22 June, 2025 01:25 PM IST | Mumbai | Raam Mori
ઇલસ્ટ્રેશન
મેજર રણજિતની આંખોમાં ઊંઘ નહીં ઉચાટ હતો.
‘બાબા, તમે અહીં શું કામ આવ્યા છો?’ અનિકાએ આ સવાલ પૂછ્યો ત્યારે રણજિત જાણે ઊંઘતા ઝડપાયા. તે ફરી-ફરી પોતાની જાતને આ સવાલ પૂછી રહ્યા હતા કે ‘હું અહીં ખરેખર શું કામ આવ્યો છું?’
‘હા, એ ખરું કે કલ્યાણીએ સોંપેલું કામ પાર પાડવા.’
પણ આ તો કંઈ જવાબ ન હોઈ શકે.
તો અંદરથી બીજો જવાબ આવ્યો, ‘મારે મારી દીકરીને હવે સમજવી છે, હું મારી દીકરીને ઓળખવા આવ્યો છું.’
‘એમ? તો પછી કઈ રીતે ઓળખીશ? એકબીજાની નજરોથી સંતાઈને વાતો કરીને કે તેની ગેરહાજરીમાં તેનો સામાન ફેંદીને?’
આ બધા કોલાહલની વચ્ચે એક મુખ્ય પ્રશ્ન રણજિતના મનમાં નાગની ફેણની માફક ઊંચો થયો, ‘તો આર યુ ફાઇન વિથ હર સેક્સ્યુઅલિટી? તને તારી દીકરીના લેસ્બિયન હોવા સાથે કોઈ વાંધો નથી?’
અને આનો કોઈ જવાબ રણજિતને સૂઝ્યો નહીં. બહુ વિચારતાં એ પણ સમજાયું કે કદાચ આ સવાલથી તો તે આજ સુધી ભાગ્યા હતા. મેજર રણજિત પોતાની જાતને જવાબ આપવાનો પ્રયત્ન કરતા હતા, ‘ના, હું ખોટું નહીં બોલું, પણ મને મારી દીકરીની સેક્સ્યુઅલિટી સામે વાંધો છે કે હું ઓકે છું એ જવાબ શોધતાં પહેલાં તેની આ સ્થિતિને તો મારે સમજવી પડશે. મને તો લેસ્બિયન શું છે એય નથી ખબર. કન્સેપ્ટ તો સમજાય પહેલાં મને. એમ જાણ્યા-સમજ્યા વગર એનો વિરોધ કે સ્વીકાર કેવી રીતે કરી શકું?’
હવે મેજર રણજિતના મનમાંથી એક નક્કર અવાજ આવ્યો, ‘તો એ જાણ્યા પછી તું શું કરવાનો છે રણજિત? તું આ આખી પરિસ્થિતિ સાથે કમ્ફર્ટેબલ છે? તને કોઈ વાંધો નથી?’
અને જમતાં-જમતાં રણજિતનું ગળું ભરાઈ આવ્યું. તેના હાથ કંપી રહ્યા હતા, આંખો ભીની થતી હતી. વારંવાર પાણી પીતા હતા અને ચહેરો નીચે રાખીને યંત્રવત્ જમી રહ્યા હતા. બાબાની આ સ્થિતિ જોઈને અનિકાના મનમાં અપરાધભાવ છલકાયો. તે મનોમન વિચારવા લાગી...
‘મારે આ રીતે બાબાને ડાયરેક્ટ નહોતું પૂછવું જોઈતું હતું. તેમને થોડો સમય આપવાની જરૂર હતી!’
બન્ને ચૂપચાપ જમીને ઊભાં થયાં અને પોતપોતાની રૂમમાં ગયાં.
રણજિતે લૅપટૉપ ઑન કર્યું, ડાયરી કાઢી, ધ્રૂજતી આંગળીએ ગૂગલ સર્ચ કર્યું. થોડી વાર સુધી પોતે જે સર્ચ કર્યું હતું એનો જવાબ વાંચવા લાગ્યા. આંખો પહોળી થઈ. થોડું સમજાણું અને વધારે ગૂંચવાયા. તેણે તરત પોતાની ડાયરી ખોલી અને સ્ક્રીન પર જે લખાઈને આવતું હતું એના પૉઇન્ટર્સ લખવા લાગ્યા.
