ક્યાંક તમે પણ ઑપ્ટિમિઝમ બાયસનો શિકાર તો નથીને?

21 September, 2020 10:40 AM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

ક્યાંક તમે પણ ઑપ્ટિમિઝમ બાયસનો શિકાર તો નથીને?

મુશ્કેલીઓ ક્યારેય સરનામું પૂછીને આવતી નથી, પરંતુ જે એનો સામનો કરવા માટે તૈયાર હોય છે તેમને ત્યાં લાંબું ટકી પણ શકતી નથી

અખબારોમાં આવતા દુર્ઘટનાના સમાચારોને આપણે તટસ્થ ભાવે જોતા હોઈએ છીએ, કારણ કે એની પાછળ આપણી સાથે આવું કંઈ નહીં થાય એવો ઑપ્ટિમિઝમ બાયસ કામ કરતો હોય છે. પરંતુ એ જ દુર્ઘટના જ્યારે આપણી કે આપણને લાગતાવળગતા કોઈની સાથે ઘટે છે ત્યારે પરિસ્થિતિને જોવાનો આપણો આખો નજરિયો જ બદલાઈ જાય છે. આવું કેમ? આવો સમજવાનો પ્રયત્ન કરીએ...

માનસશાસ્ત્રમાં ઑપ્ટિમિઝમ બાયસ નામના એક સિન્ડ્રૉમની વાત કરવામાં આવેલી છે. ઑપ્ટિમિઝમ બાયસ એક એવી માનસિક સ્થિતિ હોય છે જેમાં વ્યક્તિ એવું માને છે કે તેની આસપાસ ભલેને કંઈ પણ ચાલી રહ્યું હોય, પણ તેની સાથે કોઈ અણગમતો બનાવ બનશે નહીં. અપને કો કભી કુછ નહીં હોગા. આ લાઇન આપણે પણ રોજિંદા જીવનમાં ક્યાંક અનેક વાર બોલતા હોઈએ છીએ અને બોલતા નહીં તો ઍટ લીસ્ટ બીજાના મોઢે સાંભળતા તો હોઈએ જ છીએ. પરંતુ દર વખતે આ લાઇનને મજાક મસ્તીમાં લેવી ક્યારેક ભારે પણ પડી શકે છે.
કોરોના વાઇરસે જ્યારે ભારતમાં ફેલાવાનું શરૂ કર્યું ત્યારે ઘણા લોકો કહેતા હતા કે ભારતીયો તો આવા વાઇરસ પ્રત્યે જન્મથી જ ઇમ્યુન છે. તેથી આપણને કંઈ થશે નહીં. પરંતુ એના થોડા જ સમયમાં જે રીતે આપણે ત્યાં કોરોનાના આંકડા વધી ગયા કે આપણી આ અને આવી બીજી અનેક માન્યતાઓ પર પાણી ફરી વળ્યું. બલકે આવું કહેનારામાંથી જ કંઈ કેટલાય એનો શિકાર બની ગયા હોય તો પણ કંઈ કહેવાય નહીં. આજે આપણી આસપાસ જોઈએ તો બહુ મોટી સંખ્યામાં લોકો ખુલ્લેઆમ ફરતા દેખાઈ રહ્યા છે. ત્યાં સુધી કે કેટલાક તો માસ્ક સુધ્ધાં પહેરવાની તસ્દી પણ લઈ રહ્યા નથી, સોશ્યલ ડિસ્ટન્સિંગનો આખો કન્સેપ્ટ જ જાણે ફરી મુંબઈ અને દિલ્હીવાસીઓને નવેસરથી સમજાવવાની આવશ્યક્તા ઊભી થઈ ગઈ છે. લોકોની આવી બેજવાબદારી પાછળનું કારણ આપતાં લોકો કહે છે કે હવે બધા ઘરે બેસીને કંટાળ્યા છે. એક મિત્ર બીજા મિત્રને ખાવાની બાબતમાં સાવધાની રાખવાનું કહે તો સામે એવો જવાબ મળે છે કે અમે તો ૨-૩ મહિનાથી બહારનું ખાઈ રહ્યા છીએ, કંઈ થતું નથી.
