કોરોનાની મહામારી પછી હવે તો આ સુવિધાનો લાભ લેતાં શીખો

30 May, 2020 02:39 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોનાની મહામારી પછી હવે તો આ સુવિધાનો લાભ લેતાં શીખો

પ્રતિકાત્મક તસવીર

હેલ્થ ઇન્શ્યૉરન્સ.

બહુ મહત્ત્વની એવી આ સુવિધા છે અને અગાઉ પણ આ વિશે ઘણા લોકોએ વાત કરી છે, પણ ધારો કે... ધારો કે એ બધી વાતો પછી પણ જીવનમાં કોઈ સુધારો ન આવ્યો હોય તો હવે કોરોનાની મહામારી પછી આ સુવિધાના ફાયદા અને એના લાભને સમજતાં શીખો. માત્ર શીખો નહીં, આ વિષય પર જેકોઈ અજ્ઞાન છે તેમને પણ હેલ્થ ઇન્શ્યૉરન્સના લાભ વિશે સમજાવો. હેલ્થ ઇન્શ્યૉરન્સ આજના સમયમાં ખૂબ જરૂરી બની ગયો છે અને કોરોનાની ટ્રીટમેન્ટ દરમ્યાન જે પ્રકારનાં પ્રાઇવેટ હૉસ્પિટલનાં બિલના આંકડા સાંભળવા મળે છે એ જોતાં લાગે છે કે શ્રેષ્ઠ સુવિધાઓ મેળવવી હોય, બેસ્ટ ટ્રીટમેન્ટ ફૅમિલીને મળે એવું ઇચ્છતા હો તો તમારે માટે હેલ્થ ઇન્શ્યૉરન્સ અંતિમ અને અસરકારક ઉપાય છે.

હેલ્થ ઇન્શ્યૉરન્સ માટે આપણે ત્યાં નિરાશાજનક વાતાવરણ છે. ટકાવારીમાં જઈને જોઈએ તો દેશનો ઑલમોસ્ટ ૮૦ ટકા વર્ગ એવો છે જે હેલ્થ ઇન્શ્યૉરન્સથી સજ્જ નથી, એવું ન થવું જોઈએ. પશ્ચિમના દેશોને તમે જુઓ. એ દેશોમાં ઇન્શ્યૉરન્સ માટે એક વણલખ્યો નિયમ છે. જન્મ થાય એટલે બાળકનો ઇન્શ્યૉરન્સ હોવો જ જોઈએ. આ જ માનસિકતા આપણે સૌએ કેળવવી જોઈએ અને એ કેળવીશું તો જ આગળ જતાં આપણે પણ મેડિકલ એક્સપેન્સમાં રાહત મેળવી શકીશું. હેલ્થ ઇન્શ્યૉરન્સ કે પછી મેડિક્લેમ વિના હવે ચાલવાનું નથી.

ટેક્નૉલૉજી આગળ વધી છે, મેડિકલ સાયન્સ આગળ વધ્યું છે અને એ હજી તો દોડી જ રહ્યું છે. એવા સમયે નવી દિશાનું મેડિકલ સાયન્સ મોંઘું હોય એ સમજી શકાય છે, પણ એ મોંઘું છે એટલે સારવાર કે પછી ઉપચાર વિના રહી જઈએ એવું ન બને એવા હેતુથી પણ મેડિક્લેમ ઇમ્પોર્ટન્ટ છે.

ભારત સરકારે ચારેક વર્ષ પહેલાં ઘરે-ઘરે મેડિક્લેમ પહોંચાડવાની દૃષ્ટિએ ઇન્શ્યૉરન્સ સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરી હતી. એમાં ઇન્શ્યૉરન્સને સહજ પ્રકારનો રિસ્પૉન્સ મળ્યો પણ હતો, પરંતુ એક હકીકત એ પણ છે કે ભારતીય માનસિકતા મુજબ જે પ્રત‌િસાદ મળવો જોઈતો હતો એ પ્રતિસાદ મળ્યો નહોતો, પણ હજી એ વિન્ડો ખુલ્લી છે અને આ ખુલ્લી વિન્ડોમાંથી દાખલ થવું અનિવાર્ય બની ગયું છે. જો આજે ન સમજ્યા, જો આજે ન જાગ્યા તો આવતા સમયમાં બબ્બે પ્રકારની વ્યથા ભોગવવાની આવશે. શારીરિક તકલીફ તો આવી જ ગઈ હશે, પણ એ ઉપરાંત માનસિક અને આર્થિક વ્ય‌ાધિઓનો પણ ભોગ બનશો. જો માનસિક અને આર્થિક વ્યાધિઓનો વધારો સહન ન કરવો હોય તો એને માટે મેડિક્લેમ મહત્ત્વનો બની જશે.

સ્ટ્રેસ વધી રહ્યું છે અને આવતા સમયમાં સ્ટ્રેસ વધવાનું હોય એવો સમય પણ આવી ગયો છે, એવા સમયે ઇન્શ્યૉરન્સ ઉપયોગી બનવાનો છે. જ્યારે મેડિકલ એક્સપર્ટસ પોતે એવો દાવો કરતા થઈ ગયા છે કે વૅક્સિન નહીં શોધાય ત્યાં સુધી કોરોના સાથે જ જીવવાનું બનશે. જો આ હકીકત હોય તો પણ મેડિક્લેમ આવકારદાયી છે અને જો આ જ હકીકત કાયમ રહેવાની હોય તો તો હેલ્થ ઇન્શ્યૉરન્સ ઉપકારક પણ છે. બહેતર છે કે હવે જાગીએ અને આ બાબતમાં સજાગ બનીને આવનારા દિવસોની બીમારીને કે પછી તકલીફોને એક પ્રોટેક્શન આપીએ. કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ કે હેરાનગતિ સામે મજબૂતીથી આજે સજ્જ થશો તો જ ભવિષ્યનાં બધાં પ્લાનિંગ પૂરાં પાડી શકશો.

coronavirus covid19 columnists manoj joshi