એશિયાના હૅપિએસ્ટ દેશ ભુતાનમાં ફરીને તમે પણ ખુશ થઈ જશો

01 March, 2020 03:17 PM IST  |  Mumbai | Darshini Vashi

એશિયાના હૅપિએસ્ટ દેશ ભુતાનમાં ફરીને તમે પણ ખુશ થઈ જશો

ભૂતાન

આધુનિકીકરણથી દૂર રહેવા માગતા ભુતાનનું  નિર્મળ સૌંદર્ય અને હવામાંનું સૌથી ઓછું પ્રદૂષણ આંખ અને શ્વાસ બન્નેને ટાઢક આપે એવું છે. વૈશ્વિક ટ્રાવેલ ગાઇડ તરીકે ઓળખાતી લોન્લી પ્લૅનેટે ૨૦૨૦માં ટ્રાવેલ કરવા માટેના બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે ભુતાનના નામની જાહેરાત કરી છે ત્યારે જાણીએ એવું તો શું છે આ દેશમાં જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે.

આજે આપણે એક એવા દેશના પ્રવાસે જવાના છીએ જે ઘણા લાંબા સમય સુધી વિશ્વથી છુપાયેલો રહ્યો હતો, પરંતુ જ્યારે એની ખૂબસૂરતી વિશ્વની સામે આવી ત્યારે લોકો એના પર ઓવારી ગયા. એટલું જ નહીં, આજે એવી પરિસ્થિતિ આવી છે જ્યારે આ દેશ પ્રવાસીઓના ધસારાને બ્રેક લગાડવાના પ્રયત્ન કરી રહ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ ભારતના પાડોશી દેશ ભુતાનની, જેની અનટચ સુંદરતા, કુદરતે ઠાંસી-ઠાંસીને ભરેલું સૌંદર્ય, પ્રદૂષણમુક્ત વાતાવરણ, આધુનિકીકરણથી અનેક માઇલ દૂર અને લોકોના આનંદિત અને ખુશમિજાજ સ્વભાવે ભુતાન ટૂરિસ્ટોનું પ્રિય ડેસ્ટિનેશન બની રહ્યું છે.

એક તરફ વિશ્વભરના દેશો વૈશ્વિકીકરણ અને વેપારીકરણના ભાગરૂપે પ્રવાસન ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યા છે અને વધુ ને વધુ પ્રવાસીઓને આકર્ષવા નવી-નવી પૉલિસી જાહેર કરી રહ્યા છે ત્યાં બીજી તરફ ભુતાન પ્રવાસન ક્ષેત્રને નિયંત્રણમાં રાખવા માટે અનેક પગલાં લઈ રહ્યું છે જેનું કારણ છે કે ભુતાન આધુનિકીકરણ અને વેપારીકરણથી દૂર રહેવા માગે છે જેથી અહીંની પ્રાકૃતિક અનટચ સુંદરતા યથાવત્ રહી શકે. અને આ જ અહીંના આકર્ષણનું મુખ્ય જમા પાસું છે. સુંદરતા ઉપરાંત અહીંની શુદ્ધ હવા જે શૂન્યથી પણ ઓછી કાર્બનની માત્રા ધરાવે છે તેમ જ અહીંના ખુશમિજાજ અને આનંદિત લોકો, બૌદ્ધ મઠો અને હિમાલયનાં શિખરોની વચ્ચે પથરાયેલા દેશ ભુતાનને જોવા માટે આનાથી વધુ કારણો બીજાં શું જોઈએ?

