નાનીઅમથી વાતમાં પતિએ હાથ ઉગામી દીધો, કાલે હાથ ઉપાડશે તો શું?

11 May, 2020 08:09 PM IST  |  Mumbai | Sejal Patel

નાનીઅમથી વાતમાં પતિએ હાથ ઉગામી દીધો, કાલે હાથ ઉપાડશે તો શું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ-લગ્નના આઠ વર્ષ પછી મારો ભ્રમ ભાંગ્યો છે કે મારો પતિ મને બહુ પ્રેમ કરે છે. તે ખૂબ જ હિંસક મિજાજનો છે એ આ દોઢ મહિનામાં તેની સાથે ૨૪ કલાક રહેવાનું થયું ત્યારે ખબર પડી ગઈ. લગ્ન પહેલાંનો અમારો કોર્ટશિપ પિરિયડ પણ ચાર વર્ષનો હતો. એ દરમ્યાનની તેની મીઠી વાતો યાદ કરું છું તો થાય છે કે શું આ જ તે માણસ હતો? કહેતાં શરમ આવે એવું છે પણ લૉકડાઉન દરમ્યાન ઘરેલુ ઝઘડાઓનો મારા ઘરમાં પાર નથી. ઇન ફૅક્ટ, અમે લગ્ન પછી સતત આટલું લાંબુ પહેલી વાર સાથે રહ્યા છીએ. તે કામમાં ઓવર બિઝી રહેતો અને હું પરિવાર અને બાળકોમાં વ્યસ્ત રહેતી. વીકએન્ડમાં પણ તેને ક્યાંક બહારગામ જવાનું થતું અને વીક ડેઝમાં પણ તે સવારે નવ વાગ્યે નીકળી જાય અને રાતે સાડા નવે વાગ્યે ઘરે આવે. એ પછી પણ તે ભલો ને તેનું લૅપટૉપ ભલું. અમારો પોતાનો ધંધો છે એટલે અત્યારે ક્યારેક ઘરેથી કામ કરે તો ક્યારેક બેસી રહેવાનું હોય. કોઈ જ મોટો ઇશ્યુ નથી. સાવ નાની અમથી વાત હોય અને છતાં અમારી વચ્ચે વાત દલીલોમાંથી ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લે. તે ઊંચા અવાજે બોલે એમાં વાંધો નથી, કેમ કે અકળામણ વખતે હું પણ ઊંચા ટોનમાં બોલું જ છે. મને વાંધો હાથ ઉપાડવાનો છે. તે એક-બે વાર એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે હાથ ઉગામી દીધો. ભલે તેણે મને માર્યું નહીં, પણ તેની અંદરનો હિંસક પુરુષ જોઈને હું ડરી ગઈ. આજે હાથ ઉગામ્યો છે, કાલે ચોડી પણ દેશે. તો શું?
જવાબ- ગુસ્સામાં હાથ ઊપડી જવો એ પુરુષોની સૌથી મોટી નબળાઈ રહી છે. હવે જમાનો ખાસ્સો બદલાયો છે અને સ્ત્રીઓને પૂરતું સન્માન પુરુષો આપે છે, પરંતુ એ પછીયે જ્યારે વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ હોય ત્યારે વર્ષો જૂના હાથ ઉપાડવાના સંસ્કાર ક્યારે બહાર આવી જાય એની ખબર નથી પડતી.
તમારા વર્ણન પરથી એવું લાગે છે કે ગુસ્સો કરવો, હાથ ઉગામવો કે હિંસક વર્તન કરવું એ તમારા પતિની રોજની ફિતરત નથી. એમ છતાં તેમણે આવું કર્યું? કેમ? યસ, તમારો ભય વાજબી છે. કાલે જો હાથ ઉગામે તો શું? અબળા બનીને માર ખાઈ લેવાનો? ના. જરાય નહીં. જોકે જરાક જુદા ઍન્ગલથી વિચારીએ કે તેમણે હાથ ઉગામવો પડે એવી સ્થિતિ કેમ પેદા થઈ? આખો દિવસ ઘરની બહાર ફરતો રહેલો માણસ મહિનાઓ સુધી ઘરમાં કેદ થઈ જાય ત્યારે તેને કેવી ગૂંગળામણ થતી હશે એનો વિચાર કર્યો છે? શું તેને આવનારા આર્થિક સંકટોની ચિંતા છે? પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી રહેલા ભલભલા ઉદ્યોગસાહસિકો પણ અત્યારે તાણમાં છે. તમે કહો છો કે વાતમાં કશું ન હોવા છતાં દલીલ ઝઘડામાં પરિમણમે છે... આ વાત પરથી મને એવું લાગે છે કે તમે અત્યારે સાથે રહો છો, પણ સંવાદ નથી કરતા. પતિ-પત્ની વચ્ચે મનમાં ચાલતી કોઈ પણ દ્વિધા વિનાસંકોચે શૅર કરી શકાય એવી મોકળાશ હોય એ મસ્ટ છે અને એ માટે કમ્યુનિકેશન જ મુખ્ય ચાવી છે.
તેમના હાથ ઉગામવાના ઉગ્ર એક્સ્પ્રેશનને બાજુએ મૂકીને એક વાર પતિના માથે હાથ ફેરવીને વાતચીતનો દોર સાધવાની જરાક કોશિશ કરો. કઈ મૂંઝવણને કારણે પતિનું વર્તન ઉગ્ર અને આકરું થઈ ગયું છે એ સમજો. અત્યારે તમારે એ ઉગ્રતા પર પ્રેમરૂપી ઠંડું ગુલાબજળ રેડવાનું છે. જો એમ થયું તો સંબંધો સ્ટ્રૉન્ગ અને સુગંધિત થશે અને હાલમાં આવેલા સંકટમાંથી પણ સાથે પાર ઊતરી શકશો.

relationships sejal patel columnists