યાદ રાખજો, શીખવા માટે કોઈ ઉંમર મોટી નથી હોતી

20 October, 2020 04:48 PM IST  |  Mumbai | Sanjay Goradia

યાદ રાખજો, શીખવા માટે કોઈ ઉંમર મોટી નથી હોતી

સરિતા જોષી

આજના આર્ટિકલની શરૂઆત કરીને ગયા અઠવાડિયાના અનુસંધાનને જોડીએ એ પહેલાં આપણે એક બીજી વાત કરવાની છે. ગયા શનિવારે એટલે કે ૧૭ ઑક્ટોબરે ગુજરાતી રંગભૂમિનાં રાણી એવાં દિગ્ગજ સરિતા જોષીનો જન્મદિવસ હતો. ૮૦ વર્ષ પૂરાં કરીને તેમણે ૮૧મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ ઉંમરે પણ સરિતાબહેન કડેધડે છે અને એ ગુજરાતી રંગભૂમિનાં સદ્નસીબ છે. તેઓ ટીવીથી માંડીને ટીવી-કમર્શિયલમાં ઍક્ટિવ છે અને સારી સ્ક્રિપ્ટ મળે તો ફિલ્મ અને ગુજરાતી નાટક પણ કરવા તૈયાર છે. તેમના એકપાત્રી અભિનયવાળા નાટકના શો થતા રહે છે. મેં છેલ્લે તેમની સાથે ‘લેડીઝ સ્પેશ્યલ’ નાટક કર્યું હતું. તેમને લાયક સ્ક્રિપ્ટ મળે તો તેમની સાથે કામ કરવાની આજે પણ મારી અદમ્ય ઇચ્છા છે. સંગીત નાટક અકાદમીએ તેમને અવૉર્ડથી સન્માનિત કર્યાં છે તો ગયા જાન્યુઆરીમાં ભારત સરકારે તેમને પદ્‍મશ્રી એનાયત કર્યો તો ૨૦૧૯માં ‘મિડ-ડે’એ પણ તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપીને તેમનું બહુમાન કર્યું હતું. સરિતાબહેનને જન્મદિવસનાં અભિનંદન આપતાં-આપતાં હું ખાસ કહીશ કે તેમની હાજરી માત્ર ગુજરાતી રંગભૂમિને પુષ્કળ પ્રેરણા આપે છે.
હવે આવીએ આપણી વાત પર.
ગયા મંગળવારે મેં તમને કહ્યું કે એક વાર નાટક તૈયાર થઈ જાય, રિલીઝ થઈ જાય અને નાટકના શો લાઇનસર ગોઠવાઈ જાય એટલે સામાન્ય સંજોગોમાં મારું કામ ઓછું થઈ જાય. એ પછીનો મારો નિત્યક્રમ મેં ગયા મંગળવારે તમને કહ્યો. સવારે જાગવાનું, પછી આરામથી દોઢ-બે કલાક છાપાં વાંચી, ચા-નાસ્તો કરી પછી નાહવા જવાનું. નાહીધોઈ ટીવી જોવા બેસી જવાનું અને એ પછી લંચ. લંચ માટે બેસું એ પહેલાં બેડરૂમનું એસી ચાલુ કરી દેવાનું જેથી જમીને તરત સૂવા જાઉં તો રૂમ ઠંડી થાય ત્યાં સુધી પડખાં ઘસવાં ન પડે. બપોરે આરામથી બેએક કલાકની ઊંઘ લઈ ચાર-પાંચ વાગ્યે જાગીને નાસ્તો કરી ભાઈદાસ જવાનું અને કાં તો નાટકનો શો હોય તો એ અટેન્ડ કરવા જવાનું. એ સમયે હજી શરૂઆત હતી એટલે વર્ષમાં એક-બે નાટકથી વધારે નાટક અમે બનાવતા નહીં, જેને લીધે મારી પાસે પુષ્કળ ટાઇમ રહેતો. ટૂંકમાં, હું મારા કમ્ફર્ટ ઝોનમાં જતો રહ્યો હતો, જેની જાણ મને બહુ વખત પછી થઈ. અરે, આ જ તો મારી ઉંમર હતી કંઈક નવું શીખવાની, કંઈક નવું કરવાની.
એ સમયે મેં મારા ઘરે બે ગુજરાતી ન્યુઝપેપર સાથે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ પણ બંધાવ્યું હતું. મિત્રો, તમને કહી દઉં કે હું માત્ર એસએસસી પાસ છું અને એ પણ ગુજરાતી મીડિયમમાં. ભણતર મને ઝાઝું ચડ્યું નથી, પણ હું એટલું જરૂર કહીશ કે તમારા સર્વાંગી વિકાસ માટે ભણતર ખૂબ જરૂરી છે. મારી વાત કરું તો મને હંમેશાં ઇંગ્લિશ નહીં આવડવાનો અફસોસ હતો. અંગ્રેજી નહીં આવડવાની મને નાનપ નહોતી, પણ નહીં આવડવાને કારણે જેકંઈ મને બીજું શીખવા મળતું એ શીખવા મળતું નહીં એનું મને દુઃખ હતું. અંગ્રેજીને બળવત્તર બનાવવા અને અંગ્રેજીનો મહાવરો વધારવાનું મેં નક્કી કર્યું. નક્કી કર્યું કે ઘરે જ અંગ્રેજીનાં ટ્યુશન લેવાનાં.