અનિકા રણજિતની રૂમના બારણે પાણીની બૉટલ આપવા આવી. તેણે જોયું કે બાબા પોતાની ધૂનમાં લૅપટૉપમાં કશુંક ટાઇપ કરી રહ્યા હતા અને પોતાની ડાયરીમાં લખી રહ્યા હતા. બાબાને આ રીતે તલ્લીન જોયા તો ડિસ્ટર્બ કરવાની ઇચ્છા ન થઈ, પણ નાછૂટકે તેણે ખુલ્લા દરવાજાના બારણે ટકોરા માર્યા અને એ દિશામાં રણજિતનું ધ્યાન ગયું. દરવાજા પાસે અનિકાને જોઈ એટલે રણજિતે તરત પોતાનું લૅપટૉપ બંધ કર્યું અને ડાયરી બંધ કરી દીધી, જાણે તે કશું કામ કરતા જ નહોતા. અનિકાને આ બહુ ઑકવર્ડ લાગ્યું. રણજિતે ચહેરા પર સ્મિત રાખવાનો પ્રયત્ન કર્યો, પણ તેમને ફાવ્યું નહીં.
બાજુના ટેબલ પર અનિકાએ પાણીની બૉટલ મૂકી અને ધીરેથી બોલી, ‘બાબા, આવતી કાલથી તમારા માટે ઠંડા પાણીની બૉટલ ફ્રિજમાં રાખી દઈશ. મને ગોળાનું પાણી પીવાની ટેવ છે. ફ્રિજમાં દૂધ છે, ઇન કેસ રાતે તમને કૉફી કે ચાની ઇચ્છા થાય તો. સૂકો નાસ્તો પણ રસોડામાં ટિનના ડબ્બાઓમાં છે. હું એક વાર સૂઈ જાઉં પછી જાગી નથી શકતી. ઢોલનગારાં વાગે તો પણ મારી ઊંઘ નહીં તૂટે એટલે તમને બીજું કંઈ પણ જોઈએ તો અત્યારે જ કહી દો, સૂતાં પહેલાં આપી દઉં.’
‘ના અનિકા, મારે કંઈ નહીં જોઈએ. બેટા, તું શાંતિથી સૂઈ જા.’
થોડી ક્ષણો સુધી અનિકા રણજિતનો ચહેરો જોતી રહી. બાબા કશુંક છુપાવી રહ્યા હતા, પણ સ્પષ્ટપણે પોતાની આંખોમાં એ ભાવ દેખાઈ ન જાય એ માટે નજરો તેમણે નીચી જ રાખી હતી. અંતે અનિકા પોતાની રૂમમાં જતી રહી. અનિકા ગઈ એટલે રણજિતને હાશકારો અનુભવાયો.
અનિકા પોતાની પથારીમાં સૂતી-સૂતી પોતાના બાબા રણજિત વિશે વિચારવા લાગી...
‘બાબા એક્ઝૅક્ટ્લી શું કરી રહ્યા હતા? તે ડાયરીમાં શું લખી રહ્યા હતા?’
કલાક જેટલો સમય થયો એટલે અનિકા પોતાની પથારી પર ઊભી થઈ. વાળને અંબોડામાં કસકસાવીને ધીમા પગલે તે બાબાના ઓરડે આવી. દરવાજો ખુલ્લો જ હતો. તેણે ધીરેથી અંદર નજર કરી. પથારીમાં કામ કરતાં-કરતાં બાબા સૂઈ ગયા હતા. બંધ આંખો પર ચશ્માં ચડેલાં હતાં. થાકને કારણે અડધું ખુલ્લું રહી ગયેલું મોં અને નસકોરાં બોલાવી રહ્યાં હતાં. છાતી પર ડાયરી ઊંધી પડી હતી. એક હાથમાં બૉલપેન પકડેલી હતી. અનિકાએ ધીરેથી બાબાનાં ચશ્માં ઉતાર્યાં અને ટેબલ પર મૂક્યાં. એક હાથમાંથી બૉલપેન લીધી એને બૉલપેન સ્ટૅન્ડ પાસે ગોઠવી. અનિકાએ ડાયરી હાથમાં લીધી અને એમાં ટપકાવેલા જવાબો વાંચીને તેના ચહેરા પર સ્મિત ઊગી નીકળ્યું આપોઆપ. તેણે તરત બાબાની બાજુમાં રહેલા લૅપટૉપને હાથમાં લીધું અને બ્રાઉઝરમાં સર્ચિંગ હિસ્ટરી ચેક કરી કે બાબાએ શું-શું સર્ચ કર્યું છે ગૂગલમાંથી અને ક્લિક કરતાંની સાથે જ બધી સ્લાઇડ્સ ખૂલી ગઈ.
‘લેસ્બિયન એટલે શું?’
‘લેસ્બિયનનાં લક્ષણો શું?’
‘શું આ કોઈ ટેમ્પરરી ભાવ છે કે કાયમી અવસ્થા? એનાથી કોઈ બીજી બીમારી લાગુ પડે?’
