આ છે રિયલ ધુરંધર

29 March, 2026 05:16 PM IST  |  Mumbai | Rashmin Shah

રવીન્દ્ર જે પ્રકારે પાકિસ્તાનમાં રહીને કામ કરતો એ જોઈને એ સમયના પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીએ તેને ‘ધ બ્લૅક ટાઇગર’નું નામ આપ્યું હતું. નાટકમાં ઍક્ટિંગના ચસકાને કારણે રવીન્દ્ર કૌશિક કેટલાક રૉના અધિકારીઓની નજરમાં આવ્યો હતો

ભારતીય જાસૂસ રવીન્દ્ર કૌશિક

૧૯૭પમાં પાકિસ્તાનમાં દાખલ થઈને છેક પાકિસ્તાની આર્મીના મેજરપદે પહોંચેલા ભારતીય જાસૂસ રવીન્દ્ર કૌશિકની એક જ મકસદ હતી, ભારતને પાકિસ્તાનની માહિતી આપતા રહેવાની. આ કામ તેણે સુપેરે પાર પાડ્યું, પણ પછી તે રંગેહાથ પકડાયો અને ૧૬ વર્ષ સુધી પાકિસ્તાની સત્તાધીશોની યાતના સહન કરીને જેલમાં જીવ છોડ્યો. ઇન્દિરા ગાંધીએ જેને ધ બ્લૅક ટાઇગરનું બિરુદ આપેલું એ રવીન્દ્ર કૌશિકના જીવનની વાતો વાંચ્યા પછી તમે પણ કહેશો, આ જ છે રિયલ ધુરંધર

૧૯૮૩ની ૨૪ સપ્ટેમ્બરની બપોરે પાકિસ્તાનના પંજાબ જિલ્લાના સિયાલકોટના એક ઘરનું વાતાવરણ ગરમાગરમ હતું. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના અધિકારીઓ અને લશ્કરના કેટલાક સિનિયર ઑફિસરો ઊભા હતા અને મેજર નબી અહમદ શાકિરનો ચહેરો તગતગી ગયો હતો. કરાફાડ ઉર્દૂમાં મેજરે તેમની સામે ઊભેલા અધિકારીઓને કહ્યું ‘આપ ખતા કર રહે હૈં કિ આપ કિસસે મુખાતિબ હૈં. મૈં ફૌજ મેં મેજર હૂં. અલ્લાહ કા બંદા હૂં, અપની મિલ્લત પર કુર્બાન હોને કા જઝ્બા રખતા હૂં ઔર આપ મુઝે... મુઝે ઉન નાપાક કાફિરોં કે પલ્લે મેં તૌલ રહે હૈં?’

અસ્ખલિત ઉર્દૂ જબાન, ખુદાનો ડર અને છાતી પર લટકતા સિતારા.

એક સેકન્ડ માટે તો ISIના અધિકારીઓ પણ મેજર નબી શાકિરની વાત સાંભળીને અંદરથી ધ્રૂજી ગયા પણ તેમની પાસે પાક્કી માહિતી હતી કે મેજર નબી શાકિર ભારતીય જાસૂસ છે અને એ માહિતી કોઈ એક જગ્યાએથી નહીં, અઢળક જગ્યાએથી વેરિફાઇ થઈને આવી હતી.

મન પીગળી ન જાય એની તકેદારી સાથે ISI અધિકારીએ પોતાનો વીટો-પાવર વાપર્યો અને હુકમ કરી દીધો કે તમારે જે વાત કરવી હોય એ અમારી ઑફિસમાં થશે. મેજર નબી શાકિરે ફરીથી સમજાવવાની કોશિશ કરી, પણ અધિકારીઓ તેની આંખોમાં નજર મિલાવવા તૈયાર નહોતા. તેમણે મેજરનો હાથ પકડી લીધો અને મેજરને ઑલમોસ્ટ ખેંચતા તે રવાના થઈ ગયા. મેજર નબી અહમદ શાકિરની અરેસ્ટના એક કલાક પછી સત્તાવાર અનાઉન્સમેન્ટ આવી કે પાકિસ્તાને ભારતીય જાસૂસ રવીન્દ્ર કૌશિકની અરેસ્ટ કરી છે. પાકિસ્તાનની હાલત કફોડી હતી. એક ભારતીય જાસૂસ ઑલમોસ્ટ ૮ વર્ષથી પાકિસ્તાનમાં રહેતો હતો, લૉમાં માસ્ટરી મેળવી તે સેનામાં જૉઇન થયો અને એ પછી પણ તેમને ગંધ સુધ્ધાં આવી નહીં.

