કોરોનાના ઇલાજરૂપે જો તમે સ્ટેરૉઇડ્સની દવાઓ લીધી હોય તો સાવચેતી જરૂરી

15 January, 2021 06:56 PM IST  |  Mumbai | Jigisha Jain

કોરોનાના ઇલાજરૂપે જો તમે સ્ટેરૉઇડ્સની દવાઓ લીધી હોય તો સાવચેતી જરૂરી

કોરોનાના ઇલાજરૂપે જો તમે સ્ટેરૉઇડ્સની દવાઓ લીધી હોય તો સાવચેતી જરૂરી

કોરોનાના ઇલાજમાં સ્ટેરૉઇડ્સની દવાઓ ઘણા કેસમાં જરૂરી બનતી હોય છે. પરંતુ આ દવાઓ લાંબા ગાળા સુધી ખાવામાં આવે તો ઇમ્યુનિટી પર અસર કરે છે. એ સિવાય જો આ વ્યક્તિને ડાયાબિટીઝ હોય તો તેની ઇમ્યુનિટી એમનેમ પણ ઘણી ઓછી હોય છે. આ પરિસ્થિતિમાં તેને મ્યુકોરમાયકોસિસ જેવો રોગ થઈ શકે છે જે જીવલેણ છે. હાલમાં મુંબઈમાં બે ડઝન લોકોને કોરોના થઇ ગયા પછીના સમયમાં આ રોગ થયો હતો. આજે સમજીએ આ રોગ અને કોરોના વચ્ચેના કનેક્શનને...

આપણે સૌ કોવિડ પૅન્ડેમિકની અઘરી ચૅલેન્જ સામે ઝઝૂમી રહ્યા છીએ ત્યારે હાલમાં આપણી સામે એક બીજું કૉમ્પ્લીકેશન આવીને ઊભું રહી ગયું છે અને આ કૉમ્પ્લીકેશનનું નામ છે મ્યુકોરમાયકોસિસ. આ એક પ્રકારનું ફૂગથી થતું અત્યંત ઘાતક ઇન્ફેકશન છે. જે લોકોને કોવિડ થયો હતો અને પાછળથી જેઓ ઠીક થઈ ગયા એવા દરદીઓમાં ડિસેમ્બર મહિનાથી આ મ્યુકોરમાયકોસિસ રોગ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં જ એના બે ડઝનથી વધુ કેસ નોંધાયા છે અને એમાંથી ૬ જણનાં મૃત્યુ થયાં છે. જોકે સામાન્ય રીતે તો આ રોગનો મૃત્યુદર ૫૦-૬૦ ટકા જેટલો છે. એક વાર આ રોગ થાય પછી દરદીને બચાવવા મુશ્કેલ બને છે. ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં અને ગુજરાતના અમદાવાદ તથા રાજકોટમાં પણ મ્યુકોરમાયકોસિસના કેસ જોવા મળતાં તરત જ સરકારે એક ઍડ્વાઇઝરી બહાર પાડી હતી. આજે જાણીએ આ રોગ વિશે અને ખાસ કરીને એનો કોરોના સાથે શું સંબંધ છે એ વિશે. 

