ફાગણ સુદ તેરસની શત્રુંજય ગિરિરાજની છ’ગાઉ યાત્રાનો મહિમા તમે જાણો છો?

23 February, 2020 01:38 PM IST  |  Mumbai | Chimanlal Kaladhar

ફાગણ સુદ તેરસની શત્રુંજય ગિરિરાજની છ’ગાઉ યાત્રાનો મહિમા તમે જાણો છો?

શ્રી શત્રુંજય મહાતીર્થ

સમગ્ર ભારતમાં જૈનોના અનેક તીર્થો વિદ્યમાન છે. તેમાં શ્રી શત્રુંજય મહાતીર્થને સર્વશ્રેષ્ઠ તીર્થ માનવામાં આવ્યું છે, કારણકે આ તીર્થમાં અનંતાનંત આત્મા સિદ્ધગતિને પામ્યા છે. તેથી આ તીર્થની તસુએ તસુ ભૂમિ અતિ પવિત્ર મનાય છે. જૈન શાસ્ત્રકારોએ આ તીર્થનો ભારે મહિમા ગાયો છે. ‘શત્રુંજય લઘુકલ્પ’માં કહેવાયું છે કે - અષ્ટા પદ, સમ્મેતશિખર, પાવાપુરી, ચંપાપુરી, ગિરનાર તીર્થને વંદન કરતા જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે કરતાં સો ગણું ફળ એકલા શત્રુંજયગિરિને વંદન કરતા પ્રાપ્ત થાય છે. ‘શત્રુંજય કલ્પવૃત્તિ’માં જણાવાયું છે કે આ તીર્થના ધ્યાનથી એક હજાર પલ્યોપમ, અભિગ્રહથી એક લાખ પલ્યોપમ અને આ તીર્થની યાત્રા કરતા એક સાગરોપમ પ્રમાણ જેટલા દુષ્કર્મોનો ક્ષય થાય છે. એથી જ કહેવાયું છે કે

‘જિમ જિમ એ ગિરિ ભેટીએ રે,

તિમ તિમ પાપ પલાય સલુણા;

અવિનાશી અરિહંતાજી રે,

શત્રુંજય શણગાર સલુણા...’

‘શત્રુંજય માહાત્મ્ય’ ગ્રંથમાં કહેવાયું છે કે આ વિષમ કાળમાં જીવોને સંસાર સમુદ્ર તરવા માટે શ્રી શત્રુંજય ગિરિરાજ વિશિષ્ટ સાધન છે. ભગવાન ઋષભદેવે અહીં ૯૯ પૂર્વ પર્યંત વિચરી ધર્મનો જયઘોષ ગજવ્યો હતો. આ ગિરિરાજ ભારતનું અલંકાર છે. તેની પાછળ ચોકીદાર સમાન કદમ્બગિરિની ગિરમાળ છે. એના વામ ભાગે ભાડવો ડુંગર છે, જમણા હાથે શત્રુંજય સરિતા અને તાલધ્વજ ગિરિ છે. અહીંનું વાતાવરણ અતિ પવિત્ર છે. ગિરિરાજ સ્વયં પવિત્ર છે, છતાં જીવોના ભાવોમાં વિશેષપણે વિશુદ્ધિ થાય તેથી પૂર્વના મહા-પુરુષોએ અનેક જિનમંદિરો આ ગિરિરાજ પર નિર્માણ કરાવ્યાં છે. આપણા આગમ ગ્રંથોમાં અને સ્વયં શ્રી સીમંધરસ્વામીના સ્વમુખે આ ગિરિરાજનો મહિમા વર્ણવાયો છે. એથી જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગાયું છે કે -

‘કોઈ અનેરું જગ નહિ,

એ તીરથ તોલે;

એમ શ્રી મુખ હરિ આગળે,

શ્રી સીમંધર બોલે...’

