લગ્ન પહેલાં કપલ માટે એટિકેટ્સની ટ્રેઇનિંગ લેવાના કોર્સ થઈ રહ્યા છે હિટ

22 February, 2020 02:16 PM IST  |  Mumbai | Arpana Shirish

લગ્ન પહેલાં કપલ માટે એટિકેટ્સની ટ્રેઇનિંગ લેવાના કોર્સ થઈ રહ્યા છે હિટ

લગ્ન નક્કી થાય એટલે સૌથી પહેલાં વિચાર શૉપિંગનો અને જ્વેલરીનો આવે. અને પછી સગાઈથી લગ્ન સુધીમાં મમ્મી પોતાની દીકરીને રસોડામાં નવી-નવી વાનગીઓની રેસિપી શીખવવામાં લાગી જાય. પણ આ બધામાં તેને પોતાના નવા ઘરમાં કઈ રીતે ઍડ્જસ્ટ કરવું જોઈએ એ વાત પર ખાસ ધ્યાન નથી આપવામાં આવતું, કારણ કે પરિસ્થિતિ બધું શીખવી દેશે એવી માન્યતા છે. જોકે આજના પ્રૅક્ટિકલ વિચાર કરવાવાળા યંગસ્ટર્સ અને તેમના પેરન્ટ્સ પોતાની દીકરી અને દીકરા બન્નેને લગ્ન પહેલાં જ વ્યવહારુ કઈ રીતે બનવું એની ટ્રેઇનિંગ આપવા માટે પ્રોફેશનલ હેલ્પ લઈ રહ્યા છે. શું-શું શીખવવામાં આવે છે આવા કોર્સિસમાં એ જાણી લો.

પર્સનાલિટી ડેવલપમેન્ટ

એટિકેટ એક્સપર્ટ, સૉફ્ટ સ્કિલ ટ્રેઇનર અને ઇમેજ કન્સલ્ટન્ટ શીતલ જૈન લગ્ન પહેલાં બ્રાઇડ પૉલિશ તરીકે પણ ઓળખાતા આવા કોર્સિસ વિશે વાત કરતાં કહે છે, ‘લગ્ન પછી છોકરીઓ શૉપિંગ કરવાની ઉતાવળ કરે છે અને લગ્નના એક્સાઇટમેન્ટમાં ખરીદેલાં મોટા ભાગનાં કપડાં લગ્ન પછી કોઈ ને કોઈ કારણસર કાં તો પહેરી નથી શકતી અને કાં તો પહેરવાનું ટાળે છે. પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત આવે ત્યાં ડ્રેસિંગ સૌથી મહત્ત્વનું છે. એટલે સાસરે ગયા પછી ત્યાંના વાતાવરણ, તમારી પોઝિશન, કરીઅર વગેરેને ધ્યાનમાં રાખીને કેવાં કપડાં પહેરવાં જોઈએ એ વિશે સલાહ આપવામાં આવે છે અને એના પછી શૉપિંગ કરવામાં આવે તો તે નક્કી પૈસા વેડફાતાં પણ બચાવે છે અને સમય પણ. કપડાંની પસંદગીની વાત સિવાય પણ પર્સનાલિટી એટલે તમારો ઓવરઑલ લુક, જેમાં હેરસ્ટાઇલથી લઈને કેવી જ્વેલરી પહેરવી, ક્યાં શું પહેરવું, પાર્ટી કે આઉટિંગમાં લગ્ન પછી કેવાં કપડાં સારાં લાગે અને ઘરે ડે-વેઅર અને નાઇટવેઅરમાં શું પહેરવું એ વિશે કન્સલ્ટેશન પૂરું પાડવામાં આવે છે.’

