લાઇફ કા ફન્ડા - માછીમાર અને બિઝનેસમૅન

22 July, 2020 08:50 PM IST  |  Mumbai | Heta Bhushan

લાઇફ કા ફન્ડા - માછીમાર અને બિઝનેસમૅન

પ્રતીકાત્મક તસવીર

એક દરિયાકિનારે એક સફળ બિઝનેસમૅન વેકેશન માટે આવ્યા હતા અને સવારના નાસ્તા બાદ દરિયાકિનારે લટાર મારી રહ્યા હતા. ત્યાં તેમણે જોયું કે એક યુવાન માછીમાર પોતાની નાનકડી નાવ કિનારા પર બરાબર લાંગરી, બે તાજી મોટી માછલી હાથમાં લઈ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. તેની જોડે વાત કરવા માટે બિઝનેસમૅને માછીમારને કહ્યું, ‘વાહ, બહુ સરસ તાજી મોટી માછલીઓ પકડી છે. કેટલો સમય લાગ્યો આ માછલી પકડતા?’ યુવાન માછીમારે ઉત્સાહથી કહ્યું, ‘આજે તો રોજ કરતાં થોડી વધુ વાર લાગી, પણ બહુ વાર લાગી નથી. હવે ઘરે જઈશ.’
બિઝનેસમૅને તેને પૂછ્યું, ‘હજી તો દિવસની શરૂઆત થઈ છે. તું વધારે વાર સમુદ્રમાં રહી વધારે માછલી કેમ નથી પકડતો.’ યુવાન માછીમારે કહ્યું, ‘મારા કુટુંબની આજની જરૂરિયાત પ્રમાણે બે માછલી આજે પૂરતી છે.’ બિઝનેસમૅને કહ્યું, ‘તો પછી હવે તું બાકીનો આખો દિવસ શું કરીશ?’
યુવાને કહ્યું, ‘આ માછલી લઈને ઘરે જઈશ. એક પત્નીને આપીશ. એક વેચી નાખીશ. પત્નીના હાથનું સરસ જમવાનું જમીશ. આરામથી સૂઈ જઈશ અને સાંજે મિત્રો સાથે ગામમાં ફરીશ. થોડો વાઈન પીશ અને
મસ્તી-મજા કરીશ.’
બિઝનેસમૅને કહ્યું, ‘આમ આખો દિવસ વેડફી ન નખાય, તું ખોટું કરી રહ્યો છે. તારે વધારે મહેનત કરી વધારે માછલીઓ પકડવી જોઈએ. તેને વેચી વધારે પૈસા કમાઈને મોટી બોટ લેવી જોઈએ. હજુ દૂર દરિયામાં જઈને વધુ માછલીઓ પકડવી જોઈએ. વધુ પૈસા કમાઈને ઘણી બધી મોટી બોટ લઈ આ વિભાગમાં તારે જ માછીમારી કરી જોઈએ.’ યુવાન માછીમારે પૂછ્યું, ‘આ બધું કેટલા સમયમાં થશે?’ બિઝનેસમૅને કહ્યું, ‘લગભગ ૨૦ વર્ષ લાગે અને નસીબ સાથ આપે તો બે વર્ષ વહેલું પણ થાય.’ યુવાન બોલ્યો, ‘૨૦ વર્ષ પછી શું?’ બિઝનેસમૅનને થયું યુવાનને મારી વાતોમાં રસ પડ્યો છે, તેણે ઉત્સાહથી આગળ સમજાવતા કહ્યું, ‘ધીમે ધીમે મોટી કંપની થતાં તેના શૅર બહાર પાડવા જોઈએ અને લોકો તારી કંપનીના શૅર ખરીદી લેશે અને તું એકદમ પૈસાદાર થઈ જઈશ.’
યુવાન માછીમારે પૂછ્યું, ‘પછી શું?’
બિઝનેસમૅને કહ્યું, ‘પછી શું? પછી બસ શાંતિ જ શાંતિ. અને આનંદ જ આનંદ...જ્યાં ગમે ત્યાં નાનો બંગલો બાંધી રહેવું; ગમે ત્યારે ગમ્મત ખાતર કે તાજી ખાવા એક કે બે માછલીઓ પકડવી. પત્ની સાથે તાજી માછલી બનાવીને જમવું. બપોરે આરામ કરવો. સાંજે જે ગમે તે કરવું જ્યાં જવું હોય ત્યાં ફરવા જવું, દોસ્તોને મળવું, વાઈન પીવો. મજા કરવી કોઈ ચિંતા જ નહીં.’
યુવાન માછીમાર હસ્યો અને બોલ્યો, ‘આ બધી મજા તો હું આજે જ કરી રહ્યો છું તેને માટે મારે ૨૫ વર્ષ સતત દોડવાની જરૂર નથી, હું ઓછી જરૂરિયાત અને મનની મોજ-મસ્તીમાં આજે જ ખુશ છું.’ તે હાથમાં બે માછલી લઈ ગીત ગાતો ઘર તરફ આગળ વધી ગયો.

heta bhushan columnists