સૌરાષ્ટ્રના પાલિતાણા શહેરમાં આવેલ શ્રી શત્રુંજય મહાતીર્થમાં ફાગણ સુદ ૧૩ના લાખો યાત્રિકો પધારે છે. ફાગણ સુદ તેરશનો દિવસ જૈનોમાં અતિ પવિત્ર દિવસ મનાય છે. આ દિવસે અહીં શત્રુંજય ગિરિરાજ પર શ્રી શામ્બ અને પ્રદ્યુમ્નકુમાર સાડા આઠ કરોડ મુનિવરો સાથે અનશન કરીને મોક્ષ પદને પામ્યા છે. તેથી આ પરમ પવિત્ર દિને શ્રી શત્રુંજય ગિરિરાજની છ’ગાઉની યાત્રા કરવાનો અનેરો મહિમા છે. ‘શત્રુંજય મહાકલ્પ’માં દર્શાવાયું છે કે

‘પજ્જુન્ન સંબપમુહા કુમરવરા સઠ્ઠમઢ્ઢુ કોડિજુઆ;’

જત્થ સિવં સંપત્તા,

સૌ વિમલગિરિ જઈ ઉ તિત્થ’

અર્થાત્ આ મહાતીર્થમાં ફાગણ સુદ તેરશના શામ્બ અને પ્રદ્યુમ્નકુમાર સહ સાડા આઠ કરોડ મુનિઓ એક સાથે મોક્ષ પદને પામ્યા છે, તે વિમલગિરિ તીર્થ જય પામો!

પંડિત વીરવિજયજી મહારાજ રચિત નવ્વાણું પ્રકારી પૂજામાં નવમી ઢા‍ળના દુહામાં શામ્બ અને પ્રદ્યુમ્નકુમાર સાડા આઠ કરોડ મુનિઓ સાથે શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર મોક્ષે ગયાનો ઉલ્લેખ આ પ્રમાણે છે ઃ

‘રામ, ભરત ત્રણ કોડિશું,

કોડિ મુનિ શ્રીસાર;

કોડિ સાડી અઠ્ઠ શિવવર્યા,

શામ્બ-પ્રદ્યુમ્નકુમાર.’

શ્રી શત્રુંજય ગિરિરાજની છ’ગાઉ પ્રદક્ષિણા યાત્રા અગાઉ પરોઢિયે પાંચ વાગ્યે શરૂ થતી. વર્તમાન સમયમાં યાત્રિકોનો અભૂતપૂર્વ ધસારો રહેતો હોવાથી આ યાત્રા રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ શરૂ થાય છે. આ યાત્રામાં સર્વ પ્રથમ ગિરિરાજની તળેટીએ ભાવિકો દર્શન-ચૈત્યવંદન કરીને આગળ વધે છે. ગિરિરાજ ઉપર પહોંચીને શ્રી શાંતિનાથ ભગવાનના જિનાલયે, તીર્થાધિપતિ  શ્રી આદિશ્વર ભગવાનના જિનાલયે, રાયણ પગલાએ અને પુંડરિક સ્વામીના જિનાલયે એમ પાંચ ચૈત્યવંદન કરી, પ્રદક્ષિણા, કાઉસગ્ગ વગેરે કરી શ્રી શત્રુંજય મંડન શ્રી આદિનાથ દાદાને પુન:પુન જુહારીને રામપોળ બહાર નીકળી જમણી તરફના રસ્તેથી છ ગાઉ પ્રદક્ષિણા યાત્રાનો પ્રારંભ થાય છે. ત્યાંથી થોડા આગ‍ળ વધતાં જમણી બાજુ ઊંચી દેરીમાં છ પ્રતિમાનાં દર્શન થાય છે. આ છ પ્રતિમાઓની કથા એમ છે કે વસુદેવની પત્ની દેવકીએ કૃષ્ણજીની પહેલાં છ પુત્રોને જન્મ આપ્યો હતો, પણ જન્મની સાથે જ હરિણૈગમેષી દેવે તેમને નાગદત્તની પત્ની સુલેખા પાસે મૂકી દીધા. ત્યાં તેઓ મોટા થઈ નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સાધના કરવા લાગ્યા. ત્યારપછી આ છએ મુનિઓ કેવળજ્ઞાનને પામ્યા અને શ્રી શત્રુંજય ગિરિરાજ પર મોક્ષે ગયા. અહીં આ છ પ્રતિમાઓને ‘નમો સિદ્ધાણં’ કહી સૌ ભાવપૂર્વક દર્શન કરી આ યાત્રામાં આગળ વધે છે.

