લાઇટ્સ, કૅમેરા, ઍક્શન, ડિસ્ટન્સ...

05 July, 2020 08:27 PM IST  |  Mumbai | Rashmin Shah

લાઇટ્સ, કૅમેરા, ઍક્શન, ડિસ્ટન્સ...

‘ભાખરવડી’ના સેટ પર છત્રી સાથે ફરતા દેવેન ભોજાણી અને ક્રૂ-મેમ્બર્સ માસ્ક સાથે

 ‘ધી ફૅક્ટ ઇઝ ધેટ કે કોઈને શૂટ પર આવવું નથી, પણ આવ્યા સિવાય છૂટકો નથી એટલે મન મારીને બધા આવે છે. જે રીતે અત્યારે કોરોનાના કેસ વધવા માંડ્યા છે એ જોતાં કોઈને એવો વિશ્વાસ નથી કે શૂટિંગ કેટલો સમય ચાલુ રહેશે. દરેકેદરેક કલાકારને એમ જ છે કે શૂટ ગમે ત્યારે બંધ થઈ શકે છે. એવું બને નહીં તો પણ દરેકના મનમાં કોરોનાનો ડર છે અને એ ડર રીતસર શૂટિંગમાં પણ દેખાય છે.’

હિન્દી સિરિયલનો એક બહુ જાણીતો ઍક્ટર ‘મિડ-ડે’ને કહે છે. તે પોતાનું નામ સામે આવે એવું ઇચ્છતો નથી, કારણ કે આ પ્રકારની નેગેટિવ વાતો કરવાની પ્રોડક્શન-હાઉસ અને ચૅનલે સ્પષ્ટ ના પાડી છે. અમુક ચૅનલે તો પ્રોડકક્શન-હાઉસને કડક શબ્દોમાં કહી પણ દીધું છે કે જો આવી વાતો સેટ પર ચાલતી હશે અને અમને ખબર પડશે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. નૅચરલી, કોઈ આવા સમયે પોતાનું નામ સામે ચડીને જાહેર કરવા રાજી ન હોય, પણ આ હકીકત છે અને આ હકીકત વચ્ચે ટીવી-સિરિયલના કૅમેરા ગયા વીકમાં ઑન થવાનું શરૂ થયું છે. હિન્દી સિરિયલોની સાથોસાથ રીજનલ સિરિયલે પણ કામ શરૂ કર્યું છે, પરંતુ એ બધા વચ્ચે હજી પણ કોઈનામાં કામની એનર્જી આવી નથી અને ન આવે એ સમજી શકવા જેવી વાત છે.

ઑલમોસ્ટ ૧૦૦ દિવસ પછી શૂટિંગ શરૂ થયું છે. આ અગાઉ ક્યારેય આવું બન્યું નહોતું. ૨૦૦૮માં ટીવી અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના વર્કર્સ દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે શૂટિંગ બંધ રહ્યું હતું, પણ ૩૦-૪૦ દિવસમાં વર્કર્સની માગણીઓને માની લેવામાં આવી અને કામ ફરીથી શરૂ થઈ ગયું હતું, પણ આ વખતે ઇન્ડિયન ટીવી-ઇન્ડસ્ટ્રી ૧૦૦ દિવસ પછી ફરીથી કામે લાગી છે. મંગળવારે સબ ટીવીની ‘ભાખરવડી’નું શૂટિંગ મીરા રોડમાં ફરી શરૂ થયું. નૅચરલી કામ ફરી શરૂ થવાનો આનંદ તો હતો જ, પણ એ આનંદની સાથોસાથ બનાવવામાં આવેલા નિયમોનું પાલન થતું રહે એ પણ જોવાનું હતું. ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ કાઉન્સિલના ટીવી અને વેબ-વિન્ગના ચૅરમૅન જેડી મજીઠિયા ‘ભાખરવડી’ના પ્રોડ્યુસર છે. જેડી કહે છે, ‘સેફ્ટીના નિયમોનું પાલન કરવાનું છે એટલે નૅચરલી કામ ધીમું ચાલે, પણ એ તો ટાઇમ જતાં આદત કેળવાઈ જશે પછી આપોઆપ સ્પીડમાં આવી જશે, પણ શરૂઆતમાં તો બધાને આ નવા નિયમોની આદત પાડવાની છે અને એ આદત ઍક્ટરોને ઝડપથી પડી પણ જશે.’

