આપવાના હંમેશાં ૧૦૦ માર્ક્સ

16 October, 2020 02:38 PM IST  |  Mumbai | Rashmin Shah

આપવાના હંમેશાં ૧૦૦ માર્ક્સ

વ્યવહાર કોઈનો, વર્તન કોઈનું અને એ પછી પણ એનાં લેખાંજોખાંમાં આપણે બિઝી રહેવાનું? ના રે,

બહુ સરળ રીતે આ નિયમ રાખવાનો. કોઈને પણ માર્ક આપવાના આવે ત્યારે ૧૦૦માંથી ૧૦૦ માર્ક આપી દેવાના. એક્ઝામ-પેપરની વાત નથી થતી એ સહજ તમારી જાણ ખાતર. જીવનના વ્યવહારની અને રોજબરોજના સંબંધોની વાત થઈ રહી છે. વિનાસંકોચ અને કોઈ જાતના ખચકાટ વિના ૧૦૦ માર્ક આપી દેવાના. જો તમે ૧૦૦માંથી માર્કનું વિભાજન કરતા હો તો, જો તમારી માર્ક આપવાની પ્રથામાં હાઇએસ્ટ માર્ક ૧૦ હોય તો ૧૦માંથી ૧૦ આપી દેવાના અને ૨૦૦ માર્કનું તમારું ગણિત હોય તો ૨૦૦માંથી ૨૦૦ માર્ક આપી દેવાના, બિન્દાસ. કોઈ બાંધછોડ નહીં અને કોઈ જાતનો હિસાબ નહીં. ફુલ્લી પાસ કર્યા પછી પણ લાભમાં તમે જ રહેવાના છો. હવે તેણે એ માર્ક જાળવી રાખવાની કવાયત કરવાની છે. ભલે એ જવાબદારી નિભાવે પોતાને મળેલા ૧૦૦ માર્કને અકબંધ રાખવાની. ભલે એ જહેમત ઉઠાવે એ ૧૦૦ માર્કને અકબંધ રાખવાની. તમારે શું કામ હેરાન થવાનું, તમારે શું કામ દરરોજ પેન અને કૅલ્ક્યુલેટર લઈને એના માર્કમાં પ્લસ-માઇનસ કરવાની પ્રોસેસમાં પડવાનું. ના રે, જરાય નહીં. એવો ટાઇમ પણ નથી અને એવા ઍનૅલિસિસમાં પડીને હેરાન પણ નથી થવાનું. સીધો અને સરળ હિસાબ રાખવાનો જીવનમાં.
લે આપ્યા ૧૦૦ માર્ક. હવે તું સાચવ તારા ૧૦૦ માર્ક. તારું વર્તન અને તારો વ્યવહાર મને સમજાવશે કે કેટલા માર્ક ઓછા કરવાના. ધારો કે એ બન્ને અવ્વલ દરજ્જાના રહ્યા તો તો આપી જ દીધા છે તને ૧૦૦ માર્ક. મોજ કર અને ધારો કે એવું બન્યું નહીં. કાચિંડાએ તેનામાં પરકાયાપ્રવેશ કર્યો તો તમારે માત્ર માર્ક ઘટાડવાની જ પ્રક્રિયામાં પડવાનું છે. સંબંધોનો લાંબો વાણિજ્ય-વ્યવહાર તમારે શીખવાનો નથી અને એ શીખવો નથી એટલે જ સીધા આપી દેવાના ૧૦૦ માર્ક્સ. હવે તું મહેનત કર એ ૧૦૦ માર્કને જસ્ટિફાય કરવાની અને એ ૧૦૦ માર્કને અકબંધ રાખવાની.
વાત વિશ્વાસની છે અને જ્યારે પણ વિશ્વાસની વાત આવે ત્યારે આપણે ફ્રન્ટફુટ પર આવી જઈએ છીએ. જરૂર નથી એની. ફ્રન્ટફુટ પર તેને મૂકી દો, જેણે વિશ્વાસ સંપાદન કરવાનો છે. શાને માટે વિશ્વાસ સંપાદન કરનારાની જવાબદારીનું વહન તમારે કરવું છે? શાને માટે વિશ્વાસ સંપાદન કરનારાનો વાણિજ્ય-વ્યવહાર
તમારે સંભાળવો છે? ના, બિલકુલ નહીં. એ તેની જવાબદારી હોવી જોઈએ અને તેણે જ એનું વહન કરવાનું હોય. મૂકી દેવાનો સંપૂર્ણ વિશ્વાસ. વિશ્વાસ મૂકી, ૧૦૦ માર્ક આપી તેને જવાબદાર બનાવી દો. ધારો કે એ જવાબદાર નહીં બને તો પણ તમારે કશું ગુમાવવાનું નથી અને ધારો કે એ જવાબદાર બનીને ૧૦૦ માર્ક
