ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૧૭)

11 February, 2023 12:13 PM IST  |  Mumbai | Aashu Patel

‘હું તો પૃથ્વીરાજની હત્યાની કોશિશ થઈ એના સંદર્ભમાં કહી રહ્યો હતો. આ વળી નવું શું છે?’ કમલનયનજીએ પૂછ્યું.???

ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૧૭)

‘ફૅન્ટૅસ્ટિક ઇન્ટરવ્યુ! બસ તારી ફરિયાદ નોંધાઈ જાય એ સાથે હું આ ઇન્ટરવ્યુનું પ્રસારણ શરૂ કરી દઈશ અને આખા દેશમાં તારા નામની ચર્ચા શરૂ થઈ જશે.’
રશ્મિ શૈલજાને કહી રહી હતી. 
‘થૅન્ક યુ, મૅમ,’ શૈલજાએ કહ્યું.
એ જ વખતે શૈલજાના ફોન પર અજાણ્યા નંબરથી કૉલ આવ્યો. શૈલજા અચકાઈ. રશ્મિએ તેને ઇશારાથી કહ્યું કે ફોન રિસીવ કરી લે.
શૈલજાએ કૉલ રિસીવ કર્યો. એ સાથે સામે છેડેથી કહેવાયું, ‘હું જુહુ પોલીસ સ્ટેશનમાંથી સિનિયર ઇન્સ્પેક્ટર કદમ બોલી રહ્યો છું. શાહનવાઝ વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવવા માટે હમણાં જ તમે જુહુ પોલીસ સ્ટેશનમાં આવી જાઓ.’

શૈલજા ઊછળી પડી. તેના ચહેરા પર રોમાંચ અને ખુશીની લાગણી ઊભરાઈ આવી. તેણે કહ્યું ‘થૅન્ક યુ વેરી મચ, સર. મૈં થોડી હી દેર મેં આતી હૂં.’
‘ખબર ઇન્ડિયા’ની ઑફિસ જુહુમાં જ હતી. ત્યાંથી થોડી મિનિટમાં જ તે જુહુ પોલીસ સ્ટેશન પહોંચી શકે એમ હતી.  
સિનિયર ઇન્સ્પેક્ટર કદમે કૉલ ડિસ્કનેક્ટ કર્યો એ સાથે શૈલજાના મનમાં અચાનક ઉમળકો ઊભરાઈ આવ્યો અને તે આવેગ સાથે રશ્મિને ભેટી પડી. તેના આખા દેહમાં થનગનાટ જણાતો હતો. તેણે કહ્યું : ‘દીદી, 
ઇટ્સ ડન! પોલીસ મારી ફરિયાદ લઈ રહી છે!’
રશ્મિએ પત્રકારત્વની દોઢ દાયકાની કરીઅર દરમિયાન આવું ઘણુંબધું જોયું હતું એટલે તેને શૈલજાનો થનગનાટ જોઈને નવાઈ ન લાગી, પણ તેને આનંદ જરૂર થયો કે શાહનવાઝ જેવો મોટો શિકાર તેના હાથમાં આવ્યો હતો!

શાહનવાઝે ભૂતકાળમાં રશ્મિને પણ અપમાનિત કરી હતી એટલે રશ્મિ માટે તો ભાવતું હતું અને વૈદે કીધું જેવો ઘાટ થયો હતો. તેના માટે પણ આ આનંદનો અવસર હતો. તેણે શૈલજાને  કહ્યું : ‘તું ફટાફટ જુહુ પોલીસ સ્ટેશનમાં પહોંચીને એક વાર ફરિયાદ નોંધાવી દે.’
શૈલજાએ કહ્યું કે ‘હું હમણાં જ જુહુ પોલીસ સ્ટેશન પહોંચું છું.’
રશ્મિએ પૂછ્યું : ‘તું અહીં કેવી રીતે આવી છે?’
શૈલજાએ જવાબ આપ્યો : ‘હું ટૅક્સીમાં આવી છું.’

