ભારતીય ક્રિકેટ બોર્ડની નવી પસંદગી સમિતિના પડકારો

08 January, 2023 07:01 PM IST  |  Mumbai | Ajay Motivala

હાલમાં જ ઑસ્ટ્રેલિયામાં પૂરી થયેલી આઇસીસી ટી૨૦ વિશ્વ કપમાં ભારતીય ટીમને સેમી ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડની નવી પસંદગી સમિતિના પડકારો

હાલમાં જ ઑસ્ટ્રેલિયામાં પૂરી થયેલી આઇસીસી ટી૨૦ વિશ્વ કપમાં ભારતીય ટીમને સેમી ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. અંગ્રેજોએ ભારતીય ટીમને ૧૦ વિકેટથી મહાત આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે ચેતન શર્માની આગેવાની હેઠળની પૂરી પસંદગી સમિતિને હટાવી દીધી હતી તેમ જ ગઈ કાલે નવી સમિતિ તેમની જ ચૅરમૅનશિપ હેઠળ જાહેર કરાઈ હતી. 

ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો છેલ્લા ૧૩ મહિનામાં બે ટી૨૦ વર્લ્ડ કપ અને ટી૨૦ ફૉર્મેટમાં એશિયા કપમાં નિરાશા હાથ લાગી છે. છેલ્લાં બે વર્ષમાં પાંચ મોટા ફ્લૉપ શો પર નજર કરીએ તો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલમાં હાર, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧માં હાર, સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં હાર, એશિયા કપમાં હાર, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ફરી હાર. પાંચ સભ્યોની પસંદગી સમિતિ પાંચ વર્ષ માટે આ પદ પર રહે છે. જોકે આ વખતે ચેતન શર્માની અધ્યક્ષતાવાળી સમિતિ લગભગ બે વર્ષ સુધી જ કાર્યરત રહી, પરંતુ મહત્ત્વની ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું ખરાબ પ્રદર્શન અને શરમજનક હાર બાદ આ સમિતિને બોર્ડે હટાવી દીધી હતી તેમ જ એસ. શરથ, એસ. એસ. દાસ, સુબ્રતો બૅનરજી અને સલિલ અંકોલાનો સમાવેશ કરતી નવી સમિતિ બનાવી છે. 
નવી પસંદગી સમિતિ માટે એશિયા કપ, વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે અતિ મહત્ત્વની ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનારી દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ અને ઑક્ટોબર દરમ્યાન દેશમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ રહેશે. વર્લ્ડ કપ માટે ભારત ૨૦ સંભવિત ખેલાડીઓની પસંદગી કરશે. ત્યાર બાદ નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી આઇપીએલની ફ્રૅન્ચાઇઝીઓ સાથે વાત કરીને આ ખેલાડીઓના વર્કલોડ પર વિશેષ ધ્યાન રાખશે.  

હાલમાં ભારતીય ટીમ માટે ઓપનિંગ જોડી સૌથી મોટો પ્રશ્ન હશે. પસંદગી સમિતિ માટે હાલ ઓપનિંગ જોડી માટે રોહિત શર્માની સાથે કોણ ઓપન કરશે એ મોટો પ્રશ્ન છે, જેમાં છેલ્લી ઘણી ઇનિંગ્સથી નિષ્ફળ જઈ રહેલા લોકેશ રાહુલની જગ્યાએ ઈશાન કિશને પોતાની મજબૂત દાવેદારી નોંધાવી છે. તો ઓપનિંગ જોડી માટે ઈશાન કિશન બાદ પૃથ્વી શૉ અને શુભમન ગિલનાં નામ પણ ચર્ચાઈ શકે છે. જોકે હાલમાં અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રિષભ પંતના સ્થાને મજબૂત અગ્રેસિવ વિકેટકીપર-કમ-બૅટ્સમૅન માટે ઈશાન કિશને પણ તેના સ્થાનની મજબૂત દાવેદારી નોંધાવી છે.

બીજી તરફ ઑલરાઉન્ડરની વાત કરીએ તો રવીન્દ્ર જાડેજા પણ ઈજાને કારણે ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે ત્યારે પસંદગી સમિતિ પાસે અનુભવી લેફ્ટ આર્મ સ્પિનર-કમ-બૅટ્સમૅનનો કોઈ વિકલ્પ નથી. હાલમાં અક્ષર પટેલ પર ટીમ ઇન્ડિયા હાથ અજમાવી રહી છે. તો ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહની સાથે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલિંગનો વિભાગ સંભાળી રહ્યા છે, પરંતુ સ્પિનર તરીકે યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ બાદ કોઈ મોટાં નામ સામે નથી આવી રહ્યાં. જોકે અનુભવી અશ્વિનને ટેસ્ટ-મૅચ બાદ અન્ય કોઈ ફૉર્મેટમાં સ્થાન નથી મળતું ત્યારે યુવા સ્પિનર કુલદીપ યાદવને પણ વધુ તક ન આપતાં લોકોએ પસંદગી સમિતિ પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે ત્યારે જોવાનું એ છે કે આ તમામ સમીકરણોને જોતાં આવનારા વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ માટે ભારત પોતાની કેવી ટીમ ઉતારે છે એના પર સૌની નજર રહેશે.

Sports news