૪૦૦ વર્ષના વિવિધ લશ્કરી પ્રભાવનો સાક્ષી ભુજિયો કિલ્લો

23 February, 2021 12:59 PM IST  |  Mumbai | Mavji Maheshwari

૪૦૦ વર્ષના વિવિધ લશ્કરી પ્રભાવનો સાક્ષી ભુજિયો કિલ્લો

૪૦૦ વર્ષના વિવિધ લશ્કરી પ્રભાવનો સાક્ષી ભુજિયો કિલ્લો

૧૯૫૦માં કચ્છરાજ ભારત સંઘમાં વિલીન થયું. એ વખતના કચ્છના રાજા મહારાવ શ્રી મદનસિંહજીએ ૮૦૦ વર્ષની જાડેજા રાજસત્તાએ ઊભા કરેલા પોતાના મહેલો સહિત અણમોલ સ્થાપત્યો અને ઇમારતો ભારત સરકારને સોંપી દીધાં. આમ તો એ સ્થાપત્યની જાળવણીની જવાબદારી સરકારની હતી, પરંતુ ન તો સરકારે એને સાચવ્યાં કે ન પ્રજાએ પ્રદેશપ્રેમ દાખવ્યો. જેમાં સૌથી ખરાબ દશા થઈ હોય તો કચ્છ અને ભુજની શાન સમા ભુજિયા કિલ્લાની. જે ડુંગરની તળેટીમાં ભુજ શહેર વસ્યું છે એ ડુંગર ઉપર કચ્છના જાડેજા શાસકોએ બંધાવેલો કિલ્લો આઝાદી પછી અડધી સદી સુધી ભારતીય સેનાના તાબામાં રહ્યો. એ કિલ્લાને કાળની એટલી થપાટો વાગી છે કે પોતાનું સૌંદર્ય ખોઈ ચૂક્યો છે. ૨૦૦૧ પછી ભુજિયામાં કરોડોના ખર્ચે સ્મૃતિવન ઊભું થઈ રહ્યું છે, જે આ ડુંગર અને કિલ્લાને ફરી રમણીય બનાવશે એવું જણાઈ રહ્યું છે.
૧૯૪૭માં ભારત અંગ્રેજી શાસનમાંથી મુક્ત થઈ સ્વતંત્ર દેશ બન્યો. ભારતનાં ૫૦૦ જેટલાં રજવાડાંઓએ પોતાની મિલકતો ભારત સરકારને સોંપી દીધી. એક અર્થમાં એ બહુ જ મોટો ત્યાગ હતો. એ ભારતીય રાજાઓની દિલેરી હતી. એમાં કેટલીક એવી ઇમારતો અને કિલ્લાઓ પણ હતાં જેનું નિર્માણ આજની ઇજનેરી કલાને પણ પડકાર આપે છે, પરંતુ ભારત સ્વતંત્ર બન્યા પછી સૌથી મોટું કોઈ નુકસાન થયું હોય તો ભારતીય સ્થાપત્યને થયું છે. વિશ્વકક્ષાએ જે સ્થાપત્ય અને ઇજનેરી કૌશલ્યનાં વખાણ થયાં છે, જેના નિર્માણમાં રજવાડાંઓએ ખજાના ખાલી કરી દીધા છે, જેને કલાપૂર્ણ બનાવવા સ્થાપતિઓ અને કારીગરોએ જીવ રેડી દીધો હતો એવા મહેલો, કિલ્લાઓ, તળાવો, વાવોના પથ્થરો આજે મૂંગુ રુદન કરે છે. અજેય ગણાતા જે ગઢની દીવાલોએ પરદેશી આક્રમણખોરોને હંફાવ્યા છે, એ દીવાલો પર આજે છાણાં થપાતાં જોઈ ઇતિહાસકારો અને સ્થાપત્યપ્રેમીઓ નિરાશ થાય છે. આ સ્થિતિ મોટા ભાગના ભારતમાં જોવા મળે છે. વિવિધ રાજવંશોની રાજવટના પદચિહ્નો જેવા કિલ્લાઓ કાં તો ધ્વંસ થઈ ગયા છે અથવા એના પથ્થરો કોઈની દીવાલોમાં ચણાઈ ગયા છે. કોઈને એવો પણ વિચાર આવે કે હવે આ કિલ્લાઓની શી જરૂર છે ? પરંતુ એ ન ભૂલવું જોઈએ કે આ કિલ્લાઓ આપણા રાજાઓએ દાખવેલી દેશભક્તિના અજોડ પુરાવા છે. આ કિલ્લાઓએ જ આપણા પૂર્વજોને આક્રમણખોરોની તલવારોથી બચાવ્યા છે અને આપણી માતાઓ અને બહેનોના શિયળ સાચવ્યા છે, પરંતુ એક દુખદ હકીકત છે કે ભારત આઝાદ થયું એ સાથે જે મહેલો અને કિલ્લાઓમાં પગ મૂકતા શૂરવીરોને પણ બીક લાગતી એ નધણિયાતા થઈ ગયા. સમય જતાં રાજાશાહીનાં બેનમૂન સ્થાપત્યને માનવપ્રવૃત્તિઓ અને કાળની ઊધઈએ કદરૂપા બનાવી દીધાં. એવો જ એક કિલ્લો કચ્છના પાટનગર ભુજની શોભા સમો ભુજિયો કિલ્લો છે. ભુજિયા કિલ્લાનું નિર્માણ કચ્છના રાજવીઓએ બહુ જ વિચારીને કરેલ છે. આ કિલ્લાનું બાંધકામ જાડેજા રાજવી રાવ ગોડજી (પહેલા ઈસવી સન ૧૭૧૫-૧૭૧૮)એ શરૂ કરાવ્યું હતું. અલ્પ સમયના શાસક રહેલા ગોડજીના પુત્ર રાવ દેશળજી (પહેલા ઈસવી સન ૧૭૧૮-૧૭૪૧)એ ભુજિયા કિલ્લાનું બાકીનું બાંધકામ સંપન્ન કરાવ્યું. એ વખતે કચ્છરાજનું પાટનગર ભુજ હતું. ભુજના રક્ષણ માટે બંધાયેલા આ કિલ્લાની દીવાલો પહોળી અને લશ્કરી વ્યુહરચના મુજબની હતી. રાવ દેશળજી ઉપરાંત તેમના પહેલા દીવાન શેઠ દેવકરણે પણ આ કિલ્લાના નિર્માણમાં મહત્ત્વનો રસ લીધો હતો. ૧૬૦ મીટર જેટલી ઊંચાઈ પર બંધાયેલા આ કિલ્લામાં પ્રવેશવા માટે બે દરવાજા હતા. આ દરવાજા પર બહારની બાજુએ લોખંડના શૂળ જડેલા હતા. સૈનિકોને કિલ્લાની અંદર જ પાણીનો પુરવઠો મળી રહે એ માટે કૂવાઓ પણ ખોદાવેલા હતા. દીવાલોની અંદર રચના એવી રીતની હતી કે સૈનિક દૂર-દૂર સુધી જોઈ શકે અને જરૂર પડે વાર કરી શકે. આજે પણ ભુજિયા કિલ્લાના એરિયલ વ્યુ ચીનની દીવાલની યાદ અપાવે છે.
ભુજિયા કિલ્લાએ કચ્છમાં ખેલાયેલાં છ યુદ્ધ જોયાં છે, જે અઢારની સદીમાં સિંધના આક્રમણખોરો અને ગુજરાતસ્થિત મોગલ શાસકો અને કચ્છરાજ વચ્ચે થયાં હતાં. ભુજિયાના કિલ્લામાં ખેલાયેલા યુદ્ધની એક રસપ્રદ બાબત પણ છે. રાવ દેશળજીએ રાજગાદી સંભાળી એનાં શરૂઆતનાં વર્ષોમાં જ અમદાવાદના મોગલ સુબા બુલંદખાને ખંડણી વસૂલાત બાબતે કચ્છ પર આક્રમણ કર્યું. કચ્છનું લશ્કર એ વખતે અવઢવની સ્થિતિમાં હતું. એ સમયે નાગાબાવાઓનું એક મોટું જૂથ નાગ મંદિરની પૂજાના બહાને કિલ્લામાં દાખલ થયું અને કચ્છરાજના સૈનિકો સાથે જોડાઈને મોગલોના લશ્કર સામે લડ્યું. એ યુદ્ધમાં બુલંદખાનની હાર થઈ. એ દિવસે શ્રાવણ સુદ પાંચમ હતી. કચ્છના રાજવીએ એ દિવસે વિજયોત્સવ મનાવ્યો. ત્યારથી નાગપંચમીના દિવસે ભુજના દરબારગઢમાંથી ભવ્ય શાહી સવારી નીકળતી અને ભુજિયા ડુંગર પર જતી હતી. નાગાબાવાઓના શૌર્ય જોઈને કચ્છના રાજવીએ ત્યારથી નાગપંચમીના દિવસે નાગાબાવાઓ માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવી આપી. હાલમાં દર નાગપંચમીના રોજ રાજવી પરિવારની વ્યક્તિઓ દ્વારા ભુજંગનાગની ખાસ પૂજા થાય છે અને ભુજિયાની તળેટીમાં લોકમેળો યોજાય છે. ૧૮૧૯માં કૅપ્ટન બિસ્ટની આગેવાની હેઠળ કચ્છરાજે અંગ્રેજી શાસનનું આધિપત્ય સ્વીકાર્યું. એ વખતે કર્નલ વિલિયમ કોરે ભુજિયા કિલ્લાનો કબજો લીધો હતો. ૧૯૪૭માં ભારતમાંથી અંગ્રેજી લશ્કરના ગયા પછી ભારતીય સેનાએ ભુજિયા કિલ્લાનો કબજો સંભાળ્યો હતો. ૨૦૦૧માં સેના અન્ય જગ્યાએ જતાં આ કિલ્લો સામાન્ય વહીવટ હેઠળ આવ્યો. આમ ૪૦૦ વર્ષ જેટલો સમય ભુજિયાના કિલ્લાએ કચ્છરાજ, અંગ્રેજીરાજ અને ભારતીય સૈનિકોનો લશ્કરી દમામ જોયો છે.
