જલસા કરો : મનોરંજન કરવા નાટકો જલદી પધારી રહ્યાં છે

12 November, 2020 03:59 PM IST  |  Mumbai | Latesh Shah

જલસા કરો : મનોરંજન કરવા નાટકો જલદી પધારી રહ્યાં છે

ગુજરાતી રંગભૂમિના ચહિતા કલાકારો (ડાબેથી જમણે) દિલીપ રાવલ, સુજાતા મહેતા, સુરાલી  જોષી, યોગેશ સંઘવી, નિમેષ શાહ, કિરણ ભટ્ટ, લતેશ શાહ. (પાછલી લાઇન) વિજય રાવલ,  રાજુ જોષી, ભૌતેષ વ્યાસ.

તા. ૮-૧૧-૨૦૨૦નો દિવસ મુંબઈ રંગભૂમિ માટે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. કોરોનાકાળના કપરા લૉકડાઉન બાદ પહેલી વાર પૉકેટ થિયેટરમાં નાટક ‘સુજાતા રંગરંગીલી’ ભજવાયું. યોયોયો!!!!

આ વખતનો આર્ટિકલ ફરીથી જીવંત થતી રંગભૂમિને મુબારક. ૮ નવેમ્બરે સવારે ૧૧ વાગ્યે નાટકના કલાકારો, મહિનાઓ બાદ પહેલી વાર પ્રાઇમ મૉલ પૉકેટ થિયેટરમાં ભેગા થઈને ખાધું, ના પીધું અને લાગણીસભર શૅરિંગ કરીને વાતાવરણને ભાવવિભોર કરી નાખ્યું.                  
  મહિનાઓ બાદ ભેગા થઈને રંગદેવતાના ચરણે, કંકુનો સાથિયો કરીને, નાળિયેર પર કંકુ છાંટીને, સુરાલી જોષીએ ગણપતિબાપ્પાના મંત્રથી સૌનો સાથ લઈને શુભારંભ કર્યો, ‘ૐ વક્રતુંડ મહાકાય, સૂર્ય કોટિ સમપ્રભ, નિર્વિઘ્નં કુરુ મેં દેવ, સર્વકાર્યેષુ સર્વદા’. એ પછી બધાએ પોતપોતાના નાટ્યગુરુ અને જીવનગુરુને યાદ કરીને દિલથી નાદ કર્યો, ‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર! ગુરુઃ સાક્ષાત પરં બ્રહ્મ! તસ્મૈ શ્રીગુરવે નમઃ! તખ્તાને પગે લાગી, ભીની આંખે, બધા રંગકર્મીઓએ, રંગદેવતાની રંગભૂમિનો શ્લોક બોલીને આરાધના કરી, ‘ૐ આંગિકમ ભુવનમ યસ્ય, વાચિક્મ સર્વ વાંગ્મયમ, આહાર્યમ ચંદ્ર તારાદિ, ત્વમ નમહ સાત્ત્વિકમ શિવમ.’ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ! બોલો પાર્વતી પત્યે હર હર મહાદેવના નાદથી પ્રાઇમ મૉલ અને ડબ્લ્યુએચડીસી પૉકેટ થિયેટરને ગજાવી દીધું. નાળિયેર વધેરી, બધાને અમીછાંટણાં કરી, મેં અને સુજાતા મહેતાએ બધા કલાકારોને કંકુનો ચાંદલો કર્યો. બધાની આંખોમાં બે પ્રકારનાં આંસુઓ ઝળકતાં હતાં. એક તો મહિનાઓ સુધી તખ્તા સાથેના વિયોગનાં આંસુ હતાં અને બીજાં ફરીથી તખ્તો ધમધમશે એની આશામાં હર્ષનાં આંસુ હતાં. પુષ્કળ કલાકારોને પૉકેટ થિયેટરમાં પધારવું હતું, પણ ઉંમરને કારણે, કુટુંબીજનોના દબાણને કારણે આવી ન  શક્યા. બધાએ દિલથી દાદ આપીને શુભેચ્છા પાઠવી. સૌ કલાકાર ભાઈ-બહેનોનો ખૂબ ખૂબ આભાર. જેટલા કલાકારો પૉકેટ થિયેટરમાં આવ્યા તેમના ચહેરા પર પ્રેક્ષકો અને કલાકારોનો ઉત્સાહ-ઉમંગથી ઉત્સવમાં રંગભૂમિ ફરી જોરશોરથી ઊંચકાશે એનો અદમ્ય વિશ્વાસ ઝળકતો હતો. 