રોગ
આમ તો ફૂગને કારણે થતાં ઇન્ફેક્શન ઘણી જુદી-જુદી પ્રકારનાં હોય છે, પરંતુ મ્યુકોરમાયકોસિસ એક ભાગ્યે જ થતું ફંગલ ઇન્ફેક્શન છે. આ પ્રકારની ફૂગ કોઈ પણ જગ્યાએ ઊગી શકે છે. સડેલી શાકભાજી, બાંધકામ જ્યાં થતું હોય એવું કોઈ બિલ્ડિંગ, ધૂળ પર, કોઈ સપાટી જે ભીની રહ્યા કરે છે ત્યાં આ પ્રકારની ફૂગ જન્મે છે. આ ફૂગ શ્વાસ વાટે આપણી શ્વાસનળીમાં અને ફેફસામાં જાય છે અને ત્યાંથી બમણી ઝડપે ફેલાવા લાગે છે. મોટા ભાગે ગળું, શ્વાસનળી, ફેફસાં જેવા અંગો પહેલાં અસરગ્રસ્ત થાય છે. એ પછી એ ઇન્ફેક્શન વધીને આંખમાં જાય છે અને જો નિદાન જલદી ન થયું તો વ્યક્તિનું ઇન્ફેક્શન આંખમાંથી સીધા મગજ સુધી ફેલાય છે જે જીવલેણ સાબિત થાય છે. અમુક કેસમાં એ શરીરના બીજા ભાગોમાં પણ ફેલાઈ જતું હોય છે.
કોને થાય?
આ રોગ મોટા ભાગે જે વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા એકદમ ઓછી હોય તેને જ થાય છે. આવા લોકોમાં મુખ્યત્વે જે કોઈ કૅન્સર કે ટીબી જેવા અતિ લાંબા ગાળાના રોગથી જે પીડાતા હોય હોય કે પછી જિનેટિકલી જેમની ઇમ્યુન સિસ્ટમ નબળી હોય કે પછી વ્યક્તિ એઇડ્સ જેવા રોગથી પીડાતી હોય તો આ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. ભારતમાં લોકોએ જેનાથી સૌથી વધુ સાવધાન રહેવાનું છે એ રોગ છે ડાયાબિટીઝ. આ રોગ એવો છે જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને ઘણી ઓછી કરી નાખે છે. જેમને લાંબા ગાળાનો ડાયાબિટીઝ છે એ વ્યક્તિને આ રોગ થઈ શકે છે.
શું કોરોનાથી રોગપ્રતિકારક શક્તિ ઘટે?
ઘણા કોરોનાના દરદીઓ છે જેમને પાછળથી મ્યુકોરમાયકોસિસ જેવો રોગ થયો હતો. તો શું એનો અર્થ એ થયો કે કોરોનાને કારણે વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે? આ વાતનો જવાબ આપતાં વૉકહાર્ટ હૉસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન સ્પેશ્યલિસ્ટ ડૉ. બહેરામ પારડીવાલા કહે છે, ‘આ એક ખોટી માન્યતા છે કે કોરોનાને કારણે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. ઊલટું આ ઇન્ફેક્શન થયા પછી જ્યારે તમે સજા થઈ જાઓ છો ત્યારે તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધુ એક વાઇરસને ખમવાની ક્ષમતા ધરાવતી થઈ જાય છે. જેનો સીધો મતલબ છે કે એ રોગપ્રતિકારક ક્ષમતા ઘટાડતો નથી. કોરોનાનો વાઇરસ એ રીતે સીધો ઇમ્યુનિટી પર અસર કરતો નથી.’
કોરોના સાથેનો સંબંધ
તો પછી મ્યુકોરમાયકોસિસ થવા જોડે કોરોનાને શું સંબંધ છે એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. બહેરામ પારડીવાલા કહે છે, ‘કોરોના પણ એ લોકોને વધુ અસર કરે છે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય. ભારતમાં ડાયાબિટીઝ એક વ્યાપક રોગ છે જેને કારણે રોગપ્રતિકારક ક્ષમતા ઘણી ઘટી જાય છે. આવા લોકોને સિવિયર પ્રકારનો કોરોના થવાની શક્યતા ઘણી વધુ છે. આ પરિસ્થિતિમાં કોરોનાના ઇલાજનો એક મહત્ત્વનો ભાગ એવા સ્ટેરૉઇડ્સની દવાઓ તેમને જરૂર આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારે સ્ટેરૉઇડ્સ દવાઓ શરીરની રોગપ્રતિકારક શક્તિને દબાવે છે, એને નબળી બનાવે છે. આમ સતત લાંબા સમય સુધી જે વ્યક્તિ સ્ટેરૉઇડ્સ પર હોય તેની ઇમ્યુનિટી ઘણી ઓછી થઈ જાય છે. આવી અવસ્થામાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જાય છે. હાલમાં જે કેસિસ જોવા મળે છે એ કેસિસમાં આ પ્રકારનું કનેક્શન જોવા મળી રહ્યું છે. ડાયાબિટીઝ, કોરોના, સ્ટેરૉઇડ્સ અને મ્યુકોરમાયકોસિસ આ બધું એકબીજા સાથે જોડાયેલું છે.’