‘શું લેસ્બિયન એ રોગ છે?’
‘શું લેસ્બિયન માટે કોઈ ઉંમર હોય છે કે આ ઉંમરે જ તમને એ લાગણી સમજાય?’
‘લેસ્બિયનવુડ કઈ ઉંમરે નૉર્મલ થઈ જાય?’
‘વિશ્વના સૌથી જાણીતા લેસ્બિયન સંબંધો વિશે માહિતી આપો.’
‘શું લેસ્બિયન લોકો ખુશ રહી શકે?’
‘શું લેસ્બિયન લોકો પરિવાર વસાવી શકે?’
‘શું લેસ્બિયન લોકો ડિપ્રેશનનો શિકાર તો નથીને?’
આવા અનેક સવાલો બાબાએ ગૂગલને પૂછ્યા હતા. ગૂગલે પોતાની અંદરના ડેટાની મર્યાદાના આધારે જવાબ આપ્યા હતા. અનિકાએ લૅપટૉપ બંધ કર્યું અને સાઇડ ટેબલ પર મૂક્યું. હૂંફાળી ચાદર બાબાને ઓઢાડી અને ઘેરી ઊંઘમાં સૂતેલા બાબાના ગાલે હાથ મૂકીને અનિકા ધીરેથી બોલી, ‘બાબા, ઍટ લીસ્ટ તમે મને સમજવાનો પ્રયત્ન તો કરી રહ્યા છો. હવે કદાચ તમે મારી સેક્સ્યુઅલિટીને નહીં સ્વીકારો તો પણ મને દુ:ખ નહીં થાય. તમારા માટે મને કોઈ ફરિયાદ પણ નહીં થાય કેમ કે તમે કોશિશ તો કરી. આ વાતમાં મને બધાં સુખ મળી ગયાં!’
lll
સાડાદસ વાગ્યાની આસપાસ મેજર રણજિત પગપાળા મુંબઈની શેરીઓમાં જઈ રહ્યા હતા. સાન્તાક્રુઝ-ઈસ્ટ એરિયા ખરેખર સુંદર હતો. મોબાઇલ રણક્યો. કલ્યાણીનો ફોન હતો. મેજર રણજિતે કચવાતા મને કૉલ રિસીવ કર્યો,
‘રણજિત, તારા તરફથી મને કોઈ અપડેટ નથી મળી.’
‘મને પણ કોઈ અપડેટ મળે તો તને આપું કલ્યાણી. અનિકાની રૂમ ફેંદી વળ્યો. તેં કહેલી દરેક જગ્યા તપાસી જોઈ, પણ ઘરમાં કોઈ છોકરો આવતો હોય એવા કોઈ સગડ મળ્યા નથી. આપણી દીકરીના જીવનમાં કોઈ છોકરો નથી એ કન્ફર્મ છે.’
‘ઍનીવે, તેં અનિકા સાથે વાત કરી?’
‘કઈ વાત?’
‘અરે, એ જ કે તું આવું કેવી રીતે કરી શકે? તું તારા સિવાય બીજા કોઈનું ન વિચારે એ તો કેવું?’
‘કલ્યાણી, તે આપણી દીકરી છે. વારસમાં એક લક્ષણ તો મળે જને. એ ન ભૂલ કે આપણે લોકોએ પણ પોતપોતાનો જ વિચાર કર્યો છે.’
‘રણજિત, મને સંભળાવવાની એક તક પણ તું જતી નહીં કરે. તું અત્યારે શું કરે છે?’
‘યોગ સેન્ટર જવા નીકળ્યો છું.’
‘તું ત્યાં યોગ કરવા નથી ગયો એટલું યાદ રાખજે. ઇટ્સ હાઈ ટાઇમ. તું હવે કોઈ સારા સેક્સોલૉજિસ્ટને કન્સલ્ટ કર અને અનિકાને લઈ જા તેની પાસે.’
કલ્યાણીનો કૉલ પૂરો થયો એટલે મેજર રણજિત એક પછી એક શેરીઓ ક્રૉસ કરતા ગયા. અચાનક રણજિતનું ધ્યાન જૂની શેરીમાં લાકડાંના એક સુંદર બિલ્ડિંગ તરફ ગયું. ક્લિનિક હતું. ડૉ. આદિત્ય કશ્યપ, સેક્સોલૉજિસ્ટ.