સુજાતા મહેતા ‘સુજાતા રંગરંગીલી’માં

બધાને ઑક્સિમીટર, ટેમ્પરેચર-મીટરથી ચકાસી, સૅનિટાઇઝરથી હાથ ધોવડાવીને થિયેટરમાં પ્રવેશ અપાયો અને એકબીજાથી પાંચ ફુટના ડિસ્ટન્સ પર બેસાડ્યા. બધાએ ભેટવા કે હૂંફથી હાથ મેળવવાની જગ્યાએ દિલથી અને ખુશીથી એકબીજાને નમસ્તે કર્યા. અત્યાર સુધી હું બધાને ગુણાનુવાદ સભામાં ભેગા કરતો હતો જેથી બધા એકબીજાને ઑનલાઇન મળી શકે, જોઈ શકે. ગયેલા અને રહેલા કલાકારમિત્રોને વખાણી, વખોડી, વાગોળી શકે.  પહેલી વાર થોડા ઘણા કલાકારો પ્રત્યક્ષ ભેગા થયા એની ખુશી જ અનેરી હતી, સોનેરી હતી. 
બધાએ ચા પીધી. લાડુનો પ્રસાદ ખાધો. પાંઉભાજી અને બિરયાનીનું ભોજન સાથે આરોગ્યું. જાણે એક પરિવાર સાથે જલસા કરતો જમવા બેઠો હોય એટલો આત્મીય આનંદ વર્તાયો. બધા સ્ટેજ પર લાઇવ ભજવવા માટે થનગનવા લાગ્યા. 
બધા કલાકારોએ પર્ફોર્મ કર્યું, શૅર કર્યું.
મેં શરૂઆત કરી એમ કહીને કે જે દેશ કે રાજ્ય કે શહેરમાં નાટકો નથી થતાં ત્યાં સંસ્કૃતિ અને સંસ્કારનો સમાજમાં જન્મ જ નથી થતો અને બધા પધારેલા કલાકારોને એક પછી એક સ્ટેજ પર આમંત્ર્યા. 
સુજાતા મહેતાએ નવરસનો જબરદસ્ત પર્ફોર્મન્સ આપ્યો. દિલીપ રાવલે શકુનિમામાનો રોલ અદ્ભુત રીતે ભજવ્યો. બકુલ ઠક્કરે મોનોલોગ રજૂ કરીને રમત રમાડી જલસો કરાવ્યો. ‘કોડ મંત્ર’ અને ‘યુગપુરુષ’ના ડિરેક્ટર રાજુ જોષીએ સરસ પર્ફોર્મન્સ આપ્યો અને નાટકો ફરીથી રંગભૂમિ પર ભજવાશે એની ખુશી વ્યક્ત કરી.  કિરણ ભટ્ટે નિર્માતાઓની અને ડિરેક્ટરોની કૉપી કરી મિમિક્રી કરીને બધાને હસાવ્યા. સુરાલીએ નાટકો સાથે રહેવાના આનંદનું વર્ણન કર્યું. 
યોગેશ સંઘવીએ લતેશ શાહના સ્ટ્રીટ-પ્લે ‘ભારત હમારી માતા હૈ તો બાપ હમારા હીજડા હૈ?’ ૪૦ મિનિટના નાટકના સવારે ૬થી રાતે ૧૨ વાગ્યા સુધી ૨૧ પ્રયોગ ચર્ચગેટથી બોરીવલી સુધી કર્યા. દરેક સ્ટેશને હજારો  પ્રેક્ષકો નાટક જોવા ટોળે વળતા અને કલાકારો વગર માઇકે બધાને સંભળાય એ રીતે ચિલ્લાઈને, બૂમો પાડીને બોલતા અને રસ્તા પર લોકો પિનડ્રૉપ સાઇલન્સ સાથે નાટક જોતા અને સાંભળતા એનું વર્ણન કર્યું. રાજકોટના ઢેબર ચોકમાંય હજારો લોકો આ શેરીનાટક જોવા ભેગા થયેલા. કલાકારોના ગળામાંથી લોહી પડતું જોઈને યોગેશ સંઘવી કેવો બદલાઈને થિયેટરમાં જોડાયો એની રસિક વાત કરી. વિજય