ગુડ એટિકેટ્સ

પોતાની ઇચ્છા પ્રમાણે અબજોપતિ દુલ્હો કે દુલ્હન શોધી લીધા બાદ તેની સાથે બહાર જાઓ કે ઘરમાં પણ હો ત્યારે કેવો વ્યવહાર કરવો, કેવી બૉડી લૅન્ગ્વેજ રાખવી,  ફરવા જતા સમયે કે કોઈ ફૅમિલી ગેટ ટુગેધરમાં જતા સમયે ડાઇનિંગ એટિકેટ્સ કેવી હોવી જોઈએ અને લોકો સાથે વાત કઈ રીતે કરવી એ માટે આવા કોર્સની ખાસ ડિમાન્ડ હોય છે. દર વર્ષે મેટ્રો સિટીઝમાં આવા કોર્સમાં કે વર્કશૉપમાં ભાગ લેનારી યુવતીઓની સંખ્યા વધી રહી છે. આવા કોર્સ અમુક દિવસોથી લઈને અમુક મહિનાઓ સુધી ચાલનારા હોય છે, જેમાં તેમને મુખ્યત્વે કૉન્ફિડન્સ ડેવલપ કરી કઈ રીતે સારી એટિકેટ્સ ફૉલો કરવી એ શીખવવામાં આવતું હોય છે. આ વિશે વાત કરતાં શીતલ જૈન કહે છે, ‘પહેલાં લોકો કહેતા કે રસોઈ કરતાં આવડી જાય એટલે બસ! પણ હવે એનો જમાનો નથી. રસોઈ એક વાર નહીં પણ આવડે તો એનો બીજો પર્યાય કાઢી શકાશે, પણ જો પોતાની પર્સનાલિટી અને રીતભાતમાં જ ઠેકાણાં ન હોય તો એનો કોઈ પર્યાય નથી. એટલે જ આજે લોકો પ્રૅક્ટિકલ બની પર્સનાલિટી અને એટિકેટ્સ શીખવા પર ધ્યાન આપે છે અને કહે પણ છે કે એક વાર રસોઈ નહીં આવડે તો વાંધો નહીં, પણ રીતભાત અને વ્યવહાર સારાં હોવાં જોઈએ.’

વ્યવહારકુશળ

જૉઇન્ટ ફૅમિલીમાં રહેલાં યુવક અને યુવતીઓ નાનપણથી જ વિવિધ સ્વભાવ ધરાવતા લોકો સાથે વાતચીત કરવા માટે ટેવાયેલાં હોય છે, પણ ન્યુક્લિયર ફૅમિલીનાં સંતાનોને આ લહાવો નથી મળતો. અર્થાત્ કે બાળપણથી જ જુદા-જુદા સ્વભાવની વ્યક્તિઓ સાથે એકસાથે મળીને કઈ રીતે રહેવું જોઈએ એ તેમને નથી ફાવતું, જેને લીધે યુવતીઓ લગ્ન પછી હું ફૅમિલીમાં રહી શકીશ કે નહીં એ વિચારથી જ ડરી જાય છે અને કૉન્ફિડન્સ ગુમાવી બેસે છે. આ વિશે શીતલ જૈન કહે છે,

‘લગ્ન માત્ર બે વ્યક્તિનાં નહીં પણ બે પરિવારોનાં થતાં હોય છે અને માટે જ એકબીજાના પરિવાર સાથે મળીને કઈ રીતે રહેવું અને આત્મીયતાથી વ્યવહાર કરી સંબંધો વધુ ગાઢ કઈ રીતે બનાવવા એની પ્રોફેશનલ ટ્રેઇનિંગ આપવામાં આવે છે. કોર્સ દરમિયાન કેટલાંક સેશન યુવક અને યુવતી બન્નેના પેરન્ટ્સ સાથે પણ કરવામાં આવે છે જેમાં વાતચીત અને કેટલીક ગેમ્સની મદદથી લગ્ન પહેલાં જ સ્વભાવને સમજી વ્યવહારકુશળ કઈ રીતે બનવું એ વિશે જણાવવામાં આવે છે. એ ઉપરાંત સામેવાળાની કઈ વાત પર કેવું રીઍક્શન આપવું, વાત સાંભળવી, ગુસ્સા પર કાબૂ રાખી કઈ રીતે વર્તવું એ પણ કોર્સમાં શીખવવામાં આવે છે.’