‘ભાખરવડી’ના સેટની જ વાત કરીએ તો પહેલા દિવસે સેટ પર ૩૦ ટકા ક્રૂને જ બોલાવવામાં આવ્યું હતું; તો દેવેન ભોજાણી, અક્ષય કેળકર, અક્ષિતા મુદગલ અને પરેશ ગણાત્રા મળી ચાર જ ઍક્ટરને બોલાવવામાં આવ્યા હતા. બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યું છે કે શૂઝ અને ચંપલની સાથે પણ કોરોના આગળ વધે છે. જેડીએ આ વાત નોંધી હતી એટલે તેમણે સેટની બહાર જ લૉકર પણ ફિટ કરાવ્યાં છે. ઍક્ટરથી માંડીને ક્રૂ-મેમ્બર સૌકોઈએ પોતાનાં ચંપલ-શૂઝ પહેરીને સેટ પર આવવાનું નથી. મંદિર હોય એમ જૂતાં બહાર જ ઉતારી નાખવાનાં. જોકે સેટ પર નાનું-મોટું મિસ્ત્રીકામ પણ ચાલતું રહેતું હોય એટલે ખીલી કે લાકડાની કરચ પણ વેરાયેલી હોય છે. એવા સમયે કલાકારને પગમાં લાગે નહીં એ પર્પઝથી સૌકોઈ માટે સ્લિપર ખરીદવામાં આવ્યાં છે. પ્રોડક્શન-હાઉસ દ્વારા આપવામાં આવેલાં આ સ્લિપર પહેરીને જ સેટ પર ફરવાનું. આ સ્લિપર સૅનિટાઇઝ થયેલા સેટની બહાર જતાં નથી એટલે એમાં કોરોના વાઇરસ લાગેલા હોય એવી સંભાવના નહીંવત્ છે તો થોડી-થોડી વારે એને સૅનિટાઇઝ કરીને વધારે પહેરવાયોગ્ય પણ બનાવવામાં આવે છે. જેડી મજીઠિયા કહે છે, ‘આ ઉપરાંત સેટ પર સૌકોઈએ છત્રી સાથે જ રહેવાનું. છત્રીનો ઘેરાવો દોઢથી બે ફુટનો હોય એટલે ઑટોમૅટિક સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાયેલું રહે. આ ઉપરાંત સેટ પર બધાની પોઝિશન પણ માર્ક કરી દેવામાં આવી છે. આ માર્ક કરેલી પોઝિશનમાં જ સૌકોઈએ બેસવાનું છે, એ નિયમ તોડવાનો નહીં. એટલે એ રીતે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ અકબંધ રહે. સીન શૂટ કરવાનો હોય ત્યારે જ માસ્ક ઉતારવાનો. બાકીના સમયમાં જ્યાં સુધી સેટ પર હોય ત્યાં સુધી ફરજિયાત માસ્ક પહેરી રાખવાનો. ફૂડમાં પણ અમે એવું જ કરી નાખ્યું છે. પહેલાં બુફે લાગતું, પણ હવે સૌકોઈને રેડી થઈને પહેલાં જ પૅક કરી દેવામાં આવી હોય એ મુજબની પ્લેટ જ મળે છે. બુફેવાળી જગ્યાએ પણ કોઈએ જવાનું નહીં. પ્લેટ લઈને નક્કી કરી હોય એ જગ્યાએ જ બેસીને તમારે જમી લેવાનું, જેથી ત્યાં પણ કોઈ નિયમ તૂટે નહીં.’

