પ્રશ્નોના પથરા ભાંગી નાખો - લાઇફ કા ફન્ડા

01 October, 2020 03:00 PM IST  |  Mumbai | Heta Bhushan

પ્રશ્નોના પથરા ભાંગી નાખો - લાઇફ કા ફન્ડા

એક મોટા શેઠ નામ લાલા હરદયાલ, અતિ શ્રીમંત અને અનુભવી. નગરમાં પાંચમાં પુછાય એવી શાખ. તેમને એક વિચિત્ર આદત હતી. વેપારનો સોદો કરવા વેપારી આવ્યા હોય, ગ્રાહક હોય, કોઈ સામાજિક સંસ્થાના કાર્યકરો મળવા આવ્યા હોય ત્યારે તેઓ વાતો
કરતાં-કરતાં ગમે ત્યારે અચાનક ઊભા થઈને કયાંક ચાલ્યા જાય અને થોડી વારે પાછા આવે. તેઓ કયાં જાય છે? શું કામ આમ અચાનક જાય છે? ત્યાં જઈને શું કરે છે? આવા પ્રશ્નો બધાના મનમાં થાય, પણ કોઈ પાસે એનો જવાબ ન હતો. પણ એક વાત હતી, જ્યારે લાલાજી થોડી વારમાં પાછા આવી જાય ત્યારે વધારે ખુશ અને હળવાફૂલ લાગે.
એક દિવસ લાલાજી પોતાના મિત્રોની મહેફિલમાં બેઠા હતા. બધા અલકમલકની વાતો કરતા હતા. કોઈ એક મુદ્દા પર ચર્ચા કરતાં-કરતાં મિત્રોમાં બે ભાગ પડી ગયા અને ચર્ચા ઉગ્ર બની ગઈ. અચાનક લાલા હરદયાલ ઊભા થઈને ચાલ્યા ગયા. કયાં ગયા શું ખબર? જે મુદ્દા પર ચર્ચા થતી હતી એ તો બાજુ પર રહી ગઈ. લાલાજી ઘણી વખત આમ કઈ કીધા વિના વાત કરતાં-કરતાં, સોદો કરતાં-કરતાં કે પછી ક્યારેક જમતાં-જમતાં પણ ઊભા થઈને ચાલ્યા જાય છે એની મિત્રોને ખબર હતી, પણ કારણ કોઈ જાણતું ન હતું. બધા એકબીજાને પૂછી રહ્યા કે તેઓ આવું વિચિત્ર વર્તન શું કામ કરે છે?
થોડી વારમાં હસતાં-હસતાં લાલાજી આવ્યા. લાલાજીના ખાસ મિત્રે આજે પૂછી જ લીધું કે ‘આ શું રીત છે, દર વખતે ગમે ત્યારે ઊઠીને તું કયાં ચાલ્યો જાય છે?’
લાલાજીએ કહ્યું, ‘હું જ્યારે-જ્યારે આમ ઊઠીને જાઉં છું ત્યારે પથરા ભાંગવા જાઉં છું?’
મિત્રે કહ્યું, ‘તારે વળી શેના પથરા ભાંગવાના હોય?’
લાલાજી બોલ્યા, ‘પ્રશ્નોના પથરા, જ્યારે મારા મનમાં કોઈ પ્રશ્ન જાગે હું ત્યારે ને ત્યારે એકાંતમાં જાઉં છું અને આંખ બંધ કરી એના પર વિચાર કરું છું અને એનો ઉકેલ શોધી પ્રશ્નનો ભાંગીને ભૂકો કરી નાખું છું.’
મિત્ર બોલ્યા, ‘એમ તરત કરવાની શું જરૂર, ઉકેલ તો પછી પણ શોધી શકાય.’
લાલાજી બોલ્યા, ‘ના, બધા આ જ ભૂલ કરે છે, જે પ્રશ્ન સતાવે એનાથી દૂર ભાગે, વિચારે પછી ઉકેલ શોધશું. પણ એમ ન કરાય. પ્રશ્નોને પથ્થર બનીને ક્યારેય તમારા પગ પર પડવા ન દેશો. જો તમે પ્રશ્નને ઉકેલ્યા વિના છોડશો તો એ ગમે ત્યારે તમારા પર પડશે અને તમને નુકસાન પહોંચાડશે. પ્રશ્નોનો ભાર રાખવા કરતાં કોઈ પણ પ્રશ્ન આપણી સામે આવે ત્યારે એને તરત જ આપણી બુદ્ધિ અને શક્તિથી ઉકેલી નાખવો જોઈએ.’
લાલાજીએ ઊભા થઈને જવાના રહસ્ય સાથે જીવનમાં એક જરૂરી પાઠ સમજાવ્યો.

heta bhushan columnists