બધાથી અલગ બનો... (લાઇફ કા ફન્ડા)

27 February, 2020 08:27 PM IST  |  Mumbai Desk | Heta Bhushan

બધાથી અલગ બનો... (લાઇફ કા ફન્ડા)

એક રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ એક પાંજરામાં પાંચ વાંદરાઓને સાથે રાખ્યા. પાંજરામાં વચ્ચે એક સીડી રાખવામાં આવી હતી અને સીડીની બરાબર ઉપર વાંદરાઓને બહુ ભાવતા કેળાં લટકાવવામાં આવ્યા હતા. પ્રયોગમાં એમ કરવામાં આવતું કે જેવો એક વાંદરો કેળાં લેવા ઉપર ચઢે એટલે બીજા ચાર વાંદરાઓ પર એકદમ ઠંડાં પાણીનો મારો કરવામાં આવતો. પાંચ વાંદરાઓ એક-એક વાર ચઢ્યા અને બીજા ચાર પર ઠંડાં પાણીનો મારો થતો, એટલે પછી એવું થયું કે જો કોઈ વાંદરો સીડી પાસે પણ જાય તો અન્ય ચાર ઠંડાં પાણીથી બચવા સીડી પાસે ગયેલા વાંદરાને મારીને ઉપર ચઢતાં અટકાવતા. હવે પાંચે વાંદરાને કેળાં ખાવાનું મન હતું, પણ ઠંડાં પાણીનો માર અને બીજા સાથીઓના મારના ડરથી કોઈ આગળ વધવાની હિંમત ન કરતું.

હવે પ્રયોગને આગળ વધારતાં વૈજ્ઞાનિકોએ એક-એક વાંદરાને પાંજરામાં બદલવાનું શરૂ કર્યું અને પહેલો નવો વાંદરો કેળાં જોઈને તરત સીડી ચઢવા જતો અને બીજા વાંદરા તેને મારતા. બે ત્રણ વાર માર ખાધા પછી તે સમજી ગયો કે સીડી પાસે જવાથી માર પડે છે અને સીડી પાસે ન જતો. પછી બીજો નવો વાંદરો આવ્યો. તે સીડી પાસે ગયો તો જૂના ત્રણની સાથે પહેલો નવો વાંદરો પણ તેને મારવા લાગ્યો. તેને ઠંડાં પાણીના મારનો કોઈ અનુભવ નહોતો, તે કારણ જાણતો નહોતો તો પણ...અને આમ જૂના વાંદરા નીકળતા ગયા અને નવા વાંદરા આવતા ગયા...પણ જે નવો વાંદરો સીડી પાસે ચઢવા જાય તેને બીજા મારતા. પાંજરામાં બધા નવા વાંદરા થઈ ગયા જેમને ક્યારેય કોઈ વાંદરો સીડી ચઢે તો બીજાને ઠંડાં પાણીનો માર સહન કરવો પડ્યો નહોતો...છતાં બસ બીજા મારતા હતા તે જોઈને તેઓ પણ સીડી પાસે જનાર વાંદરાને મારતા હતા. સાચું કારણ તેમને ખબર જ નહોતી. અને દરેક વાંદરાને એમ જ લાગતું હતું કે અહીં તો આમ જ કરવાનું હોય.

આવું જ જીવનમાં થાય છે. જેમ થતું હોય, જેમ લોકો કરતા હોય તેમ જ કરતા રહીએ તો ક્યારેય અલગ ઓળખ ઊભી નહીં કરી શકીએ, ક્યારેય કોઈ બદલાવ નહીં લાવી શકીએ. બદલાવ લાવવા, પોતાની અલગ ઓળખ ઊભી કરવા જુદું વિચારો...આંધળું અનુકરણ અને જેમ ચાલતું આવે છે તેમ જ કરવું તે વિચાર બદલો.

heta bhushan columnists