હું કે તું નહીં, આપણી વાત

લગ્ન થાય ત્યાં સુધી આજની જનરેશન પોતાના શોખ કે જરૂરિયાતો પર જ ધ્યાન આપતી હોય છે. પણ લગ્ન થાય એટલે આ વાત ‘આપણા’ પર આવી જવાની હોય છે. પહેલાં સારું વર્તન કરવા માટે યુવા પેઢી પર સમાજનો કે પરિવારનો ડર કે સોશ્યલ પ્રેશર હતું. પણ આજે આ જનરેશન લોકો શું કહેશે એ વાતનો વિચાર નથી કરવા માગતી. એને લીધે તેઓ પોતાના નૅચરલ સ્વભાવમાં જ એટલી કુશળતા લાવવા માગે છે કે કોઈના પ્રેશર હેઠળ સ્વભાવ વિરુદ્ધ અને દેખાડા પૂરતું સારું વર્તન કરવાને બદલે તેઓ આવા કોર્સ કરીને સ્વભાવ અને ઓવરઑલ પર્સનાલિટી જ સુધારી લેવા માગે છે.

ગાયનેકોલૉજિસ્ટ સાથે સેશન

શીતલ જૈન કહે છે, ‘પર્સનાલિટી ડેવલપમેન્ટનો અર્થ ફક્ત બહારથી સારા અને સુંદર લાગવાનો નથી. બીજું કોઈ કરે એ પહેલાં છોકરીઓમાં પોતાની જાતને ઍક્સેપ્ટ કરવાનો ગુણ હોવો જરૂરી છે. એટલે જ આવી વર્કશૉપમાં એક સેશન ગાયનેકોલૉજિસ્ટ સાથે પણ રાખવામાં આવે છે જેથી તેઓ પોતાના શરીર વિશે વધુ કૉન્ફિડન્ટ બને તેમ જ કોઈ પ્રૉબ્લેમ હોય તો એ વિશે પણ ખુલ્લા મને સલાહ માગી શકે.’

દુલ્હાઓ પણ પાછળ નથી

આપણા સમાજમાં હજીયે જમાઈને તે જેવો હોય એવો ઍક્સેપ્ટ કરી લેવામાં આવે છે પણ વહુને ઍક્સેપ્ટ કરવામાં દિલ એટલું સાફ અને ખુલ્લું નથી રાખવામાં આવતું અને માટે જ આજની તારીખમાં આવાં પ્રી-વેડિંગ ગ્રૂમિંગ કોર્સની માગ વધી છે. જોકે આ કોર્સ ફક્ત છોકરીઓ જ કરે છે એવું માનતા હો તો ખોટું છે. ઇમેજ સુધારવા માટેના અને સારી એટિકેટ શીખવા માટેના આ કોર્સિસ યુવકો પણ કરે છે જે તેમની એક સ્ત્રી કે નવી લાઇફ-પાર્ટનરને સમજવાની, તેની સાથે સારો વ્યવહાર કરવાની આવડતને કેળવે. આ સિવાય પુરુષો પોતાની કૉર્પોરેટ અને લીડરશિપ સ્કિલ સુધરે એના પર પણ ખાસ ધ્યાન આપે છે. જોકે આવા પુરુષોની સંખ્યા દર ૧૦ સ્ત્રીઓ સામે બેની જ છે.

પહેલાં લોકો કહેતા કે રસોઈ કરતાં આવડી જાય એટલે બસ! પણ હવે એનો જમાનો નથી. રસોઈ એક વાર નહીં પણ આવડે તો એનો બીજો પર્યાય કાઢી શકાશે, પણ જો પોતાની પર્સનાલિટી અને રીતભાતમાં જ ઠેકાણાં ન હોય તો એનો કોઈ પર્યાય નથી. એટલે જ આજે લોકો પ્રૅક્ટિકલ બની પર્સનાલિટી અને એટિકેટ્સ શીખવા પર ધ્યાન આપે છે અને કહે પણ છે કે એક વાર રસોઈ નહીં આવડે તો વાંધો નહીં, પણ રીતભાત અને વ્યવહાર સારાં હોવાં જોઈએ

- શીતલ જૈન

arpana shirish columnists weekend guide