અપને હી હોતે હૈં જો દિલ પે વાર કરતે હૈ ‘ફરાઝ’

30 March, 2020 08:03 AM IST  |  Mumbai Desk | Pravin Solanki

અપને હી હોતે હૈં જો દિલ પે વાર કરતે હૈ ‘ફરાઝ’

પ્રવીણ સોલંકી

જીવનમાં ઘણી વાર એવો ઘાટ ઘડાય છે કે કિનારે આવેલું વહાણ ડૂબી જાય, જીતની બાજી હારમાં પલટાઈ જાય, હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય, ઘેરાયેલાં વાદળો વરસ્યા વગર વિખેરાઈ જાય. યાદવોની સેનાનો કંઈક એવો જ ઘાટ ઘડાયો. એકાએક આખેઆખી યાદવસેના કોઈ અકલ્પ્ય તાવમાં પટકાઈ. હાહાકાર મચી ગયો. રોગની કોઈ પરખ થાય નહીં-થઈ નહીં.

પ્રેમ-વાસનાના જ્વરમાં બાણાસુરની પુત્રી ઉષા ભૂલી ગઈ કે ચિત્રલેખાએ દોરેલું ચિત્ર અનિરુદ્ધનું છે, જે કૃષ્ણનો પૌત્ર છે ને કૃષ્ણ એ પિતાનો જાની દુશ્મન છે. ‘પ્રેમ ન જુએ જાત-કજાત, પ્રેમ ન જુએ તૂટી ખાટ, પ્રેમ ન જુએ રૂપ ને રંગ, પ્રેમ ન જુએ રાત-પ્રભાત.’ ઉષાના દાખલામાં માત્ર પ્રેમ જ નહોતો, વાસનાની અગન પણ હતી. વાસના માણસની મતિ મૂઢ કરી નાખે છે. બાપ-દીકરીના સંબંધો ગૌણ થઈ ગયા. પ્રેમીજન હૃદય પર હાવી થઈ ગયો. ઉષાએ ચિત્રલેખાને અનિરુદ્ધને શોધી લાવવાનું ભગીરથ કામ સોંપ્યું.

ભાગવત અને વિષ્ણુપુરાણ બન્નેમાં ચિત્રલેખાના અદ્ભુત પરાક્રમનું સુંદર વર્ણન છે. દ્વારકાની જડબેસલાક સલામતીનો ગઢ ભેદીને ઊંઘતા અનિરુદ્ધને ઉઠાવી લાવવાની કથા છે, પરંતુ હરિવંશ એને અતિશયોક્તિ ગણે છે. હરિવંશમાં છે એ પ્રમાણે ચિત્રલેખા દ્વારકામાં વેશપલટો કરીને આવી, અનિરુદ્ધને મળી, ઉષાનાં રૂપ-રંગનાં ગુણગાન ગાયાં, તેની વિહવળતાનું, આતુરતાનું, પ્રણય વેદનાનું વર્ણન કર્યું ને અનિરુદ્ધના હૈયામાં મોહનાં બીજ વાવ્યાં. અનિરુદ્ધ કોઈને પણ કહ્યા વગર-જણાવ્યા વગર ચિત્રલેખા સાથે વેશપલટો કરીને શોણિતનગર ઊપડી ગયો.