આજે આપણે ‘ધુરંધર’ જોઈને છાતી ફુલાવીએ છીએ, પણ ફિલ્મ કરતાં પણ રિયલ લાઇફમાં રવીન્દ્ર કૌશિકે અનેકગણું ચડિયાતું કામ પાકિસ્તાનમાં કરીને દેખાડ્યું અને એ પછી ૨૦૦૧માં તેણે પાકિસ્તાનની જેલમાં જ જીવ છોડ્યો. રવીન્દ્ર કેવી રીતે ભારતની પરદેશની ગુપ્તચર એજન્સી રિસર્ચ અૅન્ડ અૅનૅલિસિસ વિન્ગ (RAW-રૉ) સાથે જોડાયો અને કેવી રીતે તેણે પાકિસ્તાનમાં જઈને કામ કર્યું એ જાણવા માટે આપણે ૧૯૭પના વર્ષમાં જવું પડશે. દેશ આખો જ્યારે ફિલ્મ ‘શોલે’ની સફળતા માણતો હતો ત્યારે માત્ર ૨૩ વર્ષની ઉંમરે એક ફૂટડો, જોતાં જ પ્રેમમાં પડી જવાનું મન થઈ આવે એવો હૅન્ડસમ જુવાન પાકિસ્તાન જવા માટે ટ્રેઇનિંગ લેતો હતો. તેની આંખોમાં સપનાં હતાં કે તે અમિતાભ બચ્ચન જેવો મોટો સ્ટાર બને, પણ તેની કિસ્મતમાં બિગ બી કરતાં પણ અનેકગણી મોટી સિદ્ધિઓ લખી હતી.

હૌસલા હૈ કાયમ...

૧૯પ૨ની ૧૧ એપ્રિલે રાજસ્થાનના શ્રીગંગાનગર ગામમાં જન્મેલા રવીન્દ્ર કૌશિકના પપ્પા ઍરફોર્સમાં હતા પણ દીકરાને નાનપણથી જ નાટકમાં ઍક્ટિંગનો ચસકો. રવીન્દ્ર સ્કૂલમાં પણ નાટકોમાં ઍક્ટિંગ કરતો અને પછી પણ તેણે ઍક્ટિંગ ચાલુ રાખી. દેખાવે હીરો જેવો અને મલ્ટિપલ રોલ કરવા માટે પણ બહુ જાણીતો ને આ જ કારણે રવીન્દ્ર પર રૉના કેટલાક અધિકારીઓની નજર પડી.

બન્યું એમાં એવું કે એ સમયે ચાલતા નૅશનલ લેવલના એક ડ્રામા-ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે રવીન્દ્ર લખનઉ ગયો અને ત્યાં તેના પર નજર પડી એ અધિકારીઓની. વાત છે ૧૯૭૨ના વર્ષની. રવીન્દ્ર જે નાટકમાં કામ કરતો હતો એના ક્લાઇમૅક્સમાં ડાયલૉગ આવતો હતો કે હું મારા વતન માટે, દેશ માટે કંઈ પણ કરી શકું, જરૂર પડે તો જીવ પણ આપી દઉં અને છેલ્લે એ નાટકનો હીરો મરી જાય છે. અધિકારીઓ રવીન્દ્રની ઍક્ટિંગ જોઈને આફરીન થઈ ગયા. નાટક પૂરું થયા પછી બે અધિકારી તેને મળવા માટે ગયા અને મળ્યા પછી રવીન્દ્રના પપ્પાની તેમને ખબર પડી એટલે વાત પર વિશ્વાસ આવ્યો કે જેના પપ્પા ભારતીય સેના સાથે જોડાયેલા હોય એ દીકરો તો ચોક્કસપણે દેશ માટે કામ કરવા તૈયાર થાય જ અને એ પછી પણ રવીન્દ્રના મનને ચારેય દિશાથી બરાબર ઠમઠોરવામાં આવ્યું અને પછી તેને ઑફર આપવામાં આવી કે તું રૉ માટે કામ કરીશ?

શરૂઆતમાં તો રવીન્દ્રને એવી કોઈ ઇચ્છા નહોતી પણ દિલ્હી આવવા-જવાનો ખર્ચ અને સરસ હોટેલમાં રહેવાની સગવડ જોઈને રવીન્દ્રએ હા પાડી. રવીન્દ્ર ચારેક વખત આવી શાહી ટ્રીટમેન્ટ માણવા માટે દિલ્હી જઈ આવ્યો, પણ જ્યારે વાત જાસૂસીની આવે ત્યારે તે પલટી મારી દે. જોકે એક ઘટના એવી ઘટી કે રવીન્દ્ર દેશ માટે સેવા આપવા તૈયાર થઈ ગયો. એ ઘટના હતી પોતાના પપ્પા સાથેની.

રવીન્દ્રના પપ્પા જે. એમ. કૌશિકને અફસોસ હતો કે તેનો દીકરો આર્મીમાં જોડાવાને બદલે નાટકચેટકના રવાડે ચડી ગયો છે. પપ્પા અને મમ્મી અમલા કૌશિક રાતના સમયે પોતાના રૂમમાં વાતો કરતાં હતાં. દેશપ્રેમી બાપની પીડા સાંભળીને રવીન્દ્રનું મન બદલ્યું અને તે રૉ જૉઇન કરવા માટે તૈયાર થયો. પહેલેથી ક્લિયર હતું કે રવીન્દ્રએ પાકિસ્તાન જઈને, ત્યાં રહીને કામ કરવાનું છે. રવીન્દ્રને એ રોલ માટે પસંદ કરવા પાછળનું કારણ તેનું સ્ટેજનું બૅકગ્રાઉન્ડ હતું. આખેઆખી સ્ક્રિપ્ટ કંઠસ્થ કરી લેનારા રવીન્દ્ર પર રિસ્ક લેવા રૉના અધિકારીઓ તૈયાર હતા.

