ત્રાસ છોડાવી દે. દુનિયા આખી જ્યારે તમારા પર નજર કરીને બેઠી હોય, દુનિયાભરની ઇકૉનૉમી હવે તમારા દેશની પરિસ્થિતિ પર નિર્ભર થઈ ચૂકી હોય એવા સમયે કોઈ આવીને ભણતરની વચ્ચે ગણતરની વાત માંડે તો સ્વાભાવિક રીતે એ સમયે દર્શાવવામાં આવતું ગણતર ગાંડપણ જ દીઠે અને એવું જ અત્યારે કચ્છના ભુજ શહેરમાં બન્યું હતું.

ઍરફોર્સ ઑફિસર વિજય કર્ણિક અંદરથી અકળાયેલા હતા, પણ તેમણે પોતે અનુભવેલી એક ઘટનાએ તેમની એ અકળામણને અંદર રોકી રાખવાનું કામ કર્યું હતું. અલબત્ત, એ રસ્તાનો એક સામાન્ય ખાડો બંધ કરવાની વાત હતી અને એમાં મહિલાઓએ સફળતા મેળવી હતી, પણ અહીં અત્યારે રનવેની વાત હતી. એ રનવેની જેના પર ઇન્ડિયન ઍરફોર્સનાં ફાઇટર પ્લેન લેન્ડ અને ટેક-ઑફ થવાનાં હતાં. 
ઇમ્પૉસિબલ.
અસંભવ, અશક્ય.
lll
‘તમે જરા સમજો તો ખરા... અત્યારની પરિસ્થિતિનો તમે વિચાર કરો અને એ વિચારીને જરા જાતને પૂછો કે શું કરી શકવાના આપણે જ્યારે આપણા હાથ ખાલી છે?! શું કરી શકવાના જ્યારે આપણે પાસે રૉ-મટીરિયલ પણ નથી?! છે કોઈ જવાબ? છે કોઈની પાસે આન્સર...’
ઑલમોસ્ટ તાડૂકી ઊઠેલા વિજય કર્ણિક ઊભા થઈ ગયા...
‘જવાબ આપો, છે શું આપણી પાસે...’
આખી રૂમમાં સન્નાટો પ્રસરી ગયો અને પ્રસરેલા એ સન્નાટા વચ્ચે કુંદન ધીમેકથી ઊભી થઈ...
‘હૌસલા ઔર હિંમત...’ કુંદનના ચહેરા પર આત્મવિશ્વાસ ઝળકતો હતો, ‘જીસે દુનિયા મેં કોઈ તાકાત હરા નહીં સકતી...’
સોય પડે તો પણ ખળભળાટ મચી જાય એવી શાંતિ પ્રસરી ગઈ. 
સૌકોઈની આંખો કુંદન પર ખોડાઈ ગઈ. ખુદ વિજય કર્ણિક માટે પણ આ જવાબ અચરજ પમાડનારો હતો. જોકે જવાબથી ખુશ થઈને કોઈ નિર્ણય લેવાવો ન જોઈએ એટલી પ્રૅક્ટિકાલિટી પણ તેમનામાં હતી અને એટલે જ તેમણે સ્માઇલ સાથે જવાબ આપી દીધો...
‘નાઇસ વર્ડ્સ... આઇ મસ્ટ સે, ઇટ્સ ગોલ્ડન વર્ડ્સ. કુછ ન હો તબ ભી ઇન્સાન મેં હૌસલા ઔર હિંમત તો હોતી હી હૈ... પર મિસ કુંદન...’ કર્ણિકે ઊંડો શ્વાસ લીધો, ‘આવી વાતો ફિલોસૉફી અને લિટરેચરનાં પુસ્તકોમાં સારી લાગે, વૉરના મેદાનમાં નહીં.’
‘હા, સાચું સર, પણ...’ કુંદને કહ્યું, 