બકુલ રાવલ જે એ સમયના અંગ્રેજીના જાણીતા પ્રોફેસર હતા, અત્યારે તેઓ હયાત નથી. એ સમયે મેં તેમને પ્રોફેશનલી ઇંગ્લિશના ટ્યુશન માટે ઘરે આવવાની વિનંતી કરી. આ વાત છે મારે ત્યાં દીકરો જન્મ્યો એ પછીની. કહેવાનો ભાવાર્થ એ જ કે જીવનમાં કંઈક શીખવું હોય તો એની કોઈ ઉંમર નથી હોતી એટલે શીખવા માટે ક્યારેય ખચકાટ રાખવો નહીં અને જે સમયે મન થાય, ઇચ્છા થાય એ સમયે એકડો ઘૂંટવા બેસી જવાનું. રાવલસાહેબ રોજ સવારે ટ્યુશન માટે આવે. તેમણે જ મને સૂચન કર્યું કે તું ગાલાની ડિક્શનરી વસાવી લે, અંગ્રેજી સમજવું સહેલું થઈ જશે. એ દિવસોમાં આ ગાલાની ડિક્શનરી બહુ પૉપ્યુલર હતી. આજે પણ આવે છે એવું હું ધારી લઉં છું. રાવલસાહેબ થોડા દિવસ ટ્યુશન માટે આવ્યા, પણ પછી તેમને માટે દરરોજ લોખંડવાલા આવવું શક્ય નહોતું એટલે તેમણે આવવાનું બંધ કર્યું. તેમનું આવવાનું બંધ થયું એટલે ફરીથી મારું ઇંગ્લિશ શીખવાનું ખોરંભે ચડ્યું.
મેં અગાઉ કહ્યું એમ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ બંધાવ્યું હતું, સાચું કહું તો શરૂઆતના દિવસો તો હું છાપું હાથમાં લઉં, ફોટો જોઉં અને પછી પાછું મૂકી દઉં, પણ પછી મનમાં ને મનમાં થયું કે અંગ્રેજીનો આ હાઉ મારે કાઢવો જ પડશે. જો હાઉ કાઢીશ, બીક કાઢીશ તો જ હું અંગ્રેજી સાથે વધારે ફૅમિલિયર થઈ શકીશ. ધીરે-ધીરે હું ફોટો પરથી હેડલાઇન પર આવ્યો. પહેલાં માત્ર મથાળાં વાંચતો, પછી ધીમે-ધીમે અંદરની બધી મૅટર વાંચવાનું ચાલુ કર્યું. વાંચું ત્યારે મોટા ભાગના શબ્દો મને સમજાય નહીં. વાંચી જાઉં એક વાર, ખોટા ઉચ્ચારો સાથે એ શબ્દ બોલી પણ નાખું, પણ ભાવાર્થ ખબર પડે નહીં એટલે મેં ચાલુ કર્યું પેલી ગાલાની ડિક્શનરી સાથે રાખવાનું. જે ન સમજાય એ શબ્દ તરત જ ડિક્શનરીમાં ચેક કરી લેવાનો અને પછી યાદ પણ કરી લેવાનો. ગમતું નહીં, કંટાળો આવતો, મૂકી દેવાનું પણ મન થતું, પણ મિત્રો યાદ રાખજો, તકલીફ ત્યારે જ આવે જ્યારે તમે તમારો કમ્ફર્ટ ઝોન તોડતા હો છો. ન ગમે તો પણ મન મારીને હું આ અંગ્રેજી વાંચવાનું ચાલુ રાખતો અને એવું કરવા જતાં ઇંગ્લિશ સાથેનો મારો રોમૅન્સ શરૂ થયો. અદ્ભુત ભાષા છે અંગ્રેજી.
થોડા સમય પછી મેં એક બહેનને અંગ્રેજીના ટ્યુશન માટે રાખ્યાં, પણ તેમનું કામકાજ પેલી પૉપ્યુલર ગુજરાતી કહેવત જેવું. માસ્તર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં. તેમને તો ટ્યુશન-ફીમાં રસ હતો, સ્ટુડન્ટ એનો કેટલો હોશિયાર થાય છે એમાં કદાચ બહુ રસ નહોતો. તેમની પાસેથી કંઈ ખાસ શીખવા-જાણવા મળ્યું નહીં એટલે તેમનું ટ્યુશન બંધ કરાવ્યું અને ફરીથી હું છાપાના ‘જાતમહેનત ઝિંદાબાદ’વાળા મિશન પર લાગ્યો. બીજા પાંચ-છ મહિના પસાર થયા પછી મને મારા દોસ્ત અને આપણા જાણીતા ઍક્ટર જગેશ મુકાતીએ અંબોલીમાં રહેતાં ઝીનામૅડમ નામનાં એક પારસી બહેનનો નંબર આપ્યો. જગેશ હવે હયાત નથી, જે બહુ દુઃખની વાત છે. જગેશે મને કહ્યું કે ઝીનામૅડમ સરસ શીખવે છે, તમે વાત કરી લો.