રાવળે સાહિત્યકાર બકુલ રાવળનો પુત્ર હોવા છતાં આડાઅવળા રસ્તે ચડી જવાથી જિંદગીની થતી પાયમાલીને શૅર કરી. કેવી રીતે બગડેલા એને થિયેટરે બચાવ્યો, બદલ્યો અને નાટ્યકલાકાર અને નિર્માતા બનાવ્યો. નિર્માતા-કલાકાર નિમેષ શાહે પોતાની સફળતાનું શ્રેય કિરણ ભટ્ટ અને રસિક દવેને આપ્યું. વિશાલ શાહે ટેક્નિકલી બધાના પર્ફોર્મન્સમાં સપોર્ટ આપ્યો અને ભૌતેષ વ્યાસે રંગભૂમિનાં સંભારણાં અને અસ્પી થિયેટરના મૅનેજમેન્ટ ઑથોરિટી તરીકે થઈ શકે એટલો સહકાર આપવાનું આશ્વાસન આપ્યું. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હાજર રહેલા બધા કલાકારોનો ખૂબ ખૂબ આભાર પૉકેટ થિયેટરમાં પધારવા બદલ. કોઈને થિયેટરમાંથી બહાર નીકળવાનું મન નહોતું થતું. બધાને થયું કે કલાકારોએ મહિનામાં એક વાર તો મળવું જ જોઈએ. ૧૧ વાગ્યે ભેગા થયેલા બધા પરિવારજનો  છેક નાછૂટકે છેવટે ત્રણવાગ્યે છૂટા પડ્યા. એક જ અફસોસ રહી ગયો કે ગુજરાતી રંગભૂમિનો તરવરિયો, ઍક્ટર-ડિરેક્ટર વિપુલ વિઠલાણી નાદુરસ્ત તબિયતને કારણે જોડાઈ ન શક્યો. આ પ્રસંગને ઊજવવામાં અને બધાને આમંત્રણ આપવામાં તેનો મુખ્ય હાથ અને સાથ હતો. કૌસ્તુભ ત્રિવેદી ન જોડાઈ શક્યો, કારણ કે તેના કાકા લંકેશ અરવિંદ ત્રિવેદીનો જન્મદિવસ હતો. ૬૦થી વધુ ઉંમરના બધા કલાકારોને બને ત્યાં સુધી આમંત્ર્યા નહોતા. હું આમંત્રક અને યજમાન હોવાથી અપવાદ હતો. 
થિયેટરોમાં ૫૦ ટકા પ્રેક્ષકો સાથે નાટકો ભજવવાની છૂટ આપવા બદલ રાજ્ય સરકારનો અને ૯૩ વર્ષના એક્સ એમપી, રિલાયન્સ સહિત ૧૮ કંપનીમાં આજે પણ ડિરેક્ટર તરીકે સર્વિસ આપનાર વાય. પી. ત્રિવેદીનો આભાર, જેમણે અમારા વતીથી અરજી શરદ પાવરને પહોંચાડી એવા એવર યંગ વાયપીજી, આપનો ખૂબ-ખૂબ આભાર. 
બધાના પ્રસ્થાન બાદ સંતોષ અને આનંદસભર સરસમજાની અડધા કલાકની નેપાલ એટલે કે ઊંઘ ખેંચી કાઢી.  ૪ વાગ્યે જલસાથી જાગીને ચહેરા અને મનમાં તાજગી લાવીને ચાની ચૂસકી લગાવીને સાંજે ૬ વાગ્યાના શોની તૈયારી આરંભી દીધી. વિશાલ શાહ લાઇટ ગોઠવવા લાગ્યો. એ કમાલનો પરોપકારી જીવ છે. જ્યારે પણ ફ્રી  હોય ત્યારે નિઃસ્વાર્થ ભાવે પૉકેટ થિયેટરમાં મદદ કરવા આવી પહોંચે. થોડી વારમાં દેવલ મિસ્ત્રી આવી ગયો અને તેણે મ્યુઝિકની બધી ક્યુ ચેક કરી દીધી. વિશાલ શાહ અને દેવલ મિસ્ત્રી બન્નેએ અમારા વર્લ્ડ હ્યુમન ડેવલપમેન્ટ સેન્ટરના ઘણા સેમિનાર ટ્રેઇનિંગ અને ટ્રાન્સફૉર્મેશન માટે કર્યા છે. તેઓ તેમના કામ પ્રત્યે એટલા કમિટેડ છે કે તેમને કાંઈ કહેવું ન પડે. વિશાલ તો સવારે સાડાસાત વાગ્યે મારા યોગ ક્લાસમાં પણ આવે એટલે દરેક વાત ઇશારામાં સમજી જાય. 
