બારીમાં આખ્ખું આકાશ! (પ્રકરણ - ૧૪)

10 August, 2025 02:36 PM IST  |  Mumbai | Raam Mori

વાંચો આખું પ્રકરણ - ૧૪ અહીં

ઇલસ્ટ્રેશન

જ્યાં આપણો અધિકાર છે એ દરેક સંબંધમાં આપણી જવાબદારી આપોઆપ જોડાઈ જાય છે, પરંતુ જ્યાં આપણી જવાબદારી જોડાયેલી હોય એ દરેક સંબંધમાં અધિકાર મળે એવું જરૂરી નથી.

 મેજર રણજિતે અનિકાને પોતાની જવાબદારી સમજી લીધી, પણ એ જવાબદારી પર હજી સુધી પોતાનો કોઈ અધિકાર નથી એવું તે બરાબર સમજી ચૂક્યા છે.

આજની સવાર જરા નોખી હતી. સવારથી અનિકા સતત બોલ-બોલ કરતી હતી. પોતાની બેચેની ઢાંકવા તે કોઈ પણ વિષય બાબતે પોતાના બાબા સાથે એકધારી વાતો કરતી હતી. હીંચકા પર બેસીને ચા પીતાં-પીતાં મેજર રણજિત મનોમન સ્મિત કરતા હતા. તે ધારી-ધારીને અનિકાની અસહજ પ્રવૃત્તિ જોયા કરતા હતા. બોલતી વખતે અનિકા સતત આંગળીઓના ટચાકા ફોડી રહી હતી, પગને સતત હલાવતી હતી, વાળની લટોને આંગળીઓમાં ગૂંચવતી હતી, કપને ક્યાંય સુધી હોઠે અડાડીને વિચારોમાં ખોવાઈ જતી.

મેજર રણજિતને આખી વાતમાં હળવી રમૂજ દેખાતી હતી.

પોતાના બાબા આજે બપોરે સંજનાને લંચ માટે મળવાના છે એ વાતે અનિકા બહુ જ ઑકવર્ડ રીતે વર્તી રહી હતી.

પોતાની બેચેની સંતાડવા અનિકા રણજિતને આર્મીવાળી લાઇફસ્ટાઇલ વિશે જાતભાતના સવાલો પૂછતી હતી. રણજિત તેને નિરાંતે હિમાલયની પહાડીઓની વાતો કરતા. રણજિતે એ નોંધ્યું હતું કે તે જ્યારે બોલી રહ્યા હતા ત્યારે અનિકા ચા ભરેલા કપમાં બિસ્કિટ બોળીને ક્યાંય સુધી બિસ્કિટ ગોળ-ગોળ ફેરવતી. બિસ્કિટ ક્યારે પલળીને પોચું થઈને કપના તળિયે જતું રહેતું એ પણ અનિકાના ધ્યાનમાં નહોતું આવતું.

‘અનિકા?’

‘હા બાબા.’

‘તું બરાબર છેને?’

‘હા બાબા, કેમ?’

‘તારી ચા ધીમે-ધીમે બિસ્કિટનો ટી-સૂપ બની ગઈ અને તું હજી એમાં બિસ્કિટ ગોળ-ગોળ ફેરવી રહી છે, જાણે ચા નહીં સમુદ્રમંથન હોય.’

અને આ વાત પર અનિકા ખડખડાટ હસવાનો ડોળ કરવા લાગી. તાળીઓ પાડીને એટલું જોરથી હસી કે મેજર રણજિતને નવાઈ લાગી, ‘મેં એવી કોઈ મહાન જોક નથી કહી કે તને આટલું બધું હસવું આવે અનિકા.’

અનિકા તરત ચૂપ થઈ ગઈ.

‘તને જો એવું હોય કે હું સંજનાને ન મળું તો કંઈ નહીં, મને તો ચાલશે!’

‘ના... ના... બાબા, એવું તો કંઈ નથી.’

‘તો કેવું છે?’

‘તું ટિપિકલ છોકરીઓ જેવું વર્તી રહી છે. મારા બાબા મારા લાઇફ-પાર્ટનરને મળવા જઈ રહ્યા છે.’

‘હા, તો એવું જ છે બાબા.’

હવે મેજર ચૂપ થઈ ગયા.

‘બાબા, લેસ્બિયન કપલની સમસ્યા સ્ટ્રેઇટ કપલથી જુદી નથી. દરેક પ્રશ્ન, દરેક મૂંઝવણ અને દરેક પડકાર અમારા ભાગે પણ એવા જ હોય છે જેવું તમે બધા તમારી ડે-ટુ-ડે લાઇફમાં અનુભવતા હો છો.’