મેજર રણજિતના પગ યંત્રવત્ એ દિશામાં ચાલવા લાગ્યા. ક્લિનિકમાં ગયા. ખાસ્સું વેઇટિંગ હતું. વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી કૂપન પકડીને ખૂણામાં એક બેન્ચ પર બેસી ગયા. રણજિતે ક્લિનિકની ચારે બાજુ નજર ફેરવી. જાતીય રોગ, તકલીફો અને સમસ્યાઓ અંગેના ચાર્ટ લાગ્યા હતા. આસપાસ લોકોને જોયા તો રણજિત વિચારવા લાગ્યા કે મુંબઈમાં આટલા બધા લોકોને સેક્સોલૉજિસ્ટની જરૂર પડતી હશે?
રણજિત જ્યાં બેઠા હતા એ બેન્ચની એકદમ બાજુમાં કાચની પેટીમાં ઍક્વેરિયમ હતું. રંગબેરંગી માછલીઓ એક ખૂણેથી બીજા ખૂણે ગેલ કરી રહી હતી.
‘કૂપન-નંબર ૧૪, રણજિત’ એવી બૂમ પડી અને રણજિતનું ધ્યાન તૂટ્યું. તેમને સમજાયું કે ખાસ્સા સમયથી તે માછલીઓ જોવામાં તલ્લીન હતા. લંચ-ટાઇમ થવા આવ્યો હતો. મેજર રણજિત ધીમા પગલે ડૉક્ટરની કૅબિનમાં એન્ટર થયા. ડૉ. આદિત્ય કશ્યપ કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા. તેણે સસ્મિત રણજિતને વેલકમ કર્યું અને બેસવાનો ઇશારો કર્યો. રણજિત સંકોચવશ ખુરસી પર ગોઠવાયા. તેમના હાથ કંપી રહ્યા હતા અને ધ્રૂજતા પગને કન્ટ્રોલમાં રાખવા બન્ને પગની આંટી વાળી દીધી. રણજિતના કપાળે પરસેવો જોઈને ડૉ. આદિત્ય કશ્યપે ACનું ટેમ્પરેચર બદલ્યું અને પાણી ભરેલો ગ્લાસ રણજિતને ધર્યો. રણજિતે એ કૅબિનમાં ચારે તરફ નજર દોડાવી. આંખને જોતાં જ ગમી જાય એવું ફર્નિચર અને દીવાલની શેલ્ફ પર અઢળક પુસ્તકો, મેડલ્સ અને ફોટોગ્રાફ્સ. ફોન પર વાત કરતા પાંત્રીસેક વર્ષના ડૉ. આદિત્ય કશ્યપના અવાજમાં ટાઢક હતી. આખા જગતને નિરાંતે સાંભળી શકવાની નિરાંત અને દુનિયાની તમામ પીડાને સમજવાની ખંત. જિમમાં કસાયેલું શરીર. બાવડાંમાં નસો ઊભરાતી હતી. ઘઉંવર્ણ ચહેરા પર આછી દાઢી-મૂછ. ફૉર્મલ શર્ટ-પૅન્ટમાં છ ફુટનું શરીર શોભતું હતું. તે ફોનમાં કોઈ લેડીને સમજાવી રહ્યા હતા...
‘જુઓ મિસિસ સેન, તમારી દીકરી બારમા ધોરણમાં છે. બોર્ડની પરીક્ષાનો ભાર છે તેના માથે. સુપરસ્ટ્રેસ્ડ રહે છે. આખો દિવસ પુસ્તકો લઈને બેસી રહે છે. શારીરિક શ્રમની જગ્યા જ નથી. ખાવા-પીવામાં યોગ્ય નિયમિતતા નથી કેળવાઈ એટલે વજન વધી રહ્યું છે. આ બધાની સીધી અસર પિરિયડ્સ પર થાય. માસિક ન આવવાનાં કારણોમાં સાથે અપૂરતી ઊંઘ, અપૂરતો ખોરાક અને સ્ટ્રેસ પણ ગણાય છે. દરેક વખતે માસિક ન આવવાને ‘તે કદાચ પ્રેગ્નન્ટ તો નથીને’ એવાં કારણો સાથે જોડવાનું બંધ કરો. હું ડૉક્ટર છું, તમે પેરન્ટ્સ છો. તેની પાસે બેસીને પ્રેમથી પૂછો, તેનો ભરોસો જીતો, તેને એવો વિશ્વાસ આપો કે તમે તેની વાતો સમજવા સજ્જ છો. પછી જુઓ કે અંગત જીવનનું પાનું નહીં, આખું પુસ્તક તમારી દીકરી તમારી આગળ ખુલ્લું મૂકી દેશે. ઓકે.’
