પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરા થકી માતૃભાષાને જીવંત રાખવાનો પ્રયાસ

21 February, 2023 05:11 PM IST  |  Mumbai | Bhavini Lodaya

બે બાળકોથી શરૂ થયેલી આ ગુરુકુળ સ્ટાઇલ શિક્ષણપદ્ધતિમાં હવે પચાસ બાળકો દેવનાગરી લિપિ અને સંસ્કૃત ભાષા સાથે માતૃભાષામાં બધા જ વિષયો ભણે છે

પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરા થકી માતૃભાષાને જીવંત રાખવાનો પ્રયાસ

વિલે પાર્લેનાં નિરાલી દોશીએ છેલ્લાં બે વર્ષથી પ્રાચીન ગુરુકુળ પરંપરા થકી શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. બે બાળકોથી શરૂ થયેલી આ ગુરુકુળ સ્ટાઇલ શિક્ષણપદ્ધતિમાં હવે પચાસ બાળકો દેવનાગરી લિપિ અને સંસ્કૃત ભાષા સાથે માતૃભાષામાં બધા જ વિષયો ભણે છે

માતૃભાષામાં ભણેલાં અને ભારતીય સંસ્કૃતિ માટે ભારોભાર ગૌરવ ધરાવતાં વિલે પાર્લેનાં નિરાલી દોશીએ છેલ્લાં ચાર વર્ષથી જે પ્રયોગ શરૂ કર્યો છે એ કોઈ પણ માતૃભાષા અને સંસ્કૃતિપ્રેમીને ગદ્ગદ કરી દે એવો છે. મુંબઈ જેવા મૉડર્નાઇઝેશનની પાછળ ભાગતા શહેરમાં પણ તેમણે ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરે એવી ગુરુકુળ સ્ટાઇલ સ્કૂલ શરૂ કરી છે અને હાલમાં અહીં પચાસ બાળકો ભણે છે. તમને જાણીને નવાઈ લાગશે પર અહીં બાળકો રોજ ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવે છે. અહીંનો યુનિફૉર્મ જ છે છોકરાઓ માટે કુરતો-પાયજામો અને છોકરીઓ માટે ચણિયાચોળી. જ્યારે આ સ્કૂલમાં તમે ઍડ્મિશન લો ત્યારે ગુરુકુળ જેવી જ પ્રવેશોત્સવ વિધિ થાય છે એમ જણાવતાં નિરાલીબહેન કહે છે, ‘આ એક સાંસ્કૃતિક વિધિ છે કે જ્ઞાન મેળવવા માટે તમે જઈ રહ્યા છો. પ્રવેશોત્સવ વિધિમાં ખાદીના પેપર પર કંકુથી ૐ લખી, સરસ્વતી માતાની છાપ હોય, બાળકોએ ફૂલની માળા પહેરી હાથમાં શ્રીફળ-નાગરવેલનું પાન, સવા રૂપિયો, થોડા ચોખા અને કંકુ એમ શુકન માટે આ બધું લઈ સરસ્વતી માતાની સ્થાપના થાય.’

આવું ગુરુકુળ ખોલતાં પહેલાં નિરાલીબહેને ખુદ પોતાનાં સંતાનોના ઉછેરમાં એ પરંપરાગતપણું જાળવ્યું છે. લગ્ન પછી ઘણાં વર્ષો હૉન્ગકૉન્ગ રહેવાનું થયેલું અને એ વખતે બાળકો ચાર-પાંચ વર્ષનાં થયાં ત્યારે નિરાલીબહેન અને તેમના પતિ ધરાર ત્યાંની મૉડર્ન સ્કૂલમાં બાળકોને મોકલવા તૈયાર નહોતાં. નિરાલીબહેન કહે છે, ‘આખરે અહીં પરંપરાગત મૂલ્યો બાળકોને શીખવી શકાય એ માટે થઈને અમે પાછાં મુંબઈ આવ્યાં ને  અહીં પણ અમે હોમ સ્કૂલિંગ જ કરાવ્યું. એક વાત નક્કી હતી કે અમારે બાળકને આપણાં મૂળિયાંથી જોડેલું રાખવું હતું અને એટલે સો-કૉલ્ડ મૉડર્નાઇઝેશનની અસરથી દૂર જ રાખવું છે. એક તબક્કે જ્યારે સ્કૂલમાં મૂકવું જ પડે એવી સ્થિતિ આવી તો અમે ઘરની નજીકમાં જ જે એક ઍવરેજ સ્કૂલ ગણાતી હતી એમાં જ તેમને મૂક્યાં. અગેઇન દસમા પછી અત્યારે તે હોમ સ્કૂલિંગ જ કરી રહી છે અને ઓપન બોર્ડમાં બારમાની પરીક્ષા આપશે.’

