જીવન મેં ઐસે ખિલાડી બનો જો ગોલ કે લિએ દૌડતા હૈ

20 January, 2020 03:46 PM IST  |  Mumbai Desk | pravin solanki

જીવન મેં ઐસે ખિલાડી બનો જો ગોલ કે લિએ દૌડતા હૈ

સ્વામી વિવેકાનંદની ૧૫૧મી જન્મજયંતી ઊજવાઈ રહી છે એ નિમિત્તે ‘આજની યુવા પેઢી ક્યાં જઈ રહી છે?’ એ વિષયના પરિસંવાદમાં વક્તા તરીકે જવાનું થયું. આવા પરિસંવાદો મોટે ભાગે ઔપચારિક હોય છે. કોઈ મહાનુભાવની જન્મજયંતી કે મૃત્યુતિથિએ કાર્યક્રમ યોજવાની પરંપરા નિભાવાતી હોય છે. વક્તા આ બખૂબી જાણતો હોય છે. એટલે તે પણ આ બાબત ગંભીર હોતો નથી. ઉપરછલ્લી વાતો કરી કર્તવ્ય નિભાવ્યાનો સંતોષ લઈ લેતો હોય છે.

એક વકીલે આરોપીને પૂછ્યું, ‘તમે તમારી પત્નીને હજી પણ મારો છો?’ સવાલ બહુ દ્રોહી હતો, ચતુરાઈભર્યો. જો આરોપી હા પાડે તો સાબિત થાય કે તે પહેલાં પણ મારતો હતો અને હજી પણ મારે છે. જો ના પાડે તો પણ સાબિત થાય કે પહેલાં મારતો હતો, હવે નથી મારતો. ‘આજની યુવા પેઢી કયાં જઈ રહી છે?’ આ સવાલ પણ અટપટો છે. પ્રશ્નાર્થ મૂકીને એને ગર્ભિત બનાવી દીધો છે. પ્રશ્નાર્થ ગર્ભિત રીતે એ સૂચવે છે કે યુવા પેઢી આડે માર્ગે જઈ રહી છે. જો કોઈ વક્તા એવું પ્રતિપાદન કરે કે આજની યુવા પેઢી બહુ આગળ નીકળી ગઈ છે, આજના યુવાનોમાં જોશ છે, હોંશ છે, શક્તિ છે, સામર્થ્ય છે, જ્ઞાન છે, માહિતીનો ભંડાર છે, મોટી-મોટી ડિગ્રીઓ છે, સ્વતંત્ર વિચારો છે તો કદાચ શ્રોતાઓને ગમશે નહીં. મારું આ વિધાન પડકારી શકાય એવું છે એ હું જાણું છું.
તો શું કામ મેં આવું વિધાન કર્યું-લખ્યું? પ્રેક્ષકોની નાડ હું જાણું છું. આવા પરિસંવાદોમાં શ્રોતાઓની સંખ્યા કેટલી હોય છે? એ સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો, સભ્યોમાંથી ૨૦-૩૦ ટકા જેટલા શરમે-શરમે આવેલા હોય છે. કેટલાક આમંત્રિતોને ફરજિયાત હાજરી આપવી પડતી હોય છે, શાળા-કૉલેજ સાથે સંકળાયેલી સંસ્થાઓ હોય તો વિદ્યાર્થીઓને ફરજિયાત પ્રેક્ષકો બનવું પડે છે. બે-પાંચ ટકા શ્રોતાઓમાં વક્તાઓના કુટુંબીજનો કે સગાંવહાલાં મિત્રો હોય છે.