ફોન કટ કરીને ડૉ. આદિત્ય કશ્યપે મેજર રણજિત સામે મોટું સ્માઇલ આપ્યું, ‘પોતાનાં સંતાનોને સમજી શકવાની પેરન્ટ્સની સેન્સને શું થઈ ગયું છે આજકાલ? માબાપે સમજવું પડશે કે આ પેઢી જુદી છે. દરેક પેઢીના પોતીકા પ્રશ્નો છે, પોતીકી સંઘર્ષ-ગાથાઓ છે. તમે વેઠ્યું, તમે જે કૉમ્પ્રોમાઇઝ કર્યું એ બદલ તમને લાખ વંદન; પણ તમારાં સંતાનો માટે આ વાત હવે ઘસાયેલી બોરિંગ સ્ટોરી બની ગઈ છે. સંતાનોને માબાપના સંઘર્ષની ખબર ત્યારે જ પડે જ્યારે માબાપે પહેલા પગથિયાથી જ સંતાનોને અલગ ન ગણ્યાં હોય. નો ડાઉટ, માબાપ ઈશ્વરનું રૂપ છે, પણ ભૂલ તો ઈશ્વરથી પણ થાય જને.’
મેજર રણિજત ટેબલ પર પડેલો પાણીનો આખો ગ્લાસ ગટગટાવી ગયા. ડૉ. આદિત્ય કશ્યપે નોંધ્યું કે મેજર રણજિતના હાથ ધ્રૂજી રહ્યા હતા, કપાળે વારંવાર પરસેવો થઈ રહ્યો હતો.
‘આર યુ ઑલરાઇટ? કંઈ મગાવું તમારા માટે? જૂસ? લીંબુનું પાણી?’
‘ના!’ મેજર રણજિતની ટટ્ટાર ના સાંભળીને ડૉ. આદિત્ય કશ્યપે વાત બદલવાનો પ્રયત્ન કર્યો...
‘તમે એકલા આવ્યા છો? ક્યાં રહો છો? તમારું નામ શું છે?’
અને રણજિત ઊભા થઈ ગયા. ડૉક્ટર કશું સમજે એ પહેલાં બે હાથ જોડ્યા અને ઉતાવળા પગે દાદરા ઊતરવા લાગ્યા. તેમણે પાછું વળીને જોયું સુધ્ધાં નહીં. વળી-વળીને ડૉક્ટરનું વાક્ય કાનમાં ઘૂમરાતું હતું, ‘પોતાનાં સંતાનોને સમજી શકવાની પેરન્ટ્સની સેન્સને શું થઈ ગયું છે આજકાલ?’
lll
સાંજે અનિકા યુનિવર્સિટીથી આવી ત્યારે કિચનમાં બાબા બન્ને માટે ચા બનાવી રહ્યા હતા. અનિકાના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. તે ફ્રેશ થઈને પાછળ વરંડામાં આવી. મેજર રણજિત ચાનો કપ લઈને હીંચકા પર બેઠા હતા. ધીમા અવાજે ગ્રામોફોનમાં લતાજીનાં ગીતો સંભળાઈ રહ્યાં હતાં. અનિકાએ ચાનો કપ હાથમાં લીધો અને રણજિતની બાજુમાં ગોઠવાઈ. વાતાવરણમાં ઠંડક હતી. એક કોયલ ક્યારની ટહુકા કરતી હતી. ફૂલોની પાંદડીઓમાંથી દિવસનું રહ્યુંસહ્યું અજવાળું નીતરતું હતું. રણજિતની આંખો બંધ હતી. તે ગીતમાં ખોવાયેલા હતા. ગીત પૂરું થયું અને ગ્રામોફોનની કૅસેટ બદલવા તે ઊભા થયા. અનિકા તરત બોલી, ‘બાબા, કાલે મળીએ?’
‘કોને?’
‘મારી પાર્ટનરને!’
‘કોણ?’
રણજિતને લાગ્યું કે તેના પગ તળેથી જમીન સરકી ગઈ છે, હાથ-પગ ઠંડા પડી ગયા.
‘બાબા, મારી પાર્ટનર સંજના. તેની વાત કરું છું.’
‘સંજના?’
‘હું લેસ્બિયન છું તો મારી પાર્ટનર સંજના જ હોયને, સંજય નહીં!’
મેજર રણજિતને સમજાયું નહીં કે આ વાતે તેમણે શું રીઍક્ટ કરવું જોઈએ. રણજિતને એ વાત પણ વધુ સ્પષ્ટ રીતે સમજાઈ કે અનિકાની પાર્ટનરને મળવું પડશે એવી સ્થિતિની કલ્પના પણ તેમણે આજ સુધી કરી નથી. કહો કે એની તૈયારી પણ નહોતી! મેજર રણજિત પોતાની રૂમમાં ગયા અને બિસ્તર પર ક્યાંય સુધી સૂતા રહ્યા. અચાનક તેમને લૅપટૉપ યાદ આવ્યું. લૅપટૉપ ઓપન કર્યું અને ગૂગલમાં ટાઇપ કર્યું.