છત્રી સાથે જ રહેવું અને નિર્ધારિત કરેલી જગ્યાએ જ બેસી રહેવું. આ પ્રકારના નિયમો ઍક્ટર સાથે શક્ય બની શકે, પણ ક્રૂ માટે આવા નિયમોનું પાલન કરવું અઘરું પડી શકે. એક સીન પૂરો થયા પછી ક્રૂએ પોતાના કામે લાગવું પડે છે અને બીજા સીનની જરૂરિયાત મુજબ આખું સેટઅપ ગોઠવવું પડતું હોય છે. આવા સમયે ક્રૂ પોતાના હાથમાં છત્રી લઈને ફરી શકે કે બેસી શકે નહીં એટલે સ્પૉટબૉયને પીપીઈ સૂટથી સજ્જ રાખવામાં આવ્યા છે તો બાકીના ક્રૂ મેમ્બરને સેટ પર એમ જ ફરતા રહેવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ક્રૂ મેમ્બરે પણ ઍક્ટરોની જેમ પોતાને માટે નિશ્ચિત કરવામાં આવેલી જગ્યાએ બેસી રહેવાનું હોય છે.

અગાઉ આવું નહોતું. અગાઉ સેટ પર ફૅમિલી ગેધરિંગ હોય એવો માહોલ રહેતો અને એ માહોલને લીધે પણ અમુક કલાકાર ફિલ્મોમાં આવી ગયા પછી પણ ટીવી-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહ્યા હતા. રોનિત રૉય, રામ કપૂર, સાક્ષી તનવર, મૌની રૉય એવા જ ઍક્ટર છે, જેમણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક સ્થાન બનાવી લીધું હોવા છતાં ટીવી છોડવા માટે રાજી નથી. રામ કપૂર કહે છે, ‘એક ફૅમિલીમાંથી નીકળીને બીજી ફૅમિલીમાં જતા હોઈએ એવો ઉત્સાહ સવારે હોય. પહેલેથી પ્લાન થયું હોય કે આ ઍક્ટર જમવામાં આ લઈ આવશે અને બીજા કોઈને બીજી વાનગી લઈ આવવાનું કહેવામાં આવ્યું હોય. બર્થ-ડે સેટ પર સેલિબ્રેટ થાય અને ઍનિવર્સરી સમયે વાઇફને પણ સરપ્રાઇઝિંગલી સેટ પર બોલાવી લેવામાં આવી હોય. એ માહોલ નજીકના સમયમાં તો ફ્લોર પર જોવા મળે એવા ચાન્સિસ દેખાતા નથી.’

કોરોનાને કારણે પરિવાર છૂટો પડી ગયો છે અને સૌકોઈ નાસૂર બનતી આ ક્ષણો સાથે આગળ વધી રહ્યા છે. ઍક્ટરના કૉસ્ચ્યુમ હવે ૨૪ કલાક પહેલાં તેની મેકઅપ-રૂમમાં પહોંચી જાય છે. મેકઅપ-રૂમમાં કોઈએ આવવાનું નથી તો અમુક કલાકારોએ તો મેકઅપ પણ જાતે કરી લેવાની જવાબદારી સ્વીકારી લીધી છે, જ્યારે અમુક કલાકાર અને ક્રૂને તો ૧૦-૧૫ દિવસ માટે સાથે જ લઈ જવામાં આવ્યા છે. ‘રાધાકૃષ્ણ’ સિરિયલના કલાકાર ઑલરેડી ૧૦ દિવસ પહેલાં જ ઉમરગામ પહોંચી ગયા છે. સિરિયલમાં કૃષ્ણ બનતા સુમેધ મુદગલકર અને બલરામનું કૅરૅક્ટર કરતા બસંત ભટ્ટ સહિત આખું યુનિટ રોકડા ૨૦ જણનું છે અને સેટ પર બહારની એક પણ વ્યક્તિને આવવાની મનાઈ છે. સુમેધ કહે છે, ‘પહેલાં એવું બનતું કે તમને રેડી કરવા માટે બે-ચાર લોકો હાજર રહેતા, પણ હવે એવું નથી બનતું. ૮૦ ટકા કામ તમારે તમારી જાતે જ કરી લેવાનું હોય છે.’