હવે અહીં ઊંચો-નીચો રસ્તો શરૂ થાય છે. આ માર્ગે આગળ વધતા ‘ઉલ્કા જલ’ નામનું પોલાણ-ખાડો આવે છે.  દાદા આદિનાથ પ્રભુનું ન્હવણ જલ (પક્ષાલ) જમીનમાં થઈ અહીં આવે છે, એમ મનાય છે. અહીં ડાબી બાજુ એક નાની દેરીમાં શ્રી આદિનાથ ભગવાનના પગલાં છે. અહીં લોકો વિધિસહિત ચૈત્યવંદન કરે છે. શ્રી શત્રુંજય ગિરિરાજની આ છ’ગાઉ પ્રદક્ષિણા યાત્રાનો ચાર કલાકનો આ રસ્તો ઘણો આકરો અને કષ્ટદાયી છે. તેમ છતાં આ પવિત્ર દિવસનો અચિંત્ય મહિમા સમજી લાખો યાત્રિકો ખૂબ જ આનંદોલ્લાસથી આ પ્રદક્ષિણા યાત્રા કરીને પોતાનું જીવન કૃતાર્થ કરે છે. આવી મહાન યાત્રાનો અવસર મહા પુણ્યયોગે મળ્યો છે તેમ સમજીને લોકો પોતાનો બધા થાક અને કષ્ટ ભૂલીને દાદા શ્રી આદિશ્વર ભગવાનની જય બોલાવતા બોલાવતા ઉત્સાહથી આગળ વધે છે. ત્યાંથી આગ‍ળ વધતાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની બે દેરીઓ આવે છે. તેમાં આ બન્ને ભગવાનનાં પગલાં છે. શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુએ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ચાતુર્માસ કરેલ તેની સ્મૃતિમાં અહીં સામસામી બન્ને દેરીઓ બનાવવામાં આવી હતી. એકદા શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં થયેલ નંદષેણસૂરિ અહીં આવી ચૈત્યવંદન કરવા લાગ્યા. આ બન્ને દેરીઓ સામસામે હોવાથી પૂંઠ પડવા લાગી. જેથી તેઓએ અહીં ‘અજિતશાંતિ’ નામના મંત્ર ગર્ભિત સ્તવનની રચના કરી. આ સ્તવનના પ્રભાવથી બન્ને દેરીઓ પાસે પાસે આવી ગઈ. આ નંદિષેણસૂરિ સાત હજાર મુનિઓ સાથે આ તીર્થમાં અણસણ કરી મોક્ષે ગયા છે. અહીં ‘નમો જિણાણં’ કહી ચૈત્યવંદન કરી લોકો આ યાત્રામાં આગળ વધે છે.

મારી આ ‘જૈન દર્શન’ કૉલમની સ્થળસંકોચની મર્યાદાના કારણે ફાગણ સુદ તેરશની આ પ્રદક્ષિણા યાત્રાની વધુ વિગતો હવે આવતા અંકમાં પ્રગટ થશે. આ વખતની શ્રી શત્રુંજય ગિરિરાજની ફાગણ સુદ તેરશની યાત્રા શનિવાર તા.૭ માર્ચ ૨૦૨૦ના શુભ દિને આવે છે. હજુ આ યાત્રાને બે સપ્તાહ જેટલી વાર છે, પરંતુ ભાવિક ભાઈ-બહેનો આ યાત્રાનો મહિમા સમજે, આ યાત્રા વિધિ સહિત કરી શકે એ આશયથી જ આ મહાયાત્રાનો લેખ ફાગણ સુદ તેરશ અગાઉ આપવાનો અમે ઉપક્રમ રાખ્યો છે.

chimanlal kaladhar columnists weekend guide