તેને ખબર હતી કે ‘સુજાતા રંગરંગીલી’નો ૭૫મો શો અને કોરોનાના સમય દરમ્યાન ૭ મહિના બાદ પહેલો પ્રયોગ હતો. લોકો આવશે કે નહીં એનું ટેન્શન મન પર હતું. ખુશી એક જ વાતની હતી કે દુનિયામાં કે ભારતમાં કે મુંબઈમાં ‘સુજાતા રંગરંગીલી’ને કોરોના બાદ પ્રથમ ભજવાયેલા નાટકની ક્રેડિટ મળશે. 
નાટકની જાહેરાત કરી નહોતી. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર પબ્લિસિટી કરવાનો સમય મળ્યો નહોતો. ફક્ત વૉટ્સઍપના સહારે શો કર્યો હતો. 
સુજાતા મહેતા એક અલગારી અદાકાર હતી. તેની સામે પાંચ પ્રેક્ષકો બેઠા હોય કે પાંચ હજાર પ્રેક્ષકો બેઠા હોય, તેના અભિનયમાં એ જ ઉત્કટતા અને ઉત્કૃષ્ટતા હોય. તે એક એવી કલાકાર છે કે તેણે સ્ટેજ મળે અથવા સામે કૅમેરા મંડાય તે પોતાના પાત્રમાં ઓતપ્રોત થઈ જાય. દેહપ્રવેશને કરીને સુજાતામાંથી પાત્રના ખોળિયામાં  ગોઠવાઈ જાય અને જેવી એક્ઝિટ મારે કે તરત સુજાતા મહેતામાં પ્રવેશ કરે. 
જેમ કાંટો ૬ તરફ આગળ વધવા લાગ્યો એમ ચહેરા પરની નસો તણાવા લાગી. ભવાં ઉપર
ચડવા લાગ્યાં. 
લાઇટ રેડી, મ્યુઝિક રેડી, સેટ રેડી, આર્ટિસ્ટ તરીકે સુજાતા મેકઅપ અને કૅરૅક્ટર કૉસ્ચ્યુમ સાથે રેડી થઈને પાત્રમાં ધ્યાનસ્થ થઈ ગઈ હતી. હું પ્રેક્ષકો આવે તો તૈયાર થાઉંનો મંત્રજાપ કરતો હતો. પોણાછ વાગી ગયા, એકપણ પ્રેક્ષક દૂર સુધી નજર કરીએ તો દેખાતો નહોતો. ‘શું થશે? પ્રેક્ષકો આવશે કે નહીં આવે તો?’નો સ્ટ્રેસ  મારા ચહેરા પર ચાડી ખાતો હતો. લોકો આવશે કે નહીં. જોઈએ આવતા ગુરુવારે. 


માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
આ લ્યો ગ્યા 
કમલેશ દીપક પરેશ ઉત્તમ ગ્યા. 
આપણેય ક્યાં રોકાવાના 
આપણેય જવાના. 
જતાં પહેલાં રાગદ્વેષને કરો રવાના. 
વેરઝેર કો હૈ ફુટાના 
મનદુઃખ કો હૈ મિટાના 
ગુસ્સાને ઘટાના 
નિંદા, શક કો હૈ ભગાના 
જલસામાં જીવવાના. 
સમજ્યા 
એટલે જ કહું છું...  
માણો અને મોજ કરો

latesh shah columnists