રવીન્દ્રને બે વર્ષની આર્મી-ટ્રેઇનિંગ આપવામાં આવી. એ ટ્રેઇનિંગ દરમ્યાન પણ રવીન્દ્રનું મન પાછું પડતું હતું. એકાદ વાર તે પાછો પણ આવી ગયો, પણ પિતાને જોઈને તેના મનમાં ફરીથી દેશપ્રેમ જાગી જતો અને તે ફરી ટ્રેઇનિંગમાં પહોંચી જતો. ટ્રેઇનિંગ પછી રવીન્દ્રને એક મૌલવી પાસેથી ઇસ્લામ અને ઇસ્લામની ધાર્મિક વિધિઓની તાલીમ આપવામાં આવી, ઉર્દૂ ભાષા અને પાકિસ્તાની રીતરિવાજો શીખવવામાં આવ્યાં અને ત્યાર પછી તેને નવું નામ ‘નબી અહમદ શાકિર’ આપવામાં આવ્યું. આ એ દિવસોની વાત છે જે દિવસોમાં પાકિસ્તાન અને ભારતની
બૉર્ડર પર તંગદિલી હતી, પણ ટેક્નૉલૉજીનો અભાવ હોવાને લીધે છીંડાં શોધી લેવામાં આવતાં હતાં.

૧૯૭૫ના અંત ભાગમાં ૨૩ વર્ષની ઉંમરે રવીન્દ્રને પાકિસ્તાન મોકલવામાં આવ્યો, જ્યાં જઈને રવીન્દ્રએ કરાચી યુનિવર્સિટીમાં લૉમાં ઍડ્‍મિશન લીધું. ઍડ્‍મિશન લેવાયું એ પહેલાં રવીન્દ્ર એક વાર ભારત પાછો પણ આવી ગયો હતો. પાકિસ્તાન પહોંચ્યાના એક જ વીકમાં રવીન્દ્ર દિલ્હી પાછા આવીને રૉના અધિકારીને મળ્યો તો પેલો માણસ પણ છક રહી ગયો કે મોકલવામાં તો અમે તેને સાથ આપ્યો હતો પણ પાછા આવવાનો રસ્તો આ છોકરડાએ કેવી રીતે શોધી લીધો?

રવીન્દ્રને ફરીથી સમજાવટ સાથે પાછો મોકલવામાં આવ્યો. રવીન્દ્ર ગયો અને લૉ કૉલેજમાં તેણે ભણવાનું શરૂ કર્યું. કૉલેજમાં પણ રવીન્દ્રને મનગમતી પ્રવૃત્તિ મળી ગઈ. તેણે ત્યાં પણ નાટકો શરૂ કરી દીધાં. જે દેશપ્રેમના નાટકે રવીન્દ્રની જિંદગીમાં મોટો ટર્ન આપ્યો હતો એ જ દેશપ્રેમના નાટકે પાકિસ્તાનમાં રવીન્દ્રની લાઇફને એક મોટો ટર્ન આપ્યો. પાકિસ્તાનમાં રવીન્દ્રએ એ જ નાટક લખ્યું જે તે ઇન્ડિયામાં ભજવતો હતો. એ જ નાટક, એ જ ક્લાઇમૅક્સ અને એ જ ડાયલૉગ. હું મારા વતન માટે, દેશ માટે કંઈ પણ કરી શકું, જરૂર પડે તો જીવ પણ આપી દઉં અને છેલ્લે નાટકના નાયક તરીકે પોતે દેશ માટે જીવ આપે. ફરક માત્ર એટલો કે અહીં નાટક જોનારાઓ ભારતીય અધિકારીઓ હતા અને કરાચીમાં નાટક જોનારા પાકિસ્તાની સેનાના અધિકારીઓ હતા.

રવીન્દ્ર એવી અદ્ભુત ઍક્ટિંગ કરતો કે ઑડિયન્સને વાત હાડોહાડ દિલમાં ઊતરી જતી. કરાચી યુનિવર્સિટીમાં થયેલા એ નાટકને જોઈને જ રવીન્દ્રને પાકિસ્તાની સેનાના અધિકારીઓ મળ્યા અને તેમણે આર્મીમાં જૉઇન થવાની ઑફર આપી.


૧૯૮૩માં પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા પકડાઈ ગયો એ વખતે જાહેર થયેલી રવીન્દ્રની તસવીર અને પાકિસ્તાનમાં જાસૂસ તરીકે જતાં પહેલાં રવીન્દ્રને નવું નામ આપવામાં આવ્યું હતું નબી અહમદ શાકિર. ઇસ્લામની મહત્ત્વની તાલીમ પણ તેને આપવામાં આવી હતી. 

બસ, પત્યું.

પહેલું મિશન પાર પડ્યું અને રવીન્દ્ર કામે લાગી ગયો. પાકિસ્તાનમાં રહીને રવીન્દ્રએ ભારત માટે એ સ્તર પર કામ કર્યું જેની કોઈ કલ્પના ન કરી શકે.

