બુરા વક્ત સબસે બડા જાદુગર હૈ,ચેહરે સે પરદા ઉઠા દેતા હૈ!!

05 October, 2020 03:24 PM IST  |  Mumbai | Pravin Solanki

બુરા વક્ત સબસે બડા જાદુગર હૈ,ચેહરે સે પરદા ઉઠા દેતા હૈ!!

વળી આવી પરોપકારી વ્યક્તિઓ મોટે ભાગે સંવેદનશીલ છે, અતિસમૃદ્ધ નથી. મને જાણ છે કે ઘણા મદદ કરનારાઓની સ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે તેમને ખુદને મદદ માગવાનો વારો આવી ગયો છે.


‘છે જિંદગી તો તમે છો’ આ વાક્ય આગળથી વાંચો કે પાછળથી અર્થ એક જ થશે. આમ તો આ વાક્ય કોઈ પ્રિય કે પૂજ્ય વ્યક્તિ માટે વપરાતું, પણ આજના માહોલમાં ‘પૈસા’ માટે વપરાય છે. ‘જાન હૈ તો જહાન હૈ’ આ ઉક્તિ પણ આજે ખોટી પડતી દેખાય છે. પૈસા છે તો જાન છે, જહાન છે એ સત્ય નજરે તરી રહ્યું છે.
રોજ કોઈ વ્યક્તિ કે સમસ્ત કુટુંબે આપઘાત કર્યાના સમાચાર આવે છે. બધાનું લગભગ એક જ કારણ બહાર આવે છે, આર્થિક તંગી. વ્યંગ તો એ પણ થઈ રહ્યો છે કે કદાચ કોરોનાને કારણે જેટલાં મૃત્યુ નહીં થાય એના કરતાં વધારે આર્થિક તંગીને કારણે થશે.
આપણે દરરોજ આ સમાચાર સાંભળીએ-વાંચીએ છીએ, ઘડીભર અફસોસ વ્યક્ત કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ. એવું પણ નથી કે આપણી સંવેદનાની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે. વાત એ છે કે હવે આપણને આવા સમાચારોની આદત પડી ગઈ છે.
કોરોનાકાળ એટલો લાંબો ચાલ્યો છે કે ઉચ્ચ મધ્યમવર્ગની વ્યક્તિઓનું મદદ કરવાનું બજેટ પણ ખૂટી ગયું છે. કેટલો સમય મદદ કરે? કેટલાને કરે? વળી આવી પરોપકારી વ્યક્તિઓ મોટે ભાગે સંવેદનશીલ છે, અતિસમૃદ્ધ નથી. મને જાણ છે કે ઘણા મદદ કરનારાઓની સ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે તેમને ખુદને મદદ માગવાનો વારો આવી ગયો છે.
એક વર્ગ એવો છે જે અતિશય ધનાઢ્ય છે. સાત પેઢી ખાધે ખૂટે નહીં એટલી અઢળક સંપત્તિ છે. એવા લોકો આમજનતાને નહીં, સરકારને મદદ આપે છે; પીએમ ભંડોળમાં, સીએમ ભંડોળમાં, રાહત ફન્ડના નામે. લોકો સુધી પહોંચે કે ન પહોંચે, સરકારી અધિકારીઓની આંખ સુધી તો પહોંચી જ જાય. આ રાહત ફન્ડોમાંથી આમજનતા સુધી કેટલું પહોંચે છે એ રામ જાણે! પણ સરકાર તરફથી જનતાને રોજ નવાં સૂત્રો, શિખામણો, સલાહ-સૂચનો પહોંચે જ છે.
ખેર, આવી પિષ્ટપિંજણ ઘણી થઈ છે અને થતી રહેશે. હકીકત એ છે કે આભ ફાટ્યું છે ત્યાં થીગડાં ક્યાં-ક્યાં મારવાં? વળી ‘હેવ’ અને ‘હેવ નૉટ’વાળા બન્ને ત્રસ્ત છે. છતવાળાને પૂછીએ કે કેવું લાગે છે તો સર્વાનુમતે એક જ જવાબ મળે છે, ‘ભાઈસા’બ તોબા થઈ ગયા છીએ, આ કોરોનાનો અંત ક્યારે આવશે?’ અછતવાળાની ચિંતા છે કે શું આમ ભૂખે મરતાં-મરતાં જ જીવનનો અંત આવશે?’