મેં તેમને ફોન કર્યો તો મને કહે, હું તમારા ઘરે નહીં આવું, શીખવું હોય તો તમારે મારે ત્યાં આવવું પડશે. બંદા તૈયાર. ‘ચક્રવર્તી’ પોતાની રીતે ચાલતું હતું અને મારી પાસે દિવસ દરમ્યાન ખાસ કોઈ કામ નહોતું. મિત્રો હું તો બાકાયદા નાના બાળકની જેમ દફ્તર લઈ મૅડમના ઘરે શીખવા જતો. દફ્તર, દફતરમાં રૅપિડ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સની બુક અને મારી નોટબુક.
મને કહેવા દો કે ઝીનામૅડમે મને જે ઇંગ્લિશ શીખવ્યું એ અદ્ભુત હતું. અંગ્રેજીના નિયમો તેમણે એટલી સરસ રીતે મને સમજાવ્યા કે એ બધા મારા મગજમાં ધડાધડ ઊતરવા લાગ્યા અને હું અંગ્રેજીમાં પાવરધો થવા માંડ્યો. એ પછી તો હું અંગ્રેજી નૉવેલ પણ વાંચવા લાગ્યો. આજે અંગ્રેજી ન્યુઝપેપરો વાંચવાં એ સાવ સહજ પ્રક્રિયા છે મારા માટે, તો નૉવેલ વાંચવી પણ એકદમ સાહજિક પ્રક્રિયા છે, એટલું જ નહીં, ડિબેટમાં પણ હું અંગ્રેજીમાં જવાબ આપું અને દલીલ કરી શકું એ કક્ષાએ પહોંચી ગયો છું. અફકોર્સ, મારી માતૃભાષા ગુજરાતી છે અને આજે પણ હું સપનાં ગુજરાતીમાં જ જોઉં છું. ગુજરાતી પ્રત્યે છોછ રાખનારાઓ ગમે નહીં, પણ અંગ્રેજીનો અનાદર કરવાની વાત પણ હું સ્વીકારવા રાજી નથી. કબૂલ કે અંગ્રેજી એક ભાષા માત્ર છે, પણ એ વિશ્વસ્તરના કામકાજને રોળવી દેનારી ભાષા છે, એને સ્વીકારીને જીવનમાં અપનાવવામાં કશું ખોટું નથી.

જોકસમ્રાટ
બાપુ - જીવલા, આ દસેદસ આંગળિયુંમાં વીંટી પહેરી છે એ શેની છે?
જીવલો - આ સૌથી નાની છે એ લગનની છે અને બાકીની બધી એના પછી ઊભા થયેલા ઉપદ્રવની છે.

 

Sanjay Goradia columnists