મેજર રણજિતે અનિકાના માથા પર હાથ મૂક્યો અને મીઠપ સાથે બોલ્યા, ‘હા, એ જ તો સમજવાનો પ્રયત્ન કરું છું બેટા.’

‘તમને ખબર છે બાબા? લવ-મૅરેજમાં એક નવી સમસ્યા ઊભી થઈ રહી છે.’

‘મને જાણવામાં રસ છે.’

મેજર રણિજત ફુલ અટેન્શન મોડમાં અનિકાને સાંભળી રહ્યા હતા.

‘બાબા, બે લોકો એકબીજાને ગમાડે, એકબીજાને સમજે અને સ્વીકારે. આ પછી નવો તબક્કો શરૂ થાય. બન્ને જણ પોતપોતાના પરિવારને આ સંબંધ વિશે વાત કરે, ઘરના સદસ્યોને પોતાનો પ્રેમ કોણ છે અને શું છે એ સમજાવે. પછી બન્ને જણ એકબીજાના કુટુંબના સભ્યોને મળે. ‘હું તમારા દીકરા માટે પર્ફેક્ટ છું’ કે ‘હું તમારી દીકરી માટે પર્ફેક્ટ છું’ એ સાબિત કરવા દરેક પ્રકારની અગ્નિપરીક્ષા આપવા તૈયાર થાય. ધર્મ, જ્ઞાતિ, કુળ-ગોત્ર, રંગરૂપ, સંપત્તિ, સામાજિક મોભો અને આર્થિક સુરક્ષા જેવા દરેક મુદ્દા પર સ્વયંને ઉત્તમ સાબિત કરવાની લાયમાં પ્રેમ કરનારા બન્ને જણ બધી રીતે ખર્ચાઈ જાય, ઇમોશનલી બુઠ્ઠા થઈ જાય. અંતે જ્યારે બન્ને ઘરના સભ્યો રાજી થઈને જોડાય ત્યારે પ્રેમ કરનારા આ બન્ને જણ છૂટા પડી જાય; કેમ કે બધાને પ્રેમ કરાવવામાં એકબીજા માટેનો પ્રેમ તેમના હિસ્સામાં બચતો જ નથી, બધાની આંખોમાં સન્માન જગાડવાની લાયમાં એકબીજાની પસંદ-નાપસંદમાં માન ખોઈ બેસે, સગાંસંબંધીઓના વહાલા થવામાં આપસમાં એકબીજાના દવલા થઈ જાય. સરવાળે આખી વાત એક સર્કસ જેવી બની જાય. કેવી કરુણતા, ચાલો જોડાઈએ એવું નક્કી કરનારા આ બે લોકો અંતે છૂટા પડવા માટે બધાને સમજાવતા ફરે!’

મેજર રણજિત તો એકીટશે અનિકાને જોઈ રહ્યા અને ધીરેથી બોલ્યા, ‘હું તો જેટલી વાર સાંભળું એટલી વાર અચંબિત થઈ જાઉં કે તમારી પેઢીને કરવું છે શું? જોઈએ છે શું?’

‘હા હા હા હા! બાબા, પહેલાં અમારી જનરેશનને તો આનો જવાબ ખબર પડવા દો કે તેમને શું જોઈએ છે કે તેમને શું કરવું છે? જાતને શોધવામાં જ કાયમ ખોવાયેલા રહે છે.’

‘જનરેશનનું જવા દે, તું તારી વાત કર. તું શું ઇચ્છે છે? હું આજે સંજનાને મળું કે નહીં?’

‘મને નથી ખબર બાબા.’

‘તો ખબર પાડ દીકરી. બીજા કોઈને નહીં પણ પોતાને તો ઓળખ. તારા ગમાઅણગમા બાબતે સ્પષ્ટ થા.’

મેજર રણજિત હીંચકા પરથી ધીરેથી ઊભા થયા, ચાની ટ્રે હાથમાં લીધી અને ઘરમાં પ્રવેશ્યા. તેમની પાછળ-પાછળ ખાલી કપ લઈને અનિકા રસોડામાં આવી. મેજરે બહાર તડકામાં સુકાતો ટુવાલ હાથમાં લીધો અને બાથરૂમ તરફ નહાવા જતાં પહેલાં પોતાનો ફોન ડાઇનિંગ ટેબલ પર મૂક્યો.

અનિકા ડાઇનિંગ ટેબલની ખુરસી પર બેસીને આસમાની રંગની નેઇલપૉલિશને પગની આંગળીઓમાં નખ પર લગાવી રહી હતી.

