વધી રહેલા છૂટાછેડા વચ્ચે કપલોને લગ્નનો સાચો અર્થ પણ ખબર હોવો જ જોઈએ

26 May, 2026 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંકોતરી લખવાથી લઈને દીકરીની વિદાય અને ગૃહલક્ષ્મીના આગમન સુધીની પ્રત્યેક વિધિ પાછળ એક એવું અદ્ભુત મનોવિજ્ઞાન અને જીવનદર્શન છુપાયેલું છે જેને જો સમજી લેવામાં આવે તો અદાલતોનાં ચક્કર કાપવાં જ ન પડે

ભક્તિ મહેતા મહારાષ્ટ્ર રાજ્યની વૈષ્ણવ પરિષદના કાલિંદી વૃંદ મહિલા સંગઠનનાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ છે.

પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણવાળા યુગમાં છૂટાછેડા અને તૂટતા પરિવારોની સંખ્યા બહુ વધી ગઈ છે. નાની-નાની વાતોમાં અહંકારને લીધે વર્ષોના સંબંધો પળવારમાં વિખેરાઈ જાય છે. બીજા લોકો લગ્નને માત્ર એક કાનૂની કૉન્ટ્રૅક્ટ કે સ્વતંત્રતા પર લાગતું બંધન માની બેસે છે, જ્યારે સનાતન હિન્દુ ધર્મમાં લગ્ન માણસને બાંધતું નથી પણ સાંધે છે. એ માત્ર બે વ્યક્તિનું ભૌતિક મિલન નથી પણ જન્મ-જન્માંતર સુધી એકમેકનો સાથ નિભાવવાનું વચન છે. કંકોતરી લખવાથી લઈને દીકરીની વિદાય અને ગૃહલક્ષ્મીના આગમન સુધીની પ્રત્યેક વિધિ પાછળ એક એવું અદ્ભુત મનોવિજ્ઞાન અને જીવનદર્શન છુપાયેલું છે જેને જો સમજી લેવામાં આવે તો અદાલતોનાં ચક્કર કાપવાં જ ન પડે.

લગ્નપ્રસંગે આપણે અનેક વિધિઓ ખૂબ ઉત્સાહથી જોઈએ છીએ, પણ એનો અર્થ ખબર નથી હોતો. વરરાજા કન્યાના આંગણે પરણવા આવે છે ત્યારે સાસુમા પોંખે છે. આ પોંખણામાં ૪ લાકડાની દંડિકાઓ હોય છે : રવૈયો, મુશળ, ધૂંસરી અને તરાક. આ કોઈ સામાન્ય લાકડાના ટુકડા નથી પરંતુ લગ્નજીવન સુખી ચલાવવા માટેની પ્રૅક્ટિકલ દીક્ષા છે. રવૈયો સંદેશ આપે છે કે જેમ માખણ કાઢવા દહીં વલોવાય છે એમ જીવનના વિચારોનું મંથન કરીને પ્રેમ પ્રગટાવવાનો છે. મુશળ શુદ્ધ સ્નેહ રાખવાની પ્રેરણા આપે છે. ધૂંસરી યાદ અપાવે છે કે સંસારરૂપી રથનાં પતિ-પત્ની બે સમાંતર પૈડાં છે, એ સંયમથી ચાલે તો જ જીવનરથ સરસ ચાલે. તરાક સૂચવે છે કે જો બન્ને ચક્રો પ્રેમની દોરીથી જોડાયેલાં રહેશે તો જ સ્નેહરૂપી સૂતર નીકળશે. આ ચારેય ચેતવણીઓનો સ્વીકાર વરરાજા બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને આપે છે. એનો અર્થ એ છે કે હવેથી હું મારા એકલાની ઇચ્છાઓ અને અહંકારનો ભુક્કો કરું છું, હવેથી અમારા બન્નેનાં અરમાનો એક હશે.

ત્યાર બાદ થતો હસ્તમેળાપ માત્ર હાથ મેળવવા પૂરતો સીમિત નથી, એ હૈયામેળાપ બનીને બન્નેમાં આત્મીયતા જગાવે છે. લગ્નની આ પરાકાષ્ઠા એટલે મંગળફેરા. આપણાં શાસ્ત્રોએ જીવનના ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આ ફેરામાં વણી લીધા છે. પ્રથમ ત્રણ ફેરામાં પુરુષ આગળ હોય છે. પ્રથમ ફેરો ધર્મનો છે જેમાં પત્ની પતિના કુટુંબ, સંસ્કાર અને ધર્મને અપનાવીને સહભાગી બને છે. બીજો ફેરો અર્થનો છે જ્યાં પરિવારના પોષણ અને આજીવિકાની મુખ્ય જવાબદારી પતિ સ્વીકારે છે. ત્રીજો ફેરો કામનો છે જેમાં વંશવૃદ્ધિ અને સાંસારિક સુખોમાં સ્ત્રી લજ્જાના પ્રતીક તરીકે પતિની પાછળ રહે છે. જોકે ચોથો અને અંતિમ ફેરો મોક્ષનો છે જેમાં ઋષિમુનિઓએ સ્ત્રીને આગળ રાખી છે. પરિવારના કલ્યાણ અને આધ્યાત્મિક ઉન્નતિમાં સ્ત્રી હંમેશાં અગ્રેસર હોય છે. પુરુષ ગમે એટલો સક્ષમ હોય, પણ મોક્ષના માર્ગ પર સાચી માર્ગદર્શિકા તો ઘરની ગૃહલક્ષ્મી જ બની શકે છે. આ તમામ વિધિઓ આપણને સમજાવે છે કે સનાતન પરંપરામાં પુત્રવધૂ એટલે જેનું મૂલ્ય પુત્ર કરતાં પણ વધુ છે તે. જો આજનાં યુગલો આ સમજી લે તો ગૃહસ્થાશ્રમ ખરા અર્થમાં સ્વર્ગ બની જાય. 

columnists exclusive gujarati mid day