રશ્મિએ કહ્યું : ‘હું મારી કાર મોકલું છું. મારો ડ્રાઇવર તને જુહુ પોલીસ સ્ટેશન ડ્રૉપ કરી દેશે.’
‘ના, ના, મૅમ. હું રિક્ષામાં...’
‘તેં હમણાં થોડી સેકન્ડ પહેલાં મને ભેટીને શું સંબોધન કર્યું હતું? તું મને દીદી કહે છે અને આવી ફૉર્માલિટી પણ રાખે છે? નો આર્ગ્યુમેન્ટ્સ! તું મારી કારમાં જુહુ પોલીસ સ્ટેશન જાય છે. તું ફટાફટ નીચે ઊતર. મારી ગોલ્ડન કલરની 8682 નંબરની હૉન્ડા સિટી કાર નીચે ઊભી છે. તું પાર્કિંગમાં પહોંચ ત્યાં સુધીમાં હું ડ્રાઇવરને સૂચના આપી દઉં છું.’
શૈલજા ફરી એક વખત ઉમળકા સાથે રશ્મિને ભેટી પડી. તેણે કહ્યું : ‘થૅન્ક યુ સો મચ, દીદી.’
રશ્મિએ તેનાથી અળગા થતાં તેને ગાલે ટપલી મારી અને પછી તેના કપાળને ચૂમીને કહ્યું : ‘બસ આમ દીદી જ કહેવાનું રાખજે. મૅમ કરતાં દીદી વધુ સારું લાગે છે તારા હોઠે!’
lll

‘સર, મહારાષ્ટ્રમાં આપણી પાર્ટીના મહાઅધિવેશનની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે...’
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હરિભાઉ ફોન પર રાષ્ટ્રહિત પાર્ટીના અધ્યક્ષ કમલનયનજીને કહી રહ્યા હતા.
તેઓ આગળ કશું બોલે એ પહેલાં તેમની વાત વચ્ચેથી જ કાપતાં કમલનયનજીએ કહ્યું, ‘હું હમણાં તમને જ સંદેશો મોકલાવવાનો હતો કે શાહનવાઝને બચાવવાની કોશિશ ન કરતા. ચૂંટણીઓ વખતે એ પ્રચારમાં નહીં આવે તો ચાલશે! આપણને પ્રતાપરાજ સિંહની વધુ જરૂર છે.’
હરિભાઉ ચિંતિત થઈ ગયા. તેમને લાગ્યું કે પ્રતાપરાજે પેલી મૉડલ પર શાહનવાઝના રેપ વિશે કમલનયનજીને પણ કૉલ કરી દીધો લાગે છે!
તેમણે કહ્યું, ‘ના ના, મેં પોલીસ-કમિશનર શેખને સૂચના આપી દીધી છે. આદેશ આપી દીધો છે કે જુહુ પોલીસને કહીને શાહનવાઝ સામે રેપની ફરિયાદ આજે જ નોંધી લે.’
‘રેપની ફરિયાદ?’ કમલનયનજીએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. તેઓ તો શાહનવાઝે પૃથ્વીરાજ પર હુમલો કરાવ્યો એ ન્યુઝના સંદર્ભમાં કહી રહ્યા હતા ત્યાં આ વળી નવી જ વાત તેમને જાણવા મળી!

કમલનયનજીના અવાજનો ટોન સાંભળીને હરિભાઉને સમજાયું કે પોતે લોચો મારી દીધો છે.
‘હું તો પૃથ્વીરાજની હત્યાની કોશિશ થઈ એના સંદર્ભમાં કહી રહ્યો હતો. આ વળી નવું શું છે?’ કમલનયનજીએ પૂછ્યું.
નાછૂટકે હરિભાઉએ બધી વાત કરવી પડી.
કમલનયનજીએ કહ્યું, ‘આ નટબજાણિયાઓના રવાડે ચડવાને બદલે થોડા સમયમાં લોકસભા ચૂંટણીઓ આવી રહી છે એના પર ધ્યાન આપો. તમારા મહારાષ્ટ્રમાં તો વિધાનસભા ચૂંટણીઓને વાર છે, પણ લોકસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પ્રતાપરાજ સિંહની સૌથી વધુ જરૂર પડશે આપણને. શાહનવાઝ સાથે દોસ્તી નિભાવવાની બિલકુલ કોશિશ ન કરતા. કાનૂનને કાનૂનનું કામ કરવા દેજો. પહેલાં મને પ્રતાપરાજજી સાથે વાત કરી લેવા દો. પાર્ટી અધિવેશન વિશે આપણે રાતે વાત કરીશું. ત્યાંના પ્રદેશપ્રમુખ પાટીલજી એ વિશે મારી સાથે સતત સંપર્કમાં છે એટલે એ મુદ્દે મને પછી કૉલ કરજો. શાહનવાઝને બદલે બીજા કોઈ અભિનેતાનો, અરે! બીજા કોઈનો શા માટે, પૃથ્વીરાજનો જ ઉપયોગ કરી લઈશું. તેના પર હુમલો થયો એટલે સહાનુભૂતિ પણ મળશે. પૃથ્વીરાજને મુંબઈની ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી ઉમેદવાર ચૂંટણી લડાવી દઈશું એટલે એ બેઠક સલામત પણ થઈ જશે...’

