જિંદગીને ફરીથી જીવો - (લાઇફ કા ફન્ડા)

14 May, 2020 02:35 PM IST  |  Mumbai | Heta Bhushan

જિંદગીને ફરીથી જીવો - (લાઇફ કા ફન્ડા)

વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના એક મિત્ર સંગીતકાર હતા. છેલ્લા ઘણા વખતથી તે સંગીતકાર મિત્ર નિરાશાની ગર્તામાં ધીમે-ધીમે ધકેલાઈ રહ્યા હતા. જીવનમાં એકસાથે ઘણી મુશ્કેલીઓ હતી. એનો સામનો કરવામાં તેઓ સારું સંગીત રચી શક્તા ન હતા અને સારું સંગીત ન રચી શકવાને કારણે તેઓ વધુ ને વધુ નિરાશ થતા જતા હતા. આ નિરાશાજનક પરિસ્થિતિમાંથી નીકળવા માટે કોઈ ઉપાય મળતો ન હતો. સંગીતકારની પત્ની આઇન્સ્ટાઇન પાસે આવી અને તેમના મિત્રની મદદ કરવા વિનંતી કરી.

આઇન્સ્ટાઇન બીજે દિવસે પોતાના મિત્રને મળવા ગયા અને પોતાની સાથે પાર્કમાં ચાલવા લઈ ગયા. થોડી વાર સુધી સંગીતકાર મિત્ર કઈ બોલ્યા નહીં, પછી અચાનક પોતાની એક પછી એક બધી તકલીફો અને મુશ્કેલીઓ મિત્રને કહેવા લાગ્યા. આઇન્સ્ટાઇને શાંતિથી મિત્રને વચ્ચે ટોક્યા વિના તેની બધી વ્યથા સાંભળી. ઘણી વાતો કહ્યા બાદ સંગીતકાર મિત્રે કહ્યું, ‘દોસ્ત, તું તો બહુ હોશિયાર છે તો કઈક રસ્તો બતાવ, આ દશામાંથી બહાર નીકળવા મારી મદદ કર.’
આઇન્સ્ટાઇન બોલ્યા, ‘દોસ્ત, હું તારી મદદ કરવા જ આવ્યો છું અને એ જ કરી રહ્યો છું.’ સંગીતકાર મિત્રને કઈ સમજાયું નહીં, તે બોલ્યો, ‘મિત્ર, તું તો ક્યારનો ચૂપ છે; હું જ મારી વ્યથા કહી રહ્યો છું અને તું કઈ બોલ્યા વિના ચૂપચાપ સાંભળી રહ્યો છે. તે ક્યાં કોઈ રસ્તો બતાવ્યો?’ આઇન્સ્ટાઇને કહ્યું, ‘મારી પાસે સૌથી પહેલો રસ્તો છે કે તું તારા મનની નાની-મોટી વ્યથા, ચિંતા, દુઃખ બોલી નાખ; કહી નાખ એટલે તારા મનનો ભાર ઓછો થઈ જાય અને તું મને પોતાનો ગણી તારી તકલીફો કહી રહ્યો છે એટલે હું ચૂપચાપ સાંભળી રહ્યો છું જેથી તારા મનનો ભાર ઓછો થઈ જાય. હવે સાંભળ, બીજો રસ્તો છે. આ રસ્તાથી વિરોધી રસ્તો એટલે સતત મુશ્કેલીઓ અને તકલીફો વિશે ન વિચારો અને બધા પાસે એના ગાણા ન ગાવ સમજાયું.’
આઇન્સ્ટાઇનની બે વિરોધાભાસી પણ સાચી વાત મિત્ર સમજી ગયો. આઇન્સ્ટાઇન આગળ બોલ્યા, ‘જો દોસ્ત, તું નિરાશામાંથી જાતે બહાર આવવા માગીશ તો જ આવી શકીશ. માટે મનને તૈયાર કર. નવેસરથી જીવવાનું શરૂ કર. પાયાથી રિયાઝ શરૂ કર, વર્તમાનપત્ર અને સમાચારો ન વાંચ, નકારાત્મક વિચારો અને તેવી વ્યક્તિથી દૂર રહે, સમાન શોખ અને વિચારોવાળા મિત્રોને મળ, ગમતું વાંચન કર, પ્રકૃતિને નજીકથી જો, સૂર્યોદય-સૂર્યાસ્ત, વહેતાં ઝરણાં અને ખીલતાં ફૂલોનો આનંદ લે, નાનાં બાળકો, પ્રાણીઓ સાથે રમ, કસરત કર, ધ્યાન કર અને સંગીતમાં નવું સર્જન રોજ કર. જીવન ફરીથી જીવવા જેવું લાગશે.’
આઇન્સ્ટાઇનની સલાહે મિત્રના જીવનને નવી દિશા આપી.
મિત્રો, આજના મહામારીના કપરા સમયમાં આઇન્સ્ટાઇનની આ સલાહ અનુસાર આપને વધારે વર્તવાની જરૂર છે. સતત નિરાશાજનક વાતો, ચિંતાજનક સમાચારો, અફવાઓથી દૂર રહો. મનગમતું કરો. જીવનમાં ફરી આનંદનો સૂર્ય ઊગશે એનો વિશ્વાસ રાખો.

heta bhushan columnists