મૂળ વાત એ છે કે આવા સાહિત્યિક વિષયમાં લોકોને રસ રહ્યો જ નથી. એમાં પણ યુવા પેઢીને તો નહીં જ. વરસમાં હું ૪૦-૫૦ આવા સમારંભોનો ભાગ હોઉં છું, મેં જોયું છે કે મોટે ભાગે શ્રોતાઓ ૫૦ વરસથી ઉપરના જ હોય છે. એમાં પણ રસિક પ્રેક્ષકો તો બહુ જ ઓછા, ટાઇમપાસવાળા વધારે. અસંખ્ય જગ્યાએ મારે પંક્તિઓ કહેવી પડી છે કે
પાદરડું ખેતર ને પગમાં વાળા એટલું ન દેજે દ્વારકાવાળા
અંધારી રાત ને બળદિયા કાળા એટલું ન દેજે દ્વારકાવાળા

વઢકણી વહુ ને પડોશમાં સાળા, એટલું ન દેજે દ્વારકાવાળા
અરસિક પ્રેક્ષકો ને ટાઇમપાસવાળા, એટલું ન દેજે દ્વારકાવાળા
આવી પરિસ્થિતિમાં વક્તાએ વિષયને વળગીને વાત કરવી ખૂબ જ મુશ્કેલ થઈ પડે છે. બહુ સાવધાન રહેવું પડે છે. બજાણિયાની જેમ તંગ દોરડા પર સમતોલ ચાલવાની કળા હોવી જોઈએ. વકતા પાસે-સામે હંમેશાં એક યક્ષ પ્રશ્ન હોય છે, શ્રોતાઓને રીઝવવા કે વિષયને વળગી રહેવું? કુશળ વક્તા બન્નેનું મિશ્રણ કરે છે.
આજની યુવા પેઢી ક્યાં જઈ રહી છે એ વિષય પર બોલતાં મેં પહેલો પ્રશ્ન કર્યો, ‘યુવા પેઢી ક્યાં જઈ રહી છે એ પછીથી જોઈશું, પણ જે પ્રસંગ નિમિત્તે આ પરિસંવાદ યોજાયો છે એ વિવેકાનંદને કેટલા યુવાનોએ વાંચ્યા હશે? ઓળખતા હશે? તેમના કાર્યક્રમને જાણતા હશે? આ પ્રશ્ન હું એટલા માટે પૂછું છું કે ગયા મહિને હું ગુજરાત હતો. ત્યાં એક નાટ્ય શિબિરમાં મેં સવાલ કર્યો કે કાલિદાસનું ‘શાકુંતલ’ કેટલાએ વાંચ્યું છે? એક પણ આંગળી ઊંચી ન થઈ. રઘુનાથ બ્રહ્મભટ્ટ કોણ હતા? કૃષ્ણલાલ શ્રીધરાણીના પ્રખ્યાત એકાંકીનું નામ શું છે? આ અને આવા ઘણા પ્રશ્નો નિરુત્તર રહ્યા. હવે તમે જ કહો યુવા કલાકારો ક્યાં જઈ રહ્યા છે?’
આ તો એક ‘સામાન્ય’ દાખલો છે. અને આવા એકાદ-બે દાખલાથી આખી યુવાન પેઢીને વખોડી શકાય નહીં. આપણી એક સર્વસામાન્ય ખાસિયત રહી છે કે અનાદિકાળથી જૂની પેઢી નવી પેઢીને વગોવી રહી છે, વગોવતી આવી છે. આપણે જ્યારે કોઈની સામે એક આંગળી ચીંધીએ છીએ ત્યારે બાકીની ચાર આંગળીઓ આપણી સામે હોય છે એ ભૂલી જઈએ છીએ. કોઈ પણ વાદ કે વિવાદમાં એક હાથે તા‍ળી પડતી નથી. બન્ને પક્ષો વત્તે ઓછે અંશે જવાબદાર હોય છે. નવી પેઢી અવ‍ળે માર્ગે હોય તો જૂની પેઢી તેમને સંસ્કાર આપવામાં ઊણી ઊતરી છે. એવું પ્રશ્ન-પ્રતિપાદન ઘણી વાર થયું છે. આને લગતું એક સરસ ઉદાહરણ યાદ આવે છે.