આ બધાના મૂળમાં ક્યાંકને ક્યાંક લોકોના મનમાં રહેલો આઈપ્ટિમિઝમ બાયસ કામ કરી રહ્યો છે. ઑપ્ટિમિઝમ બાયસ એટલે હકારાત્મકતા માટેનો પક્ષપાત. બીજા શબ્દોમાં એવી માન્યતા કે જે સામૂહિક મુશ્કેલી છે એ ભલે દુનિયા આખીમાંથી કોઈની પણ સાથે થાય, પરંતુ આપણે તો કોઈક રીતે એમાંથી બાકાત રહી જ જઈશું. ખાસ કરીને નેગેટિવ બાબતો કે મુશ્કેલીઓમાં આવો ઑપ્ટિમિઝમ બાયસ બહુ વધારે જોવા મળે છે. કોઈ સિગારેટ પીનારી વ્યક્તિ સામે તમે કૅન્સરની વાત કરો તો તેનો જવાબ એવી આશાથી જ ભરેલો હોય છે કે હા, સિગારેટ પીવાથી કૅન્સર થઈ શકે પણ બધાને થાય એવું જરૂરી નથી. વળી હું તો મારા સ્વાસ્થ્યનું બહુ ધ્યાન પણ રાખું છું. એવી જ રીતે કોઈ દારૂના વ્યસનીને તમે દારૂ પીવાથી લિવર ખરાબ થાય એવી સલાહ આપવા જાઓ તો તેનો જવાબ એ જ હશે કે એમ તો ઘણુંબધું કરવાથી ઘણુંબધું થાય. એવું બધું વિચારવા બેસીએ તો તો જીવવાનું જ મુશ્કેલ થઈ જાય. વળી હું ક્યાં રોજ પીઉં છું? એકાંતરે જ તો હાથ લગાડું છું. તમારા ઓળખીતામાં હાલમાં જો કોઈની નોકરી આર્થિક તંગી કે પછી કોરોનાને કારણે ગઈ હશે તો એકાદ ક્ષણ માટે તમારા મનમાં પણ એક ડરની લાગણી ચોક્કસ જન્મી હશે, પરંતુ આવું થાય ત્યારે તરત જ આપણા મનમાંથી એક એવો અવાજ પણ આવે છે કે મારી સાથે આવું કંઈ થશે નહીં. આ છે ઑપ્ટિમિઝમ બાયસ.
ઑપ્ટિમિઝમ બાયસ પાછળ આપણા મનમાં રહેલો એક તર્ક કંઈક વિચિત્ર રીતે કામ કરતો હોય છે. એ તર્ક કંઈક એવો હોય છે કે સામાજિક મુશ્કેલી આપણને પોતાની મુશ્કેલી લાગતી નથી. જેમ કે અખબારમાં આપણે વાંચીએ કે ભૂકંપમાં એક હજાર લોકો મરી ગયા કે પછી કોઈ મકાનમાં આગ લાગવાથી પચાસ લોકો બળી મર્યા તો આપણને દુઃખ જરૂર થાય છે, પરંતુ એ દુઃખનો ભાવ સાક્ષી ભાવ હોય છે, તટસ્થ ભાવ હોય છે. એ સમાચાર વાંચીને આપણે કંઈ આપણા મકાનમાં લગાડેલાં આગ લાગે ત્યારે ઉપયોગમાં લઈ શકાય એવાં ઉપકરણોની જાંચ કરવા બેસી જતા નથી કે પછી શહેરમાં ભૂકંપ આવે તો બચવા માટેની સરકારી ગાઇડલાઇન્સ શું છે એની શોધખોળ કરવા માંડતા નથી, કારણ કે આપણી અંદર રહેલો ઑપ્ટિમિઝમ બાયસ આપણને આવું કરતાં અટકાવે છે. એ આપણને ઓવર-કૉન્ફિડન્સમાં રાખે છે કે ભાઈ આપણી સાથે આવું કંઈ નહીં થાય.
પરંતુ જેવી આવી કોઈ હોનારત આપણી કોઈ અંગત વ્યક્તિ સાથે થાય ત્યાં જ તરત જ આપણી વિચારસરણી બદલાઈ જાય છે. કેટલાય લોકોને તમે જોશો કે જેમનો કોઈ મિત્ર અકસ્માતમાં મરી ગયા બાદ તેઓ હેલ્મેટ પહેરવાનું કે સીટ બેલ્ટ પહેરવાનું શરૂ કરી દે છે, કારણ કે એકાએક આપણા ઑપ્ટિમિઝમ બાયસનું સ્થાન ફિયર ઑફ પૉસિબિલિટી એટલે શક્યતાનો ડર લઈ લે છે. શક્યતાનો ડર અર્થાત્ આની સાથે થયું તો મારી સાથે પણ થઈ શકે. ઈશ્વર ન કરે ને તમારી નજીકની કોઈ વ્યક્તિ આગ કે ધરતીકંપમાં મૃત્યુ પામે તો આ આખી ઘટના પ્રત્યે તમારી ગંભીરતા અને દૃષ્ટિકોણ બન્ને બદલાઈ જાય છે, કારણ કે દસ લાખ લોકોનાં મૃત્યુ થવાં એ માત્ર એક આંકડો છે, પરંતુ પોતાના કુટુંબની વ્યક્તિ ગુમાવવી એ દુર્ઘટના છે.