છેને અસલ હિન્દી ફિલ્મને શરમાવે એવી લવ સ્ટોરી? ખરું પૂછો તો આપણી પુરાણકથાઓ, લોકકથાઓમાંથી પ્રેરિત થઈને જ ફિલ્મોની પ્રણયકથાઓ રજૂ થતી હોય છે-થાય છે. ફિલ્મોની પ્રણયકથાઓનું એવું કોઈ બીજ નથી જે આપણી પુરાણકથાઓમાં ન હોય.
ખેર, દ્વારકાના રાજભવનમાં દોડધામ મચી ગઈ. અનિરુદ્ધ ગુમ થયાની વાત ચારે દિશામાં ફેલાઈ ગઈ. રાણીવાસમાં રોકકળ શરૂ થઈ ગઈ. કૃષ્ણ દિગ્મૂઢ થઈ ગયા. આ કંઈ જેવીતેવી વાત નહોતી. ભરસભામાં તેમણે કહ્યું પણ ખરું કે અનિરુદ્ધનું અપહરણ આપણા માટે એક પડકાર છે-આપણી નાલેશી છે. દુનિયાભરના રાજાઓ આપણને સૌને નબળા પડી ગયેલા માનશે. વિચાર કરો, પ્રદ્યુમનના દીકરાને ઉપાડી જવાની દુષ્ટતા કોણે કરી? આવી હિંમત કરનારો કોઈ રેંજીપેંજી તો ન જ હોઈ શકે? જેણે પણ આવું ઘોર કૃત્ય કર્યું હશે તેના ખાનદાનનું હું ધનોતપનોત કાઢી નાખીશ. કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિત રહેનારા કૃષ્ણ આ સમયે વિચલિત થઈ ગયા હતા.

બીજી તરફ ચિત્રલેખાએ છદ્મવેશે શોણિતપુરના રાજમહેલમાં ઉષા-અનિરુદ્ધનું મિલન કરાવ્યું. ઉષાનો કામજ્વર એટલો પ્રચંડ અને પ્રબળ હતો કે અનિરુદ્ધને ચાર-ચાર મહિના રાજમહેલમાં છુપાવી રાખ્યો. અનિરુદ્ધ પણ તેના મોહ-માયામાં જકડાયો. બન્નેએ ચાર-ચાર મહિના પોતાની કામેચ્છાનો ઉત્સવ મનાવ્યો.

યાદવસેનાના જાસૂસો-ખબરીઓ ચારે દિશામાં ઘૂમી વળ્યા, પણ અનિરુદ્ધનાં કોઈ સગડ મળ્યાં નહીં. પ્રશ્ન થાય કે ઉષાની ચતુરાઈ ચડે કે જાસૂસોની મૂર્ખામી? થાકી-હારીને જાસૂસો દ્વારકા પરત ફર્યા. અહેવાલ આપ્યો કે અનિરુદ્ધનું કોઈ પગેરું મળ્યું નથી. ઇન્દ્રને કૃષ્ણ સામે વેર છે એટલે કદાચ ઇન્દ્રએ જ અનિરુદ્ધનું અપહરણ કર્યું હશે, પણ કૃષ્ણએ એ વાત માની નહીં. તેમને વિશ્વાસ હતો કે ઇન્દ્ર આવું આતતાયી કામ ન જ કરે. ઘણી શોધખોળ-મથામણ પછી યાદવો એવા નિષ્કર્ષ પર આવ્યા, એવું માનવા મજબૂર થયા કે અનિરુદ્ધનું ખૂન થયું છે અને એટલે જ તેનો અતોપતો મળતો નથી.

ઉષા-અનિરુદ્ધનો પ્રણયકાંડ લાંબો ચાલે એ પહેલાં રાજમહેલના રક્ષકોને કશુંક કંઈક રંધાઈ રહ્યું છે એની ગંધ આવી ગઈ. વાત બાણાસુરના કાન સુધી પહોંચી. બાણાસુરની બાજનજરથી અનિરુદ્ધ બચી ન શક્યો. તે પકડાયો. દીકરીનાં અપલખણથી અકળાયેલા બાણાસુરે અનિરુદ્ધનો ખાતમો કરવાનો આકરો નિર્ણય લીધો. ઉષાએ બાણાસુરના પગે પડતાં કહ્યું: ‘પિતાશ્રી, હું અનિરુદ્ધને મનથી વરી ચૂકી છું. ભૂલ મારી છે, તેને માફ કરો.’ બાણાસુરે તેનો વધ તો ન કર્યો, પણ જ્યાં સૂરજનો પ્રકાશ પણ ન પહોંચી શકે એવા કેદખાનામાં પૂરી દીધો. કેદ થતાં પહેલાં અનિરુદ્ધે બાણાસુરનો બહાદુરીપૂર્વક સામનો કર્યો, ખૂબ ઝઝૂમ્યો; પણ અંતે બાણાસુર તેના ઇરાદામાં સફળ થયો.