‘જે ચોપડીની વાત તમે કરો છો એવી એકેય ચોપડી, આમાંથી એકેય વાંચી નથી અને તેને ખબરેય નથી કે એવી ચોપડિયું આવે છે. અત્યારે અહીં આ બધી જે બહેનો છેને...’ કુંદને પાછળ ફરીને દરેકની સામે જોયું અને પછી કર્ણિકની સામે જોયું, ‘સાહેબ, મને મૂકીને આમાંથી એંસી ટકા તો ભણી પણ નથી, અક્ષરજ્ઞાન શું કહેવાય એ પણ તેમને ખબર નથી ને જે પાંચ-સાત ભણી છે તે પણ લખતાં-વાંચવા સિવાય વધારે કંઈ જાણતી નથી... સાહેબ, વાત રહી યુદ્ધની તો...’
કુંદનની આંખોમાં તેજ હતું અને એ તેજ કર્ણિકને રીતસર તાપ આપતું હતું, પણ એ તાપમાં ઉમેરો કરવાનું કામ કુંદનના હવે પછીના શબ્દો કરી ગયા હતા.
‘રહી વાત યુદ્ધની સાહેબ, એ તો જીવનના દરેક તબક્કે સૌકોઈએ સહન કરવાનું જ હોય છેને... ખાલી ફરક એમાં એટલો કે કેટલાંક યુદ્ધ ઘરમાં લડાતાં હોય ને કેટલાક સરહદે...’ કુંદન સહેજ અટકી, ‘માફ કરજો સાહેબ, પણ હકીકત તો એ જ સાચી કે તમે સરહદે લડીને જેટલું સહન કરો છો એના કરતાં સોગણું વધારે અમે દિવસ દરમ્યાન સહન કરતાં હોઈએ છીએ અને એય હસતા મોઢે... ઘરબારને ભેળાં રાખીને...’
સન્નાટો પ્રસરી ગયો. પહેલાં સર્જાયો હતો એના કરતાં પણ ઑલમોસ્ટ વધારે ઘટ્ટ અને વધારે જાતવાન સન્નાટો.
વિજય કર્ણિક પાસે હવે એક જ દલીલ બચી હતી, જે કરવાની તે ક્યારના ટાળી રહ્યા હતા; પણ હવે તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે તેમણે નાછૂટકે મનની એ વાત હોઠ પર લઈ લીધી...
‘બધી વાત સાચી, પણ આ તમે બધી છોકરીઓ છો... અને છોકરીઓ...’
‘સાહેબ, ઘડીક થોભો...’ કુંદનના અવાજમાં સત્તાવાહીપણું હતું, ‘આ બહેન, દીકરી ને છોકરીની વાતું તમને તો નથી જ શોભતી હોં...’
વિજય કર્ણિકના ચહેરા પર પ્રશ્નાર્થ પ્રસરી ગયો, જે જોઈને કુંદને તરત ચોખવટ પણ કરી લીધી...
‘અત્યારે તમારે બધાએ શું કરવું ને કેવી રીતે કરવું ને ક્યાં જાવું-કેમ જાવું એ બધુંય નક્કી દિલ્હીમાં બેઠાં એક બેન જ કરે છે હોં...’ કુંદનના જવાબ સાથે જ કર્ણિકની આંખો સામે ઇન્દિરા ગાંધી આવી ગયાં, ‘ઘડીક વિચારો, જો મહિલા દેશ ચલાવી શકતી હોય તો અમારે ક્યાં કંઈ બીજું કરવાનું છે... તમે ક્યો એમ કામ કરતા જવાનું છે ને આગળ વધતા જાવાનું છે. જો કામ થઈ ગ્યું તો જશ તમારો...’

