અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સાઃ જે હાર્યો, તે જીવવાનો હકદાર નથી

29 September, 2019 11:53 AM IST  |  મુંબઈ | વિવેર અગરવાર-તમંચા

અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સાઃ જે હાર્યો, તે જીવવાનો હકદાર નથી

અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા

તેની ઉંમર હશે આઠમા ધોરણમાં ભણતા છોકરા જેટલી.
ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં વસેલા એક નાનાઅમસ્તા ગામના એક સૈનિક પરિવારનું ફરજંદ.
બાળપણથી જ તીવ્ર બુદ્ધિશક્તિ, નેતૃત્વક્ષમતાથી છલકાતો, ગજબનો આત્મવિશ્વાસ.
પોતાના કરતાં મોટા છોકરાઓ પર પણ તે હુકમ ચલાવતો.
બધા સહાધ્યાયીઓ ક્યારે ગાયબ થઈને પર્વત પર જઈને ધમાચકડી મચાવશે એ પણ તે જ નક્કી કરતો.
એ બાળક અદ્ભુત યોજનાઓ ઘડવા માટેનું શાતિર દિમાગ ધરાવતો હતો.
તેનું નામ પ્રકાશ પાંડે.
પર્વતોમાં તો મો-મજાભર્યું જીવન રહેતું. આખો દિવસ તોફાન મચાવવાં. કોઈના બાગમાંથી કિન્નુ તોડીને ખાવાં, કોઈના બગીચાની કાકડી પર હાથ અજમાવવો, કોઈની રોટલીનો મોટો ભાગ પોતે જ ચાંઉ કરી જવો એ જ તો પર્વતીય ગામોમાં બાળપણના મસ્તીભર્યા દિવસો હોય છે.
ત્યાં પ્રકાશ પણ એક સામાન્ય બાળક જ હતો, પણ ના, તે એક એવી રમત રમતો હતો જેના વિશે સાંભળીને ભલભલાના રૂંવાડાં ઊભાં થઈ જાય.
તે મહિનામાં ઓછામાં ઓછું બેથી ત્રણ વાર વર્ગના તમામ છોકરાઓને લઈને પર્વત પર જતો. ત્યાં ઘરેથી લાવેલી રોટલીનો ઉપયોગ મસ્તી કરવા માટે કરતો.
ગામની ગાયો ચરાવતા ભરવાડો કે છોકરાઓની નજર ચૂકવીને પ્રકાશ બે ગાયનાં શિંગડાંમાં રોટલી ફસાવી દેતો. કાળી ગાય સફેદ ગાયનાં શિંગડાંમાં ભરાયેલી રોટલી જુએ એટલે એ રોટલી ખાવા માટે દોડે.
સફેદ ગાયને લાગતું કે કાળી ગાય મારા પર હુમલો કરવા માટે આવી રહી છે. બન્ને પક્ષે આવી ગેરસમજ થતી.
સફેદ ગાયને પણ કાળી ગાયનાં શિંગડામાં રોટલી દેખાય એટલે તે ખાવાનો પ્રયત્ન કરતી. કાળી ગાયને લાગતું કે સફેદ ગાય મને મારવા આવી રહી છે.
બન્ને વચ્ચે લડાઈ થતી. પ્રકાશ અને તેના મિત્રો આ લડાઈનો આનંદ ઉઠાવતા. ઘણી વાર સુધી આ તમાશો ચાલતો.
આખરે, થાકી-હારીને એક ગાય પીછેહઠ કરતી. જીતેલી ગાય પ્રકાશ માટે વિજેતા રહેતી, પણ એ હારેલી ગાયને પર્વત પરથી નીચે ધકેલવાનો આદેશ આપતો અને કહેતો, જે હારી જાય એને જીવવાનો હક નથી.
આવું દુઃસાહસ ખેડનારો આ બાળક આગળ જતાં આખા ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પ્રકાશ પાંડે ઉર્ફે પીપી નામથી કુખ્યાત થયો.
ત્યાંથી તેણે મુંબઈની વાટ પકડી અને છોટા રાજનની ગૅન્ગમાં ભળીને કાળાં કરતૂતની હારમાળા સર્જી દીધી. અહીં તેને નવું નામ મળ્યું બન્ટી પાન્ડે.
આ જ બન્ટી આગળ જતાં રાજનથી વિખૂટો પડીને પોતાની ગૅન્ગ બનાવે છે. આ જ બન્ટી થાઇલૅન્ડ, વિયેટનામ, મલેશિયા જેવા ઘણા દેશોમાંથી ગૅન્ગનો દોરીસંચાર કરે છે.
એ વાત જુદી છે કે મુંબઈ પોલીસની ગુના શાખાએ છટકું ગોઠવીને તેને ઝડપી લીધો અને વિયેટનામથી પકડીને મુંબઈ
લઈ આવી.
ઉત્તરાખંડમાં બન્ટી પાન્ડેના ગામથી થોડે દૂર નાનાઅમસ્તા કસબામાં તેની સાથે સમય પસાર કરી ચૂકેલા હોમિયોપથી ચિકિત્સકે અંતમાં કહ્યું,બાળકો તો ભલભલા ચમરબંધીઓના બાપ હોય છે, જનાબ.

weekend guide columnists