ક્રીએટિવ હોવું એટલે જિંદગી સાથે ગળાડૂબ પ્રેમમાં હોવું

15 January, 2020 04:45 PM IST  |  Mumbai | Sejal Ponda

ક્રીએટિવ હોવું એટલે જિંદગી સાથે ગળાડૂબ પ્રેમમાં હોવું

ફાઈલ ફોટો

ક્રીએટિવ હોવું એટલે જિંદગી સાથે ગળાડૂબ પ્રેમમાં હોવું. તમે ક્રીએટિવ ત્યારે જ બની શકો જ્યારે તમે આ જીવનના સૌંદર્યમાં ઉમેરો કરવાની આકાંક્ષા રાખતા હો, તમે એમાં થોડું વધારે સંગીત ઉમેરવા માગતા હો, થોડી વધારે કવિતા ઉમેરવા માગતા હો, થોડું વધારે નૃત્ય ઉમેરવા માગતા હો

ઓશો

ક્રીએટિવ એટલે સર્જનાત્મક હોવું. જિંદગી એકધારી જિવાતી હોય છે. એટલે જ એમાં કંટાળો, થાક ઉમેરાતાં જાય છે. આ કંટાળો અને થાક ધીરે-ધીરે સ્ટ્રેસમાં પરિણમે છે. જિંદગીમાં કંઈક સર્જનાત્મક ઉમેરાતું જાય ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે.

આપણે આપણી જિંદગીના સર્જનહાર છીએ. જિંદગી પાપા પગલી ભરતી હોય ત્યારે આપણે ખૂબ ઉત્સાહી હોઈએ છીએ. એ પાપા પગલી જ્યારે મોટાં પગલાં બને છે ત્યારે પડકારો શરૂ થાય છે. આ પડકારો સામે બાથ ભીડતાં-ભીડતાં આપણી જિંદગી જીવવાના રિધમમાં ફેરફાર થતો જાય છે.

જિંદગી સાથે ગળાડૂબ પ્રેમમાં ત્યારે જ પડી શકાય જ્યારે જિંદગીમાં સૌંદર્ય ઉમેરવાની જિજીવિષા હોય. જિંદગીનું સૌંદર્ય શેમાં છે? આપણે અરીસા સામે ઊભા રહીએ ત્યારે સૌથી પહેલાં આપણો ચહેરો જોઈએ છીએ. ચહેરાની સુંદરતાને કારણે આપણને આપણું આખું શરીર સુંદર લાગે છે. જિંદગી સુંદર ત્યારે જ લાગે જ્યારે આપણે ભીતરથી ખુશ હોઈએ, સંતોષી હોઈએ. જિંદગીનો અરીસો મન છે. મનની સુંદરતાની અસર જિંદગી પર પડે છે.

જિંદગીને સર્જનાત્મક બનાવવા માટે શ્રદ્ધા, આત્મવિશ્વાસ, હકારાત્મકતા, પડકાર ઝીલવાની તૈયારી અને સ્વીકારભાવ હોવાં જોઈએ.

ઈશ્વરમાં શ્રદ્ધા હોવી એ પણ જિંદગીના સૌંદર્યનો એક ભાગ છે. દરેક વખતે ભગવાન પાસે માગવાનું ન હોય, ક્યારેક માત્ર ભરોસો મૂકવાનો હોય. જે થશે એ સારું થશે એ શ્રદ્ધા આપણને ખોટી હતાશા, નિરાશા અને નકારાત્મક વિચારોથી મુક્ત કરે છે. શ્રદ્ધા જિંદગીની સર્જનાત્મકતાનું એક અવિભાજ્ય અંગ છે.