રવીન્દ્ર કૌશિક અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી

સલમાન ખાનની ફિલ્મ ‘એક થા ટાઇગર’ની અનાઉન્સમેન્ટ પછી રવીન્દ્રના ભાઈ રાજેશ્વર કૌશિકે ફિલ્મ પર કેસ કર્યો હતો કે આ ફિલ્મ તેના ભાઈના જીવન પર આધારિત છે એટલે એને યોગ્ય ક્રેડિટ આપવામાં આવે. ધ બ્લૅક ટાઇગર તરીકે ઓળખાતા રવીન્દ્ર કૌશિકના ભાઈની આ વાત માનવાનો મેકર્સે ઇનકાર કરી દીધો અને ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને ઑફિશ્યલ સ્ટેટમેન્ટ આપ્યું કે રવીન્દ્ર કૌશિકની વાતો વિશે તે જાણે છે અને એ એક ઇન્ટરેસ્ટિંગ ફિલ્મનો સબ્જેક્ટ છે પણ મારી વાર્તા કાલ્પનિક છે અને બન્નેના નામમાં ટાઇગર શબ્દનો ઉલ્લેખ અને બન્નેનું જાસૂસ હોવું એ માત્ર જોગાનુજોગ છે.

કબીર ખાનની વાત સાચી હતી. ‘એક થા ટાઇગર’ દૂર-દૂર સુધી રવીન્દ્ર કૌશિકના જીવન પર આધારિત નહોતી. આ વાત છે ૨૦૧૨-’૧૩ની. એ પછી સંજય દત્તે રાજેશ્વર કૌશિકને મળીને તેના ભાઈના જીવન પર ફિલ્મ બનાવવાની તૈયારી દર્શાવી, જે પ્રોડ્યુસ કરવા ટી-સિરીઝે તૈયારી પણ દર્શાવી પણ સંજુબાબાનો આગ્રહ હતો કે તે રવીન્દ્ર કૌશિકનો રોલ કરે, જેના માટે પ્રોડકશન હાઉસ તૈયાર નહોતું એટલે પ્રોજેક્ટ અભેરાઈએ ચડી ગયો.

અત્યારે રવીન્દ્ર કૌશિકની લાઇફ પર ડિરેક્ટર અનુરાગ બાસુ કામ કરે છે, જેના માટે તે રાજેશ્વર કૌશિકને ત્રણેક વખત મળ્યા પણ ખરા પણ ‘ધુરંધર’ના બન્ને ભાગની સફળતા પછી ફરી એક વાર આ ફિલ્મનું ભવિષ્ય ડામાડોળ થયું છે.

ઈંધણ કમ નહીં

મેજરના પદ સુધી પહોંચેલા રવીન્દ્ર કૌશિકને જ્યારે પણ તક મળી ત્યારે તેણે ભારત સરકારને મેસેજ આપવાનું અને ભારત વતી જાસૂસી કરવાનું કામ કર્યું. ૧૯૭૯થી ૧૯૮૩ના વર્ષ દરમ્યાન રવીન્દ્ર સેનામાં રહ્યો અને મેજરના પદ સુધી પહોંચ્યો, પણ તેણે ત્યાં રહીને જે માહિતીઓ મોકલી એ ભારતની નૅશનલ સિક્યૉરિટી માટે બહુ મહત્ત્વની પુરવાર થઈ. રવીન્દ્ર પાસેથી મળેલી વિગતોને કારણે ભારતે સરહદ પર જ નહીં, ડિપ્લોમેટિક લેવલ પર પણ અનેક વિજયો મેળવ્યા. પાકિસ્તાની આર્મીમાં મેજરના હોદ્દા પર હોવાથી તેની પાસે આર્મીના સીક્રેટ ડૉક્યુમેન્ટ્સનો સીધો ઍક્સેસ હતો, જેનો લાભ લઈને પાકિસ્તાની સેના ક્યારે અને કયા સેક્ટરમાં હુમલો કરવાની પૂર્વતૈયારી કરી રહી છે એની સચોટ વિગતો તે ભારત મોકલતો, જેને લીધે ભારતીય સેનાએ ઘણી વખત પાકિસ્તાની સૈન્યના હુમલાઓને સરહદ પર જ નિષ્ફળ બનાવ્યા તો એંસીના દાયકાની શરૂઆતમાં સિયાચીન ગ્લૅસિયર પર કબજો કરવા માટે પાકિસ્તાન કાવતરું કરતું હતું પણ પાકિસ્તાની સેનામાં બેઠેલા રવીન્દ્ર કૌશિકે પાકિસ્તાની આર્મીના નકશા અને સિયાચીન પર કબજો કરવાની તેમની બ્લુપ્રિન્ટ ભારતને મોકલી આપી, જેને લીધે ૧૯૮૪માં ભારત ઑપરેશન મેઘદૂત સફળતાપૂર્વક પાર પાડી શક્યું અને સિયાચીન પર તિરંગો લહેરાવી શક્યું. જો રવીન્દ્ર કૌશિકે માહિતી ન આપી હોત તો કદાચ આજે સિયાચીન પાકિસ્તાનના કબજામાં હોત.

પાકિસ્તાન એ સમયે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો પાસેથી જે હથિયારો અને આર્થિક મદદ મેળવતું હતું એના કૉન્ટ્રૅક્ટની વિગતો પણ રવીન્દ્રએ ભારતને આપી હતી. પરિણામે ભારતને પોતાની વિદેશનીતિ અને રાજદ્વારી વ્યૂહરચના ઘડવામાં ખૂબ મદદ મળી તો પાકિસ્તાન ભારતના પંજાબ અને કાશ્મીરમાં કઈ રીતે અશાંતિ ફેલાવવા માગે છે એની માહિતી પણ તે મોકલતો, જે માહિતી પંજાબમાં ખાલિસ્તાની આંદોલન સમયે પાકિસ્તાન દ્વારા થતી મદદ અને ઘૂસણખોરીને રોકવામાં ખૂબ જ કીમતી બની.