કૃષ્ણની નીંદર હરામ થઈ ગઈ હતી. પૌત્રનું ખૂન થયું છે એ માની જ ન શક્યા. સત્ય શોધવા માટે તેમણે આકાશ-પાતાળ એક કરી દીધાં હતાં, પણ પરિણામ શૂન્ય આવવાથી હતાશા-નિરાશાએ તેમને ક્ષુબ્ધ કરી દીધા હતા. આવા સમયે એક દિવસ નારદજી દ્વારકા પધાર્યા. દ્વારકાના અને દ્વારકાવાસીઓના રંગઢંગ જોઈ તે ખૂબ જ આશ્ચર્ય પામ્યા. અત્ર, તત્ર, સર્વત્ર નિરાશામય-હતાશાભર્યું, નિરુત્સાહ વાતાવરણ જોયું. તે સાનમાં સમજી ગયા. નારદજી સાચું કારણ જાણતા હતા. તેમણે કૃષ્ણને ઉષા-અનિરુદ્ધની કહાણી સવિસ્તર કહી બતાવી. અનિરુદ્ધ કારાવાસમાં છે એ જાણી સૌથી પ્રથમ તો કૃષ્ણને થોડી ધરપત થઈ.

બાણાસુરની શક્તિથી કૃષ્ણ અજાણ નહોતા. બાણાસુર કૃષ્ણનો સર્વશક્તિશાળી શત્રુ હતો. તે જાણતા હતા કે ભગવાન શિવના ચાર હાથ બાણાસુર પર છે. બાણાસુર સામે યુદ્ધ કરવું એ ખાવાના ખેલ નહોતા. આ બધું વિચારીને કૃષ્ણએ મહાયુદ્ધની તૈયારી કરતા હોય એવી તકેદારી રાખી યાદવોની પ્રચંડ સેના લઈ શોણિતપુરને ઘેરો ઘાલ્યો. શોણિતપુરની કિલ્લેબંદી એવી જડબેસલાક હતી કે એ તોડવી લગભગ અશક્ય ગણાતું. કૃષ્ણએ શોણિતપુરનો ઘેરો ઘાલ્યાની જાણ થતાં બાણાસુરે અગ્નિકોટ રચ્યો. કિલ્લાની ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ ફેલાવી દીધી. ઘડીભર તો યાદવસેના ડઘાઈ ગઈ, પરંતુ કૃષ્ણએ પોતાની તમામ તાકાત અને કુશળતા વાપરી અગ્નિને ભગાડ્યો. અગનજ્વાળા શમાવી દીધી. જોરદાર હલ્લો કરી શોણિતપુરના ગઢમાં ગાબડાં પાડ્યાં. યાદવસેના અને બાણાસુરના રાક્ષસો આમને-સામને આવી ગયા.

ઘમાસાણ યુદ્ધ થયું. બન્ને બળિયા પોતાની આબરૂ માટે લડતા હતા. કૃષ્ણની યુક્તિ-પ્રયુક્તિ સામે બાણાસુરની રાક્ષસસેના નબળી પડવા લાગી. કોઈ પણ યુદ્ધ માત્ર શક્તિ કે સાધનોથી જ જિતાતું નથી. જીત મેળવવા માટે બુદ્ધિ, યુક્તિ-પ્રયુક્તિ, હામ અને આત્મગૌરવ પણ આવશ્યક છે.

