જીવનના પડકારો (લાઇફ કા ફન્ડા)

18 May, 2020 08:46 PM IST  |  Mumbai Desk | Heta Bhushan

જીવનના પડકારો (લાઇફ કા ફન્ડા)

મિડડે લોગો

મહાભારતના યુદ્ધમાં કર્ણ ભગવાન કૃષ્ણને કહે છે, ‘હે કૃષ્ણ, તમે મને સમજાવો કે મારા જીવનમાં જ કેમ મારી સાથે સતત અન્યાય થયો છે. મારો જન્મ કુંવારી માતા કુંતીની કુખે થયો અને તેણે મને જન્મતાંની સાથે ત્યજી દીધો. સારથીએ મારો ઉછેર કર્યો એટલે સૂતપુત્ર કહી બધે મારું અપમાન થયું. ગુરુ દ્રોણે મને શિષ્ય ન બનાવ્યો, કારણ કે હું ક્ષત્રીય ન હતો અને ગુરુ પરશુરામે મને વિદ્યા આપી, પણ ક્ષત્રીય છું એ ખબર પડતાં શ્રાપ પણ આપ્યો. દ્રૌપદી સ્વયંવરમાં પણ મારું અપમાન થયું. મારી માતા કુંતીએ પણ મને સત્ય પોતાના અન્ય પાંચ પુત્રોને બચાવવા માટે કહ્યું. મને હંમેશાં અપમાન અને અન્યાય જ મળ્યાં અને માત્ર દુર્યોધને જ મને માન આપ્યું, મિત્ર ગણ્યો અને અંગ દેશનો રાજા પણ બનાવ્યો. તો પછી હું તો દુર્યોધનના પક્ષે જ રહી તેને જ વફાદાર રહું એમાં ખોટું શું છે?’

કૃષ્ણ હસ્યા અને બોલ્યા, ‘અંગરાજ કર્ણ, આ જીવન છે અને બધાના જીવનમાં પડકારો હોય જ છે. તમારા જેવા પરાક્રમીને મુખે ફરિયાદો સારી નથી લાગતી. આપણને આ જીવન મળે છે અને આ સૃષ્ટિ પર આપણી જે ભૂમિકા નિર્ધારિત હોય છે એ આપણે નિભાવવી જ પડે છે.’
પછી કૃષ્ણ આગળ બોલ્યા, ‘રાધેય, તું મારા જીવનને જો. જન્મ જેલમાં થયો. જન્મ પહેલાં જ મૃત્યુ રાહ જોતું હતું. જન્મદાતા માતા-પિતાથી પહેલી રાતે જ વિખુટો પડી ગયો. ગોકુળમાં ગાયોનો ગોવાળ બની રહ્યો. મારી પર હું ચલાતા નહોતો શીખ્યો એ પહેલાં જ કેટલાય હુમલા થયા. બધા મને જ આફતનું કારણ ગણતા. ૧૬ વર્ષ સુધી મને કોઈ ગુરુ ન મળ્યા. મારે મારા કુળને જરાસંધથી બચાવવા યમુના નદીના કાંઠે વસેલી મથુરાથી છેક દરિયાકાંઠે વસેલી દ્વારિકા ભાગી જવું પડ્યું. ‘રણછોડ’નું લાંછન મને બધાએ લગાડ્યું. આ યુદ્ધ તું દુર્યોધનને જિતાડી આપીશ તો સર્વત્ર તારી વાહ વાહ થશે. આ યુદ્ધ પાંડવો જીતશે તો બધા યુદ્ધના વિનાશ માટે મને જ જવાબદાર ઠેરવશે. યાદ રાખ સૂર્યપુત્ર, સંસારમાં બધાએ કર્મ પ્રમાણે પડકારો અને તકલીફોનો સામનો કરવો જ પડે છે.’
કૃષ્ણ માટે પણ જીવન અઘરું હતું. કર્ણ માટે પણ અને પાંડવો માટે પણ. જીવન કોઈનું સહેલું હોતું નથી. બધાને એમ જ લાગે છે કે જીવનમાં મારી સાથે અન્યાય થયો છે. પણ જો માણસ જીવનમાં સાચો ધર્મ સમજી લે અને સાચી પ્રતિક્રિયા આપે તો જીવનના ગમે એટલા પડકારો અને અન્યાયો આવે માણસ હારતો નથી. પડીને પાછો ઊભો થઈ શકે છે. આપણી જોડે જીવનમાં ખોટું થાય તો આપણે પણ ખોટા રસ્તે ન ચાલી શકીએ. જીવનના પડકારો સામે લડવા માટે આપણે કેવાં પગલાં લઈએ છીએ એની પર જ જીવનની સાર્થકતા અવલંબિત છે.

heta bhushan columnists