કમલનયનજીના એક-એક શબ્દ સાથે હરિભાઉના પેટમાં જાણે ઊકળતું તેલ રેડાઈ રહ્યું હતું. એ બેઠકની ટિકિટ તેઓ પોતાના ભત્રીજાને અપાવવા ઇચ્છતા હતા! તેમને શાહનવાઝ પર કાળ ચડ્યો, પણ અત્યારે તો કમલનયનજીને શાંત પાડવાનું કામ સૌથી વધુ અગત્યનું હતું. તેમણે કહ્યું, ‘મેં શાહનવાઝ સામે સખત હાથે કામ લેવા માટે ઑલરેડી પોલીસ-કમિશનરને આદેશ આપી દીધો છે...’         
‘તમે મીડિયા સામે બોલી રહ્યા નથી, મારી સાથે વાત કરી રહ્યા છો!’ કમલનયનજીએ કટાક્ષભર્યા સવારે કહ્યું અને પછી ઉમેર્યું : ‘અને હા, પાટીલજી કહેતા હતા કે તમારા શાહનવાઝ સાથેના અને તેના અન્ડરવર્લ્ડ સાથેના કનેક્શનને કારણે આપણી પાર્ટીની ઇમેજ ખરાબ થઈ રહી છે. હૈદરની પાર્ટીમાં મહાલતા શાહનવાઝના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને ત્યાં લગ્નપ્રસંગમાં હાજરી આપતા વિડિયોઝ ટીવી ચૅનલ્સ પર ચાલી રહ્યા છે એ મેં હમણાં જ જોયું! મને લાગે છે કે તમારે બદલે પાટીલજીને મહારાષ્ટ્ર સરકારનું સુકાન સોંપવું પડશે!’
‘મને માત્ર થોડો સમય...’

બઘવાઈ ગયેલા હરિભાઉ કશુંક કહેવા ગયા, પણ તેઓ આગળ કશું બોલે એ પહેલાં કમલનયને કૉલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો!
હરિભાઉની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ. ‘ચોરને કહે કે ચોરી કરજે અને શાહુકારને કહે કે જાગતો રહેજે’ એવી નીતિ અપનાવવાની કોશિશ તેમણે કરી હતી, પણ બધું આડું વેતરાયું હતું!
lll

 ‘પ્રસાદ, યે કામ કરના હી પડેગા. શાહનવાઝ કો ઉડાના હૈ...’
રઘુ મુંબઈમાં તેની ગૅન્ગ માટે કામ કરતા તેના એક વિશ્વાસુ ગુંડાને કહી રહ્યો હતો.
પ્રસાદને શાહનવાઝની હત્યાના વિચાર માત્રથી પરસેવો વળી ગયો. તેણે કહ્યું, ‘બહુત હી મુશ્કિલ કામ હૈ, રઘુભાઈ.’
‘મુઝે માલૂમ હૈ, પર યે કામ કરના હી પડેગા. ઔર વો ભી આજ હી. વો આજ કી રાત નહીં દેખના ચાહિએ...’

 ‘આજ હી! આપ કો ભી પતા હૈ કિ યે કિતના મુશ્કિલ હૈ, રઘુભાઈ! ઉસકો મુંબઈ પુલિસ કા પ્રોટેક્શન હૈ. પુલિસ કે કમાન્ડોઝ ઉસકે સાથ હી રહતે હૈ. ઉસકે ઘર કે બાહર ભી ચૌબીસ ઘંટે પુલિસ કે લોગ ખડે રહતે હૈં ઔર ઉસકી પર્સનલ સિક્યૉરિટી ભી બડી ટાઇટ હૈ...’   
‘કુછ ભી કર. તૂ પૈસોં કી ફિક્ર મત કર. બસ ઇતના કામ કર દે. મૈં તેરી લાઇફ બના દૂંગા,’ રઘુ વિહ્વળ બની ગયો હતો.
‘પર રઘુભાઈ...’
રઘુની ધીરજ ખૂટી ગઈ. તેણે પ્રસાદને ધમકી આપી દીધી કે ‘તૂ અગર યે કામ નહીં કરેગા તો...’

lll આ પણ વાંચો: સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ પ્રકરણ ૧૬

‘જુહુ પુલીસ સ્ટેશન લે લો,’ શૈલજાએ રશ્મિની કારમાં બેસતાંવેંત ડ્રાઇવરને કહ્યું.
આવી રીતે ડ્રાઇવરને આદેશ આપવાનું તેનું સપનું હતું, પરંતુ મુંબઈ આવ્યા પછી તે માંડ-માંડ ભાડું ચૂકવતી હતી અને ખાવાપીવાના અને ખિસ્સાખર્ચ માટેના પૈસા કમાતી હતી. એ સ્થિતિમાં કાર ખરીદવાનું તો સપનું જોવાની પણ તેની હિંમત ચાલે એમ નહોતી!
‘જી, મૅમસા’બ,’ ડ્રાઇવરે કહ્યું અને કાર ચાલુ કરી.
શૈલજાને લાગ્યું કે પોતે જાણે સાતમા આસમાનમાં વિહરી રહી છે. તેણે મુંબઈમાં આજ સુધી બધાને ‘મૅમસા’બ’ અથવા ‘સર’ કહીને સંબોધન કર્યું હતું, પરંતુ પહેલી વાર કોઈના મોઢે ‘મૅમસા’બ’ સંબોધન સાંભળ્યું હતું!