જીવનમાં ઘણી વાર એવો ઘાટ ઘડાય છે કે કિનારે આવેલું વહાણ ડૂબી જાય, જીતની બાજી હારમાં પલટાઈ જાય, હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય, ઘેરાયેલાં વાદળો વરસ્યા વગર વિખેરાઈ જાય. યાદવોની સેનાનો કંઈક એવો જ ઘાટ ઘડાયો. એકાએક આખેઆખી યાદવસેના કોઈ અકલ્પ્ય તાવમાં પટકાઈ. હાહાકાર મચી ગયો. રોગની કોઈ પરખ થાય નહીં-થઈ નહીં. હરિવંશમાં એ રોગનું વર્ણન છે કે વાત-પિત્ત ને કફના ત્રણેય રાક્ષસો યાદવસેનાને ઘેરી વળ્યા. ત્રણ પગ, ત્રણ માથાં, છ હાથ, નવ આંખ અને રાખ ચોળેલી હોય એવા રાખોડી રંગના જ્વરદેહનું વર્ણન કરતા હરિવંશમાં આ રોગનાં લક્ષણો દર્શાવે છે કે જેને તાવ આવે તેને બગાસાં આવે, ઘેન ચડે, ચક્કર આવે, આંખો ફરકવા લાગે, મનમાં ઉદ્વેગ જાગે, રૂંવાડાં બેઠાં થઈ જાય, આખા શરીરે બળતરા થાય, રોગીનું શરીર રાખોડિયા રંગનું થઈ જાય. આ રોગથી યાદવસેના તો ઠીક, ખુદ કૃષ્ણ પણ ઘેરાઈ ગયા.

કૃષ્ણ જેનું નામ. રોગથી ઘેરાયા, પણ હિંમત હાર્યા નહીં. તેમની જવાબદારી હતી સૈન્યનું મનોબળ ટકાવી રાખવાની. કૃષ્ણએ સૈન્યની પીછેહઠ કરવાની ભાવનાને જડમૂળથી નાબૂદ કરી નાખી. સૈન્યમાં નવું જોમ પેદા કર્યું. પોતાના શરીરની પરવા ન કરતાં સૈન્યનાં તન ને મનને સાબૂત કર્યાં. એનું પરિણામ જે આવવું જોઈએ એ જ આવ્યું. બાણાસુરની સેના ઊંઘતી ઝડપાઈ. એ હારવાની અણી પર આવી ગઈ ને ખુદશંકર ભગવાને બાણાસુરની મદદ માટે મેદાનમાં ઊતરવું પડ્યું. શંકર અને કૃષ્ણ વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું. શંકરપુત્ર કાર્તિકેય પણ પિતા અને ભાઈસમાન બાણાસુર કાજે રણમેદાનમાં ઊતર્યો.

કલ્પના કરો, શંકર અને કૃષ્ણ સામસામા યુદ્ધે ચડે તો કેવી પરિસ્થિતિ સર્જાય? આલોક તો શું, પરલોક પણ ચોંકી ગયું. બ્રહ્માએ નાછૂટકે વચ્ચે પડી કૃષ્ણ-શંકર વચ્ચે સમાધાન કરાવ્યું. શંકર તો યુદ્ધમાંથી ખસી ગયા, પણ કાર્તિકેય અને બાણાસુરે યુદ્ધ ચાલુ રાખ્યું. બન્નેએ બ્રહ્માજીની આમન્યા ન રાખી એટલે કૃષ્ણએ પ્રચંડ આવેગથી તેમના પર હુમલો કર્યો. બન્નેને એવી રીતે ઘેરી લીધા કે બચવાનો કોઈ ચારો ન રહ્યો. આ સમયે એક અજીબ ઘટના બને છે. માતા કોટરી નામની એક સ્ત્રી નગ્ન-નિર્વસ્ત્ર હાલતમાં, વાળ છૂટા મૂકી કૃષ્ણની સામે ઊભી રહી ગઈ. માતા સમી સ્ત્રીને નગ્ન અવસ્થામાં સામે ઊભેલી જોઈ કૃષ્ણએ આંખ બંધ કરી પૂંઠ ફેરવી લીધી. એ તકનો લાભ લઈ બાણાસુર અને કાર્તિકેય નાસી ગયા. કોણ હતી એ સ્ત્રી? એ વિશે પુરાણમાં મતભેદ છે. કોઈ કહે છે કે એ બાણાસુરની માતા હતી. કોઈ કહે છે, કાર્તિકેયની. બીજી માન્યતા સત્યની વધારે નજીક લાગે છે. પુરાણોમાં કાર્તિકેયને છ માતાઓ હોવાનો ઉલ્લેખ છે, જેમાંની એકનું નામ કોટરી હતું. આ ઉલ્લેખ હરિવંશમાં છે.