બીજા વિશ્વયુદ્ધના દિવસો હતા. લંડન આખું ભડકે બળતું હતું. ભયંકર બૉમ્બ વર્ષા થઈ રહી હતી ત્યારે બ્રિટનના પ્રધાનમંડળના એક અગ્રણી સભ્ય જોર્ટૂન સ્ટ્રેચીએ અમેરિકાથી આવેલા એક પત્રકારને પૂછ્યું, ‘તમે સહેલાઈથી અહીં કઈ રીતે આવી શક્યા? કોઈ મુશ્કેલી ન નડી? ત્યાંથી બીજા કોઈને અહીં આવવું હોય તો આટલી સહેલાઈથી આવી શકે? પત્રકારે કહ્યું કે બિલકુલ નહીં, એવું સાહસ કરવું મૂર્ખામી ગણાશે. પણ તમારે આવું કેમ પૂછવું પડ્યું? સ્ટ્રેચીએ કહ્યું, ‘મારાં બે બા‍ળકો અમેરિકામાં છે. તેમને મારે અહીં બોલાવવાં છે.’ પત્રકારે સ્તબ્ધ થઈ કહ્યું, ‘સર, તમે આ શું બોલો છો? બીજા બધા જ્યારે પોતાનાં સંતાનોને અહીંથી સલામત જગ્યાએ બીજે ખસેડવાની મથામણ કરી રહ્યા છે ત્યારે તમે તમારાં સંતાનોને અહીં બોલાવવા કેમ ઇચ્છો છો?’
સ્ટ્રેચીએ શાંતિથી જવાબ આપ્યો કે જે અભૂતપૂર્વ હિંમત અને દૃઢતાથી અમારી પ્રજા આ બૉમ્બવર્ષાનો સામનો કરી રહી છે, દેશદાઝનો અભિગમ બતાવી રહી છે એ અનુભવથી મારાં બાળકો વંચિત રહી જાય એ મને ખટકે છે. આવી તક હવે પછી તેમને ક્યારે મળશે?
સંતાનોને સંસ્કાર આપવાની આવી તીવ્ર ભાવના વડીલોમાં હોય તો યુવાનોને ભટકી જવાનાં કારણો ભાગ્યે જ મળે. યુવાનો કયા માર્ગે જઈ રહ્યા છે એ જાણવું હોય તો સૌથી પહેલાં સ્વામી વિવેકાનંદે યુવાનોને આપેલી શિખામણ-સંદેશ જોવો જોઈએ. (૧) ઊઠો-જાગો અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં. (૨) આપણા વિચારો જ આપણું સર્જન કરે છે, નિર્માણ કરે છે એટલે તમે શું અને કેવું વિચારો છો એ લક્ષ્યમાં રાખો. શબ્દો મહત્ત્વના નથી, શબ્દોનો ભાવ મહત્ત્વનો છે. વિચારો આપણા કરતાં લાંબું જુએ છે અને દૂર સુધી-છેક સુધી સાથ આપે છે. (૩) જીવનમાં જોખમ ઊઠાવો. જો તમે જીતી ગયા તો નેતૃત્વ કરી શકશો અને હારી ગયા તો માર્ગદર્શક બની શકશો. (૪) તમારા મગજને ઉચ્ચ આદર્શોથી સભર રાખો. સારા આદર્શો-ધ્યેય સતત તમારી નજર સામે રાખો. આમ કરવાથી જ મહાન કાર્યો કરવાની પ્રેરણા મ‍ળશે. (૫) દિવસમાં એક વાર પોતાની જાત સાથે વાત કરો, નહીં કરો તો દુનિયાને એક મહાન વ્યક્તિને મળવાની તક નહીં મળે. (૬) જે દિવસે તમારી સામે કોઈ મુશ્કેલી-સમસ્યા ન આવે ત્યારે માની લેજો કે તમે ખોટા માર્ગે સફર કરી રહ્યા છો. (૭) એક સારા ચારિત્રનું નિર્માણ હજારો ઠોકરો ખાધા પછી જ થાય છે. (૮) તમે જે વિચારો છો એવા બનો છો. તમે જો તમારી જાતને નિર્બળ માનશો તો નિર્બળ‍ બનશો અને જો શક્તિશાળી માનશો તો શક્તિશાળી બનશો. (૯) જો તમે પોતાની અનેક ખામીઓ છતાં પોતાને પ્રેમ કરી શકતા હો તો બીજાની થોડીક ખામીઓ જોઈને તેને નફરત કઈ રીતે કરી શકો? (૧૦) બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલેથી જ આપણી છે. સમસ્ત બ્રહ્માંડ તેજોમય છે. મુશ્કેલી એ છે કે આપણી આંખો જ મિંચાયેલી છે ને પછી ફરિયાદ કરીએ છીએ કે કેટલું અંધારું છે. આંખો ખોલી ઉજાસ પામવાની આદત કે‍ળવશો તો ભવિષ્યમાં બંધ આંખે પણ ઉજાસ પામવાની કળા શીખી જશો.