જાત પરનો વિશ્વાસ માણસને જીવનના નવા પડકારો ઝીલવા માટે તૈયાર કરે છે. કોઈ અઘરું લાગતું કામ થશે કે નહીં એની શંકા માણસને ત્યાં જ અટકાવી દે છે. નિર્ણય કરવા માટે પણ પહેલાં જાત પર વિશ્વાસ મૂકવો પડે. આપણે ઘણી વાર આપણી જાતને એવા પ્રશ્નો પૂછીએ છીએ જે સતત ગૂંચ અને શંકા ઊભી કરે છે. કામ થશે કે નહીં? થશે તો કેવી રીતે પહોંચી વળાશે? ક્યારે પૂરું કરી શકાશે? નહીં થાય તો મારા વિશે લોકો શું વિચારશે? આવા નકામા પ્રશ્નો આપણા આત્મવિશ્વાસને તોડે છે. દરેક માણસે પોતે ક્યાં પહોંચવા માગે છે એ તો નક્કી કરવું જ પડે અને ત્યાં સુધી પહોંચવું છે એવો દૃઢ નિર્ધાર કરવો પડે. આત્મવિશ્વાસ રાખવો પડે કે હું પહોંચીશ જ. આત્મવિશ્વાસ જિંદગીને સર્જનાત્મક બનાવે છે.

એ પછી હકારાત્મકતા કેળવવી પડે. સતત નકારમાં વિચારીને આપણે ઘણુંબધું ગુમાવી દઈએ છીએ. જિંદગીને હકારમાં જોવાની દૃષ્ટિ કેળવવી જોઈએ તો જ એ સર્જનાત્મક બને છે, સુંદર બને છે. જિંદગીને પથ્થર માનો તો પથ્થર અને સોનું માનો તો સોનું છે. છેલ્લે રાખ જ થવાનું છે, પણ પથ્થર બનીને જીવવું કે સોનું બની ઝળહળવું એ તો આપણા હકારાત્મક અભિગમ પર નિર્ભર કરે છે.

પડકારો માણસને શક્તિશાળી બનાવે છે. આપણી અંદર છુપાયેલી અને આપણને ન ખબર હોય એવી શક્તિને બહાર કાઢે છે. જ્યારે આપણે નવા-નવા પડકારો લેતા થઈએ છીએ ત્યારે નવા રસ્તાઓ ખોળતા થઈએ છીએ. જે આપણે છીએ એના કરતાં વધુ બહેતર બનાવે છે. સર્જનાત્મક જિંદગી માટે પડકારોના પહાડને સાથે લઈ ચાલવું પડે. તો જ બીજાથી અલગ નોખા તરી અવાય.

જિંદગી માટેનો સ્વીકારભાવ આપણને ટાઢક આપે છે. ઈશ્વરની આપણી પર કૃપા છે એની બાંયધરી આપે છે. આપણને જે કંઈ મળ્યું છે, આપણે જે કંઈ મેળવ્યું છે એનો સ્વીકારભાવ બહુ જરૂરી છે. સંબંધોમાં સ્વભાવનો સ્વીકારભાવ જરૂરી છે. જ્યારે આપણે જિંદગી અને સંબંધો વિશેની ફરિયાદ કરવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે જે મારગમાં આવે છે એ સ્વીકારતા જઈએ છીએ. સ્વીકારભાવ જિંદગીને સર્જનાત્મક બનાવે છે. કોઈ મૂર્તિકાર પાસે થોડીક માટી હોય એમાંથી તેને મૂર્તિનું સર્જન કરવાનું હોય અને તે રડ્યા કરે કે આટલી માટીમાં તો મૂર્તિ કઈ રીતે બને તો તે ક્યારેય મૂર્તિનું સર્જન કરી જ નહીં શકે. પણ તેની પાસે જે છે, જેટલું છે એમાંથી સર્જન કરવા લાગી જશે તો મૂર્તિ ચોક્કસ બનાવી શકશે. મૂર્તિ બનાવવી આવશ્યક હોય ત્યારે એની સાઇઝ જોવાની ન હોય. એ જ રીતે જિંદગીમાં જે છે એનો સ્વીકાર કરી એને સર્જનાત્મક બનાવવાની હોય. એ પછી જ જિંદગીમાં વધારે સૌંદય, સંગીત, નૃત્ય, કવિતા ઉમેરાય.

આપણી પાસે શ્રદ્ધા, આત્મવિશ્વાસ, હકારાત્મકતા, પડકાર ઝીલવાની તૈયારી અને સ્વીકારભાવ આ બધું જ ઉમેરવાની તાકાત છે. તો જ સર્જનાત્મક બની શકાય. તો જ જિંદગીને ગળાડૂબ ચાહી શકાય. 

Sejal Ponda columnists