‘રાધાકૃષ્ણ’માં જ અર્જુનનું કૅરૅક્ટર કરતો કિંશુક વૈદ્ય પણ આ નવા નિયમો સાથે કામ આગળ વધારવા માટે મથી રહ્યો છે. કિંશુક કહે છે, ‘શૂટ ચાલુ કર્યાના એક વીક પહેલાં અમને બોલાવીને ક્વૉરન્ટીન રાખ્યા હતા, જેથી કોઈને કોવિડ-19 હોય તો ખબર પડી જાય. શૂટ ચાલુ થયા પછી પણ અમારે એકબીજાથી ડિસ્ટન્સ રાખવાનું છે અને જેવું શૂટ પૂરું થાય કે તરત અમારે બધાએ સૅનિટાઇઝ થઈ જવાનું અને માસ્ક પહેરીને પોતપોતાના એરિયામાં જઈને બેસી જવાનું. જો કોઈ પણ ભૂલ કરે તો એ જ સેકન્ડે કહી દેવામાં આવે છે. હવે સેટ પર પહેલાં જેવું વાતાવરણ નથી હોતું. બધા કામ કરીએ છીએ, પણ કામ પૂરું કરીને અમે બધા પાછા એકબીજાથી જુદા થઈને આગલા સીનની તૈયારીમાં લાગી જઈએ છીએ.’

દેવેન ભોજાણી પણ આ જ કહે છે. ‘ભાખરવડી’માં દેવેનના કૅરૅક્ટરને મૂછ આપવામાં આવી હતી. લૉકડાઉનમાં દેવેને દૂરંદેશી વાપરીને કૅરૅક્ટરને આપવામાં આવતી મૂછનો છેદ કાઢી નાખ્યો અને તેણે પોતે જ સાચી મૂછ ઉગાડી લીધી. જાતે મેકઅપ કરવાનું પણ લૉકડાઉન દરમ્યાન દેવેને શીખી લીધું હોવાથી દેવેન શૂટ માટે રેડી થઈને જ સીધો સેટ પર આવે છે અને આવું જ બાકીના કલાકારો પણ કરે છે. સેટ પર આવ્યા પછી મેકઅપને નૉર્મલ ટચઅપની જરૂર હોય તો એમાં વધારે ટાઇમ જતો નથી, પણ એમ છતાં એક પણ ઍક્ટર એવો નથી જેને આ પ્રકારનું વાતાવરણ પસંદ આવતું હોય. દેવેન કહે છે, ‘હું તો ઇચ્છું કે આ ન્યુ નૉર્મલ જલદી જાય અને ઓરિજિનલ નૉર્મલ વહેલું પાછું આવે.’

સેટ પર જેટલા ક્રૂ મેમ્બર હાજર છે એના કરતાં વધારે નિયમોનું પાલન કરવાનું છે અને એ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી પ્રોડ્યુસરની છે. ઍક્ટર મનોજ જોષી કહે છે, ‘પહેલાં સેટ પર જવાનું એક્સાઇટમેન્ટ રહેતું, પણ હવે સેટ પર જતી વખતે સૌકોઈના મનમાં ઍન્ગ્ઝાયટી રહેવાની છે. પૉઝિટિવ ઍન્ગ્ઝાયટી સારી પણ અત્યારે જે ઍન્ગ્ઝાયટી હશે એ નેગેટિવ હશે એટલે એની અસર કામ પર થોડીઘણી તો દેખાશે જ, પણ સમય જતાં કદાચ આ માનસિકતા બદલાઈ પણ જાય અને હવે આવેલા ન્યુ નૉર્મલ મુજબ આ પ્રકારના નિયમોને લોકો સહજ રીતે સ્વીકારી પણ લે એવી શક્યતા ઓછી છે.’

