માનો યા ના માનો કરોડોનું ટર્નઓવર છે કચ્છની દાબેલીનું

01 December, 2020 03:15 PM IST  |  Mumbai | Mavji Maheshwari

માનો યા ના માનો કરોડોનું ટર્નઓવર છે કચ્છની દાબેલીનું

વિશ્વ જ્યારે મંદીના મારથી પીડાઈ રહ્યું હતું ત્યારે પણ ભારત દેશમાં એની અસર ઓછી હતી, કારણ કે ભારત મહદ્અંશે ખેતઉત્પાદન આધારિત વ્યવસાયો પર નભે છે. વળી અહીં વ્યવસાયોની બહુવિધતા એટલી છે કે ભલભલા અર્થશાસ્ત્રીઓ ગૂંચવાઈ જાય. ૧૩૦ કરોડ જેટલી ગંજાવર વસ્તી ધરાવતા ભારત દેશનું અર્થતંત્રનું ગાડું ચાલે છે કેમ? એ સમજવા કોઈ એવા વ્યવસાયોની અંદર ઊતરવું પડે જે બહારથી સાવ સામાન્ય લાગતા હોય, પરંતુ એની અસર બીજા કેટલાય વ્યવસાયીઓ ઉપર પડતી હોય છે. ભારતની પ્રજા ચટપટું ખાવાની શોખીન છે. એટલે જ અહીં નામાંકિત રેસ્ટોરાંને ગ્રાહકની રાહ જોવી પડે, પરંતુ લારીવાળાને ગ્રાહક મળી જાય છે. કચ્છમાં એવો એક ધંધો છે દાબેલીનો. પાંચ બાય આઠ ફુટની લારી પર થતા આ ધંધાનું વાર્ષિક ટર્નઓવર કરોડોનું છે.