આવા અભાગિયા લોકોની મનોઃસ્થિતિ ન કલ્પી શકાય એવી છે. તેઓની અવદશા છે, કોઈ દિશા નથી. રોગ છે, કોઈ ઈલાજ નથી. કામ નથી, નોકરી નથી, પૈસા ખૂટી ગયા છે, મન તૂટી ગયું છે. બાળકો બધી રીતે નિરાધાર છે અને વડીલો બધી રીતે લાચાર છે. શાળા બંધ છે, બહાર નીકળાય એમ નથી, ઘર એટલું નાનું છે કે એકસાથે રહેવાય એમ નથી!
ગૅસ ખલાસ છે, બીજો લાવવાના પૈસા નથી. નળનું વાઇસર નથી, પાણી આવતું નથી, પ્લમ્બરને બોલાવવાની ત્રેવડ નથી, વીજળીનો બલ્બ ઝબૂક-ઝબૂક થાય છે, બન્ને રીતે જીવ ઊંચક છે, પહેલાં બલ્બ જશે કે જીવ? ગટરનું પાણી ઘરમાં આવે છે. ગટર અને જરૂરિયાત બન્ને ઊભરાયાં છે, બન્નેમાંથી એક પણ ઉલેચી કે ઉકેલી શકાય એવી પરિસ્થિતિ નથી.
આ કાલ્પનિક વર્ણન નથી. નજરે જોયેલી વાસ્તવિકતા છે, પણ આ નીચલા વર્ગમાં એક કુદરતી શક્તિ છે, સંજોગોને શરણે થઈ જવાની. ઘરની તમામ વ્યક્તિઓ માંગી-ભીખીને પોતાની જરૂરિયાતો ગમે તે રીતે મેળવી લે છે. મફત ફૂડ-પૅકેટની લાઇનમાં, મફત દવાની-સારવારની લાઇનમાં કે મફત ચીજવસ્તુઓની લાઇનમાં વિનાસંકોચ કલાકો સુધી ઊભા રહીને ગુજરાન કરી લે છે.
મરો છે મધ્યમવર્ગનો. જે માગી નથી શકતો કે ભીખી નથી શકતો, ઝૂકી નથી શકતો કે ઝૂંટવી નથી શકતો. નથી હાથ ફેલાવી શકતો, નથી હાથ કપાવી શકતો. ઘંટીના પડની માફક બન્ને બાજુથી ભીંસાય છે! આટલી પ્રસ્તાવના જાણીજોઈને કરી છે, કારણ કે મારે આજે બચત વિશે કંઈક કહેવું છે, ખાસ કહેવું છે. વ્યક્તિ જ્યારે કમાતી હોય ત્યારે બચતનો વિચાર ન કરે તો એ કમાણીની કિંમત સુગંધ વગરના ફૂલ જેટલી છે. બચત એ કમાણીની કમાણી છે. જાણે વ્યાજનું વ્યાજ. ભવિષ્યનું સુરક્ષા-કવચ.
જે વ્યક્તિ માંડ-માંડ બે છેડા ભેગા કરી શકતી હોય તેને માટે નહીં, પણ જેની ઝોળી કમાણીથી છલકાતી હોય ત્યારે તે પોતે જ ઝોળીમાં કાણું પાડતો હોય એવી વ્યક્તિઓ માટે આ સંદેશ છે.
૧૬ સપ્ટેમ્બરે એક ફોન આવે છે. ‘પ્ર. સો., ઓળખાણ પડી?’ હું યાદ કરું એ પહેલાં તે બોલ્યો, ‘હું કનિયો, કનુ ઝવેરી (નામ બદલ્યું છે).’ કનુ ઝવેરી પોદ્દાર કૉલેજમાં મારી સાથે ભણતો. મસ્ત માણસ, માલદાર માણસ. પ્રેમલગ્નને કારણે કુટુંબથી અળગો થયો. મિત્રોમાં ભારે લાડકો, વાર-તહેવારે મિત્રો માટે પાર્ટી ગોઠવે, પર્યટનો યોજે. એક કંપનીમાં પર્ચેઝ મૅનેજર. સારોએવો પગાર અને સારીએવી ઉપલક આવક. આવક જેટલી મોટી હતી એના કરતાં તેની મનોકામના અનેકગણી હતી. મોંઘાં કપડાં, મોંઘી ફૉરેન ટ્રિપ્સ, બ્રૅન્ડેડ ચીજવસ્તુઓ! બેફામ જીવન, બેફામ ખર્ચ! મિત્રો ટોકતા ત્યારે અતાર્કિક પણ અદ્ભુત વાક્ય બોલતો, અરે યાર, આપણો તો સિદ્ધાંત છે, મરવું તો જસલોકમાં, મ્યુનિસિપાલિટીની મફતની હૉસ્પિટલમાં નહીં!’