હવે વિચાર કરો, આ દસ સોનેરી શિખામણોમાંથી આજના યુવાનો કેટલી સાક્ષાત કરે છે ને કેટલા સાક્ષાત કરે છે?
એક વડીલે પ્રશ્ન કર્યો કે મારો પૌત્ર મને જરાય ગાંઠતો નથી. વાત-વાતમાં મારું અપમાન કરે છે, મારી કોઈ વાત માનતો નથી. હંમેશાં તોછડાઈથી વર્તે છે. આ વાત અત્યાર સુધી મેં મારા પુત્રને ફોડ પાડીને કહી નથી. હા, મભમ ઘણી વાર કહ્યું છે, પણ તેણે આ વાતને મહત્ત્વ આપ્યું નહીં એ તો ઠીક, વાતને હસી કાઢી. તેણે મને ટકોર કરી, ‘પપ્પા, તમે મને શિસ્તની સાંકળથી બાંધી રાખ્યો હતો. મને મનગમતું કંઈ કરવા દીધું નથી. હવે જમાનો બદલાયો છે. મેં જે ભોગવ્યું છે એ મારે તેને નથી ભોગવવા દેવું. મારે તેને પૂરેપૂરી આઝાદી આપવી છે.’ હું ઘા ખાઈ ગયો! મનમાં ને મનમાં બોલ્યો, ‘તારે તેને મનગમતું કરવા દેવું છે એટલે શું? તારા બાપનું અપમાન તેને મનગમતું છે? આ આઝાદી છે?
અને છેલ્લે...
ખેર! આ કોયડો સનાતન છે, અનાદિ કાળનો છે અને વણઉકેલાયેલો છે. જૂની પેઢીને નવું ગમતું નથી ને નવી પેઢીને જૂના સાથે ફાવતું નથી. ખૂબ વિચાર કરતાં એક હકીકત તો ગળે ઊતરે એવી લાગે જ છે કે નવી પેઢી ભલે ગમેતેટલી શિક્ષિત હોય, ચાલાક-ચબરાક હોય, પ્રગતિશીલ-પારંગત હોય પણ લાગણી અને ભાવનામાં ઓટ તો નજરે આવે જ છે. એ વિશે વિસ્તૃત ચર્ચા કરવા કરતાં એક સત્ય ઘટના સમ સંવાદ પર નજર કરીએ. બે વૃદ્ધ મિત્રો ઘણા સમય પછી મળ્યા. બન્ને ભાવવિભોર થઈ ભેટ્યા. એકે પૂછ્યું ‘દોસ્ત, કેમ ચાલે છે તારું બધું?’ બીજાએ શેખી કરતાં કહ્યું કે અરે યાર બે દીકરા-એક દીકરી છે, બધાં ઠરીઠામ થઈ ગયાં છે. મોટો દીકરો કૅનેડામાં છે, સરસ બિઝનેસ છે. દીકરાને ત્યાં દીકરો છે. નાનો લંડનમાં છે, ત્યાંની છોકરી સાથે જ હમણાં મૅરેજ-કોર્ટ મૅરેજ કર્યાં. નાની દીકરી ઑસ્ટ્રેલિયા છે, પંજાબીને પરણી છે. સુખી છે.’
પહેલાએ કહ્યું, ‘એ બધું તો ઠીક, પણ તું ક્યાં છે?’
બીજાએ કહ્યું, ‘વૃદ્ધાશ્રમમાં.’
બોલો, કંઈ ટિપ્પણીની જરૂર છે?

Pravin Solanki columnists