રવીન્દ્રને કારણે પાકિસ્તાને કહુટા પ્લાન્ટમાં શરૂ કરેલા ન્યુક્લિયર પ્રોગ્રામની ભારતને ખબર પડી (વાંચો બૉક્સ) જેના આધારે ભારતે યુનાઇટેડ નેશન્સમાં પાકિસ્તાન અને અમેરિકાની મિલીભગત દુનિયાની સામે મૂકી અને અમેરિકાએ છાના ખૂણે પાકિસ્તાનને સપોર્ટ કરવાનું ઓછું કર્યું.

પાકિસ્તાનમાં પોતાની ઓળખ છુપાવવા અને લોકોનો વિશ્વાસ જીતવા માટે રવીન્દ્ર કૌશિકે પાકિસ્તાનમાં મૅરેજ પણ કર્યાં. પાકિસ્તાની આર્મીના જે યુનિટમાં પોતે કામ કરતો હતો એ જ યુનિટના ટેલરની દીકરી અમાનત સાથે રવીન્દ્રએ મૅરેજ કર્યાં. રવીન્દ્રની અરેસ્ટ થઈ ત્યાં સુધી અમાનતને ખબર નહોતી કે તેનો પતિ ભારતીય જાસૂસ છે. અમાનત અને રવીન્દ્રને એક દીકરો પણ થયો, જેનું નામ અરાફત રાખવામાં આવ્યું.

રવીન્દ્રના મોત પછી અમાનતનું મોત થયું અને એ પછી રવીન્દ્રના દીકરા અરાફતનો ક્યાંય પત્તો નથી. જો પાકિસ્તાની મીડિયા રિપોર્ટને સાચા માનવામાં આવે તો અરાફતે ડિપ્રેશનમાં આવીને સુસાઇડ કરી લીધું છે. ઍનીવેઝ, આપણા માટે અત્યારે મુદ્દો રવીન્દ્રનો છે અને રવીન્દ્ર કેવી રીતે પકડાયો એ વાત મહત્ત્વની છે. અહીં બે થિયરી કામ કરે છે. એક, ભારત સરકારે જ રવીન્દ્રને પકડાવી દીધો જ્યારે બીજી થિયરી સિમ્પલ છે, અજાણતાં જ રવીન્દ્ર પાકિસ્તાન સામે એક્સપોઝ થઈ ગયો.

કાશ, મૈં અમેરિકન હોતા... 

સોળથી વધારે વર્ષ પાકિસ્તાની જેલમાં રહેનારા રવીન્દ્ર કૌશિકના જેલના દિવસો બમણી પીડા સાથે પસાર થયા. એક તરફ પાકિસ્તાની સત્તાધીશોનો અત્યાચાર હતો તો બીજી તરફ ભારત સરકારે હાથ ખંખેરી લીધા હતા કે અમે રવીન્દ્ર કૌશિકને ઓળખતા નથી. પોતાની આ પીડા રવીન્દ્ર પત્રોમાં લખીને કાઢતો. રવીન્દ્રએ તેના ભાઈ રાજેશ્વર કૌશિકને લખેલા એક લેટરમાં લખ્યું હતું કે શું ભારત જેવા મોટા દેશ માટે કુરબાની આપનારનું આ જ નસીબ હોય છે?

રવીન્દ્ર નિયમિત રીતે ભારત લેટર લખતો થઈ ગયો હતો. તે પોતાના લેટરમાં પોતાનું પેઇન અને ફ્રસ્ટ્રેશન કાઢતો. એક લેટરમાં રવીન્દ્રએ બળાપો કાઢતાં લખ્યું હતું કે કાશ, હું અમેરિકન હોત; જો હું અમેરિકન નાગરિક હોત તો અમેરિકાએ મને ત્રણ દિવસમાં જેલમાંથી બહાર કાઢી લીધો હોત.

રવીન્દ્રના દરેક પત્ર તેના ભાઈએ સાચવી રાખ્યા છે. ભાઈ રાજેશ્વરને કારણે જ રવીન્દ્રની આખી કહાણી દુનિયા સામે આવી અને દુનિયાને રવીન્દ્રની બહાદુરીની જાણ થઈ. રાજેશ્વર કૌશિકનું કહેવું છે કે રવીન્દ્રને એક જ વાતનો અફસોસ રહ્યો કે તમે જે દેશ માટે પોતાનું બધું જતું કર્યું એ જ ભારત દેશે તેને પોતાના નાગરિક હોવાની વાત નકારી કાઢી. અલબત્ત, અહીં વાત માણસાઈ ભૂલવાની નથી પણ વાત દેશની સુરક્ષા અને એના હિતને અકબંધ રાખવાની છે. 