‘લેસ્બિયન પાર્ટનર કેવા દેખાતા હોય છે?’
‘લેસ્બિયન પાર્ટનર સાથે કેવી રીતે વર્તવું જોઈએ?’
‘લેસ્બિયન પાર્ટનરને શું ગમે અને શું ન ગમે?’
‘લેસ્બિયન પાર્ટનર સાથે કેવી રીતે વાત કરવી જોઈએ?’
એક પછી એક સ્લાઇડ ખૂલતી ગઈ. રણજિતની આંખો પહેરેલાં ચશ્માં કરતાંય મોટી થઈ ગઈ. ગૂગલ પોતાના ડેટાના આધારે ટૉમબૉય સ્ટાઇલ છોકરીઓની તસવીરો બતાવી રહ્યું હતું. જીન્સ પર શર્ટ, માથા પર કૅપ, પુરુષો જેવી બૉડી-લૅન્ગ્વેજ. મેજર રણજિત માટે આ જગત જ સાવ નોખું હતું.
તે પોતાની ડાયરીમાં બધું નોંધવા લાગ્યા.
અચાનક દરવાજા પર ક્યારનીયે ટકોરા મારતી અનિકા તરફ ધ્યાન ગયું.
‘બાબા, ક્યારની બોલાવું છું. તમે એવા તે કેવા મગ્ન થઈ જાઓ છો તમારા કામમાં. ચલો, ૯ વાગ્યા, ડિનર કરી લઈએ.’
રણજિતે લૅપટૉપ બંધ કર્યું. લગભગ છેલ્લા ત્રણેક કલાકથી તે બધું સ્ટડી કરી રહ્યા હતા. આળસ મરડીને તેમણે હાથ-પગ ધોયા. ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા.
‘બેટા, તું તારી પેલી...’
થાળીમાં શાક-રોટલી પીરસતી અનિકાએ બાબા સામે જોયું, ‘કોણ પેલી બાબા?’
‘તારી પેલી... સંજના.’
‘હા, તે સંજના, પણ એ ‘તારી પેલી’ એટલે શું બાબા?’
રણજિત વધુ ગૂંચવાયા. તેમણે ખોંખારો ખાધો, ‘તારી પાર્ટનર.’
‘હા, તો એમ ક્લિયર બોલો. ક્રાઇમ-પાર્ટનર નથી, લાઇફ-પાર્ટનર છે બાબા.’
‘હા એ જ.’
‘તેનું શું કામ પડ્યું તમારે બાબા?
‘મારે તો કશું કામ નથી. તું કહેતી હતી કે બાબા, કાલે મળીએ સંજનાને એટલે...’
‘હા, તો મેં તેને કાલે આપણે ત્યાં ડિનર માટે બોલાવી છે.’
‘આપણા ઘરે? અહીં?’
‘હા, કેમ? અહીં ન બોલાવી શકાય?’
‘આઇ મીન, અફકોર્સ બોલાવી શકાય બેટા, પણ હમણાં બહાર રેસ્ટોરાંમાં મળીએ તો વધુ સારું.’
‘જુઓ બાબા, તમે આ ઘરમાં પહેલી વાર આવ્યા છો, સંજના નહીં. આજ સુધી તમે કોઈ નહોતા ત્યારે પણ તે તો હતી જ. તે પહેલાં પણ આવતી ને આગળ પણ આ ઘરમાં આવશે જ.’
‘અચ્છા, તે આપણા ઘરે આવી ચૂકી છે.’
‘હા બાબા, અનેક વાર.’
‘ઓહ, નાઇસ... નાઇસ.’
‘બાબા, તમે સંજનાથી કમ્ફર્ટેબલ નથી એવું તો કંઈ નથીને?’
‘ના... ના બેટા, એવું તો શું?’
‘ફાઇન, કાલે તે આપણે ત્યાં ડિનર માટે આવવાની છે.’
રણજિત વિચારવા લાગ્યા. રણજિતને ગહન ચિંતનમાં જોઈને અનિકા ધીરેથી બોલી, ‘બાબા, ગૂગલ પાસે બધા જવાબો નહીં હોય. માણસની આંખમાં આંખ પરોવીને પૂછશો તો બધા જવાબો ટુ ધ પૉઇન્ટ મળશે. ગૂગલ ઑપ્શન્સ આપશે, પણ માણસના મનનું કોઈ રિપ્લેસમેન્ટ નથી.’