અકબંધ રાખે તો તમારે કશું હવે આપવાપણું રહેતું નથી. આપી જ
દીધું છે સઘળું તમે. રોજબરોજના વ્યવહારમાં કે પછી રોજબરોજના જીવનમાં આ જ પદ્ધતિ અપનાવવામાં સાર છે, અન્યથા
મોટા ભાગનો સમય તમે સામેની વ્યક્તિના વ્યવહાર અને વર્તનનાં લેખાંજોખાં જોવાનું અને એનાં સરવાળા-બાદબાકી કે પછી તાળો મેળવવાનું કામ જ કરતા રહેશો.
ભલા માણસ, વ્યવહાર કોઈનો, વર્તન કોઈનું અને એ પછી પણ એનાં લેખાંજોખાંમાં આપણે બિઝી રહેવાનું? ના રે, જરાય નહીં અને ક્યારેય નહીં. બેસ્ટ આપ્યું તને હવે તું બેસ્ટ ડિલિવર કર. ન કર તો પડ ચૂલામાં અને જો તું એ કરી ગયો તો કોઈ જાતના સંકોચ વિના, ખચકાટ વિના તને બેસ્ટ આપી જ દીધું છે. ગો અહેડ.
મામીએ ચાડી ખાધી, એ છે જ એવી. મામી હૉસ્પિટલ આવીને ઊભાં રહી ગયાં. સારો છે એમ તો મામીનો સ્વભાવ. મામીએ મમ્મી સાથે કજિયો કર્યો. લડવા સિવાય તેને ક્યાં કંઈ બીજું આવડે છે. મામીએ યાદ રાખીને મારી ફેવરિટ વરાઇટી ઘરે મોકલી. સો સ્વીટ ઑફ યુ મામી. એકેક ઘટનાના માર્ક મૂકવા કરતાં તો ઉત્તમ છે એની માર્કશીટમાં બધા માર્ક ઉમેરી દો. મામીને નક્કી કરવા દો, ભાઈને ફાઇનલ કરવા દો કે પછી દેરાણીને જોઈ લેવા દો કે એને માર્કની કદર કેટલી છે. ઑફિસમાં કામ કરતી અને બેસ્ટ ફ્રેન્ડ હોવાનો દેખાવ કરતી કલીગ પર આજે શંકા છે, આવતી કાલે ખીજ ચડે છે અને પરમ દિવસે પ્રેમ ઊભરાય છે. દરેક લાગણીઓ સાથે માર્ક જોડાયેલા છે. કોઈથી માર્ક માઇનસ થાય છે અને કોઈ ઘટના, લાગણી માર્ક વધારવાનું કામ કરી જાય છે, પણ એ કરવું છે શું
કામ? તું કહે એ સાચું, તું વર્તે એ હકીકત. આપી દો માર્કનું બૉક્સ
તેના હાથમાં. મૂકી દો ૧૦૦માંથી ૧૦૦ માર્ક. હવે તું કર લપ, હવે તું હિસાબ માંડ. તારા વ્યવહારમાંથી તું કેટલા માર્ક કપાવવા માગે છે અને કેટલા માર્ક અકબંધ રાખવા માગે છે. સીધો નિયમ અને સીધો હિસાબ. તારો નિર્ણય, તારો વ્યવહાર અને તારા માર્ક. હું તો આપીને છૂટી ગયો સદાકાળ. જો ટકાવી ગયો માર્ક્‍સ તો જીત તમારી છે અને ધારો કે માર્ક્‍સ ગુમાવવાના શરૂ થયા તો, તો પણ સાહેબ જીત તમારી જ છે. તાળો માંડવા તમારે લમણાઝીંક કરવી
નથી પડી.
ભલા માણસ, વ્યવહાર કોઈનો, વર્તન કોઈનું 

અને એ પછી પણ એનાં લેખાંજોખાંમાં આપણે બિઝી રહેવાનું? ના રે, જરાય નહીં. બેસ્ટ આપ્યું તને હવે
તું બેસ્ટ ડિલિવર કર. ન કર તો પડ ચૂલામાં અને જો
તું એ કરી ગયો તો કોઈ જાતના સંકોચ વિના,
ખચકાટ વિના તને બેસ્ટ આપી જ દીધું છે.

(caketalk@gmail.com)
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Rashmin Shah columnists