અમુક નાના દેખાતા ધંધાનું આંતરિક ગણિત એવું અટપટું હોય છે કે એ સામાન્ય માણસના મગજમાં ઊતરે એવું હોતું નથી. ભારતમાં ખાણી-પીણીના જાત-જાતના ધંધાઓ ચાલે છે, જેની દેશના અર્થતંત્ર પર બહુ મોટી અસર પડે છે. સામાન્ય રીતે બિઝનેસ શબ્દ ભારેખમ છે. એની સાથે વ્યવસાયિક કુશળતા જોડાયેલી છે, બિઝનેસ સાથે સરકારી ગતિવિધિઓ, લાઇસન્સ, ઇન્કમ ટૅક્સ, સેલ્સ ટૅક્સ, ગુમાસ્તા ધારો વગેરે કેટલુંય જોડાયેલું છે. જ્યારે ધંધો શબ્દ બિઝનેસનું જ ભાષાંતર હોવા છતાં એની સરળતા બિવડાવતી નથી. હકીકતમાં પણ એવું જ છે. સામાન્ય રીતે નોકરિયાત વર્ગને ચડાવ-ઉતાર, તેજી-મંદી જેવી બાબતો અસર કરતી નથી. નોકરિયાત વ્યક્તિ આવી બાબતોના ગણિતથી પર હોય છે. તેમનામાં ધંધાની કુશળતા ખીલતી પણ નથી. એટલે જ ક્યારેક નોકરી છોડી ધંધામાં ઝંપલાવનાર ખોટમાં જાય છે, પરંતુ રસ્તા પર કપડાં વેચવાથી માંડીને ગંજાવર વેપાર કરે છે, તેઓમાં એક જુદી જાતની સૂઝ હોય છે. સમયના વહેણ અને સમાજની માનસિકતા પણ વેપારીઓ જાણતા હોય છે. વેપારી નાનો હોય કે મોટો, તેનામાં ચોક્કસ જાતની ધીરજ હોય છે અને એટલે જ વેપારની અસર તેના ઘરના બજેટથી માંડીને દેશના બજેટ પર દેખાય છે. આજે દરેક ધંધામાં હરીફાઈઓ છે. નાના નગરથી માંડીને મેટ્રો સિટીમાં દુકાન માંડીને ધંધો કરવા મોટું રોકાણ કરવું પડે છે, પરંતુ હરીફાઈના આ સમયમાં દરેક વેપારી એટલું કમાઈ શકતો નથી, જેટલી એની દુકાન બહારથી ચમક-દમકવાળી દેખાય છે. એની સામે ભારતમાં ખાણી-પીણીની લારીઓના ધંધાનું જે જાળું ગોઠવાયેલું છે એ ધંધાઓનું આર્થિક ગણિત જરા જુદી જાતનું છે. આવા ધંધાઓમાં બહુ મોટું રોકાણ નથી કરવું પડતું તેમ જ કોઈ વિશેષ જગ્યાની જરૂર પણ નથી પડતી. શહેરની ખુલ્લી જગ્યાઓ કે કોઈ ગલીનો ખૂણો આવા વ્યવસાયો માટે પૂરતો છે. એ જગ્યા માટે પણ તેમને સ્થાનિક તંત્રને મામૂલી રકમ ચૂકવવાની રહે છે. અસ્થાયી અને સામાન્ય ગણાતા આવા વ્યવસાયો સમગ્ર અર્થતંત્રનો એક બહુ મોટો હિસ્સો રોકે છે. કોઈને દુકાન માંડવી હોય તો નાના નગરમાં પણ સહેજેય અડધો કરોડનું રોકાણ થઈ જતું હોય છે. જમીનના ભાવ, દુકાનની સજાવટ, ફર્નિચર, વીજળીનાં ઉપકરણો અને માલનો જથ્થો એ બધું ગણીએ તો એમાં જેટલું રોકાણ થાય, એટલું દુકાનદાર માંડ કમાવી શકતો હોય છે. એની સામે ખાણી-પીણીની લારીઓને અમુક ઋતુજન્ય દિવસની જ મંદી નડે છે. રોકાણ પણ ખાસ એવું નહીં. કચ્છ સાથે જેનું નામ જોડાયેલું છે એવી દાબેલીનો ધંધો અને ટર્નઓવર સામાન્ય નથી.
કચ્છમાં બહારથી આવનારને બીજું કંઈ દેખાય કે ન દેખાય, પરંતુ દાબેલીની લારી જરૂર દેખાશે. કચ્છનાં મોટાં ગામડાં અને શહેરોનાં બસ સ્ટેશનની આસપાસ દાબેલીની લારીઓનો જમેલો હોય છે. ત્યારે વિચાર આવે કે આખાય કચ્છમાં દાબેલીની કેટલી લારીઓ હશે? જોકે એનો ચોક્કસ આંકડો મળવો જરા મુશ્કેલ છે, કારણ કે હવે દાબેલી શહેરોની જ વાનગી નથી રહી. એ માત્ર નાસ્તાની વસ્તુ પણ નથી રહી. દાબેલી હવે નાનાં એવાં ગામડાંઓમાં પણ મળવા માંડી છે. દાબેલી ચોક્કસ સમયના ભોજનનો હિસ્સો બની ગઈ છે. એ હવે રસોડા સુધી પહોંચી ગઈ છે. ગામડેથી શહેરમાં રોજ ધંધા માટે આવનારા બધા લોકો ટિફિન લઈને આવતા નથી, એમ બધા લોકો લૉજમાં જઈને જમતા પણ નથી, કેમ કે ટિફિન લઈ આવવું અગવડરૂપ છે અને લૉજમાં જમવું મોંઘું પડે છે. ત્યારે દાબેલી એક એવી વાનગી છે જેનાથી પેટ ભરી શકાય છે અને એ પણ ઓછાં નાણાંથી. એવાય લોકો છે જેમને દરરોજ દાબેલી નિયમિત ખાવા માટે જોઈએ છે. તો દાબેલીની અંદરનો મસાલો શાકના સ્થાને ઉપયોગ કરી, શાક બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવી લેનારા લોકો પણ છે. હવે અમુક સરકારી તેમ જ ખાનગી નાના સમારંભો કે મીટિંગોમાં નાસ્તાની જગ્યાએ દાબેલી અપાય છે. દાબેલી એકલા રહેતા લોકો માટે એક ટંકની ગરજ સારે છે.