‘અને કામ ન થવા તો?’
સવાલ ગોપાલસ્વામીએ પૂછ્યો હતો અને એ પણ ઇરાદાપૂર્વક જ.
‘તો પાછા હતા ન્યાં ને ન્યાં આવી જાશું...’ કુંદને ચોખવટ પણ કરી નાખી, ‘અત્યારે છીએ એમ, હતા ન્યાં ને ન્યાં...’
કુંદને નજર ફેરવીને વિજય કર્ણિક પર લીધી. છોકરીવાળી વાત તેના દિલમાં ઊતરી ગઈ હતી. બા-બાપુએ એક જ સંતાનની ઇચ્છા સાથે બાળકને જન્મ આપ્યો અને જીવનભર બીજું સંતાન કર્યું નહીં, પણ પોતાના નિર્ણયને વળગી રહેવા જતાં તેમણે જિંદગીભર મહેણાંઓ સાંભળ્યાં અને એ મહેણાંઓનો આડકતરો સામનો કુંદને પણ કરવો પડ્યો હતો.

‘સાહેબ, જરાક તો આ છોકરી ને છોકરાવાળી વાતમાંથી આપણે બહાર આવીએ...’ કુંદનની આંખોમાં આંસુ હતાં, પણ એમાં ગુસ્સો ભળેલો હતો, ‘છોકરી કંઈ કરી ન શકે એવી વાત પુરુષ કરે છે, પણ તે પુરુષને જન્મ આપવાનું કામ તો પાછી મહિલા જ કરે છે. જરાક વિચાર્યું છે તમે કે એક બાળકને જન્મ આપવાની પીડા કેવી હોય? કલ્પના થઈ છે ક્યારેય એ બાબતમાં? પૂછ્યું છે તમે તમારી બાને કે એ પીડા કેવી હતી જ્યારે તમારો જન્મ થયો?!’
કર્ણિક ચૂપ રહ્યા. 
શું બોલે, જ્યારે કોઈ જવાબ તેમની પાસે નહોતો.

‘સાહેબ, તમારું વિજ્ઞાન ક્યે છે કે શરીરમાં એકસાથે અઢાર હાડકાં તૂટે ને જે પીડા થાય એવી પીડા ત્યારે થાય જ્યારે બાળકને જન્મ આપતી વખતે વેણ ઊપડતું હોય છે ને એ વેણ સહન કરવાનું કામ મહિલા હસતા મોઢે સહન કરી લે છે, કારણ કે તેને ખબર છે કે એ સહન થાશે તો જ માતૃત્વ મળશે. જો મા બનવા ખાતર અમે આટલું સહન કરી લેતા હોઈએ તો સાહેબ, આ તો માને બચાવવાની વાત છે... કેમ ભૂલો છો, દુનિયામાં એકમાત્ર આપણો દેશ છે જે આજેય માટીને મા માનીને એનું તિલક કરે છે, માટીને મા માનીને એના માટે જીવ દેવા તૈયાર થઈ જાય છે. આ જ માટી માટે તમે અત્યારેય અહીં ઊભા છોને? ખબર છે કે વાત બગડી જાશે તો જીવ જાશે તોય આમ જ અડીખમ ઊભા છોને? કોની માટે? મા માટેને...’ કુંદને વિજય કર્ણિકની આંખોમાં જોયું, ‘ધરતીમા માટે જ્યારે બધી મા ભેગી થઈ છે ત્યારે કોણ એને સફળ થતાં રોકવાનું હતું સાહેબ?! ધરતીમા પોતે બધી માવડીને સાથ દેશે, જોજો તમે...’
‘ગિવ મી ફ્યુ મિનિટ્સ...’ કર્ણિકે ગોપાલસ્વામી સામે જોયું, ‘પ્લીઝ...’
માગેલી આ થોડી મિનિટોમાં તેમને કોઈ સરકારી કાર્યવાહી નહોતી કરવાની, પણ આ સમય તેમણે સ્પીચલેસ થઈ ગયેલી અવસ્થામાંથી બહાર આવવા માટે લીધો હતો. 
એકાંત સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ ક્યાં હતો?

વધુ આવતા રવિવારે

Rashmin Shah