થિમ્પુ

થિમ્પુ ભુતાનની રાજધાની છે. કહેવાય છે કે ભવ્યતા અને ભપકા કરતાં સાદગીમાં વધુ સૌંદર્ય સમાયેલું હોય છે એવું ભુતાન માટે પણ કહી શકાય છે જેનો આયનો થિમ્પુ છે. અહીં રાજાના મહેલો છે. યસ, હજી પણ ભુતાનમાં રાજા પ્રત્યે પ્રેમ અને સન્માન છે. આજે પણ ભુતાનમાં વર્તમાન રાજાને ભગવાન પછીનો દરજ્જો આપવામાં આવે છે. એટલે જ અહીં પ્રજા રાજાશાહી છોડવા માગતી નથી. રાજાની વાત નીકળી તો જણાવી દઈએ કે અહીં રાજાનું સચિવાલય રૉયલ પૅલેસમાં છે જે ખૂબ જ સુંદર છે અને આસપાસના ગુલાબના બગીચા એની સુંદરતામાં ચાર ચાંદ પૂરે છે. એને અડીને આવેલા મકાનમાં બૌદ્ધ મઠ અને મંદિરો પણ છે. લાકડાંની કારીગરી ધરાવતું આ આખું મકાન કંઈક નવીન જોયું હોવાનો અનુભવ કરાવશે. રાજાની નિવૃત્તિના માનમાં થિમ્પુમાં બુદ્ધનું એક આલિશાન કાંસાનું પૂતળું ૨૦૦૬માં એક ટેકરી પર બાંધવામાં આવ્યું હતું. એવી જ રીતે અહીં એક ચોર્ટન નામક એક પવિત્ર રાષ્ટ્રીય સ્તૂપ પણ છે. જો સમય ન હોય અને અંદર નહીં જઈ શકો તો પણ એને બહારથી જોઈ આવવું એ ગમશે. પહાડી વિસ્તાર અને હિમાલયની નજીક હોવાથી અહીં યાક પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. એટલું જ નહીં, યાક જેવું ભુતાનનું સંરક્ષિત પ્રાણી ટેકિનનું એક ઝૂ પણ છે. આ ઝૂ બધાને પસંદ પડે એવું છે જેનું એક કારણ એ છે કે અહીંના ઝૂમાં પ્રાણીઓને ફરવા માટે ખૂબ વિશાળ જગ્યા છે જેથી તેઓ મન મૂકીને અહીં મહાલતાં જોવા મળે છે. સામાન્યપણે આપણે નૉર્થ ઈસ્ટમાં જઈએ ત્યારે જે પ્રકારે રંગબેરંગી તોરણો દરેક રસ્તાના નાકે જોતાં હોઈએ છીએ એમ અહીં પણ એવાં ખૂબ જોવા મળે છે. આ સિવાય નાનાં-મોટાં મ્યુઝિયમ અને બજારો તો પુષ્કળ, પરંતુ બીજું મિસ ન કરવા જેવું કંઈ હોય તો એ છે થિમ્પુનું પોસ્ટલ મ્યુઝિયમ જે ખાસ જોવા જેવું છે. અહીંની ટપાલ ટિકિટો ખૂબ જ વૈવિધ્યસભર અને આગવી છે જેમ કે 3ડી ટિકિટ, મ્યુઝિકલ ટિકિટ, વિવિધ મટીરિયલની ટિકિટ, વિવિધ થીમ અને કસ્ટમાઇઝ્ડ કરેલી ટિકિટ જેવી અનેક વરાઇટીની ટિકિટ અહીં ઉપલબ્ધ છે.

ભુતાનમાં દર વર્ષે તહેવારની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ભુતાનમાં લોકો તહેવાર ધરતી પ્રત્યેનો પ્રેમ દર્શાવવા તેમ જ દેશ માટેની ભક્તિ દર્શાવવા માટે ઊજવતા હોય છે.