મેજરે અનિકાના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, ‘દર વખતે દરવાજો બંધ કરી દઈશ એટલે ચર્ચા પૂરી નહીં થઈ જાય અનિકા. વાત કરીશ તો છૂટી જઈશ અને વાત છોડી દઈશ તો અધૂરી વાતો પર કાયમ લટકતી રહીશ તરસી ને તરસી. આંખ બંધ કરી દઈએ એટલે માત્ર તમારાં પોપચાંમાં અંધારું ઘેરાય છે, જગતમાં નહીં! નવી સવાર, આગ અને ફરિયાદની આંખમાં આંખ પરોવતાં શીખીશ તો દાઝવાનો ડર જશે અને તારા હિસ્સાનો ઉજાસ તું પામીશ.’

અને બાબા બાથરૂમમાં જતા રહ્યા. અનિકા ક્યાંય સુધી ડાઇનિંગ ખુરસી પર બેસી રહી. બાબાની વાત તેના મનમાં ફરી-ફરી ઘોળાતી રહી.

ને અચાનક બાબાના ફોનની રિંગ વાગી. અનિકાએ જોયું તો સ્ક્રીન પર ‘કલ્યાણી કૉલિંગ’ હતું. પોતાની મા કલ્યાણીનું નામ વાંચીને અનિકા જાણે આખી ઠંડી પડી ગઈ.

તેના મનમાં વિચારોનું ઘોડાપૂર દોડવા લાગ્યું. ‘ફોન રિસીવ કરું કે ન કરું?’ એ બાબતે બરોબરની વલોવાઈ રહી હતી. રિંગ પૂરી થઈ. અનિકાને હાશકારો થયો.

ત્યાં ફરી ફોન રીતસરનો ધણધણ્યો. મોબાઇલ સ્ક્રીન પર ‘કલ્યાણી કૉલિંગ’ હતું. બાથરૂમમાં શાવરનો અવાજ ધીમો થયો અને બાબાનો અવાજ આવ્યો, ‘અનિકા, કોનો ફોન છે?’

અનિકાએ મહેનત કરી, પણ તેના મોઢામાંથી ‘મા’ શબ્દ નીકળ્યો જ નહીં!

‘જે પણ હોય તેને કહી દે કે બાબા નહાવા ગયા છે, તમને થોડી વાર પછી ફોન કરશે.’

ફરી શાવરનો અવાજ વધ્યો.

અનિકાને લાગ્યું કે વર્ષો પહેલાં તેણે દેહરાદૂનની ગર્લ્સ હૉસ્ટેલમાં પોતાની રૂમનાં બારણાં ચસોચસ બંધ કરેલાં એ ભીડેલાં બારણાં પર અત્યારે કલ્યાણી ટકોરા મારી રહી છે. તેણે પોતાની જાત ઢંઢોળી કે શું સાત વર્ષની અનિકા એવું ઇચ્છતી હતી કે બ્લૅક ગૉગલ્સ અને શિફૉનની લીલી સાડી પહેરીને કારમાં આવેલી કલ્યાણી આખી હૉસ્ટેલ માટે ગિફ્ટ્સ લાવી છે એ બધું પડતું મૂકીને અનિકાના કમરા સુધી જાય. વૉર્ડન નૅન્સી કલ્યાણીને દિલગીર થઈને કહેત પણ ખરી કે ‘માફ કરજો કલ્યાણી શ્રોફ, અનિકા થોડી જિદ્દી છે. તેણે બારણાં બંધ કરીને સ્ટૉપર મારી દીધી છે.’

અને જવાબમાં કલ્યાણી શ્રોફ ખડખડાટ હસી, પોતાનાં બ્લૉક ગૉગલ્સ ઉતારી, ગળામાં પહેરેલી સફેદ મોતીની માળા પંપાળીને બોલ્યાં હોત કે ‘નૅન્સીજી, અનિકા મારી દીકરી છે એટલે તે જિદ્દી હોય એ વાતે મને કોઈ નવાઈ નથી.’