નિરાલી દોશી

હાઇફાઇ સ્કૂલ, ગ્રેડ, નંબર્સ આ બધાને જરાય પ્રાધાન્ય ન જ આપવું જોઈએ એવી માન્યતા ત્યારે દૃઢ થઈ જ્યારે તેઓ અમદાવાદમાં ચાલતી ગુરુકુલમ સંસ્થાના પરિચયમાં આવ્યાં. તેમણે પોતાનાં સંતાનોને ગુજરાતી અને સંસ્કૃત ભાષા બહુ સારી રીતે શીખવી છે અને તેમની દીકરી તો હવે બાળકોને સંસ્કૃત શીખવે પણ છે. જોકે આ બધામાંથી જાતે ગુરુકુળ શરૂ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો એની વાત કરતાં તેઓ કહે છે, ‘બે વર્ષ પહેલાં અમારા ફૅમિલી ફ્રેન્ડને તેમની સાત વર્ષની દીકરી માટે ઇચ્છા હતી કે તેને હોમ સ્કૂલિંગ કરાવવું કે પછી જો નજીકમાં ક્યાંક ગુરુકુળ હોય તો ત્યાં પરંપરાગત ધોરણે શિક્ષણ આપવું. અમદાવાદની ગુરુકુલમ સંસ્થા સાથે ઘણા વખતથી હું જોડાયેલી હોવાથી મને પણ થયું કે જો તેમની ઇચ્છા હોય તો દીકરીને હું મારા ઘરે બે-ત્રણ કલાક ભણાવું. એ પછી પાંચ બાળકો સાથે મેં ગુરુકુળ શરૂ કર્યું અને બસ, એ પછી પાછળ વળીને જોયું જ નથી. હાલમાં પચાસ બાળકો ભણી રહ્યાં છે. સમાજની અસર એટલી સ્ટ્રૉન્ગ છે કે આજે પણ પેરન્ટ્સ પોતાના બાળકને માત્ર ગુરુકુળમાં ભણાવવાનું ‘રિસ્ક’ લેવા નથી માગતા. એટલે મારે ત્યાં આવતા પચાસમાંથી પાંચ સ્ટુડન્ટ સંપૂર્ણપણે ગુરુકુળ શિક્ષણ જ લે છે. બાકીનાં બાળકો આજે પણ ગુરુકુળ સાથે નૉર્મલ સ્કૂલમાં જાય છે. પેરન્ટ્સને આ કલ્ચર વધુ ગમે છે એટલે બાળકો કલ્ચર સાથે પણ જોડાયેલાં રહે એ માટે થઈને તેઓ બાળકોને ગુરુકુળમાં મૂકે છે.’ 
ગુરુકુળમાં એવું શું ડિફરન્ટ્લી શીખવવામાં આવે છે એનો ફરક સમજાવતાં નિરાલીબહેન કહે છે, ‘અહીં કશું જ ઉપદેશ આપીને શીખવાતું નથી. તેમને એ રીતનું એક્સપોઝર આપવામાં આવે છે કે મૂલ્યો તેમના જીવનમાં સહજતાથી વણાઈ જાય. બેસિક બાબતો છે કે બૂટ-ચંપલ પહેરીને તમે વિદ્યા પ્રાપ્ત કરો તો એ જ્ઞાનનું બહુમાન ન થાય. ખાતાં-ખાતાં બોલવું, ઊભા રહીને ચાલતાં-ફરતાં ખાવું એ કોઈ પણ સંપ્રદાયના સંસ્કાર નથી. શિસ્તબદ્ધ જીવન તો હોવું જ જોઈએ. આજકાલની જનરેશન ઍક્ચ્યુઅલ વૅલ્યુમાં ઢળી જ નથી શકતી. ઉદ્દેશ્ય તો એ જ છે કે ભાર વગરનું ભણતર અને ઘડતર થવું જ જોઈએ.’