દુનિયાનો કોઈ દેશ ક્યારેય સત્તાવાર રીતે જાહેરમાં સ્ટેટમેન્ટ કરી શકતો નથી કે ફલાણી વ્યક્તિ અમારો નાગરિક છે અને એ અમારા વતી કામ કરે છે. જાસૂસના જગતમાં આ એક એવું નાગડુંપૂગડું સત્ય છે જેને Plausible Deniability એટલે કે અસ્વીકાર કહેવામાં આવે છે. રવીન્દ્ર કૌશિકની ભારતીય ફૅમિલીએ જ્યારે સરકારને વિનંતી કરી કે એ રવીન્દ્રને બચાવે ત્યારે પણ ભારત સરકારે તેને ઓળખવાની ના પાડી દીધી હતી. ઇન્ટેલિજન્સ બ્યુરોના એક અધિકારી ‘મિડ-ડે’ને કહે છે, ‘આ નરી હકીકત દરેકેદરેક જાસૂસ જાણતો જ હોય છે અને સામા પક્ષે સરકાર પણ પોતાની જવાબદારી પાછલા બારણેથી નિભાવતી જ હોય છે. આજે પણ દેશમાં ઑલમોસ્ટ અઢી હજારથી વધારે રિટાયર્ડ જાસૂસ એવા છે જેને સમયાંતરે આર્થિક સહાય પહોંચી રહી છે.’

યે હૈ બદલા

આગળ કહી એ પૈકીની પહેલી થિયરીની વાત કરીએ તો ભારત સરકારે જ રવીન્દ્રને પાકિસ્તાન સરકારના હાથમાં સોંપી દીધો. કોઈને પણ થાય કે જે માણસે આખી જિંદગી દેશના નામે કરી નાખી એ માણસને આ રીતે નિર્દયી થઈને પકડાવવાનું કામ દેશ શું કામ કરે તો કહેવાનું કે આ કામ કરનારાઓ માટે દેશથી આગળ કે દેશથી ઉપર કોઈ હોતું નથી. ભારત સરકારને એવી માહિતી મળી હતી કે રવીન્દ્રની હિલચાલ પર પાકિસ્તાનને શક જવા માંડ્યો છે, જેની પાછળ કેટલાંક કારણો પણ છે. ૧૯૮૩ના ફેબ્રુઆરીથી ઑગસ્ટ સુધીમાં રવીન્દ્રએ જે કોઈ માહિતી મોકલાવી એ માહિતીમાં કોઈ તથ્ય નહોતું. રૉને લાગ્યું કે હવે પાકિસ્તાન રવીન્દ્રની પરીક્ષા લઈ રહ્યું છે એટલે ખોટી માહિતીઓ ફ્લોટ કરીને રવીન્દ્રને રંગેહાથ પકડવા માગે છે. જો એવું થાય તો આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની નાલેશી થાય અને ભારતને નીચાજોણું થાય. આજે પણ વૈશ્વિક નિયમ છે કે કોઈ દેશ બીજા દેશમાં જાસૂસ પ્લાન્ટ નહીં કરી શકે. જો એ પુરવાર થાય તો અન્ય દેશના સાથી દેશો દ્વારા મળતી આર્થિક અને ટેક્નૉલૉજિકલ કે પછી અન્ય સહાય બંધ થઈ શકે છે. વાત આગળ વધારતાં પહેલાં હવે રવીન્દ્ર પકડાયો એ ઘટનાને સીધા શબ્દોમાં જોઈએ.

બન્યું એવું કે રૉએ રવીન્દ્રને મળવા માટે ભારતથી ઇનાયત મસીહ નામનો એક માણસ મોકલ્યો જે રવીન્દ્રને સાવચેત કરવા ગયો હતો. બૉર્ડર ક્રૉસ કરીને ઇનાયત હજી તો આગળ વધ્યો કે તરત જ એ ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ એટલે કે ISIના હાથમાં આવી ગયો. ઇનાયત પાકિસ્તાની એજન્સીના ટૉર્ચર સામે તરત પોપટ થઈ ગયો અને તેણે કહી દીધું કે તે મેજર નબી અહમદ શાકીર એટલે કે રવીન્દ્ર કૌશિકને મળવા માટે આવ્યો છે. પાકિસ્તાન માટે આ શૉકિંગ હતું. ISIએ ઇનાયત પર માણસો મૂકીને તેને તેના પ્લાન મુજબ આગળ વધવા દીધો.

ઇનાયતે સિયાલકોટના એક ગાર્ડનમાં રવીન્દ્રને મળવાનું હતું. ઇનાયતની અરેસ્ટથી બેખબર એવો રવીન્દ્ર કૌશિક તો પોતાના રાબેતા મુજબના સમયે ગાર્ડનમાં પહોંચી ગયો અને ઇનાયત તેને મળવા આવ્યો કે તરત ISIએ બન્નેને ઘેરી લીધા. જોકે રવીન્દ્રમાં રહેલો ઍક્ટર જાગી ગયો અને તેણે ચાલાકી સાથે આખી વાતને એવી રીતે પલટી નાખી કે તે આ ભારતીય જાસૂસને મળવા આવ્યો છે પણ હકીકતમાં તે પાકિસ્તાનના ભલા માટે મળવા આવ્યો છે. ISI પાસે કોઈ દલીલ નહોતી એટલે તેણે રવીન્દ્રને છોડી દીધો. જોકે તેમને એટલી ખાતરી થઈ ગઈ કે ઇનાયત સાવ ખોટું તો નથી જ બોલતો. ઇનાયતની ફરીથી પૂછપરછ કરવામાં આવી, જેમાં ઇનાયતે એક જ વાત કરી કે તે મેજર નબીને મળવા જ આવ્યો છે જે ભારતીય જાસૂસ છે.