ભારતમાં અત્યારે કોરોનાનો આંકડો પચાસ લાખની ઉપર છે. આ દરેક સંક્રમિત વ્યક્તિના કુટુંબ તથા મિત્રોને મળી ૧૦ વ્યક્તિ પણ ગણીએ તો પાંચ કરોડ લોકોનો ઑપ્ટિમિઝમ બાયસ હાલ ભાંગીને ભૂકો થઈ ચૂક્યો છે. એવી જ રીતે હાલમાં જ આવેલા લગભગ ૨૫ ટકા જીડીપી ક્રૅશના આંકડા તથા જેમના પગાર કે નોકરી ગયા છે તેમના લાગતાવળગતાઓના ઑપ્ટિમિઝમ બાયસનો પણ અત્યારે આવો જ ભંગ થયો છે.
એક સામાન્ય માનવી એવું માનતો હોય છે કે મંત્રીઓ કે સેલિબ્રિટીઝને આ બધી મુશ્કેલી નડતી નથી, પરંતુ ખુદ મોદી સરકારમાં બીજા નંબરે આવતા અમિત શાહ કોરોના અને એને લગતી અન્ય સારવાર માટે અત્યાર સુધીમાં ત્રણ વાર હૉસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યા છે. અમિતાભ બચ્ચનથી લઈને હૉલીવુડના ટૉમ હૅન્ક્સ સુધીના વિશાળ કદના અનેક સ્ટાર્સ પણ કોવિડનો ભોગ બની ચૂક્યા છે. હકીકતમાં આ આખું વર્ષ કદાચ માનવજાત માટે કુદરતના અલગ-અલગ રિમાઇન્ડર્સથી ભરેલું વર્ષ છે. જપાનમાં કહેવત છે કે માનવ જ્યારે પાછલી કુદરતી હોનારત ભૂલવા માંડે છે ત્યારે કુદરત આગલી હોનારતથી તેને પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે. જીવનનું પણ કંઈ આવું જ છે. સાવચેતી અને ઑપ્ટિમિઝમ બાયસ બેમાંથી આપણે શું પસંદ કરીએ છીએ એના પર ઘણી વાર આપણું ભવિષ્ય તોળાતું હોય છે. ભલે એ તમારા ઘરનો ઇન્શ્યૉરન્સ હોય કે પછી હેલ્થ ચેકઅપ, સોશ્યલ ડિસ્ટન્સિંગ હોય કે પછી નોકરી માટે બાયોડેટા અપડેટ કરવાની જંજાળ. એક વખત સમય કાઢીને પોતાનાં આવાં કાર્યો પતાવી દેવામાં ડહાપણ છે. ઍટ લીસ્ટ નુકસાન તો નથી જ.
રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્ટેલિને કહેલું એક વાક્ય હંમેશાં યાદ રાખવા જેવું છે. તેમણે કહ્યું હતું કે A million death is just a statistic, but one death is a tragedy. યાદ રાખો, મુશ્કેલીઓ ક્યારેય સરનામું પૂછીને આવતી નથી, પરંતુ જે એનો સામનો કરવા માટે તૈયાર હોય છે તેમને ત્યાં લાંબું ટકી પણ શકતી નથી. તેથી સાવધાન રહો, સુરક્ષિત રહો.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

falguni jadia bhatt columnists