પછી બંધ દરવાજાની પેલે પાર પીઠ ટેકવી હથેળીમાં મોં સંતાડીને બેસેલી અનિકાને કલ્યાણી શ્રોફ કહેત કે ‘અનિકા? બેબી, ઓપન ધ ડોર. દીકુ, આ રીતે માથી રિસાઈ જવાનું? હું કેટલે દૂરથી આવી છું હની તને કોઈ આઇડિયા છે? સેલ્ફ-ડ્રાઇવ કરીને આવી છું, જસ્ટ બિકૉઝ ઑફ યુ સ્વીટહાર્ટ. ઓકે, આઇ ઍમ સો સૉરી કે મા સમયસર ન આવી શકી. તને તાવ હતોને ક્યુટી? મારું મન બહુ મૂંઝાતું હતું; પણ શું કરું બેટા, કામ તો કામ છે. અમેરિકામાં હતી; ગ્રૅન્ડ એક્ઝિબિશન્સ, ડિનર મીટિંગ્સ, ઇન્ટરવ્યુઝ ઍન્ડ ઑલ; પણ મારો જીવ કશાયમાં નહોતો બેબી. મનથી તો હું અહીં દેહરાદૂનમાં તારી પાસે હતી અનિકા. યસ, મારી દીકરી બીમાર હતી તો મા કેવી રીતે રિલૅક્સ રહી શકે? મને બહુ જ અફસોસ છે કે તને મારી સૌથી વધારે જરૂર હતી ત્યારે હું તારી પાસે નહોતી. હું ગિલ્ટી છું. દરવાજો ખોલ બેબી, મા તને જોવા માગે છે. મારે તને ગળે મળવું છે, ભેટીને વહાલી કરવી છે. તારો સામાન પૅક કર અનિકા, આપણે ડલહાઉઝીવાળા ઘરે જવાનું છે. તારી પેલી ગ્લાસની મોટી બારીને રિનોવેટ...’

અને ધડામ અવાજ સાથે સાત વર્ષની અનિકાએ મનનાં બારણાં ખોલી નાખ્યાં હોત.

નાનકડી અનિકા, જેના ચહેરા પર વહેલી સવારે ઝાકળના પાણીમાં નહાયેલા ફૂલ જેવી તાજગી છે, ચહેરા પર મોટું ગુલાબી સ્મિત અને આંખોમાં ભીનાશ. તેને જાણે માન્યામાં નથી આવતું કે મા કલ્યાણી શું બોલી હમણાં. વૉર્ડન નૅન્સી અને વૃદ્ધ નનને પણ અપેક્ષા ન હોત કે અનિકા આટલી જલદી માની જશે. કલ્યાણીના ચહેરા પર મૃદુ સ્મિત. તે ઘૂંટણિયાંભેર નીચે ફર્શ પર બેસી ગઈ હોત અને અનિકા તરફ હાથ લંબાવીને બોલી હોત, ‘કમઑન બેબી, માને તારા હૂંફાળા હગની જરૂર છે. કમ ટુ મા.’

અને અનિકા દોડીને કલ્યાણીની છાતીએ વળગી પડી હોત.

એટલા જોશથી અપાયેલું આલિંગન કે લગભગ ફસડાઈ પડતી કલ્યાણીએ એક હાથે પાછળની દીવાલનો ટેકો લઈ લેવો પડ્યો હોત.

કલ્યાણીએ અનિકાના નાનકડા કપાળને ચૂમી લીધું હોત અને પછી અનિકાની નાની હથેળીઓની ઝીણેરી આંગળીઓને બચી ભરતાં તે બોલી હોત કે ‘બહુ તાવ હતો બેબીને? આઇ ઍમ સો સૉરી માય લિટલ પ્રિન્સેસ. તારી પાસે આવવામાં મેં બહુ મોડું કર્યુંને? હું તને બહુ જ મિસ કરતી હતી; પણ હવે ચલ, આપણે આપણા ઘરે જઈએ. ઘરથી આટલા દૂર રહીએ તો-તો ઘર જ ભૂલી જઈએ.’

આટલું બોલતાં-બોલતાં કલ્યાણીનું ગળું ભરાઈ આવત. તેની આંખમાંથી નીતરીને આંસુનાં ટીપાં અનિકાના ખભા પર પડ્યાં હોત. મા-દીકરી એકબીજાની સામે જોઈને ભીનું-ભીનું હસ્યાં હોત. દૂર ઊભેલી વૉર્ડન નૅન્સી અને વૃદ્ધ નન પોતાની ભીની આંખો લૂછીને બોલ્યાં હોત, ‘અનિકા બહુ નસીબદાર છે કે તેને આવી માયાળુ મા મળી છે!’

આ બધું જે ક્યારેય બન્યું નહોતું એ ફરી-ફરી અનિકાના મનમાં આકાર લેતું. છાતીમાં અભાવ તપતો, નિસાસો નીકળતો અને બધું વરાળ બનીને આકાશમાં ઓલવાઈ જતું.