મદ્રાસ તેની ટ્રાન્સફર થઈ હતી. અમારો સંપર્ક તૂટી ગયો. આજે ૧૨ વર્ષે બાવો બોલ્યો હતો. મેં ઉત્સાહથી કહ્યું, અરે કનિયા! વૉટ અ સરપ્રાઇઝ!! ક્યાં છે તું?’ એ બધું પછી નિરાંતે, અત્યારે મારે તારું અર્જન્ટ કામ છે. મારે ૫૦,૦૦૦ રૂપિયાની તાત્કાલિક જરૂર છે, વાઇફને પૅરૅલિસિસ જેવું છે, હૉસ્પિટલમાં ડિપોઝિટ ભરવાની છે.’ તે બોલતાં-બોલતાં થોથવાતો હતો.
ખેર, એ વ્યવસ્થા તો થઈ ગઈ, પણ તેની કરમકહાની સાંભળીને એ દિવસે હું ખૂબ અસ્વસ્થ રહ્યો. કરોડો રૂપિયા ઉડાડનાર માણસની સ્થિતિ ૫૦,૦૦૦ રૂપિયા જેવી મામૂલી રકમ માગવા માટે થોથવાતી જીભ વાપરવાનો સમય આવ્યો? જે-જે મિત્રો, જે-જે સગાંઓ પાછળ પાર્ટી-પર્યટનમાં જેણે બેહિસાબ રૂપિયા વાપર્યા હતા તેને કોઈએ ૫૦,૦૦૦ની મદદ ન કરી? જળ સુકાતાં પંખી ઊડી જાય એમ બધા ઊડી ગયા.
વાતનો સાર એ જ કે મળ્યું તેને માણી લેવાની વૃત્તિ વ્યક્તિને બરબાદ કરે છે. દેખાદેખી, વટ પાડવાની વૃત્તિ બજેટ બગાડે છે. આજના યુવાનો ઘર વસાવવા કરતાં ઘર સજાવવાની ચિંતા વધારે કરે છે. ટીવી, ફ્રિજ, અદ્યતન ગૅસના ચૂલા, અવન, માઇક્રોવેવ, ફોલ સિલિંગ, દીવાલો પરનું ડેકોરેશન, મોંઘા ભાવની ક્રૉકરી, દરેક વર્ષે નવા મોબાઇલ, કલાત્મક ફર્નિચર વગેરે જીવનની આવશ્યક વસ્તુઓના લિસ્ટમાં આવી ગયા છે. વળી વાર-તહેવારે પર્યટનો, વિદેશની સફર, કીમતી કપડાં, દરદાગીનાના દેખાડા. આ બધા બચત નામના સુખ-પ્રદેશમાં જવાના રસ્તામાં આવતા ખાડા-ટેકરા, દરિયા ને ડુંગરા છે. આ રસ્તે ચાલતાં-ચાલતાં માણસોના પગમાં ચીરા પડે છે, હાંફી જાય છે અને ઢળી પડે છે.
અંગ્રેજી માધ્યમમાં ભણેલી આજની યુવાન પેઢી ‘ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, પગલે પગલે પહાડ ચડાય, પછેડી પ્રમાણે પગ તણાય’ જેવી કહેવતો જાણતી નથી એટલે એ લોકોને એટલી પણ સમજણ નથી કે કેટલું કમાઓ છો એનું મહત્ત્વ નથી, કેટલું બચાવો છો એ મહત્ત્વનું છે! રોટલો કેટલો મોટો કરવો એના કરતાં કેટલો મીઠો કરવો એ મહત્ત્વનું છે.
આજે પતિ-પત્ની બન્ને કમાતાં થયાં છે એટલે ઘરમાં રહીને કામ કરતી ગૃહિણીની મહત્તા જરાય ઓછી થતી નથી. ઘરમાં રહીને ગૃહિણીઓ કેટલું બચાવે છે એનો પુરુષોને અંદાજ જ નથી હોતો. છેલ્લે...
એક માન્યતા એવી ઘર કરી ગઈ છે કે બચતની જરૂર નિવૃત્તિકાળ માટે છે. ના. બચતની જરૂર બે કાળ માટે છે, નિવૃત્તિકાળ અને આપત્તિકાળ. આપત્તિ કુદરતી હોય, માનવસર્જિત હોય અને અણધારી પણ હોય. ૬ મહિના પહેલાં કોણે કલ્પ્યું હતું કે આવો કોરોનાકાળ આવશે? મેં જોયું છે કે ભૂતકાળમાં જે-જે વ્યક્તિએ બચત કરી છે એ વ્યક્તિ કોરોનાકાળમાં વ્યાજની આવકમાંથી સ્વમાનભેર ટકી શકી છે.
કહેવાય છે કે પોતાને માટે વપરાય એ ધન, પરોપકાર માટે વપરાય એ લક્ષ્મી, તિજોરીમાં સંઘરાય એ નગદ નાણું ને આપત્તિકાળમાં જે કામ આવે એ નગદ નારાયણ.

સમાપન
‘અંધારાને કહી દો કે બીક ન બતાવે,
મેં ઘરને ખૂણે એક દીવો પાળ્યો છે.’
એ દીવાનું નામ શું બચત હશે?

Pravin Solanki columnists