રણજિતે આ વાતનો કોઈ જવાબ ન આપ્યો એટલે અનિકાએ સમજી લીધું કે બાબા ફરીથી પોતાની પર્સનલ સેલ્ફ ટ્રિપ પર જતા રહ્યા.
lll
બીજા દિવસે સવારે સાડાદસ વાગ્યે ડૉ. આદિત્ય કશ્યપના ક્લિનિકની બહાર ઊભા હતા મેજર રણજિત. અંદર ગયા અને વિઝિટિંગ માટે સૌથી છેલ્લી કૂપન લીધી. પછી મૅગેઝિન ખોલી છેલ્લી બેન્ચ પર જઈને એવી રીતે ગોઠવાઈ ગયા કે કોઈનો ચહેરો જોવો જ ન પડે.
લગભગ બપોરે સાડાબાર વાગ્યે મેજર રણજિતનો વારો આવ્યો. તે જ્યારે ડૉ. આદિત્યની કૅબિનમાં એન્ટર થયા ત્યારે ડૉ. આદિત્ય કોઈ જૂની ફાઇલ્સનાં પેપર વાંચી રહ્યા હતા. ડૉ. આદિત્યએ નજર ઊંચી કરી અને રણજિતને તરત ઓળખી ગયા. તેમણે વેઇટિંગ લિસ્ટમાં નામ વાંચીને કન્ફર્મ કર્યું અને હાથ જોડીને બોલ્યા, ‘નમસ્તે રણજિતસાહેબ. પધારો, બિરાજો.’
રણજિત ભારે સંકોચથી ખુરસીમાં ગોઠવાયા અને ડૉ. આદિત્ય ઊભા થયા.
‘શું લેશો રણજિત આપ? ચા? કૉફી?’
રણજિત કશો જવાબ આપે એ પહેલાં ડૉ. આદિત્યએ કૅબિનના દરવાજાને અંદરથી લૉક કરી દીધો. રણજિતને નવાઈ લાગી. ડૉ. આદિત્યએ હસીને જવાબ આપ્યો, ‘એમાં એવું છે કે અમારા અમુક પેશન્ટ્સ સરખી વાત કર્યા વિના ભાગી જાય છે. તો સેફ્ટી ફર્સ્ટ.’
રણજિતના ચહેરા પર સ્માઇલ આવી ગયું, ‘હું પેશન્ટ નથી.’
‘તો પણ ભાગી જાઓ છો. વેલ, મેં ગઈ કાલે જૂસ અને લીંબુપાણી કહેલું તો તમે નીકળી ગયા. આજે એટલા માટે જ એ ઑપ્શન્સ બોલ્યો નથી.’
અને મેજર રણજિત ખડખડાટ હસી પડ્યા.
‘વેલ, તમારું આ હાસ્ય, તમારી ડિસિપ્લિનવાળી બૉડી-લૅન્ગ્વેજ, તમારો આ રુઆબ જોતાં એવું લાગે છે કે તમે
આર્મીમાં હતા.’
‘વેલ ડન ડૉ. આદિત્ય. તમે સાચા છો. હું મેજર હતો.’
જવાબમાં ડૉ. આદિત્યએ સલામી આપી અને રણજિતના ચહેરા પર સ્મિત આવી ગયું.
‘તો તમે કઈ જગ્યાએ ડ્યુટી પર હતા મેજર?’થી માંડીને ડૉ. આદિત્યએ રણજિતને તેમની જૉબના બધા અનુભવો વિશે કંઈકેટલાય પ્રશ્નો પૂછ્યા. મેજર રણજિતે ભારે રસથી પોતે માણેલા પહાડોની વાતો કરી. તેમની દરેક
વાત ડૉ. આદિત્ય ખૂબ રસથી, ધ્યાનપૂર્વક સાંભળતા હતા.
‘તમે બહુ જ રસપ્રદ જીવન જીવ્યા છો મેજર રણજિત.’
‘એક આર્મીમૅનની લાઇફમાં જીવનની કોઈ ગૅરન્ટી નથી હોતી. મૃત્યુ ગમે ત્યારે ગમે ત્યાંથી આવી જાય. એટલે અમે લોકો જીવનની એક-એક પળને સેલિબ્રેશન માનીએ છીએ. જે ક્ષણ તમારી સામે છે, તમારી સાથે છે એ ક્ષણ જ સાચી; બાકી બધું મિથ્યા.’
‘હાઉ વન્ડરફુલ મેજર. બસ, આ જ ફિલોસૉફી દરેક ફીલ્ડના લોકોએ સમજવા જેવી છે. આપણે લોકો જીવનને ઊજવવાનું ભૂલી રહ્યા છીએ, લાઇફની કિંમત નથી સમજતા. તમને ગમે એ રીતે જીવો, તમને જે ઉત્તમ લાગે એ રીતે જીવો. બાકી, દુનિયા, સમાજ, પાડોશીઓ અને ૪ લોકોની આંખની શરમને ધ્યાનમાં લેશો તો જીવન જીવી નહીં શકો; બસ, વખત કાપશો.’
