બલરાજ સહાની અને મીન કુમારીનો જીવ પિંજરે કે પંછીના શૂટમાં જોખમમાં મુકાયો

21 April, 2020 07:31 PM IST  |  Mumbai | Ashu Patel

બલરાજ સહાની અને મીન કુમારીનો જીવ પિંજરે કે પંછીના શૂટમાં જોખમમાં મુકાયો

બલરાજ સહાની - મીના કુમારી

૧૯૬૬માં રિલીઝ થયેલી ‘પિંજરે કે પંછી’ ફિલ્મના શૂટિંગ વખતે બલરાજ સાહનીએ તેમનો અને મીનાકુમારીનો જીવ જોખમમાં મૂક્યો હતો! ‘પિંજરે કે પંછી’ ફિલ્મનું ખંડાલામાં શૂટિંગ ચાલતું હતું. એ ફિલ્મમાં એક સીન એવો હતો કે મીનાકુમારી આત્મહત્યા કરવા માટે રેલવે-ટ્રૅક પર જઈ રહ્યાં હોય છે અને બલરાજ સાહની તેમને છેલ્લી ક્ષણે દોડતા આવીને બચાવી લે છે. 
એ ફિલ્મના ડિરેક્ટર સલિલ ચૌધરીનો વિચાર એવો હતો કે મીનાકુમારી રેલવે-ટ્રૅક પર ચાલી રહ્યાં હોય એવો સીન શૂટ કરી લેવો અને પછી બૅક પ્રોજક્શનથી પાછળથી ટ્રેન આવતી બતાવી દેવી. એ સીનના શૂટિંગ માટે તૈયારી થઈ રહી હતી ત્યારે એ ફિલ્મના અભિનેતા બલરાજ સાહનીને અચાનક યાદ આવ્યું કે ‘ડેક્કન કવીન’ ટ્રેન ગમે તે ઘડીએ આ ટ્રૅક પર આવશે. તેમણે ડિરેક્ટરને કહ્યું કે જો કૅમેરામૅન ઝડપથી કૅમેરા ગોઠવી દે તો બૅક પ્રોજેક્શનની માથાકૂટ ન કરવી પડે.બધાના આશ્ચર્ય વચ્ચે મીનાકુમારી પણ એ જોખમ ઉઠાવવા માટે તૈયાર થઈ ગયાં અને તાત્કાલિક કૅમેરા એ રીતે ગોઠવાયા.થોડી વારમાં દૂરથી ટ્રેન આવતી દેખાઈ. મીનાકુમારીએ રેલવે-ટ્રૅક પર ચાલવાનું શરૂ કર્યું. બલરાજ સાહની થોડે દૂરથી તેમની પાછળ દોડવા લાગ્યા. તેમને રેલવે-ટ્રૅક પર જોઈને ‘ડેક્કન ક્વીન’ ટ્રેનનો ડ્રાઇવર ડરી ગયો અને તેણે ટ્રેનની વ્હિસલ વગાડવાનું શરૂ કર્યું.
ટ્રેન માત્ર થોડાં મીટર દૂર રહી હતી અને બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. એ વખતે બલરાજ સાહનીએ મીનાકુમારીને ધક્કો મારીને રેલવે-ટ્રૅક પરથી દૂર ધકેલી દીધાં અને પછી પોતે પણ કૂદી ગયા. બન્ને જોશભેર જમીન પર પટકાયાં અને ટ્રેન સડસડાટ પસાર થઈ ગઈ હતી.
 એ સીન અદ્ભુત રીતે શૂટ થઈ ગયો હતો. એ પછી બલરાજ સાહની હોટેલ-રૂમમાં જઈને નાહવા ગયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના શરીર પર ઈજા થઈ હતી અને તેઓ જોરથી પછડાયા એને કારણે તેમનું આખું શરીર દુખતું હતું.એ વખતે તેમને વિચાર આવ્યો કે સહેજ પણ ભૂલ થઈ હોત તો તેઓ અને મીનાકુમારી માર્યાં ગયાં હોત! તેમનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. તેમને સમજાયું કે મીનાકુમારીને પણ વાગ્યું જ હશે. તેઓ રૂમમાંથી તૈયાર થઈને બહાર નીકળ્યા તો મીનાકુમારી તેમને મળ્યાં. તેમણે તેમને જોઈને પૂછ્યું કે ‘આજે તમને શું થઈ ગયું હતું બલરાજજી? તમને જીવનથી નફરત થઈ ગઈ છે કે શું?’
બલરાજ સાહનીએ જવાબ આપ્યો: ‘મને પણ એ જ વિચાર આવ્યો હમણાં. મને મારી બેવકૂફી પર હસવું કે રડવું એ જ સમજાતું નથી, પણ મને એ સમજાતું નથી કે તમે આ સીનમાં રિયલિટી લાવવા તમારો જીવ શા માટે જોખમમાં મૂક્યો?’
મીનાકુમારીએ હસતાં-હસતાં કહ્યું, ‘તમે એ સીન કરવા માટે એટલાબધા ઉત્સાહી હતા તો હું તમને કઈ રીતે ના પાડી શકું?’ બલરાજ સાહનીએ તેમની આત્મકથામાં આ કિસ્સો ટાંક્યો હતો.

ashu patel bollywood columnists