લગભગ ત્રીજી વાર બાબાના મોબાઇલની સ્ક્રીન પર કલ્યાણીનો કૉલ આવ્યો.

‘કલ્યાણી કૉલિંગ...’

ને અનિકાએ કૉલ રિસીવ કરી લીધો. સ્પીકર પર હતો ફોન.

‘મા...’ એવું બોલવા અનિકાએ મહામહેનતે મોં ખોલ્યું કે તેની આંખો વરસી પડી. તે કંઈ બોલી ન શકી અને સામે મોબાઇલમાંથી કલ્યાણીનો અવાજ આવ્યો...

‘વૉટ ધ હેલ રણજિત? તું મારા ફોન કેમ નથી ઉપાડતો? હું તને આટઆટલા મેસેજ કરું છું અને તું મને રિપ્લાય પણ નથી આપતો. તું એવો તે કેવો વ્યસ્ત છે? તને મેં મુંબઈ શું કામ મોકલ્યો હતો? આજે ત્રણ મહિના થઈ ગયા; મારો જીવ અધ્ધરતાલ છે અને તારા તરફથી કોઈ જ અપડેટ નહીં, કોઈ કમ્યુનિકેશન નહીં. આટલાં વર્ષો થઈ ગયાં, બધું બદલાઈ ગયું; બસ, તું નથી બદલાયો. તારી પાસે કોઈ અપેક્ષા રાખી શકાય એમ નથી. અનિકા બાબતે હજી સુધી તેં મને એક પણ ગુડ ન્યુઝ નથી આપ્યા. તે બદલાઈ ગઈ કે હજી એવી ને એવી જ છે?’

કલ્યાણીનો અવાજ સાંભળીને મેજર રણજિત ફટાફટ બાથરૂમમાંથી બહાર નીકળ્યા. ઑફવાઇટ ચિકન કુરતો અને કમરમાં વીંટાળેલો ટુવાલ, ભીના વાળ અને ચહેરા પર દહેશત કે કલ્યાણીએ શું કહી દીધું હશે કે શું બોલી હશે? અનિકાની આંખમાં લાલાશ તરી આવી. તેણે બાબા સામે જોયું અને હાથનો પંજો ઊંચો કરીને આંખથી ચૂપ રહેવાનો ઇશારો કર્યો. રણજિતે પહેલી વાર અનિકાની આંખમાં સખતાઈ જોઈ. તેમનામાં હિંમત જ ન થઈ કે તે કલ્યાણીને કહી શકે કે ‘કલ્યાણી, ફોન સ્પીકર પર છે અને અનિકા તને સાંભળે છે!’

મેજર રણજિતના ચહેરા પર લાચારી ઊતરી આવી અને કલ્યાણી એ બધું બોલવા લાગી જે આજ સુધી રણજિતે અનિકાથી સંતાડી રાખ્યું હતું.

‘રણજિત, તેં મને કહ્યું હતું કે તેં કોઈ સેક્સોલૉજિસ્ટને કન્સલ્ટ કર્યા છે, પણ પછી શું? એનું કોઈ રિઝલ્ટ આવ્યું? તું અનિકાને તેની પાસે લઈ ગયો? દવા લેવડાવી? ઍન્ડ વૉટ અબાઉટ ધૅટ શૉક ટ્રીટમેન્ટ? તેં પૂછ્યું ડૉક્ટરને? કાલે જ મારા મોબાઇલમાં એક રીલ આવી છે કે ત્યાં હિમાચલમાં કોઈ બાબા છે, તેની માનતા ફળે છે. મોટી-મોટી સેલિબ્રિટીઝ બાબાના દરબારમાં જાય છે. મેં અનિકાની માનતા માની છે. તે નૉર્મલ થઈ જાય તો મને ઇન્ફૉર્મ કરજે. હેલો... રણજિત? આર યુ ધેર?’

રણજિત આગળ આવ્યો અને તેણે ફોન કટ કરી નાખ્યો. અનિકાનો ચહેરો લાલઘૂમ. આંખોમાં અસહ્ય ગુસ્સો અને પીડા તરવરતાં હતાં.

‘બાબા... તમે આના માટે મુંબઈ આવ્યા હતા?’

અને તે રડી પડી. રણજિત તેને સમજાવવા તેની પાસે આવ્યા અને ખભે હાથ મૂકવા ગયા કે ‘અનિકા, બેટા મારી વાત સાંભળ...’

‘પ્લીઝ, ડોન્ટ ટચ મી, મારાથી દૂર રહો તમે.’