ખેર, કાર્તિકેય તો બચી ગયો, પણ કૃષ્ણએ બાણાસુરનો પીછો કર્યો. તેને આંતરીને ઠમઠોર્યો. માર્યો નહીં, પણ મરણતોલ કરી દીધો. તેની પાશવી શક્તિ સમાન હજાર હાથને કાપી નાખ્યા. તેને નિર્બળ, નિ:સહાય બનાવી દીધો. આવી રીતે બેઆબરૂ થયા પછી બાણાસુર સંન્યાસી બની જંગલમાં નાસી ગયો. શોણિતપુરનું રાજ્ય કૃષ્ણએ તાબામાં લીધું. ઉષા-અનિરુદ્ધને દ્વારકા મોકલી દીધાં. બાણાસુરના મંત્રી કૌભાંડના હાથમાં શોણિતપુરની ધુરા કૃષ્ણએ સોંપી. બાણાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા માટે બધા દેવોએ કૃષ્ણને વધાવ્યા.
મૂળ વાત રોગની છે. પોતે સર્વેસર્વા છે એની પ્રતીતિ કરાવવા માટે કુદરત ક્યારેક-ક્યારેક અચાનક અજાણ્યા રોગ અવારનવાર ફેલાવે છે. જગતઆખાએ ઘડીભર એની સામે ઝૂકી જવું પડે છે, જેમ સાંપ્રત સમયમાં દુનિયા ‘કોરોના’ સામે ઝૂકી ગઈ. બોધ એ છે કે આવા સમયે દરેક વ્યક્તિએ, દરેક નાગરિકે કૃષ્ણની જેમ ધીરજ, ખંત અને શિસ્તબદ્ધ બની વર્તવું જોઈએ. કુદરતનો એક નિયમ છે, કોઈ મુશ્કેલી એ જ્યારે સર્જે છે ત્યારે એની સાથે એનો ઉકેલ પણ સર્જે છે. ફરક માત્ર એટલો હોય છે કે એ ઉકેલ ગર્ભિત હોય છે.
અને છેલ્લે...

પ્રદ્યુમનના પુત્રનું અપહરણ ચિત્રલેખાએ કર્યું એ પહેલાં ખુદ પ્રદ્યુમનનું અપહરણ બાલ્યાવસ્થામાં સાંબરે કર્યું હતું એટલું જ નહીં, દ્વારકામાંથી જ આદુકને પણ સાલ્વ ઉઠાવી ગયો હતો. કહેવાનું તાત્પર્ય એ કે કોઈ પણ સલામતી ક્યારેય જડબેસલાક બની નથી શકતી એટલે ક્યારેય ‘સબ સલામત’ છે એવું માની ઊંઘતા ન રહેવું જોઈએ. માણસે સતત જાગતા, ચાંપતા રહેવું જોઈએ એ જ સમયની માગ છે.

સતયુગ હોય કે કળિયુગ હોય, કોઈ પણ યુગનું સનાતન સત્ય એ જ રહ્યું છે કે...
અપની પીઠ સે નિકલે ખંજરોં કો જબ ગિના મૈંને
ઠીક ઉતને હી નિકલે જિતનો કો ગલે લગાયા થા
સરખાવો-
જીવનની સમી સંધ્યાએ જખમોની યાદી જોતી’તી
બહુ થોડાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં

Pravin Solanki columnists