સ્ટેરૉઇડ્સ સાથે સાવચેતી
આમ જો વ્યક્તિની કોઈ પણ કારણોસર ઇમ્યુનિટી નબળી હોય અને જો તેને કોરોનાના ઇલાજરૂપે સ્ટેરૉઇડ્સ આપવામાં આવી હોય જે કોરોનાના ઇલાજ તરીકે ઉપયોગી છે તો આ પ્રકારનું કૉમ્બિનેશન મ્યુકોરમાયકોસિસ જેવા રોગનું કારણ બની શકે છે. તો શું કોરોનાના ઇલાજમાં સ્ટેરૉઇડની દવાઓ ન લેવી? ના, એવું નથી. એ વિશે સ્પષ્ટતા કરતાં ડૉ. બેહરામ પારડીવાલા કહે છે, ‘નિષ્ણાત ડૉક્ટરની દેખરેખ હેઠળ જ્યારે તમે સ્ટેરૉઇડ્સની દવાઓ લો છો ત્યારે રિસ્ક નહીંવત રહે છે, કારણ કે આ દવાઓ લાંબા ગાળા માટે લેવાની હોતી નથી. લાંબા સમય સુધી આ દવાઓ લેશો તો તમારી ઇમ્યુનિટી પર એ અસર કરે છે.’
ચિહ્‍નો શું?
જો વ્યક્તિને મ્યુકોરમાયકોસિસ જેવો રોગ થાય તો તેને ખબર કઈ રીતે પડે? આ એવો રોગ નથી કે જેમાં વ્યક્તિ ગફલતમાં રહી જાય. એનાં ચિહ્નો સામાન્ય શરદી-ઉધરસ-તાવ જેવાં હોતાં નથી. આમ તો નાક ગળવું, નાક અને આંખની આસપાસ સોજા આવવા, નાક બંધ થઈ જવું, ગળા અને નાકમાંથી નીકળતા કફમાં થોડા પ્રમાણમાં લોહી નીકળવું, માથું ખૂબ વધારે દુખવું, ઉધરસ ખૂબ લાંબા સમય સુધી આવવી જેવાં લક્ષણો છે. આ લક્ષણો હોય ત્યારે સી.ટી. સ્કૅન કે MRI જેવી ટેસ્ટ કરાવીને નિદાન કરી શકાય છે.
નિદાનમાં લાગતી વાર
મ્યુકોરમાયકોસિસ શરીરમાં અત્યંત જલદી ફેલાતો રોગ છે એટલે વહેલી તકે નિદાન અત્યંત જરૂરી છે ઘણી વખત જે અઘરું બનતું હોય છે. આ વિશે વાત કરતાં હિન્દુજા હેલ્થકૅરના ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. નિશાંત કુમાર કહે છે, ‘સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે મ્યુકોરમાયકોસિસ ભાગ્યે જ જોવા મળતો રોગ છે. એ કૉમન રોગ નથી. આ સંજોગોમાં એનું નિદાન એટલું પણ સહજ નથી હોતું. ઘણી વખત એવું થાય છે કે આ રોગ સાયનસ સુધી પહોંચ્યો હોય ત્યારે દરદી ડૉક્ટર પાસે પહોંચે તો એ સમજવું કે આ મ્યુકોરમાયકોસિસ છે એ અઘરું છે, કારણ કે આ પ્રકારનાં લક્ષણ બીજા ઇન્ફેકશનમાં પણ હોઈ શકે છે. એટલે ડૉક્ટર નૉર્મલ દવાઓ આપે છે જેનાથી ઠીક ન થાય એટલે દરદી ડૉક્ટર બદલીને બીજી જગ્યાએ જાય છે. ત્યાં પહેલી વાર જતા હોવાને કારણે ત્યાં પણ એ પકડાતું નથી અને ત્યાં સુધીમાં એ શરીરમાં ફેલાઈ જાય છે. આમ સમજવા જેવી વાત એ છે કે જો પેશન્ટને ડાયાબિટીઝ જેવા કોઈ રોગ હોય કે સ્ટેરૉઇડ્સ દવાઓ કોઈ લાંબા સમયથી લેતું હોય તો આ પ્રકારના ફંગલ ઇન્ફેક્શનની શક્યતા રાખીને ઇલાજમાં આગળ ચાલવું જરૂરી છે.’
ઇલાજ
આ રોગનો ઇલાજ અત્યંત કઠિન છે. એ વિશે વાત કરતાં ડૉ. નિશાંત કુમાર કહે છે, ‘આ પ્રકારનું ઇન્ફેક્શન દવાઓથી ઠીક થતું નથી. એ કન્ડિશનમાં સર્જરી જ કરવી પડે છે. સર્જરીથી જે ભાગમાં ઇન્ફેક્શન ફેલાયેલું હોય એ ભાગને કાઢી નાખવો પડે છે જેમાં આંખ અને એની આસપાસનો ભાગ મુખ્ય છે.’

આ રોગ વ્યક્તિથી વ્યક્તિને ફેલાતો નથી. આ ફૂગ હવામાંથી સીધી શ્વાસમાં જઈને શરીરમાં પ્રવેશે છે. આ પરિસ્થિતિમાં પણ માસ્ક પહેરી રાખવાથી ફાયદો થવાની શક્યતા ભારે છે

Jigisha Jain columnists coronavirus covid19