સિંગર તરીકે અલકા યાજ્ઞિકના નામે સૌથી વધુ રેકૉર્ડસ બોલે છે

21 May, 2020 10:03 PM IST  |  Mumbai | Ashu Patel

સિંગર તરીકે અલકા યાજ્ઞિકના નામે સૌથી વધુ રેકૉર્ડસ બોલે છે

1972થી 1975 દરમિયાન આશા ભોસલેએ એક રેકૉર્ડ બનાવ્યો હતો. તેઓ સળંગ ચાર વર્ષ સુધી ફિલ્મફેર અવૉર્ડ જીતતાં રહ્યાં હતાં. 1973માં તો એવું બન્યું હતું કે બેસ્ટ ફીમેલ પ્લેબૅક સિંગર માટેના ફિલ્મફેર અવૉર્ડનાં ત્રણ નૉમિનેશન્સ હતાં અને એ ત્રણેય આશા ભોસલેએ ગાયેલાં ગીતો હતાં. 1984માં ફિલ્મફેર અવૉર્ડ માટે જે પાંચ ગીતો નૉમિનેટ થયાં હતાં એ પાંચેપાંચ ગીતો અલકા યાજ્ઞિકે ગાયાં હતાં અને એમાંથી એક માટે અલકા યાજ્ઞિકને ઇલા અરુણ સાથે જૉઇન્ટ અવૉર્ડ મળ્યો હતો. એક જ વર્ષમાં કોઈ ફીમેલ પ્લેબૅક સિંગરે સૌથી વધુ નૉમિનેશન્સ મેળવ્યાં હોય એવો રેકૉર્ડ પણ અલકા યાજ્ઞિકના નામે બોલે છે.

1971માં લતા મંગેશકરે જાહેર કર્યું હતું કે ફિલ્મફેર બેસ્ટ ફીમેલ પ્લેબૅક સિંગર અવૉર્ડ માટે મારું નામ નૉમિનેટ નહીં કરતા જેથી નવી ટૅલન્ટને તક મળે. 1979માં આશા ભોસલેએ સાતમો ફિલ્મફેર અવૉર્ડ બેસ્ટ ફીમેલ પ્લેબૅક સિંગર માટે મેળવ્યો એ પછી આશા ભોસલેએ પણ કહ્યું હતું કે હવે પછી મારાં ગીતોને ફિલ્મફેર અવૉર્ડ માટે નૉમિનેટ ન કરતા જેથી બીજા સિંગર્સને તક મળે. 1968 સુધી મેલ-ફીમેલ પ્લેબૅક સિંગર માટે ફિલ્મફેર અવૉર્ડ્સ અલગ નહોતા. ત્યાં સુધી લતા મંગેશકર આ અવૉર્ડ માટે નૉમિનેટ થતાં રહ્યાં હતાં.

લતા મંગેશકર અને આશા ભોસલે 1960 અને 1970ના દાયકામાં સૌથી વધુ સક્સેસફુલ સિંગર્સ હતાં અને તેમણે સૌથી વધુ ફિલ્મફેર અવૉર્ડ્સ મેળવ્યા હતા. 1971માં લતા મંગેશકર ફિલ્મફેર અવૉર્ડની રેસમાંથી ખસી ગયાં. એ પછી 1970ના દાયકામાં આશા ભોસલે દરેક વર્ષે નૉમિનેટ થતાં રહ્યાં હતાં અને તેમણે એક દાયકામાં પાંચ ફિલ્મફેર અવૉર્ડ્સ બેસ્ટ ફીમેલ પ્લેબૅક સિંગર તરીકે મેળવ્યા હતા. 1980ના દાયકામાં આશા ભોસલે ફિલ્મફેરની રેસમાં નહોતાં. એટલે કોઈ એક સિંગરનું આધિપત્ય ફિલ્મફેર અવૉર્ડ પર રહ્યું નહોતું. 1990ના દાયકામાં અનુરાધા પૌડવાલ અને કવિતા કૃષ્ણમૂર્તિનું વર્ચસ્વ જળવાઈ રહ્યું હતું અને તેમણે બન્નેએ ત્રણ-ત્રણ અવૉર્ડ્સ જીત્યા હતા. 2000 પછી 21મી સદીના પહેલા દાયકામાં અલકા યાજ્ઞિક અને શ્રેયા ઘોષાલે ચાર-ચાર અવૉર્ડ જીત્યા હતા. 2010ના દાયકામાં રેખા ભારદ્વાજ અને શ્રેયા ઘોષાલ બન્ને આગળ રહ્યાં હતાં અને તેઓ બબ્બે ફિલ્મફેર અવૉર્ડ્સ જીત્યાં હતાં.

અલકા યાજ્ઞિકના નામે એક રેકૉર્ડ એ પણ બોલે છે કે 1992થી 2005 સુધી તેઓ સતત 14 વર્ષ માટે ફિલ્મફેર અવૉર્ડ માટે નૉમિનેટ થતાં રહ્યાં હતાં. સૌથી વધુ 33 નૉમિનેશન્સ અને છ અવૉર્ડ જીતવાનો રેકૉર્ડ અલકા યાજ્ઞિકના નામે બોલે છે. શ્રેયા ઘોષાલ 2006થી 2016 સુધી સતત 11 વર્ષ માટે નૉમિનેટ થવાનો રેકૉર્ડ ધરાવે છે. એ સમયમાં શ્રેયા ઘોષાલને જુદા-જુદા 17 ગીતો માટે નૉમિનેશન મળ્યું હતું અને એમાંથી ત્રણ ફિલ્મફેર અવૉર્ડ તેણે મેળવ્યા હતા. અલીશા ચિનૉય, હેમલતા, શારદા, સલમા આગા અને ઉષા ઉથ્થુપ માત્ર એક-એક અવૉર્ડ જીતી શક્યાં હતાં.

bollywood entertainment news columnists ashu patel alka yagnik lata mangeshkar asha bhosle