પારો

બૉલીવુડના રસિકો માટે પારો નામ જાણીતું છે, પરંતુ પારો નામ ભુતાનમાં પણ એટલું જ પ્રસિદ્ધ છે જેનું કારણ છે પારો ભુતાનનું ત્રીજું મોટું શહેર છે અને ટૂરિસ્ટોનું થિમ્પુ પછીનું સૌથી મનપસંદ શહેર છે. અહીં હોટેલોથી માંડીને ખાણીપીણીની બધી જ વસ્તુઓ આસાનીથી મળી રહે છે અને એ પણ પસંદગીની. અહીંની વૅલી ઘણી પ્રસિદ્ધ છે. બીજું, અહીં ભારતની આર્મીનો દેશની બહાર રહેલો બીજો બેઝ પણ છે જે ઘણાને ખબર નહીં હોય. ભુતાનનું નૅશનલ મ્યુઝિયમ પણ પારોમાં જ આવેલું છે જ્યાં આવીને ભુતાનના કલ્ચરને જાણી શકાય છે. આ સિવાય સાતમી સદીમાં બાંધવામાં આવેલું મંદિર પણ પારોમાં જ છે.

પુનાખા

પુનાખા ઓળખાય છે અહીં આવેલા ભવ્ય કિલ્લા જેવા દેખાતા મહેલને લીધે. અદ્ભુત, અવિસ્મરણીય અને આફરીન પોકારી જવાય એવો આ ભવ્ય કિલ્લો કમ મહેલ છે, પરંતુ જ્યારે તમે અંદર પ્રવેશો ત્યારે ખબર પડશે કે અરે, આ તો કોઈ બુદ્ધનું મંદિર છે જેના આંગણે વિશાળ પીપળાનું વૃક્ષ છે. આ સ્થળ જોવાનું બીજું એક કારણ એ પણ છે કે આ વૃક્ષ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ વાવ્યું હતું જેની અહીં નોંધ પણ રાખવામાં આવેલી છે. દીવાલો પર બુદ્ધના જીવનપ્રસંગનાં દૃશ્યોને ઉતારવામાં આવેલાં છે. જો તમને આધ્યાત્મિક અને ઐતિહાસિક બાબતમાં રસ હશે તો તમને અહીં ફરવું ગમશે અને એક કલાક ક્યાંય નીકળી જશે એની ખબર પણ નહીં પડશે. વધુ એક અહીંની મજાની વાત એ છે કે અહીં આ ઇમારતને કવર કરતી બે નદી વહે છે જેમાંની એક શાંત છે અને બીજી ચંચળ. આ બન્ને નદીને જોવાની મજા આવશે. નદી છે એટલે પુલ પણ હોય જ અને પુલ પણ કેવો ઝૂલતો પુલ.

દોચૂલા પાસ

થિમ્પુથી પુનાખાના રસ્તામાં પચીસ કિલોમીટરના અંતરે દોચૂલા પાસ આવેલું છે જે સમુદ્રની સપાટીથી ૩૦૨૦ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. અહીં બૌદ્ધ મંદિરો છે તેમ જ ૨૦૦૩માં આસામમાંથી કેટલાક બળવાખોરો ભૂતાનમાં ઘૂસી આવ્યા હતા જેમનો મુકાલબો કરવા જતાં ભુતાનના કેટલાક જવાનો શહીદ થઈ ગયા હતા જેમની સ્મૃતિમાં અહીં એક ટેકરી પર ૧૦૮ સ્તૂપો બનાવવામાં આવેલા છે. દર વર્ષે અહીં દોચૂલા તહેવારની ઉજવણી કરવામાં આવે છે જેનું આયોજન ડિસેમ્બર મહિનામાં કરવામાં આવે છે જેને માણવા દેશ-વિદેશમાંથી સહેલાણીઓ ઊમટી પડે છે. આ તહેવારના આયોજન પાછળનું મુખ્ય કારણ અહીંના લોકોમાં ભુતાનની ધરતી પ્રત્યેનો પ્રેમ અને એની રક્ષા કરવા માટે તેઓ સક્ષમ હોવાનું દર્શાવે છે. અહીં ઠંડી પણ પુષ્કળ પડે છે. કહેવાય છે કે અહીં ગરમીમાં પણ તાપમાન ૧૫ ડિગ્રી કરતાં ઊંચું જતું નથી.

કુદરતને સમીપ, પ્રદૂષણમુક્ત વાતાવરણ, વન્ડરફુલ વૅલી, પ્રાચીન બૌદ્ધ મઠ અને આનંદિત વાતાવરણ ભુતાનની ઓળખ છે.