ડ્રાઇવરે કાર ‘ખબર ઇન્ડિયા’ ટીવી ચૅનલના હેડક્વૉર્ટરમાંથી બહાર કાઢી. એ સાથે શૈલજા પોતાનો મોબાઇલ ફોન ચેક કરવા લાગી. તેના મોબાઇલ ફોનમાં ઘણાબધા મિસ્ડ કૉલ અલર્ટ્સ હતા.
સિનિયર ઇન્સ્પેક્ટર કદમે પણ તેને ઘણા કૉલ કર્યા હતા. તેણે સૌપ્રથમ તો સિનિયર ઇન્સ્પેક્ટર કદમનો નંબર સેવ કર્યો. બીજા નંબર કોના છે એ જાણવા માટે તે ટ્રૂ કૉલરમાં ચેક કરી રહી હતી એ જ વખતે તેના ફોન પર એક અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો.
ટ્રૂ કૉલરને કારણે કૉલરનું નામ મોબાઇલ ફોનની સ્ક્રીન પર ફ્લૅશ થયું. એ નામ જોઈને શૈલજાના મનમાં રોમાંચની લાગણી જન્મી ગઈ!
lll

‘કયા હુઆ? કુછ ટેન્શન હૈ? અપુન કોઈ હેલ્પ કર સકતા હૈ કયા, ભિડૂ?’
રઘુના કૉલને કારણે અસ્વસ્થ થઈ રહેલો પ્રસાદ પોતાના કપાળ પરથી પરસેવો લૂછી રહ્યો હતો એ વખતે તેની સામે બેસીને પ્રસાદના પૈસે રૉયલ સ્ટૅગ વ્હિસ્કી પી રહેલા તેના દોસ્ત રહેમાને પૂછ્યું,
‘અરે! તૂને સૂના નહીં! રઘુભાઈ શાહનવાઝ કો ઉડાના ચાહતે હૈ વો ભી આજ કે આજ! ઉન્હોંને ઐસે બોલ દિયા કિ જૈસે કોઈ કટિંગ ચાય કા ઑર્ડર દેતે હો! બોલે કિતને ભી પૈસે કા ખર્ચ હો ફિકર મત કરના! ઔર બોલે કિ તૂને આજ કે આજ હી યે કામ નહીં કિયા તો મૈં તુમ્હારા મર્ડર કરવા દૂંગા!’
‘મૈં તેરી હેલ્પ કર સકતા હૂં,’ રહેમાન ઉતાવળે બોલ્યો.

‘અરે! તૂ તો એક છોટા સા ખબરી હૈ! તેરી ઔકાત ક્યા હૈ? તૂને અભી બહુત પી રખી હૈ તો તૂ  કુછ ભી બોલેગા, સાલા!’ પ્રસાદ રહેમાન પર ભડકી ગયો.
‘ઔકાત કી બાત મત કર! તુઝે માલૂમ નહીં હૈ મૈં ક્યા કર સકતા હૂં.’ રહેમાન અકળાઈ ઊઠ્યો.
 ‘યહાં મેરી વાટ લગી હુઈ હૈ. મેરા મૂડ ઑલરેડી બિગડા હુઆ હૈ. તૂ મેરા દિમાગ ઝ્યાદા ખરાબ ન કર. તૂ કુછ ભી બોલે બિના મુફ્ત કી શરાબ પી!’ પ્રસાદનો અવાજ ઓર ઊંચો થઈ ગયો!
‘અરે! મેરી પૂરી બાત તો સૂન, યાર! તેરા યે કામ ઔર કોઈ નહીં કર સકતા. સિર્ફ મૈં હી કર સકતા હૂં...’
રહેમાને આગળ જે શબ્દો કહ્યા એ સાંભળીને પ્રસાદને એવું લાગ્યું કે જાણે તેના શરીરમાંથી ચારસો ચાલીસ વોટ વીજળીનો કરન્ટ પસાર થઈ ગયો હોય!

વધુ આવતા શનિવારે

columnists ashu patel