અને મેજર રણજિત ડઘાઈ ગયા. સ્પષ્ટ અને તીખા અવાજે અનિકા બોલી હતી. પોતાનાં આંસુ લૂછ્યાં, ઊંડા શ્વાસ લીધા અને ખુલ્લા વાળને અંબોડામાં બાંધીને અનિકા ડાઇનિંગ ટેબલ પાસેથી ઊભી થઈ. રણજિત કશું સમજે એ પહેલાં અનિકા પોતાની રૂમમાં જતી રહી અને ધડામ અવાજ સાથે બારણું બંધ કરી દીધું. મેજર રણજિત બારણા પાસે ઊભા રહી ગયા.

‘અનિકા, બેટા, હું તારો ગુનેગાર છું, પણ મારી વાત તો સાંભળ’

‘બાબા પ્લીઝ, મને થોડી વાર એકલી રહેવા દો. આઇ ઍમ ફાઇન.’

‘તું દરવાજો ખોલ.’

‘કોના માટે ખોલું? શું કામ ખોલું? ઉજાસના નામે દર વખતે દાઝી છું; પછી એ સવાર હોય, આગ હોય કે પછી હોય ફરિયાદ! પ્લીઝ સ્ટે અવે. મારી સાથે વાત ન કરશો.’

રણજિત સમજી ગયા કે આ દરવાજા ખૂલતાં હવે બહુ વાર લાગશે. નિ:સહાય બનીને તે ખુરસી પર બેસી પડ્યા. કલ્યાણીના ફોનકૉલ પર ગુસ્સો આવ્યો, પણ કશું કરી ન શક્યા.

 મેજરના ફોનની સ્ક્રીન પર સંજનાનો મેસેજ આવ્યો, ‘હેલો આદરણીય સર મેજર રણજિતજી, હું મારા ઘરેથી નીકળી છું. તમને કલાકમાં પૃથ્વી કૅફે પર મળીશ. સી યુ. પ્રણામ કરું છું ફરી-ફરી!’

રણજિતે એક વાર ફરી અનિકાએ બંધ કરેલાં બારણાં તરફ જોયું.

lll

રિક્ષા જુહુમાં દરિયાકાંઠે પૃથ્વી કૅફેની ગલીમાં ઊભી રહી. મેજર રણજિત રિક્ષામાંથી ઊતર્યા અને દરિયાઈ પવન અનુભવાયો.
તે ધીમા પગલે પૃથ્વી થિયેટરની દિશામાં આગળ વધ્યા.

બપોરનો સમય હતો. પૃથ્વી થિયેટરમાં યુવાનોની ભીડ હતી. દરવાજામાં પ્રવેશ કરતાંની સાથે જ જમણા હાથે પૃથ્વી કૅફે. કાળા પથ્થરનાં સુંદર ટેબલ અને એની ફરતા વાંસનાં નાનાં સ્ટૂલ. દરેક ડાઇનિંગ ટેબલની ઉપર છતમાં ઝુમ્મરમાં સુંદર બલ્બ પ્રકાશિત હતા. દીવાલો પર સુંદર તસવીરો અને પેઇન્ટિંગ્સ હતાં. વૃક્ષોની ડાળીઓ પર લાઇટિંગની કલાત્મક ડિઝાઇન હતી. ડાબી બાજુ પૃથ્વી બુકસ્ટોર હતો એમાં પણ યુવાનો પુસ્તકોનાં પાનાંઓમાં જાણે વાર્તા ફંફોસી રહ્યા હતા. સેલ્ફી લેતા, બુક વાંચતા, રીલ્સ જોતા, વાતો કરતા અને કૉફી પીતા યુવાનો. આ ભીડમાં મેજર રણજિતની આંખો સંજનાને શોધી રહી હતી.

‘નમસ્તે માનનીય મેજર રણજિત સર.’

રણજિતે ચમકીને પાછળ જોયું તો શિફૉનની પીળી સલવાર-કુરતીમાં સંજના સ્મિત કરી રહી હતી. તે હાથ જોડીને ઊભી હતી. ગોલ્ડન ઇઅર-​રિંગ્સ અને ડાયમન્ડ ગોલ્ડનાં ઝીણાં ઘરેણાં પહેરેલી સંજના જે રીતે સ્માઇલ કરીને હાથ જોડીને ઊભી હતી એ જોઈને મેજરને થોડું ઑકવર્ડ લાગ્યું. તેણે આસપાસ બધા લોકો તરફ નજર કરી અને પછી સ્મિત ટકાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘નમસ્તે, પણ આટલું બધું માન કેમ આપે છે તું?’