હા વૅલી

પારોથી હા વૅલીનું અંતર લગભગ ૬૭ કિલોમીટરનું છે. કુદરતી સૌંદર્યની ખાણ સમાન હા વૅલી સ્વપ્નસૃષ્ટિથી કમ નથી. હા વૅલી ભારત અને ચીનની સરહદથી માંડ ૧૩ માઇલ દૂર છે. આશરે ૧૮ વર્ષ પૂર્વે જ આ વૅલીને જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. અહીં સુધી પહોંચવા માટે પારો જ સૌથી નજીકનું સ્થળ છે. હાઇકિંગ અને ટ્રેકિંગ માટે પણ આ સ્થળ હૉટ ફેવરિટ ગણાય છે. નજીકમાં હા ગોમ્પા અને બ્લૅક ઍન્ડ વાઇટ ટેમ્પલ આવેલાં છે જે જોવાં જેવાં છે.

ટ્રૅકિંગ અને હાઇકિંગ

સૌંદર્યથી છલોછલ એવો ભુતાન ટ્રૅકિંગ અને હાઇકિંગના શોખીનો માટે સ્વર્ગ સમાન છે. અહીં અનેક પૉપ્યુલર ટ્રેક્સ છે એટલે જ વિશ્વભરમાંના ઍડ્વેન્ચર પ્રિય લોકો અહીં ખેંચાઈ આવે છે. સત્તરમી સદીમાં બનેલા તક્તસંગ મઠ સુધી ટ્રેકિંગ કરીને પહોંચવું ખૂબ જ રોમાંચક અનુભવ બની રહેશે. એવી જ રીતે સ્નૉમૅન ટ્રૅક, ડુક પાર્ક ટ્રૅક, જોમોલહરી ટ્રૅક જાણીતા ટ્રૅક છે જેમાં જોમોલહરી ટ્રૅક પરથી ઊંચા પર્વતોનો નયનરમ્ય નજારો દૃશ્યમાન થાય છે. વળી આ ટ્રૅક પર યાર્ક પર જોવા મળી જશે. એનું હાઇએસ્ટ પૉઇન્ટ ૪૧૧૫ મીટર ઊંચું છે. અહીં એકથી એક ચડિયાતાં સાબિત થાય એવાં ટ્રેકિંગ સ્થળો છે જેમાંનો એક સોંપસાકહા ગામ સુધીનો ટ્રેકિંગ માર્ગ લીલાંછમ ખેતરોની સાથે મનમોહક દૃશ્યોથી ભરપૂર છે. એવો જ બીજો એક ટ્રૅક પુનાખાનો છે જે ૧૨ કિલોમીટર લાંબો છે જે લીલાંછમ ખેતરોમાંથી પસાર થાય છે.

જાણી-અજાણી વાતો

- ભુતાનમાં ભારતીય કરન્સી પણ ચાલે છે.

- થોડા સમય પૂર્વે ભારતીયો માત્ર કોઈ પણ આઇડી કાર્ડ લઈને ભુતાનની વિઝિટ કરી આવતા હતા, પરંતુ હવે એવું નથી.

- ભારતનો પાડોશી દેશ હોવાને લીધે અહીંના ઘણા લોકો હિન્દી ભાષા સમજી શકે છે.

- અહીં ખોરાકમાં મરચાંનો ઉપયોગ સ્વાદ ઉમેરવા માટે જ નહીં, પરંતુ એક અલગ ડિશ તરીકે પણ કરવામાં આવે છે.

- પુનાખા જોગમાં ભુતાનનું સૌથી પ્રમુખ બૌદ્ધ મંદિર આવેલું છે.

- ટાઇગર નેસ્ટના નામથી ફેમશ તકશાંગ લહખાંગ બૌદ્ધ મઠ એક ઊંચી પહાડીના કિનારે બનેલું છે જે ભુતાનનું રાષ્ટ્રીય સ્મારક પણ ગણાય છે.