દાબેલી આમ તો એક જાતનું ફરસાણ છે, છતાં એ હવે માત્ર ફરસાણ રહી નથી. ત્યારે એવો વિચાર પણ આવે કે કચ્છમાં દાબેલીનો દરરોજનો સરેરાશ વકરો કેટલો હશે? કચ્છમાં બીજું કશું વેચાય કે ન વેચાય, દાબેલી જરૂર વેચાય છે. ગુજરાતમાં દાબેલી સાથે કચ્છનું માંડવી શહેર જોડાયેલું છે. કચ્છમાં માંડવીની દાબેલી વખણાય છે, પરંતુ એવું નથી કે માંડવીની જ દાબેલી સ્વાદિષ્ટ હોય છે. કચ્છનાં અન્ય શહેરો ભુજ, અંજાર, ગાંધીધામમાં પણ સ્વાદિષ્ટ દાબેલી મળે છે. જરા ગણિત માંડીએ કે કચ્છમાં રોજ કેટલી દાબેલી વેચાતી હશે અને એના વકરાનો આંક રૂપિયામાં કેટલો થતો હશે. કચ્છમાં દાબેલીની લઘુતમ કિંમત ૧૦ રૂપિયા, જ્યારે મહત્તમ કિંમત ૨૦ રૂપિયા છે. અહીં ૨૫૦૦ જેટલી દાબેલીની લારીઓ અને દુકાનો હશે. જો પ્રત્યેકનો દૈનિક વકરો સરેરાશ ૧૦૦ નંગનો હોય, તો રોજના ૨,૫૦,૦૦૦ નંગનું વેચાણ થાય. એક નંગના ૧૫ રૂપિયા ગણીએ તો રોજનો વકરો ૩૭,૫૦,૦૦૦ રૂપિયાનો ગણી શકાય. આ સરેરાશ આંકડા છે, કારણ કે કચ્છમાં ૧૦૦ નંગ દાબેલી વેચનાર સામાન્ય કહેવાય છે. કચ્છમાં એવા પણ લારીવાળા છે જેઓ દરરોજના ૫૦૦થી વધુ નંગ વેચે છે અને દુકાનો રોજના ૧૦૦૦થી ૧૫૦૦ નંગ વેચે છે. આ સામાન્ય ગણિત છે. સામાન્ય રીતે દાબેલીની લારી પર એક વ્યક્તિની જરૂર પડે છે. સવારે શાક માર્કેટમાંથી બકાલું લઈ આવ્યા પછી એને બાફવા, વઘારવા વગેરેની મજૂરી ગણીએ તો સરેરાશ બે વ્યક્તિની મજૂરી ગણી શકાય. અહીં માત્ર દાબેલી વેચનાર જ કમાતો નથી. એની સામે બેકરીનો ધંધો પણ ચાલે છે. કચ્છમાં બેકરી પાસેથી સરેરાશ ૩ લાખ જેટલા પાઉં તો ફક્ત દાબેલીવાળા જ ખરીદે છે. દાબેલીમાં જે મસાલો ભરવામાં આવે છે એમાં બટાટા મુખ્ય હોય છે. તો આ હિસાબે દાબેલીવાળાની જ બટાટાની ખપત કેટલી હશે એ વિચારવું રહ્યું. બટાટાની સાથે એના મસાલા, કાંદા, દાડમના દાણા, સીંગના દાણા, સેવ બધું ગણીએ તો કેટલીયે વસ્તુઓ સાથે દાબેલીનો ધંધો જોડાયેલો છે. સામે લારીવાળાએ ગ્રામ પંચાયતોને કશું આપવાનું થતું નથી. કોઈ જાગૃત પંચાયતો કદાચ વેરો વસૂલતી હશે, જ્યારે નગરપાલિકા વિસ્તારમાં દાબેલીનો ધંધો કરનાર લોકો ૧૦ રૂપિયા જે-તે નગરપાલિકાને રોજેરોજના ચૂકવે છે. નગરપાલિકાઓને પણ ખાણી-પીણીના વ્યવસાયોને કોઈ ખાસ સુવિધા આપવી પડતી નથી. કચ્છમાંથી પ્રસરેલી આ વાનગી હવે ગુજરાત તેમ જ ગુજરાત બહારનાં શહેરોમાં પણ વેચાય છે, લોકો એને કચ્છની ખાસ વાનગી તરીકે ખાય પણ છે. દાબેલીને કચ્છમાં ડબલરોટી પણ કહે છે. હિન્દી અને અંગ્રેજીના સાયુજ્યથી બનેલો આ શબ્દ કોઈ રીતે ગુજરાતી નથી. હિન્દી ભાષામાં રોટી શબ્દનો અર્થ બહુ આયામી અને ભાવનાત્મક પણ છે. રોટીનો સામાન્ય અર્થ સૌ જાણે છે, પરંતુ કચ્છમાં રોટીનો અર્થ દાબેલી પણ થાય છે.

kutch mavji maheshwari columnists