વાત ખોટી પણ નથી. જો ન્યુ નૉર્મલ મુજબ ટીવી-સિરિયલનું શૂટિંગ કરવાનું આવશે તો શૂટિંગની સ્પીડ ધીમી રહેશે એવું એકેકે પ્રોડ્યુસરનું માનવું છે. એક ચૅનલના હેડ કહે છે, ‘જો આ પ્રકાર લાંબો સમય ચાલ્યો તો ટીવી-ચૅનલે કન્ટેન્ટની સ્ટાઇલ બદલવી પડશે એ નક્કી છે. ન્યુ નૉર્મલ મુજબ દરરોજ એક એપિસોડ શૂટ કરવાનું કામ અઘરું થશે એટલે બધા પાસે બે રસ્તા હશે; એક તો બૅન્ક બનાવીને જ આગળ વધવાનું અને જો એવું કર્યું તો એને માટે ખૂબ લાંબું વિચારીને પ્લાનિંગ કરવું પડશે અને કરન્ટ ટૉપિક સિરિયલમાં સમાવી નહીં શકાય અને બીજો રસ્તો એ કે લિમિટેડ એપિસોડની સિરિયલો શરૂ કરવી. આખી સિરિયલ શૂટ થઈ જાય એ પછી જ એને રિલીઝ કરવી.’

આવું ન બને અને ન્યુ નૉર્મલ વચ્ચે પણ ટીવી-સિરિયલ એવી ને એવી જ રહે એને માટે સૌકોઈ અત્યારે પોતપોતાની રીતે બધા પ્રયાસ કરે છે. દરેક સેટ પર એલિયન ફરતા હોય એવો પીપીઈ સૂટમાં સજ્જ હોય એવા સ્પૉટબૉય ફરતા દેખાય છે. મેકઅપ-રૂમમાં મેકઅપ-આર્ટિસ્ટ અને હેરસ્ટાઇલિસ્ટ પણ પીપીઈ સૂટમાં સજ્જ છે. દંગલની સુપરહિટ સિરિયલ ‘પ્યાર કી લુક્કાછુપી’ની લીડ ઍક્ટ્રેસ અપર્ણા દીક્ષિત કહે છે, ‘સેટ પર જઈએ ત્યારથી લઈને સેટ પરથી નીકળીએ ત્યાં સુધીમાં એકબીજાના ચહેરા પણ માંડ જોવા મળે છે. સીન દરમ્યાન ઍક્ટરને માસ્ક ઉતારવાની છૂટ છે, પણ જેવો સીન ઓકે થાય કે તરત જ માસ્ક પહેરી લેવાનો. એક સ્પૉટબૉય ટ્રેમાં માસ્ક લઈને જ ઊભો હોય. શૉટ ઓકે થાય અને તે તરત જ સામે. આવા વાતાવરણ વચ્ચે કામ કરવામાં જરા ટેન્શન પણ થાય. લાઇન્સ ભુલાઈ જાય.’

શરૂઆતના દિવસોમાં એવું બધાને થયું હતું. સીઝન્ડ આર્ટિસ્ટ એવા દેવેન ભોજાણી પણ લાઇનો ભૂલતો હતો તો સ્ટાર પ્લસની ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં કાર્તિકનું લીડ કૅરૅક્ટર કરતો મોહસિન ખાન પણ મૂવમેન્ટ્સ ભૂલતો હતો. આંખ સામે જે ક્રૂ નૉર્મલ રીતે ફરતા હતા તેઓ બધા હવે માસ્ક અને પીપીઈ સૂટમાં હોય તો નૅચરલી અંદર રહેલો ડર બહાર આવી જાય. જોકે આ ડર ધીમે-ધીમે બહાર નીકળવા માંડ્યો છે અને સૌકોઈ હવે આ ન્યુ નૉર્મલ વચ્ચે એક વાત સમજી ગયા છે; લાઇટ્સ, કૅમેરા, ઍક્શન...અને પછી તરત જ ડિસ્ટન્સ.