ISIએ મીટિંગ કરી અને રાતોરાત નક્કી થયું કે મેજર નબી અહમદ શાકીરની અરેસ્ટ કરવી અને આર્ટિકલની શરૂઆતમાં કહ્યું એમ ૧૯૮૩ની ૨૪ સપ્ટેમ્બરે રવીન્દ્ર કૌશિકની અરેસ્ટ કરવામાં આવી. એ સમયે પણ રવીન્દ્રએ બચવાની કોશિશ કરી પણ અરેસ્ટનો ઑર્ડર લઈને આવેલા ISIના અધિકારીઓ આ વખતે તેની વાતમાં આવ્યા નહીં અને રવીન્દ્રની અરેસ્ટ કરી.

અરેસ્ટ પછી રવીન્દ્રને ટૉર્ચર કરવામાં આવ્યો, જે ટૉર્ચરના અંતે રવીન્દ્રએ એટલું સ્વીકાર્યું કે તે ભારતીય છે, રવીન્દ્ર કૌશિક તેનું નામ છે; પણ આનાથી વધારે કોઈ માહિતી તેણે આપી નહીં. રવીન્દ્રને અતિશય ટૉર્ચર કરવામાં આવ્યો. બેતહાશા અત્યાચારો કરવામાં આવ્યા પણ રવીન્દ્ર મોઢામાંથી એક શબ્દ બોલ્યો નહીં જે ISI માટે શરમજનક હતું. આ જ કારણ છે કે ૧૯૮પમાં જ્યારે પાકિસ્તાન કોર્ટે રવીન્દ્રને ફાંસીની સજા ફટકારી ત્યારે ISIએ જ કોર્ટને દરખાસ્ત કરી કે આ માણસ પાસેથી માહિતી કઢાવવાની બાકી હોવાથી તેને ફાંસી આપવામાં ન આવે.

પાકિસ્તાન ઇચ્છતું હત઼ું કે રવીન્દ્ર જીવતો રહે અને તેને નરકની યાતના સહન કરવી પડે જેથી ભારત બીજી વખત આ પ્રકારે તેમના દેશમાં જાસૂસ મોકલવાની હિંમત ન કરે. પાકિસ્તાને એ જ કર્યું. એણે રવીન્દ્રને સિયાલકોટ, કોટ લખપત અને મિયાંવાલી જેવી અનેક જેલમાં ટ્રાન્સફર કર્યો અને દરેક જગ્યાએ તેને અકલ્પનીય અત્યાચારો આપ્યા. રવીન્દ્ર એ સહન કરતો રહ્યો પણ તેણે મોઢામાંથી એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નહીં. ચાર ફીટ બાય સાત ફીટની કોટડીમાં રવીન્દ્રને રાખવામાં આવતો જેમાં સરખી રીતે સૂઈ પણ શકાતું નહીં, અઠવાડિયા સુધી તેને પીવા માટે પાણી આપવામાં આવતું નહીં. મહિનાઓ સુધી તેને ભૂખ્યો રાખવામાં આવતો, પણ રવીન્દ્ર મક્કમ રહ્યો અને ફાઇનલી તેને ટીબી અને હાર્ટની બીમારી થઈ. ૨૦૦૧માં જેલમાં જ રવીન્દ્રનું મોત થયું.

પાર્સલમાં મોકલ્યો પેશાબ

વાત છે ૧૯૭૯ની. રવીન્દ્ર કૌશિક તરફથી રૉને એક પાર્સલ મળ્યું, જે પાર્સલ જોઈને રૉના અધિકારી ચોંકી ગયા. એ પાર્સલમાં રવીન્દ્રનો પેશાબ આવ્યો હતો. મારા-તમારા જેવા તો છી-છી-છી કરીને એ ફેંકી દે પણ રૉએ તરત એ પેશાબ લૅબોરેટરીમાં ચેક કરવા માટે મોકલ્યો અને એ જે રિઝલ્ટ આવ્યું એ જાણીને તે સૌ ઊછળી પડ્યા. રવીન્દ્રએ એવું કામ કર્યું હતું જે કામ માટે તેને ભારતરત્નનો ખિતાબ આપવામાં આવે તો એ પણ ટૂંકો પડે. પેશાબ મોકલીને રવીન્દ્રએ પુરવાર કર્યું હત઼ું કે પાકિસ્તાન પોતાના પશ્ચિમના મિત્ર દેશોથી છુપાવીને ગુપ્ત રીતે ન્યુક્લિયર બૉમ્બ બનાવવાની તૈયારી કરે છે. રૉને એનો ડાઉટ હતો જ પણ તેમની પાસે નક્કર પુરાવા નહોતા કારણ કે દુનિયાની આંખોથી પાકિસ્તાને આ પ્રોજેક્ટને અત્યંત ખતરનાક રીતે સંતાડી રાખ્યો હતો.

