આફ્રિકન લોકકથા (લાઇફ કા ફન્ડા)

08 January, 2021 02:13 PM IST  |  Mumbai | Heta Bhushan

આફ્રિકન લોકકથા (લાઇફ કા ફન્ડા)

આફ્રિકન લોકકથા (લાઇફ કા ફન્ડા)

આફ્રિકાના રાજાના દરબારમાં - ત્રણ યુવાન એક મૂછનો દોરો માંડ ફૂટ્યો હોય તેવા યુવાનને ઘસડીને, પકડીને લઈ આવ્યા અને ફરિયાદ કરી કે રાજાજી આ યુવાને અમારા પિતાને મારી નાખ્યા છે એને સજા કરો. રાજાએ યુવાન છોકરાને પૂછ્યું, ‘યુવાન તે શું કામ આ લોકોના પિતાને મારી નાખ્યા?’ યુવાને ડરતા ડરતા જવાબ આપ્યો, ‘રાજાજી, હું એક ભરવાડ છું. યુવાનોના પિતાએ મારી બકરી તરફ એક મોટો પથ્થર ફેંક્યો અને તે બકરીને વાગતા બકરી મરી ગઈ. મને ગુસ્સો આવતાં મેં તેના તરફ મોટો પથ્થર ફેંક્યો જે આ યુવાનોના પિતાના માથામાં વાગ્યો અને તેમનું મૃત્યુ થયું. હું કબૂલ કરું છું કે મેં પથ્થર ફેંક્યો હતો, મને માફ કરો.’
રાજાએ કહ્યું, ‘યુવાન તારા હાથે અજાણતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તેથી તને સજા તો થશે જ.’ યુવાને રડતાં રડતાં રાજાને વિનંતી કરી, ‘રાજાજી, મારી નાની બહેનની જવાબદારી મારી ઉપર છે, મારા પિતાએ તેના લગ્ન માટે ઘરેણાં અને થોડી મૂડી મને આપી છે. આપ મને બે દિવસની મહોલત આપો તો હું મારી બહેનની જવાબદારી અને મૂડી-ઘરેણાં બધું કોઈ જવાબદાર વ્યક્તિને સોંપી દઉં અને પછી તમે જે સજા આપો તે ભોગવીશ.’
રાજા બોલ્યા, ‘તને મૃત્યુ દંડ જ મળશે અને જો તારા વતી કોઈ જામીન આપે તો તને હું બે દિવસની રજા આપું, પણ જો તું ત્રીજા દિવસે નહીં આવે તો જે તારી બાંયધરી લેશે તેને ફાંસીની સજા થશે. શું તું કોઈને આ દરબારમાં ઓળખે છે જે તારા વતી જામીન આપી શકે?’ છોકરાએ નજર ફેરવી, તે કોઈને ઓળખતો નહોતો પણ રાજાના મંત્રીની આંખમાં તેને દયાભાવ દેખાયો તેથી છોકરાએ મંત્રીનું નામ આપ્યું. અને મંત્રીએ પણ તેના જામીન બનવાનું સ્વીકારી લીધું.
બે દિવસ વીતી ગયા, છોકરો ન આવ્યો. રાજાએ એલાન કર્યું... કાલે ત્રીજા દિવસની સાંજ સુધી છોકરો નહીં આવે તો મંત્રીને ફાંસી થશે. ત્રીજા દિવસની બપોરે છોકરો દોડતો દોડતો આવ્યો અને મોડા પડવા બદલ મંત્રીની માફી માગવા લાગ્યો અને બોલ્યો, ‘રાજાજી મારી બહેનને હું કાકાને સોંપીને આવી ગયો છું હવે તમે મને જે સજા આપશો ભોગવવા તૈયાર છું.’ રાજાએ તેને પૂછ્યું, ‘તું શું કામ પાછો આવ્યો, તને ખબર છે અહીં તને મૃત્યુ જ મળશે. તારી પાસે ભાગી જવાની તક હતી તો પણ તું અહીં સજા મેળવવા આવ્યો?’
છોકરાએ કહ્યું, ‘માણસ જાતનો વચન પાળવામાં આવે છે તે બાબત પરથી વિશ્વાસ ઊઠી ન જાય તે માટે હું મારું આપેલું વચન પાળવા આવ્યો છું.’ રાજાએ મંત્રીને પૂછ્યું, ‘મને ખબર છે તમે આ યુવાનને ઓળખતા નથી તો પછી તમે તેના જામીન શું કામ બન્યા?’ મંત્રીએ કહ્યું, ‘માણસ જાતનો એકબીજાની મદદ અને સારા કાર્ય કરવામાંથી ભરોસો ન જતો રહે તે માટે મેં તેને મદદ કરી.’ આ વાતો સાંભળી જે યુવાનો પિતાના મૃત્યુની ફરિયાદ લઈ આવ્યા હતા તેઓ બોલ્યા, ‘રાજાજી આ યુવાનથી અજાણતા થયું છે તેથી અમે તેને માફ કરીએ છીએ. માણસ જાતનો ક્ષમાભાવના પર ભરોસો કાયમ રહે તે માટે આ યુવાનને માફ કરો.’

heta bhushan columnists