ખુશ હમણાં જ રહો (લાઇફ કા ફન્ડા)

02 March, 2021 11:16 AM IST  |  Mumbai | Heta Bhusha

ખુશ હમણાં જ રહો (લાઇફ કા ફન્ડા)

ખુશ હમણાં જ રહો (લાઇફ કા ફન્ડા)

એક દિવસ દરિયાકાંઠે ફરતાં ફરતાં બે મિત્રો થાક્યા અને ઠંડી હવામાં બે ઝાડ વચ્ચે બાંધેલા ઝૂલામાં આરામ ફરમાવવા લાગ્યા. બન્ને મિત્રો આરામથી ઝૂલી રહ્યા હતા અને ઠંડી હવાનો આનંદ માણી રહ્યા હતા ત્યારે એક મિત્ર ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો, જાણે કોઈ દીવાસ્વપ્ન જોતો હોય. થોડીવારમાં તેના મુખ પર એક મોટું સ્મિત ફરક્યું. મિત્રને હસતો જોઈ બીજા મિત્રે પૂછ્યું, ‘અરે વાહ દોસ્ત! શું વિચારી એકલો એકલો હસે છે?’
મિત્રએ કહ્યું, ‘અરે દોસ્ત હું એ દિવસનો વિચાર કરી રાજી થતો હતો કે જે દિવસે હું સાચે એકદમ ખુશ હોઈશ.’ બીજા મિત્રે પૂછ્યું, ‘ક્યારે આવશે
એ દિવસ જે દિવસે તું સાચે એકદમ ખુશ હોઈશ?’
મિત્રે કહ્યું, ‘જ્યારે હું મારું પોતાનું મોટું દરિયાકિનારાની સામે ઘર ખરીદી લઈશ, બે મોટી સરસ ગાડી લઈશ, ઘણા બધા રૂપિયા કમાઈને બચત કરી લઈશ. સુંદર છોકરી સાથે લગ્ન કરીશ, મને બે દીકરા હશે તેમને ભણાવી ગણાવી મોટા કરીશ, તેઓ સારી નોકરી કરી ખૂબ બધા પૈસા કમાતા હશે અને... પછી...’
બીજા મિત્રે પોતાના મિત્રની સ્વપ્નયાત્રા અટકાવતા કહ્યું, ‘અરે વાહ દોસ્ત, શું મોટાં સરસ સપનાં છે તારા... હું સમજી ગયો કે તું સાચે જ એકદમ ખુશ હોઈશ તે દિવસ ક્યારે આવશે. બહુ જલદી તો નહીં આવે, તારે ઘણી મહેનત કરવી પડશે ખરુંને!’
મિત્રે કહ્યું, ‘હા દોસ્ત, સાચે એકદમ ખુશ થવું હોય તો મહેનત તો કરવી જ પડે ને... અને હું કરીશ.’ બીજા મિત્રે કહ્યું ‘ચાલ દોસ્ત, વાતને આગળ વધારીએ... તારાં બધાં સપનાં પૂરાં થાય અને તું સાચે એકદમ ખુશ થઈ શકે તે દિવસ આવી જાય પછી તું શું કરીશ?’
મિત્રે કહ્યું, ‘બસ દોસ્ત એ દિવસ જીવનમાં આવી જશે, બધાં સપનાં પૂરાં થઈ જશે, એકદમ ખુશ થઈ હું સદા ખુશ રહીશ. સરસ ગીત ગણગણતા મારા દરિયાકાંઠાના ઘરમાં આરામથી પગ પર પગ ચડાવી આરામ કરીશ, ઠંડી હવામાં ઝૂલીશ, સૂર્યપ્રકાશમાં નાહીશ.’
બીજા દોસ્તે પહેલાં મિત્રને કહ્યું, ‘દોસ્ત સપનાં ભલે તું જો પણ વર્ષો બાદ, ઘણીબધી મહેનત બાદ લગભગ જીવન પૂરું કર્યા બાદ તું જે આનંદ માણવાની વાત કરી રહ્યો છે તે તો આપણે હમણાં જ માણી રહ્યા છીએ અને માણી શકીએ તેમ છીએ... માટે તું આજે જ હમણાં જ એકદમ સાચે ખુશ રહે અને રોજ ખુશ રહે, જીવન તો વહેતું રહેશે.’ મિત્ર સમજી ગયો, ખુશ થઈ ગયો.

heta bhushan columnists