રવીન્દ્ર કૌશિક એ સમયે પાકિસ્તાની આર્મીમાં મેજરના પદ પર હતો એટલે આ પ્રોજેક્ટની માહિતીમાં સ્વાભાવિક રીતે તેને સામેલ કરવામાં આવ્યો હતો, પણ ન્યુક્લિયર સેન્ટરની સિક્યૉરિટી એટલી જડબેસલાક હતી કે ત્યાંથી કોઈ ડૉક્યુમેન્ટ કે ફોટો બહાર મોકલવાનું અસંભવ હતું.

હવે કરવું શું?

ન્યુક્લિયર પ્લાન્ટની એક વખતની વિઝિટ પછી રવીન્દ્રને કહેવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછા બે કલાક તેણે પોતાની વાઇફથી દૂર રહેવું, કારણ કે પ્લાન્ટમાં જનારી વ્યક્તિના શરીરમાં રેડિયેશન અને અમુક કેમિકલ્સના અંશો આવી ગયા હોય છે જે નુકસાનકર્તા છે. પ્લાન્ટમાં જનારાઓના વૉશરૂમ પણ જુદા રાખવામાં આવતા. એ જોઈને રવીન્દ્રએ પૂછ્યું તો તેને ખબર પડી કે સુસુ વાટે એ કેમિકલ્સ અને રેડિયેશન બહાર નીકળે છે. બસ, રવીન્દ્રને રસ્તો મળી ગયો અને જેવું તેને પ્લાન્ટ પર જવા મળ્યું કે તેણે બહાર આવીને પોતાનો પેશાબ એક કાચની બૉટલમાં ભરી લીધો અને ભારતના અન્ય જાસૂસ અને સાથી એવી વ્યક્તિને એ બૉટલ આપી દીધી. સાથીએ એ બૉટલ ઇન્ડિયા મોકલી દીધી. કાશ્મીરના રસ્તે એ બૉટલ ઇન્ડિયા પહોંચી અને રૉના અધિકારીઓએ સુસુની ટેસ્ટ કરાવી તો એમાંથી લિથિયમ અને યુરેનિયમના પાર્ટિકલ્સ મળ્યા અને ભારતને નક્કર પુરાવો મળ્યો કે પાકિસ્તાન પોતાના કહુટા ક્ષેત્રમાં ન્યુક્લિયર બૉમ્બ બનાવવા પર કામ કરે છે.

જાસૂસીના ઇતિહાસમાં આ ઘટનાને ‘Environmental Intelligence’ તરીકે ઓળખવામાં આવી છે. રવીન્દ્ર કૌશિક પાસેથી મળેલી આ માહિતી ભારત માટે એટલી ઇમ્પોર્ટન્ટ હતી કે એને આધારે ભારત પોતાની સંરક્ષણનીતિમાં મોટા ફેરફારો કરી શક્યું. રવીન્દ્ર કૌશિકે આ રીતે કોઈ પણ દસ્તાવેજ વગર, માત્ર સાયન્સનો ઉપયોગ કરીને પાકિસ્તાનનું સૌથી મોટું પાપ ભારતને સોંપી દીધું હતું.

આ ઘટના પછી પાકિસ્તાનને પહેલી વાર શંકા ગઈ હતી કે તેના ટોચના અધિકારીમાંથી કોઈ એવું છે જે ભારતને માહિતી આપે છે. બન્યું એમાં એવું કે એ સમયના વડા પ્રધાન મોરારજી દેસાઈએ ફોન પર વાત કરતી વખતે પાકિસ્તાનના પ્રમુખ એવા ઝિયા-ઉલ-હકની સામે બફાટ કરી નાખ્યો અને કહી દીધું કે તમે કહુટામાં શેનું ટેસ્ટિંગ કરો છો એની અમને ખબર છે.

વાત છે ૨૦૦૧ની ૨૧ નવેમ્બરની. રવીન્દ્રને ત્યારે મુલતાનની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. જેલમાંથી રવીન્દ્ર તેના ભારતના પરિવાર સાથે સંપર્કમાં હતો, તે લેટર્સ લખતો. ભારત સરકારને જાણ કરવાના હેતુથી જ પાકિસ્તાન સરકારે રવીન્દ્રના ફૅમિલીને રવીન્દ્રના મોતની જાણ કરી. રવીન્દ્રનાં મમ્મી-પપ્પા અને ભાઈએ રવીન્દ્રના પાર્થિવ દેહની માગણી કરી પણ પાકિસ્તાની સત્તાધીશોએ મૃતદેહ આપવાની ના પાડી અને કહ્યું કે જો ભારત સરકાર આ માગ મૂકે તો તે વિચારી શકે છે, પણ ભારત સરકાર તો અગાઉ જ કહી ચૂકી હતી કે રવીન્દ્ર નામના કોઈ માણસને એ ઓળખતી નથી.

પાકિસ્તાની જેલ સત્તાધીશોએ ફાઇનલી રવીન્દ્રનો મૃતદેહ જેલની પાછળ આવેલા કબ્રસ્તાનમાં દફનાવી દીધો અને એક એવા વીર યોદ્ધાના ઇતિહાસ પર ફુલસ્ટૉપ લાગ્યું જેણે ભારત અને ભારતમાતા માટે પોતાનું જીવન દુશ્મન દેશમાં વિતાવી પીડાજનક મોત સાથે પૂરું કર્યું.

columnists indian government indian army pakistan Rashmin Shah dhurandhar indira gandhi lifestyle news life and style