એક દંતકથા મુજબ કચ્છ પર નાગલોકો રાજ કરતા હતા. શેષપટ્ટણની રાણી સાંગાઈએ ભેરિયા ગારુડી સાથે મળીને નાગલોકોના વડા ભુજંગનાગ સામે બળવો કર્યો. ભુજંગનાગ એક ડુંગરમાં છુપાઈ ગયો અને એનું લશ્કર ભેરિયા ગારુડી સામે લડ્યું. એ લડાઈમાં ભેરિયાની હાર થઈ. સાંગાઈ રાણી સતી થઈ. ત્યારથી ભુજંગનાગ જે ટેકરીમાં રહેતો હતો એ ટેકરી ભુજિયા તરીકે ઓળખાતી થઈ. આજે પણ ભુજિયાના કિલ્લા ઉપર ભુજંગનાગનું મંદિર છે, જેની પૂજા માતંગદેવના વંશજો કરે છે. ભુજ શહેરનું નામ પણ ભુજિયા ઉપરથી પડ્યું હોવાનો મત છે. કચ્છની તત્કાલિન રાજવ્યવસ્થાએ રક્ષણાત્મક વ્યુહથી નિર્માણ કરેલો અને કચ્છનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ભુજિયો કિલ્લો સ્વતંત્રતા પછી વ્યવસ્થાની બેદરકારીનો ભોગ બન્યો છે. ન માત્ર કિલ્લો, ખુદ ભુજિયો ડુંગર વર્ષો સુધી કાંકરી મેળવવા માટે ખોદાતો રહ્યો. જોકે એ વાતની નોંધ લેવી પડે કે ૧૯૮૦ના ગાળામાં ભુજિયાને ખોદાતો અટકાવવા ભુજના કેટલાક બુદ્ધિજીવીઓ અને પ્રજાજનો મેદાનમાં આવી ગયા હતા. રૅલીઓ પણ કાઢવામાં આવી હતી. વર્તમાનપત્રોએ પણ આ ઘટનાને મહત્ત્વ આપ્યું હતું. ભુજિયા ડુંગરનો દક્ષિણ ભાગ મહાકાય યંત્રોએ ખોદી કાઢ્યાના અંશો આજે પણ દેખાય છે. જ્યાં બ્રિટિશ શાસકોએ પણ પોતાનું લશ્કરી થાણું રાખ્યું હતું એવા ભુજિયાને આઝાદી પછી લશ્કરને હવાલે કરી દેવાયો. છેક વીસમી સદી પૂરી થઈ ત્યાં સુધી માત્ર વર્ષમાં એક દિવસની છૂટ સિવાય કોઈ કચ્છવાસીઓ ભુજિયાને સલામત સ્થતિમાં જોઈ ન શક્યા. એના સૌંદર્યને માણી ન શક્યા. ભુજિયો ડુંગર લશ્કરના તાબામાં હોવાથી કિલ્લાની સ્થિતિ વિશે પણ લોકો અજાણ રહ્યા, પરંતુ ૨૦૦૧માં આવેલા ભૂકંપ પછી તત્કાલિન ગુજરાત સરકારે ભુજિયા ડુંગર ઉપર સ્મૃતિવન ઊભું કરવાનું નક્કી કર્યું. આ સ્મૃતિવનમાં ભૂકંપ તેમ જ કચ્છનો ઇતિહાસ સચવાશે. સ્મૃતિવન યોજનાએ કિલ્લાના ધસી પડેલા ભાગોનું સમારકામ પણ કરાવ્યું. સેંકડો વૃક્ષો વવાયાં, જે કાર્ય હાલમાં પ્રગતિમાં છે. સમય જતાં કચ્છના ગરવા પાટનગર ભુજની શાન સમો ભુજિયો નવાં વાઘાં ધારણ કરશે અને એનું સૌંદર્ય ફરી ખીલી ઊઠશે એવું લાગી રહ્યું છે. આ કિલ્લા પરથી આખુંય ભુજ શહેર અને દૂર સુધીના વિસ્તારો જોઈ શકાય છે. ભુજની કેટલીક જાગૃત સંસ્થાઓ હવે ભુજિયાની તળેટીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજે છે. એ રીતે નવી પેઢી ઇતિહાસથી માહિતગાર થશે.

mavji maheshwari columnists kutch