રણજિતે સ્માઇલ આપીને વાત પર્ફેક્ટ છે એમ દર્શાવવા થમ્સ-અપની નિશાની બતાવી. ડૉ. આદિત્ય કશ્યપે પોતાના વિશે જણાવ્યું કે તે પોતાના પેરન્ટ્સનું એકમાત્ર સંતાન છે. પિતા વીજળી વિભાગમાં સરકારી કર્મચારી, મા અંગ્રેજી ભાષાની પ્રાધ્યાપક. હૈદરાબાદમાં જન્મ થયો, લખનઉમાં ઉછેર, મુંબઈમાં ભણ્યો અને હવે પોતાનું ક્લિનિક ઓપન કર્યું એ વાતને પણ ૪ વર્ષ થઈ ગયાં. બન્ને વચ્ચે વાતોનો દોર બરાબર જામ્યો કે ડૉ. આદિત્ય ઊભા થયા અને તેમણે કૅબિનની સ્ટૉપર ખોલી નાખી.
મેજર રણજિતે રમૂજ કરી, ‘સ્ટૉપર કેમ ખોલી નાખી ડૉક્ટર?’
‘કેમ કે હવે આપણે બન્ને એકબીજાની અંદર એટલા ઊતરી ગયા છીએ કે એકબીજાથી ભાગીને કશે પહોંચી શકાશે નહીં. તો રણજિત, મૂળ વાત પર આવીએ? કહો, તમે કઈ વાતને લઈને મારા ક્લિનિક પર આવ્યા હતા?’
ડૉ. આદિત્ય આ મુદ્દાને આટલી સરળતાથી સામે લાવશે એવી કલ્પના મેજર રણજિતને નહોતી. વાતોનો રંગ એવો જામ્યો હતો કે રણજિત આ મૂળ મુદ્દાને પણ ભૂલી ચૂક્યા હતા. ફરી રણજિતના કપાળે પરસેવો થવા લાગ્યો. તેમણે પાણી પીધું અને શર્ટનું એક બટન ખોલી નાખ્યું. રણજિતે હિંમત એકઠી કરી અને ચહેરા પર સ્મિત ટકાવી રાખવાના પ્રયત્ન સાથે ડૉ. આદિત્ય કશ્યપ સામે જોઈએ તે માત્ર એટલું બોલી શક્યા, ‘એક તકલીફ છે. લેસ્બિયન
છે અનિકા.’
‘મેજર, પહેલાં તો તમે સમજી લો કે લેસ્બિયન એ કોઈ તકલીફ નથી.’
‘તો? બીમારી?’
રણજિત મનોમન વિચારવા લાગ્યા કે કલ્યાણી સાચી પડી રહી છે કે શું? તે તો કહેતી જ હતી કે આ એક બીમારી છે. તેણે પણ ગૂગલમાં જ તો વાંચેલું? ના, તેણે તો મોબાઇલની રીલ્સમાં જોયેલું કદાચ.
‘આપણે તકલીફ અને બીમારીની વાત પછી કરીશું મેજર. મને સૌથી પહેલાં એમ કહો કે આ અનિકા કોણ છે?’
‘મારી દીકરી!’
‘ઓહ, તમારી દીકરી. વેલ...’
‘ના, એટલે ડૉક્ટર, અનિકા નહીં કનિકા. સૉરી માય સ્લિપ ઑફ ટંગ. એટલે મૂળે કનિકા મારા મિત્રની દીકરી છે એટલે મારી દીકરી જેવી જ છે. મેં તેને મારી દીકરીની જેમ જ જોઈ છે. તે સાવ ઝીણકી હતી ત્યારથી હું તેને ઓળખું. મારો મિત્ર બહુ મૂંઝાયેલો છે જ્યારથી તેને ખબર પડી કે...’
‘...કે તેની દીકરી લેસ્બિયન છે.’
‘જી!’
ડૉ. આદિત્ય એક-એક શબ્દ તોળી-તોળીને નિરાંતે બોલ્યા, ‘હાઉ નાઇસ મેજર. આજના જમાનામાં પોતાના લોકો માટે કોઈ નથી વિચારતું ત્યારે તમે તમારી નહીં પણ તમારા મિત્રની દીકરી માટે છેક મારા ક્લિનિક સુધી ધક્કો ખાધો. અભિનંદન.’
મેજર રણજિતની જમણી આંખમાંથી આંસુનું એક ટીપું નીચે સર્યું.
(ક્રમશ:)