- વિશ્વમાં ભુતાન એકમાત્ર દેશ છે જ્યાં હવામાં કાર્બનનું પ્રમાણ શૂન્ય કરતાં પણ ઓછું છે.

- એવું કહેવાય છે કે ૧૯૭૦ સુધી ભુતાનના લોકોનો વિશ્વના અન્ય કોઈ દેશ સાથે કોઈ સંબંધ હતો નહીં.

- માનવામાં નહીં આવશે, પરંતુ ભુતાનમાં કોઈ ટ્રાફિક સિગ્નલ નથી.

- અહીંની જીડીપીનો અંદાજ અહીંની હૅપિનેસના આધારે મૂકવામાં આવે છે.

- ભુતાનમાં પ્લાસ્ટિકનો શૂન્ય વપરાશ છે.

- પારો પરથી ફ્લાઇટ ઉડાવવા માટે માત્ર આઠ પાયલટને જ મંજૂરી મળેલી છે.

- વિશ્વમાં ભુતાન સૌથી છેલ્લો દેશ છે જ્યાં ટીવી આવ્યું હતું.

ક્યારે અને કેવી રીતે જવું?

ભુતાન આખા વર્ષમાં ગમે એ સમયે જઈ શકાય એવી જગ્યા છે. જોકે એપ્રિલથી જુલાઈ અને સપ્ટેમ્બરથી નવેમ્બર દરમ્યાન અહીં ફરવાની મજા આવશે. આ સમયગાળા દરમ્યાન અહીં સૌથી વધુ પ્રવાસી આવતા હોય છે, કેમ કે અહીં સેચૂસ નામનો સૌથી મુખ્ય મહોત્સવ આ સમયગાળા દરમ્યાન જ થાય છે, પરંતુ જો તમને ભીડભાડ ન જોઈતી હોય તેમ જ મુક્તપણે ફરવું હોય તો માર્ચથી મે મહિનો બેસ્ટ રહેશે. જેમને ફૂલોથી ઢંકાયેલા પહાડો અને ખુશનુમા વાતાવરણ માણવું હોય તેઓ સપ્ટેમ્બરથી નવેમ્બર દરમ્યાન આવી શકે છે. ચોમાસામાં પણ અહીં વધુ વરસાદ વરસતો ન હોવાથી આ સમયગાળો પણ મહાલવા માટે બેસ્ટ રહે છે. અહીં સુધી પહોંચવાનો સૌથી સરળ અને યોગ્ય માર્ગ હવાઈમાર્ગ છે. ભુતાનમાં આવેલા પારોમાં એક માત્ર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ આવેલું છે. મુંબઈ સહિત દેશનાં અનેક મુખ્ય શહેરોમાંથી ભુતાન માટે ફ્લાઇટ મળી રહે છે.

ટૂંકો પરિચય

ક્યાં આવેલું છે : હિમાલય પર્વતમાળાની પૂર્વ બાજુએ ભુતાન આવેલું છે જેની એક તરફ તિબેટ અને ચીન આવેલું છે તો બીજી તરફ ભારતનાં ત્રણ રાજ્યોની બૉર્ડર લાગેલી છે.

રાજધાની : થિમ્પુ

જનસંખ્યા : લગભગ ૭,૪૧,૭૦૦

મુખ્ય ભાષા : ભુતાનીઝ

કરન્સી : ગ્લટ્રમ

ફરવા માટે સમય : છથી આઠ દિવસ

મુખ્ય આકર્ષણો : પારો, થિમ્પુ, બૌદ્ધ મઠ, પુનાખા, ટ્રેકિંગ અને હાઇકિંગ, હા વેલી, તકશાંગ લહખાંગ, ભુતાન રાષ્ટ્રીય લાઇબ્રેરી, રૉયલ બોટનિકલ ગાર્ડન વગેરે વગેરે...

darshini vashi bhutan travel news columnists weekend guide