આ પણ વાંચો: હવેની પેઢી માટે જૉબ બેટર છે કે બિઝનેસ?

મૌખિક સંસ્કૃતનું શિક્ષણ 

ચારથી છ વર્ષનાં બાળકોને સંસ્કૃત મૌખિક પદ્ધતિથી શીખવીએ જેથી તેમની શ્રવણશક્તિ વધે એમ જણાવતાં નિરાલીબહેન કહે છે, ‘જ્યારે બાળકોને ખાલી સાંભળ્યા કરવાનું હોય અને એ સાંભળીને બોલવાનું જ હોય તો તે વ્યવસ્થિત રીતે સાંભળે અને હસતાં-રમતાં શીખી જાય. દસ મહિનામાં આ બાળકો સોથી દોઢસો સંસ્કૃત શબ્દો, નાના પાંચથી સાત શ્લોક, ગુજરાતીમાં દુહાઓ, કહેવતો અને જોડકણાંઓ થકી જીવનનાં મૂલ્યો શીખે છે. રમતગમત અને સંગીતનો અહીં ભરપૂર ઉપયોગ થાય છે. ગણિત હોય કે વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન હોય કે સારી આદતો, બધું જ અહીં કોઈકને કોઈક ઍક્ટિવિટી કે રમત દ્વારા જ શીખવાય. અને હા, બધું જ ભલે ગુજરાતીમાં શીખવાતું હોય, અંગ્રેજીને એક ભાષા તરીકે ચોક્કસ શીખવાય છે.’

હાલમાં અહીં ચારથી છ અને છથી આઠ વર્ષના બાળકોનાં બે જૂથ છે. તેમને તમામ વિષયો શીખવવા માટે અલગ-અલગ શિક્ષકો પણ છે જેને વિદ્યાર્થીઓ ગુરુજી જ કહે છે. ઘણા સમય સુધી નિરાલીબહેનના ઘરમાં જ ચાલતું આ ગુરુકુળ હવે રાજેન્દ્રસૂરી જ્ઞાન મંદિરના હૉલમાં ચાલે છે. તો શું આ એક પ્રકારનું હોમ સ્કૂલિંગ જ છે? તો એના જવાબમાં નિરાલીબહેન કહે છે, ‘આ ભાર વિનાનું ભણતર અને ગણતર છે. બાળકને સ્કૂલની ઘરેડમાંથી બહાર કાઢીને તેનો સર્વાંગી વિકાસ થાય એ માટે તેની બધી જ સ્કિલ ડેવલપ કરવામાં આવે છે. અહીં ભણતાં-ભણતાં બાળકો ઓપન બોર્ડમાં એક્ઝામ આપીને તેમના રસના વિષયોને ફૉલો કરી શકે છે. આ શિક્ષણપદ્ધતિમાં બાળકની રુચિ શેમાં છે એ સમજવામાં આવે છે. બધાએ બધા જ વિષયો ભણવાના જ એવું નથી. બાળકને જેમાં વધુ રસ હોય, પ્રતિભા હોય એ ક્ષેત્રને એક્સપ્લોર કરવાનું મોકળું વાતાવરણ અહીં આપવાનો પ્રયાસ છે. મારા ગુરુકુળની તો હજી શરૂઆત છે અને આગળ હજી ઘણું છે. ગુરુકુળ વ્યવસ્થા બાળકને એક સંતુષ્ટ, આત્મવિશ્વાસથી ભરપૂર અને તેને ગમતા ક્ષેત્રે વિકાસની તકો પૂરું પાડતું માધ્યમ છે.’ આજે  સંતાનો મોટાં થાય છે પણ સંસ્કાર, વહાલથી વંચિત રહી જાય છે. પોતાની માતૃભાષા સાથે બાળકનું અટૅચમેન્ટ રાખવાથી બાળકનો સાંસ્કૃતિક વિકાસ ખૂબ જ સરસ થાય છે. પોતાની પ્રાદેશિક ભાષામાં શિક્ષણ મેળવવાથી બાળકનું ભાષા પર પ્રભુત્વ નિર્માણ થાય છે. હું માનું છું કે દુનિયાની બધી જ ભાષા શીખવી જોઈએ પણ જો પોતાની માતૃભાષા ન આવડતી હોય તો એ ભણતરનો કંઈ જ અર્થ ન ગણાય.’

columnists gujarati mid-day