ડિજિટલ ક્રાન્તિ કે આર્થિક દાદાગીરી? પોતાના જ દેશમાં પોતાના જ રૂપિયા કેમ નકારાઈ રહ્યા છે?

17 June, 2026 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચુકવણીનું માધ્યમ પસંદ કરવાનો અધિકાર ગ્રાહકનો હોવો જોઈએ; પછી ભલે એ રોકડ હોય, ક્રેડિટ કાર્ડ હોય કે પછી UPI. ચુકવણી બાબતે વેપારીની મરજી બિલકુલ ન હોવી જોઈએ. ખાસ કરીને નાના વહેવારોમાં તો બિલકુલ નહીં

પ્રતીકાત્મક તસવીર

ખિસ્સામાં ૫૦૦ રૂપિયાની એકદમ કડક અને અસલી નોટ છે જે ભારત સરકાર દ્વારા ઇશ્યુ કરાયેલી છે અને દેશની સર્વોચ્ચ બૅન્ક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ગવર્નરની સહી સાથે ‘હું ધારકને ૫૦૦ રૂપિયા ચૂકવવાનું વચન આપું છું’ એવી ગૅરન્ટી ધરાવે છે. આ નોટ લઈને તમે કોઈ આધુનિક શૉપિંગ મૉલ, મલ્ટિપ્લેક્સ કે પ્રખ્યાત રેસ્ટોરાંના કાઉન્ટર પર પહોંચો છો અને ત્યાં બેઠેલો કૅશિયર સહેજ પણ ખચકાયા વિના એકદમ વિનમ્રતાથી કહી દે છે કે ‘માફ કરજો, અહીં કૅશ નહીં ચાલે, ફક્ત UPI કે કાર્ડથી જ પેમેન્ટ કરવું પડશે.’ એ ક્ષણે જે આંચકો લાગે છે એ આપણા ગ્રાહક તરીકેના અધિકારને લાગે છે. રોકડા રૂપિયાનો અસ્વીકાર ભારત સરકાર દ્વારા ઇશ્યુ કરાયેલા કાયદેસર ચલણ અને દેશની આર્થિક વ્યવસ્થા પરના વિશ્વાસનો અસ્વીકાર છે.

આજે દેશનાં બજારોમાં એક જોખમી પ્રથા આકાર લઈ રહી છે. સુવિધાના મખમલી પડદા પાછળ ડિજિટલ સરમુખત્યારશાહી પગપેસારો કરી રહી છે. મોટાં શહેરો તો ઠીક; હવે નાનાં નગરોમાં પણ શૉપિંગ મૉલ્સ, મલ્ટિપ્લેક્સ, હોટેલો, રેસ્ટોરાં ફૂડ-સ્ટૉલ રોકડા રૂપિયા લેવાનો સરેઆમ ઇનકાર કરીને ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ માટે મજબૂર કરે છે. કાઉન્ટર પર લટકતા No Cash કે Digital Payment Onlyનાં પાટિયાં સામાન્ય નાગરિકના આર્થિક સ્વાતંય પરનો સીધો પ્રહાર છે.

આપણે તકનીકી પ્રગતિના વિરોધી બિલકુલ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાને દેશના અર્થતંત્રને નવી પાંખો આપી છે. લારી-ગલ્લાવાળાથી લઈને મૉલના માલિકો સુધી નાણાકીય વ્યવહારો સરળ અને પારદર્શક બન્યા છે એ ગર્વની બાબત છે, પરંતુ ટેક્નૉલૉજીનો સ્વીકાર કરવો અને ટેક્નૉલૉજીના નામે રોકડનો જ બહિષ્કાર કરવો આ બન્ને વચ્ચે આકાશ-પાતાળનો તફાવત છે. આ આધુનિકતા નથી, આર્થિક દાદાગીરી છે. શું આપણે ડિજિટલ બનવાના મોહમાં આપણી પસંદગીનો મૂળભૂત અધિકાર ગુમાવી નથી રહ્યા?

જરા એ દૃશ્યની કલ્પના કરો કે જ્યાં એક મજૂર અથવા તો એક વૃદ્ધ દંપતી કે ગ્રામીણ વિસ્તારમાંથી આવેલો ખેડૂત જે સ્માર્ટફોન વાપરતો નથી કે વાપરતાં ડરે છે તે પોતાની કમાયેલી મૂડી લઈને આ સંસ્થાઓના દરવાજે જાય છે. ત્યાં તેને કહેવામાં આવે કે ‘તમારા આ રૂપિયા અહીં નહીં ચાલે’. ત્યારે આ શબ્દો તેમની મહેનત અને સ્વાભિમાન પર વાગતો કોરડો બની જાય છે. હવે આની બીજી બાજુ જોઈએ તો ડિજિટલ પેમેન્ટની આખી વ્યવસ્થા નેટવર્ક, ઇન્ટરનેટ અને બૅન્કના સર્વર પર નિર્ભર છે. નેટવર્ક ગાયબ થઈ જાય, મોબાઇલની બૅટરી ખૂટી જાય, બૅન્કનું સર્વર ડાઉન થઈ જાય કે ખિસ્સામાંથી ફોન ચોરાઈ જાય ત્યારે આ ભવ્ય હાઈ-ટેક વ્યવસ્થા પત્તાંના મહેલની જેમ તૂટી પડે છે. આવા કટોકટીના સમયે કે કુદરતી આફતો વખતે ખિસ્સામાં રહેલી રોકડ જ માણસનો સાચો અને વફાદાર સાથી બને છે. છતાં કેટલાક વેપારીઓ જાણે રોકડા રૂપિયા લેવા એ કોઈ કાનૂની ગુનો હોય એવું વર્તન ગ્રાહકો સાથે કરે છે.

