AI તો છે માત્ર ગતિનું સાધન, માનવમનમાં છે અખૂટ ખજાનો

23 March, 2026 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીવનમાં બધું જ બદલાશે, પરંતુ માનવને મળેલું સુપર બ્રેઇન અને એની સાથે જોડાયેલાં ઇમોશન્સ અને એમાં રહેલી આઉટ ઑફ ધ બૉક્સ કરી દેખાડવાની સંભાવનાઓ ક્યારેય બદલાશે નહીં

૧૬ વર્ષ સુધી કૉર્પોરેટ જૉબ કર્યા પછી છેલ્લાં છ વર્ષથી ડિજિટલ માર્કેટિંગ કંપનીને સફળતાપૂર્વક આગળ વધારી રહેલાં સુમી અજમેરા પર્સનલ લાઇફ સ્કિલ ટ્રેઇનર તરીકે પણ સક્રિય છે.

આજકાલ ઘણાં કામ ઑટોમેટેડ થઈ ગયાં. તમને કોઈની જરૂર જ નથી એ દિશામાં લોકો એવા દોડી રહ્યા છે કે તેમને મશીન સાથે જ પ્રેમ કરવો છે, મશીનને જ કાઉન્સેલર બનાવવું છે અને મશીન પાસે જ પોતાનાં કામ કરાવવાં છે. ટેક્નૉલૉજી કામને સરળ કરવા માટે છે, કામ માટે માણસને રિપ્લેસ કરી શકે એવી ફૂલપ્રૂફ ટેક્નૉલૉજી ક્યારેય બની નથી અને બનશે નહીં; કારણ કે ટેક્નૉલૉજીને માણસે જ બનાવી છે એટલે હૃદય, ઇમોશન અને ઈશ્વરે આપેલા ઇન્ટેલિજન્સને તો ટેક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્યારેય બીટ નહીં કરી શકે.

હા, એક વાત સ્વીકાર્ય કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે કામને ઝડપી બનાવ્યું. જોકે એણે જે રીતે શરૂઆતમાં પરિણામ આપવાનું શરૂ કર્યું એનાથી બધાને લાગતું હતું કે હવે તો બધાની નોકરી જશે, હવે તો બધું જ બદલાઈ જશે; પણ એવું થયું નથી અને થશે પણ નહીં. ખાસ કરીને હું જે દુનિયા સાથે જોડાયેલી છું એ ડિજિટલ માર્કેટિંગમાં AI ગેમચેન્જર બનશે અને અમારે અમારું કામકાજ બંધ કરી દેવું પડશે એવી ધારણા સાથે લોકો ડરી રહ્યા હતા. હા, એવું થયું પણ ખરું કે કેટલાક ક્લાયન્ટને લાગ્યું કે આપણે આપણું ડિજિટલ માર્કેટિંગ હવે AI પાસે જ કરાવીશું. જોકે દસ-પંદર દિવસમાં જ તેમને સમજાઈ ગયું કે AI પોતે કામ નથી કરતું, એની પાસે પણ કામ કરાવવું પડે છે. એને પણ તમારે વિઝન આપવું પડે છે અને એને પણ તમારે દોરવવું પડે છે. તમારા કામને સરળ બનાવવામાં AI મદદ કરે છે. અમારે ત્યાં કન્ટેન્ટ સ્ટ્રૅટેજીમાં AIનો ઉપયોગ શરૂ થયો છે, પરંતુ ડિઝાઇનિંગમાં અને ઇનોવેશનમાં હ્યુમન માઇન્ડ જ પાવરફુલ છે. 

એક વાત આપણે બધાએ જ યાદ રાખવાની છે કે જીવનમાં બધું જ બદલાશે, પરંતુ માનવને મળેલું સુપર બ્રેઇન અને એની સાથે જોડાયેલાં ઇમોશન્સ અને એમાં રહેલી આઉટ ઑફ ધ બૉક્સ કરી દેખાડવાની સંભાવનાઓ ક્યારેય બદલાશે નહીં. AI લિમિટેડ છે, જ્યારે આપણે સહુ અનલિમિટેડ છીએ અને એટલે જ AIનો ઉપયોગ કરો પરંતુ AI તમારી સ્કિલ્સનો, તમારી વિચારવાની ક્ષમતાનો, તમારી આવડતનો ઉપયોગ કરતું થઈ જાય અને તમે જાતે જ તમારા પગ પર કુહાડો મારવા માંડશો તો આગળ જતાં તમે જ તમારી AI કરતાં બહેતર હોવાની સુપિરિયોરિટી ખોઈ બેસશો. તમારે મગજને કસતા રહેવું પડશે. તમારી ક્ષમતાઓને ટકોરા મારી-મારીને રેલેવન્ટ રાખવી પડશે અને તમારી પોતાની યુનિકનેસને વધારતા જવું પડશે. તમારી AI પરની અવલંબિતતા તમારી ઓરિજિનાલિટીનો ભોગ ન લઈ લે એની સાવધાની રાખજો. ખાસ કરીને ડિઝાઇનિંગ, કન્ટેન્ટ-ક્રીએશન, ક્રીએટર્સને તો આ વાત ખાસ લાગું પડે છે. મેં જોયું છે કે કેટલાક લોકો કામને ઝડપથી કરવા માટે AIનો ઉપયોગ તો કરી લે છે પરંતુ કામ ઝડપી પતી ગયા પછી વધી ગયેલા સમયનો કોઈ સદુપયોગ નથી કરતા. એટલે તમે મગજની ક્ષમતાનું તો હનન કર્યું અને સાથે સમયનો દુરુપયોગ કરવાની આદત પાડી. આ સમય છે માઇન્ડફુલ થવાનો. તમે બચેલા સમયનો ઉપયોગ કરો, તમારી મગજની ક્ષમતાને વધારવા માટે કરો એ બહુ જ જરૂરી છે.

ai artificial intelligence columnists exclusive gujarati mid day