શું શારીરિક લક્ષંણોથી ખબર પડી શકે કે તેના બીજા વ્યક્તિ સાથે સંબંધ છે?

19 March, 2020 08:36 PM IST  |  Mumbai Desk | Dr. Ravi Kothari

શું શારીરિક લક્ષંણોથી ખબર પડી શકે કે તેના બીજા વ્યક્તિ સાથે સંબંધ છે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૨૬ વર્ષ છે અને ફિઝિકલ સંબંધોની બાબતમાં થોડોક કન્ઝર્વેટિવ છું અને લગ્ન પહેલાંના સંબંધોની મને ચીડ છે. એટલે જ પાંચ વર્ષથી મારી ગર્લફ્રેન્ડ સાથે મેં શારીરિક સંબંધો બાંધ્યા નહોતા. જોકે અમારી સગાઈ થઈ એ પછીથી કન્ટ્રોલ ન રાખી શક્યો. મારી ગર્લફ્રેન્ડ પણ પહેલી વારમાં કોઈ જ આનાકાની વિના તૈયાર થઈ ગયેલી. અમે ત્રણેક વાર સંબંધ બાંધ્યો છે અને તે એકદમ નૉર્મલ છે. મને એવું લાગે છે કે મારી ગર્લફ્રેન્ડ આ બાબતે અનુભવી છે. મને યાદ છે કે તે અનેક વાર તેના દોસ્તોને ફ્લાઇંગ કિસ આપતી અને છોકરાઓ સાથે બાઇક પર કમર પકડીને જવામાં પણ તેને છોછ નહોતો. મને શંકા છે કે આ છોકરીના અન્ય કોઈ પુરુષ સાથે સંંબંધો છે કે કેમ. શું કોઈ શારીરિક લક્ષણો પરથી એ જાણી શકાય? હું પોતે જ તેની સાથે સેક્સ માણી ચૂક્યો છું, પણ અમે પહેલી વાર સેક્સ કર્યું ત્યારે તેને લોહી નહોતું નીકળ્યું. તે બીજા કોઈ સાથેના સંબંધમાં છે કે કેમ એ જાણવા શું કરવું?

જવાબ : તમને તમારી મંગેતરના અન્ય કોઈ વ્યક્તિ સાથે સેક્સ-સંબંધો હશે એવી શંકા થાય છે, પરંતુ તમે વર્ણન કરો છો એના પરથી કોઈ સ્વસ્થ માનસિકતાવાળી વ્યક્તિના મનમાં શંકા પેદા થાય એવું નથી. એવાં કોઈ જ શારીરિક લક્ષણો નથી હોતાં જેનાથી સ્ત્રીએ બીજા કોઈ સાથે સંબંધ રાખ્યો છે એ ખબર પડે. પહેલી વારના સમાગમમાં લોહી પડવું જોઈએ એ માન્યતા વર્ષો જૂની છે. આવી જડ માન્યતાને કારણે અનેકોના સુખી સંસાર ભાંગ્યા છે. કૌમાર્ય પટલ સમાગમ વિના પણ તૂટી ગયો હોઈ શકે છે એટલું સમજવું જરૂરી છે.

હજી તો તમારી સગાઈ થઈ છે ને અત્યારથી જ જો તમને તમારી ભાવિ સંગિની પર અવિશ્વાસ થવા લાગ્યો હોય તો આ સંબંધ આગળ કઈ રીતે વધશે? લગ્નનો પાયો જ પ્રેમ અને વિશ્વાસ છે. વિશ્વાસ વિનાના સંબંધો તમારા માટે તો ઠીક, પેલી યુવતીની જિંદગીને પણ બરબાદ કરી શકે છે. જો તમે શંકામુક્ત થઈને મંગેતરને પ્રેમ ન કરી શકતા હો તો લગ્નની ઝંઝટમાં ન પડતા, નહીંતર શંકાનો કીડો તમને તો નહીં જ જંપવા દે, પણ તમારી મંગેતરની જિંદગી પણ ઝેર કરી નાખશે. 

sex and relationships dr ravi kothari columnists