24 June, 2026 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિતેશ મોદી ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશનના નૅશનલ જનરલ સેક્રેટરી, ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (CAMIT)ના ઑનરરી સેક્રેટરી તેમ જ મહાગુજરાતી સંઘ, મુંબઈના જનરલ સેક્રેટરી છે.
અત્યારના યુગમાં માત્ર ધંધો સારી રીતે કરતાં આવડે એટલું પર્યાપ્ત નથી. તમારા બિઝનેસ સંબંધિત સરકારી પૉલિસી, અધિકારો અને લીગલ પ્રોટેક્શન વિશે ઊંડાણપૂર્વક સમજવું જરૂરી છે. મોદી સરકાર જ્યારે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) લાવી ત્યારે મહત્તમ ઇલેક્ટ્રૉનિક પ્રોડક્ટ્સ પર ૨૮ ટકા GST લાગુ કરવામાં આવ્યો હતો. વેપારીઓને કન્ફ્યુઝન હતું. ટીવી પૅનલને પણ ડિસ્પ્લે કહેવાય, વેન્ડિંગ મશીન અને પેટ્રોલ-પમ્પના કિઓસ્કની આગળ જે દેખાય એને પણ ડિસ્પ્લે કહેવાય. કૅલ્ક્યુલેટર અને ઘડિયાળમાં પણ ડિસ્પ્લે હોય. આ પ્રોડક્ટ પાંચ રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધી મળે છે. મોંઘી આઇટમ પર ડ્યુટી લાગે અને બેઝિક કમ્પોનન્ટ માટે ટૅક્સ ઓછો હોય. અમે તપાસ કરી. એમાં ઇલેક્ટ્રૉનિક્સ અને ITનાં ઉપકરણોના રૉ મટીરિયલ માટે ભારતની ૮૫ દેશ સાથે ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટીની ટ્રિટી છે. વેપારીઓમાં મર્યાદિત સમજણને લીધે સરકાર સમક્ષ આ મુદ્દો રજૂ કરવા પ્રોફેશનલ્સને હાયર કરવા પડ્યા જે અમારી વાતની લીગલ ટર્મ્સ સાથે રજૂઆત કરી શકે. અંતે સાઉથ બ્લૉક - નાણાં મંત્રાલય, દિલ્હી ખાતે વિઝિટ પછી ૨૮ ટકાથી ૧૮ ટકા GST કરવામાં સફળતા મળી. આ અનુભવથી જાણવા મળ્યું કે વર્તમાન સમયમાં કોઈ પણ બિઝનેસમાં ઝંપલાવતાં પહેલાં કાયદાકીય ગૂંચવણ આવે તો શું કરવું એનું જ્ઞાન હોવું જોઈએ.
મને વધુમાં એ સમજાયું કે સરકારી નીતિઓ ઘડવામાં ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) અધિકારીની મુખ્ય ભૂમિકા હોય છે. ખરેખર તો તેઓ દેશ ચલાવે છે. ભારતીય વહીવટી સેવામાં ગુજરાતીઓનો ફાળો દેખાતો નથી. ધંધાકીય અને સામાજિક ગ્રોથ માટે આપણે સિસ્ટમમાં આવવું પડશે. નવા જમાનાના ગુજરાતી પેરન્ટ્સ સંતાનોના એજ્યુકેશન માટે જાગૃત છે. સારી સ્કૂલ, સારી કૉલજ, વિદેશ ભણવા માટે આપણે ખર્ચ કરીએ છીએ; પરંતુ UPSC જેવી કૉમ્પિટિટિવ એક્ઝામની કોઈ તૈયારી નથી. ઉત્તર પ્રદેશ-બિહારમાં બાળપણથી સંતાનોને આવી પરીક્ષાઓ માટે તાલીમ અપાય છે. હવે સમય આવી ગયો છે કે આપણે પણ એક આખી પેઢી તૈયાર કરીએ જે અમલદારશાહીમાં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરે. બાળપણથી જ કૉમ્પિટિટિવ પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપો. સિસ્ટમમાં આપણું કૉન્ટ્રિબ્યુશન જોઈએ છે. આ ફીલ્ડનો સ્કેલ વિશાળ છે. કદાચ IAS અધિકારી નહીં બની શકો તોય લાભમાં રહેશો. નૉલેજ એટલું મળશે કે બિઝનેસ અથવા નોકરીમાં તમારા અધિકારો અને પ્રોટેક્શનની ખબર પડશે, સરકારી નીતિઓને સારી રીતે સમજી શકશો. તૈયારીમાં અને તાલીમમાં જે જ્ઞાન મળશે એ વિન-વિન સિચુએશન હશે. સામાજિક ધોરણે પણ પ્રયાસો કરવા જોઈએ. ઘણી જ્ઞાતિઓ ડૉક્ટર-એન્જિનિયર બનવા આર્થિક મદદ કરે છે અથવા લોન આપે છે. હવે UPSC એક્ઝામ આપવા માગતા વિદ્યાર્થીઓ માટે અલગથી ફન્ડ બનાવવાની જરૂર છે.