અભિમાન સમુદ્રનું (લાઇફ કા ફન્ડા)

16 November, 2020 10:26 PM IST  |  Mumbai | Heta Bhushan

અભિમાન સમુદ્રનું (લાઇફ કા ફન્ડા)

પ્રતીકાત્મક તસવીર

એક દિવસ સમુદ્રને અભિમાન થયું કે મારા સમાન કોઈ નથી. તે પોતાનાં તરંગો ઉછાળી-ઉછાળીને પોતાના ઘમંડનાં ગાણાં ગાવા લાગ્યો.
ચારેતરફ તેણે કિનારાની બહાર માઝા મૂકવાની શરૂઆત કરી. પૃથ્વીએ શાંતિથી વિનંતી કરતાં કહ્યું, ‘સાગર, તમારી મર્યાદામાં રહો, તમે મર્યાદા છોડો એ તમને શોભતું નથી.’
સમુદ્રને પૃથ્વીની સાચી વાત સાંભળવી ન ગમી. તેણે ગુસ્સે થઈ પૃથ્વીને રૂઆબથી કહ્યું, ‘પૃથ્વી, તારા ૭૦ ટકા ભાગ પર મારો કબજો છે. મોટા-મોટા હિમાલય પર્વત મારી અંદર સમાઈ જાય એટલી મારી ઊંડાઈ છે. મારી ઊંડાઈનો તાગ કોઈ મેળવી શકતું નથી. મારી અંદર કેટલાંય રત્નો અને ખનીજોનો ભંડાર છે. કરોડો પ્રાણીઓને હું આશરો આપું છું. મારે કારણે વરસાદ પડે છે અને મારામાંથી જ સ્વાદ આપતું સબરસ. બોલ છે કોઈ મારા જેવું... અને મારાં પાણીમાં એટલી તાકાત છે કે કોઈ પણ પ્રાણી અને મનુષ્યને ડુબાડી શકું, મોટાં-મોટાં જહાજોને ઘડીમાં ડુબાડી દઉં. એટલે પૃથ્વી, હું આજથી તારા પર મારું આધિપત્ય જાહેર કરું છું અને હું જેમ કહું એમ જ તારે અને તારી પર રહેતાં બધાં જ સજીવ-નિર્જીવ તત્ત્વોએ કરવું પડશે. નહીં તો હું મારાં તરંગોની તાકાતથી સુનામી ફેલાવી તારા ઉપરની આખી જીવસૃષ્ટિને ડુબાડી દઈશ.’
પૃથ્વીને થયું કે આ સમુદ્રના અભિમાનને દૂર કરવા કંઈક કરવું પડશે. બરાબર એ જ સમયે એક માછીમાર અને તેની પત્ની સમુદ્રકિનારે આવ્યાં. આજે તેઓ નવી નાવનો ઉપયોગ શરૂ કરવાનાં હતાં એટલે નાવની અને સમુદ્રની પૂજા કરી અને પ્રાર્થના કરી. પૃથ્વીને તક મળી. તેણે સમુદ્રને કહ્યું, ‘જુઓ, બધા તમને કેવા પૂજે છે, જાળવવાની પ્રાર્થના કરે છે અને તમે ડુબાડવાની ધમકી આપો છો. આ અભિમાન ખોટું છે.’
સમુદ્રે કહ્યું, ‘મારું અભિમાન ખોટું નથી, સાચું છે. હું બધાને મારી અંદર ડુબાડી દેવાની તાકાત ધરાવું છું.’
પૃથ્વીએ ચાલાકીથી કહ્યું, ‘ના, તમારું અભિમાન ખોટું છે, તમે બધું જ ડુબાડી શક્તા નથી...’ આમ બોલતાં પૃથ્વીએ માછીમાર પત્નીની પૂજાની થાળીમાં જે તેલનો દીવો હતો એમાંથી બે ટીપાં તેલ સમુદ્રમાં નાખ્યું. તેલનાં ટીપાં સમુદ્રનાં પાણીની સપાટી પર તરવા લાગ્યાં. સમુદ્ર એને ડુબાડી શક્યો નહીં. પૃથ્વી ધીમું હસી અને બોલી, ‘સાગર, નાહક અભિમાન ન કરો, બધાને ડુબાડવાની વાત પછી કરજો, આ તેલનાં બે ટીપાં તો ડુબાડી બતાવો.’
સમુદ્ર ચૂપ થઈ ગયો. સમજી ગયો કે પોતે ગમે એ કરશે આ તેલનાં ટીપાંને ડુબાડી નહીં શકે. સમુદ્રની અફાટ જળરાશી બે ટીપાં તેલને ડુબાડવા સક્ષમ ન હતી. એનું અભિમાન કરવું ખોટું હતું. ક્યારેય અભિમાન કરવું જોઈએ નહીં.
જીવનમાં ક્યારેય કોઈ આવડત કે શક્તિનું અભિમાન કરવું નહીં. નાનામાં નાની વ્યક્તિ પણ આપણાથી વધુ આવડત અને શક્તિ ધરાવી શકે છે. અભિમાન કોઈનું ટકતું નથી અને અભિમાન સદા હાનિકારક સાબિત થાય છે. 

heta bhushan columnists