‘કમ્માલ છે. માન આપું તોય સમસ્યા છે.’

‘ના, તું નૉર્મલ વર્તન રાખ. આઇ મીન જેવી છો એવી જ રહે.’

‘વાહ, કાશ બધા મને એવું કહેતા હોત કે સંજના, તું જેવી છો એવી જ રહે.’

સંજના હસી અને રણજિતે માથું હલાવીને થિયેટરની તરફ જોયું. મરાઠી નાટકનું બોર્ડ હતું, ‘એક માધવબાગ’.

‘પોસ્ટર રસપ્રદ લાગ્યુંને મેજર?’

‘ આખા નાટકમાં માત્ર એક જ ઍક્ટર છે.’

‘હા, મોના આંબેગાવકર. સરસ ઍક્ટર છે. મરાઠી નાટકો એના સમય કરતાં ઘણાં આગળ છે. તમને ગમશે આ નાટક.’

‘હા, ક્યારેક સમય મળે ત્યારે જોઈશું.’

‘આજે જ જોઈશું. મેં આપણા બન્નેની ટિકિટ લઈ લીધી છે.’

‘અરે, પણ આજે તો...’

‘હા, આજે તો તમારે અમેરિકાના પ્રેસિડન્ટ સાથે મીટિંગ છે, ભારતના વડા પ્રધાન અને ત્રણેય લશ્કરી પાંખના વડા સાથે ડિનર છે તમારું જાણું છું; પણ એ બધાને મેં કહી દીધું છે કે આજે સાંજે છ વાગ્યે મેજર રણજિત સંજના સાથે પૃથ્વી થિયેટરમાં નાટક જોવાના છે એટલે કોઈ તમને ડિસ્ટર્બ નહીં કરે.’

મેજર રણજિતના ચહેરા પર સ્મિત હતું. તે પ્રેમથી બોલ્યા, ‘ગુંડી છે તું એક નંબરની.’

‘એટલે તો મેજરની સામે ઊભી છું. કોઈ ઢીલીપોચી હોત તો પોલીસ-પ્રોટેક્શન વગર તમને મળવા આવત?’

રણજિતે હકારમાં માથું ધુણાવ્યું. મેજર ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી નાટકોનાં પોસ્ટર્સ જોઈ રહ્યા હતા કે વેઇટરે બૂમ પાડી...

‘સંજના-રણજિત.’

મેજર રણજિતના કાન ચમક્યા. સંજના હસીને બોલી, ‘ચલો મેજર, જગતમાં કોઈ એક ખૂણે તો આપણા નામ જોડાજોડ રજિસ્ટર્ડ છે. ટેબલ નંબર ચાર.’

રણજિત અને સંજના સામસામે બેઠાં. વાદળછાયા વાતાવરણમાં કૅફેની બધી લાઇટ્સ ઑન થઈ ચૂકી હતી. રોશનીથી ખૂબસૂરત પૃથ્વી કૅફે ઝળાહળ હતી.

‘તમે શું ખાશો રણજિત?’

‘તને જે ગમે એ મને ગમશે. તું તારી રીતે ઑર્ડર આપી દે.’

‘આર યુ શ્યૉર? તમે તો મારી પસંદ-નાપસંદને બહુ વધુપડતી સિરિયસ લઈ રહ્યા હો

એવું કેમ લાગે છે મને.’

રણજિતે જવાબમાં ફિક્કું સ્મિત આપ્યું. તેનો જીવ ઘરે હતો જ્યાં બારણાં બંધ કરીને અનિકા પોતાની રૂમમાં છે.

થોડી વાર બન્ને વચ્ચે ચુપકીદી રહી. દૂર એક ખૂણામાં કૉલેજિયન છોકરાઓએ ગિટાર વગાડવાનું ચાલુ કર્યું.

લતાજીનું ગીત ગિટારના તાલે સૌ ગાઈ રહ્યા હતા. આસપાસના બીજા યુવાનો તાલ મિલાવી ચપટી વગાડી કોરસમાં ગાતા હતા...

તડપાઓગે તડપા લો

હમ તડપ તડપ કર ભી

તુમ્હારે ગીત ગાએંગે

ઠુકરાઓગે ઠુકરા લો

હમ ઠોકર ખા કર ભી

તુમ્હારે દર પે આએંગે

માહોલ સંગીતમય હતો. સંજનાના ઑર્ડર પ્રમાણે બે આઇરિશ કૉફી ટેબલ પર આવી. મેજર રણજિતે આઇરિશ કૉફીની સિપ લીધી. તેમને ભાવી એટલે માથું હકારમાં ધુણાવી તાલમાં સહમતી આપી. સંજનાએ કૉફીની સિપ લીધી, શરીર ટટ્ટાર કર્યું અને હાથની હથેળી ટેબલ પર ફેલાવી મેજર સામે જોયું, ‘તો રણજિત, મારો ચેક ક્યાં છે?’