જો ભારત સરકાર દ્વારા ઇશ્યુ કરાયેલા રોકડા રૂપિયા દેશનાં જ બજારોમાં ન ચાલે તો પછી એ નોટ પર છાપેલા લીગલ ટેન્ડરના વચનની કિંમત શું રહી? સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ગંભીર મુદ્દે સરકારે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી. એક તરફ દેશની ટંકશાળોમાં કરોડો રૂપિયાના ખર્ચે ચલણી નોટો છાપવામાં આવે છે અને બીજી તરફ ખાનગી સંસ્થાઓ ખુલ્લેઆમ એનો અસ્વીકાર કરે છે. આનાથી મોટી વિસંગતિ કઈ હોઈ શકે?

વિશ્વના અનેક વિકાસશીલ અને વિકસિત દેશોમાં પણ ગ્રાહકોના હિતમાં રોકડ સ્વીકારવાની ફરજ વિશે ખાસ જોગવાઈઓ બનાવવામાં આવી છે. જો ભારતમાં પણ રોકડ કાયદેસર છે તો એને નકારનારાઓ સામે સરકાર કેમ કડક દંડનાત્મક કાર્યવાહી નથી કરતી? જો આ બાબતે કોઈ કાયદો ન હોય તો સરકારે વિના વિલંબ કઠોર કાયદો ઘડવો જોઈએ. વધારે નહીં તો ઓછામાં ઓછા બે-પાંચ હજાર રૂપિયા સુધીના નાના અને મધ્યમ વહેવારોમાં તો રોકડા રૂપિયા સ્વીકારવાનું દરેક વેપારી માટે કાયદેસર રીતે ફરજિયાત હોવું જ જોઈએ. જો સરકારની છાપેલી નોટ બજારમાં સ્વીકારવામાં ન આવે તો પ્રશ્ન માત્ર આર્થિક વ્યવહારનો નથી રહેતો, પ્રશ્ન સરકારના પોતાના વચનની વિશ્વસનીયતાનો બની જાય છે.

આ લેખનો આશય ડિજિટલ ઇન્ડિયાની પ્રગતિને રોકવાનો બિલકુલ નથી. ડિજિટલ પેમેન્ટ ચોક્કસપણે આવકાર્ય છે, પણ એની સાથે દેશના સત્તાવાર ચલણનું સન્માન પણ જળવાવું જોઈએ. ચુકવણીનું માધ્યમ પસંદ કરવાનો અધિકાર ગ્રાહકનો હોવો જોઈએ; પછી ભલે એ રોકડ હોય, ક્રેડિટ કાર્ડ હોય કે પછી UPI. ચુકવણી બાબતે વેપારીની મરજી બિલકુલ ન હોવી જોઈએ. ખાસ કરીને નાના વહેવારોમાં તો બિલકુલ નહીં.

હવે નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે જ્યાં પણ Only UPI, Digital Payment Only કે Cashless જેવાં ગ્રાહકવિરોધી બોર્ડ દેખાય ત્યાં પ્રશ્ન પૂછો, સંચાલકોને લેખિત વિરોધ નોંધાવો, ગ્રાહક સુરક્ષા ફોરમનો સંપર્ક કરો અને સોશ્યલ મીડિયા પર અવાજ બુલંદ કરો. જો કંઈ ન કરી શકો તો દેશના વડા પ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી પાસે ફરિયાદ નોંધાવો, જે PMO Portal પર ઑનલાઇન પણ નોંધાવી શકાય છે.

મોદી સરકારને પણ નમ્ર વિનંતી છે કે દેશની ચલણી નોટોનું ગૌરવ અને કિંમત જાળવી રાખવા માટે તાકીદે એક સ્પષ્ટ કાયદો લાવો. જે રોકડા રૂપિયાની વૈધતાનું વચન દેશની સર્વોચ્ચ બૅન્ક આપે છે એ વચન બજારમાં પળાવવું પણ સરકારની જ જવાબદારી છે.

આખરી વિચાર

એક અંગ્રેજી કહેવત અનુસાર Government should be of the people, by the people, for the people. એટલે કે સરકાર લોકોની, લોકો દ્વારા અને લોકો માટે હોવી જોઈએ. તમે ભલે જેના સમર્થક હો, પહેલાં તમે ભારત દેશના નાગરિક છો એ ભૂલતા નહીં.

columnists exclusive gujarati mid day