શૅર-એ-સૅનિટાઝર:

તમામ ક્રૂ મેમ્બરે અવરજવર કરતી વખતે છત્રી લઈને જ ફરવાનું જેથી આપોઆપ સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય. આવો નિયમ ‘ભાખરવડી’ના સેટ પર ઇન્ટ્રોડ્યુસ કરનારા પ્રોડ્યુસર જેડી મેજીઠિયાએ બીજો પણ એક નવો કન્સેપ્ટ ફ્લોર પર ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. શૅર-એ-સૅનિટાઇઝર. જેડી કહે છે, ‘પહેલાં બધા એકબીજાને મુખવાસ કે સિગારેટ ઑફર કરતા, મુખવાસ કે ધાણાદાળ અને તલ જેવી ચીજો પણ એકબીજા સાથે શૅર કરતા, પણ હવે એના પર અમે બૅન મૂકી દીધો છે. હવે બધા એકબીજા સાથે માત્ર સૅનિટાઇઝર શૅર કરી શકશે. અમે તો ક્રૂથી માંડીને ઍક્ટર સુધીના સૌને કહ્યું પણ છે કે એકબીજા પાસે એ જ રીતે સૅનિટાઇઝર માગો જે રીતે ગુટકા અને સિગારેટ માગતા.’

શૅર-એ-સૅનિટાઇઝર કન્સેપ્ટને લીધે એવી સિચુએશન આવી છે કે ૨૦-૩૦ ટકા લોકો વધારે વખત હાથને સૅનિટાઇઝ કરી લે છે, જે અલ્ટિમેટલી તેના માટે લાભદાયી જ છે. એક વ્યક્તિ સૅનિટાઇઝર કાઢે એટલે તરત જ બીજો સામેથી તેની પાસે માગે. જેડી કહે છે, ‘અમે ઇચ્છીએ જ છીએ કે બધા એકબીજા પાસે સૅનિટાઇઝર માગતા રહે એટલે સતત સૅનિટાઇઝેશન થતું રહે.’

ફિલ્મ માટે શું કરવું?

ટીવીના શૂટિંગ ચાલુ થયા પછી પડી રહેલી થોડીઘણી અડચણને લીધે પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી મૂંઝવણમાં મુકાઈ છે અને બધા એ દિશામાં વિચારતા થયા છે કે ફિલ્મના શૂટિંગનું કરવું શું? આ રીતે તો ફિલ્મનું શૂટિંગ થઈ શકે એવું લાગતું નથી તો સાથોસાથ બીજો પ્રશ્ન એ પણ છે કે ફિલ્મનું બજેટ પણ વધારે હોવાનું. જો એવા સમયે એકાદ નિયમનું ઉલ્લંઘન થાય અને એને લીધે પ્રોડ્યુસરે પેનલ્ટી ચૂકવવી પડે કે કોઈને કોરોના વળગે તો પણ પ્રોડ્યુસરે હેરાન થવું પડે. આવું ન બને એ માટે પ્રોડ્યુસર્સ અત્યારે એવો રસ્તો વિચારી રહ્યા છે કે ફિલ્મનું શૂટિંગ જઈને એવા દેશમાં કરવું જ્યાં કોવિડ-19નું સંક્રમણ કાબૂમાં આવી ગયું હોય અને ફિલ્મના શૂટ માટે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો બનાવવામાં ન આવ્યા હોય. ત્યાં જઈને પાંચ-સાત દિવસનું સેલ્ફ ક્વૉરન્ટીન કરવામાં આવે તો પણ અહીં કરતાં ત્યાંનું શૂટિંગ ઓછું કષ્ટદાયી હોય અને એમાં પરેશાની પણ ઓછી ઊભી થવાની હોય.

આ પ્રકારના દેશોમાં અત્યારે ડેન્માર્ક અને સાઉથ આફ્રિકા જવાની મોટી હોડ લાગી છે, કારણ કે આ દેશોમાં કોવિડ-19ની ત્રાસદી હવે કાબૂમાં છે. અક્ષયકુમારે તેની બે ફિલ્મના શૂટિંગને ડેન્માર્કમાં ફાઇનલ કરી લીધાં છે તો અજય દેવગન સોશ્યલ ડિસ્ટન્સિંગના આવા આકરા નિયમથી બચવા માટે પોતાની નવી ફિલ્મ માટે સાઉથ આફ્રિકા જવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.

coronavirus covid19 lockdown columnists Rashmin Shah