‘મતલબ?’ રણજિતને કશું સમજાયું નહીં. તેની આંખો ઝીણી થઈ.

‘અરે, તમે જૂની હિન્દી ફિલ્મો નથી જોઈ?’

‘સૉરી?’

‘રણજિત, જૂની હિન્દી ફિલ્મોમાં પૈસાવાળો વિલન બાપ-દીકરીના પ્રેમીને બ્લૅન્ક ચેક આપે અને પછી પાઇપમાંથી ધુમાડા કાઢીને કહે કે બરખુરદાર, યે લો ચેક, મેરી બેટી કો ભૂલને કી જો કીમત તુમ લિખ સકતે હો વો લિખ લો પર દફા હો જાઓ ઉસકે જીવન સે હમેશા હમેશા કે લિએ! તો મને લાગ્યું કે તમે પણ આવો કોઈ ચેક લઈને આવ્યા હશો.’

અને મેજર રણજિત ખડખડાટ હસી પડ્યા. રણજિત એટલું હસ્યા કે હસતાં-હસતાં તેમની આંખમાંથી આંસુ બહાર આવી ગયાં. આસપાસના ટેબલ પર બેસેલા લોકોએ પણ નોંધ્યું કે આ અંકલ તો મગજ ચસકી ગયું હોય એમ હસે છે. સંજના પણ થોડી કૉન્શ્યસ થઈ કે રણજિત તો ધાર્યા કરતાં વધારે હસી રહ્યા છે. અત્યારે કદાચ અનિકા હોત તો તેને પણ નવાઈ લાગત કે તેના બાબા આટલું ખૂલીને હસી શકે છે. પાણી પીને મેજર રણજિત માંડ શાંત થયા.

‘તારી સેન્સ ઑફ હ્યુમર બહુ ગજ્જબ છે સંજના.’

‘હેંને? તમારી દીકરી પણ મને એવું જ કહેતી હોય છે.’

અનિકાનું નામ પડતાં મેજર રણજિતનું સ્માઇલ ફરી સંકોરાઈ ગયું. થોડી વારે મિક્સ પરાઠા, પાઉંભાજી અને પાસ્તાનો ઑર્ડર આવી ગયો. બન્ને જમી રહ્યાં હતાં.

‘સંજના, એક વાત પૂછું?’

‘બોલોને.’

‘અનિકાને પ્રેમ કરવાના, તેની સાથે રહેવાનાં તારાં કારણો જણાવ.’

‘વેલ રણજિત, જીવનમાં કોઈ પણ સંબંધમાંથી છૂટા પડી જવા માટે બહુબધાં કારણો મળી રહે છે, પણ સાથે જોડાઈ રહેવાનાં કારણો બહુ ઓછાં હોય છે.’

સંજનાની વાતમાં રણજિતને બહુ રસ પડ્યો. તે સંજનાની આંખોમાં જોવા લાગ્યા.

‘અનિકાને હું પ્રેમ કરું છું. બસ, તેની સાથે જોડાયેલા રહેવા માટે આ એક કારણ બહુ પૂરતું છે.’

‘અને સમાજ તમારા સંબંધને નહીં સ્વીકારે તો?’

‘મેં ક્યાં સમાજ પાસે સ્વીકાર-અસ્વીકારની અપેક્ષા રાખી જ છે.’

‘સમાજની કોઈ જરૂર નથી તમને તમારા પ્રેમમાં?’

‘સમાજને જરૂર છે અમારા પ્રેમની?’

રણજિત ખાતા અટકી ગયા. તેમને સંજનાની વાતોમાં અને આંખોમાં અનિકા દેખાઈ જે આંસુ લૂછીને કહી રહી હતી, ‘કોઈને ગમાડવું એ ગુનો કેવી રીતે હોઈ શકે?બાબા, તમને અભિનંદન. તમે શૉક ટ્રીટમેન્ટ આપવા આવેલા એમાં સફળ થયા. મારી સાથે રહીને મને સમજવાનું તમે જે નાટક કર્યું એનાથી મોટો કરન્ટ મારા માટે બીજો કયો હોવાનો?’

 (ક્રમશ:)

columnists gujarati mid day mumbai exclusive Raam Mori