છેલ્લી ઘડીએ માધુબાપા ટીવીથી હજારો ચાહકોને દર્શન આપી મૃત્યુને વર્યા

21 April, 2020 08:19 PM IST  |  Kutch | Vasant Maru

છેલ્લી ઘડીએ માધુબાપા ટીવીથી હજારો ચાહકોને દર્શન આપી મૃત્યુને વર્યા

પગમાં ભમરી હોય એમ માધુબાપા ખભે થેલો (ઝોલો) ભેરવી કચ્છીભાષા માટે સતત દોડતા રહ્યા છે.

લૉકડાઉનમાં ટીવી પર ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના જૂના એપિસોડ હું જોતો હતો. સિરિયલમાં ગોકુલધામ સોસાયટીના સભ્યો માતાના મઢ અને કચ્છનાં દર્શને આવેલા. જેઠાલાલની બાજુમાં કચ્છી પહેરવેશમાં ઊભેલા ગ્રામજનને જોઈ હું ચોકી ગયો. એ ગ્રામજન હતા કચ્છના પ્રખ્યાત કવિ માધવ જોશી ‘અશ્ક’, માધુબાપા સિરિયલની અનેક ફ્રૅમમાં દેખાયા હતા. એપિસોડ પૂરો થયો અને ૧૦-૧૫ મિનિટ પછી ડૉ. વિશનજી નાગડાનો ફોન આવ્યો કે નારાયણ સરોવર ખાતે આજે માધવ જોષી ‘અશ્ક’નું અવસાન થયું છે. જીવનની છેલ્લી ઘડીએ માધુબાપા ટીવી દ્વારા હજારો ચાહકોને દર્શન આપી મૃત્યુને વર્યા એ માની ન શકાય એવો સંયોગ હતો!
માધુબાપાના પરમ મિત્ર કચ્છી સાહિત્યકાર પદ્મશ્રી નારાયણ જોષી ‘કારાયલ’ સાથે વાતચીત કરતાં માધુબાપાની અનેક વાતો જાણવા મળી. પગમાં ભમરી હોય એમ માધુબાપા ખભે થેલો (ઝોલો) ભેરવી કચ્છીભાષા માટે સતત દોડતા રહ્યા છે. વિશ્વની ભાષાઓના ફલક પર કચ્છીભાષા ઘણી નાની કહેવાય, પણ કચ્છીભાષા નસીબવંતી છે. ભાષા માટે મરી ફિટનાર, ફના થવા અનેક લડવૈયા અહીં પાક્યા છે. એક બાજુ વીર નર્મદની જેમ કલમને ખોળે માથું મૂકી જીવનાર માધવ જોષી ‘અશ્ક’ (માધુબાપા) છે તો બીજી બાજુ અદ્ભુત અભિનેતા તેજસ હસમુખ સંઘોઈ છે. તેજસ સંઘોઈ ગુજરાતી નાટક, હિન્દી સિરિયલો કે ફિલ્મોમાં નામ અને દામ મેળવી શકે એવો જોમ તેમની કલામાં છે. તો પણ ‘માત્ર અને માત્ર કચ્છીભાષા માટે અભિનય કરીશ અને એ પણ કોઈ પણ માનધન મેળવ્યા વગર’ એવું પ્રણ લઈ પોતાની જિંદગીનાં ૧૦-૧૦ કીમતી વર્ષ કચ્છ યુવક સંઘનાં નાટકોમાં આપી કચ્છીભાષાને નવી પેઢી સુધી પહોંચાડવા જબરો સંઘર્ષ કર્યો છે. ભારતના કોઈ પણ ખૂણે કચ્છી નાટક ભજવવા ઇરલાનો આ યુવાન નફા-નુકસાનનો વિચાર કર્યા વગર પોતાના મીઠાઈના કારખાનાને કોરાણે મૂકી પહોંચી જાય છે. ૯૨ વર્ષના માધુબાપાથી લઈ તેજસ સંઘોઈ જેવા કચ્છી કલાકારોને કારણે કચ્છીભાષાનો દીપ ઝળહળે છે. એમાં અનેક કલાકારો પોતાની આહૂતિ આપે છે. આ કલાકારોને પોંખવા, પ્રોત્સાહન આપવા બુદ્ધિચંદભાઈ હિરજી મારુથી લઈ રાજેશભાઈ દેઢિયા સુધીના અનેક કલાપ્રેમીઓ આવા અવધૂતના ઓલિયાઓને અર્થ સહયોગ આપી કચ્છીભાષાને ઝળહળતી રાખી છે.
માધુબાપાનો જન્મ કરાચીમાં આજથી ૯૨ વર્ષ પહેલાં થયો હતો. કચ્છ અને કરાચી પાડોશી પ્રદેશ હોવાથી આઝાદી પહેલાં બહુ જ સરળતાથી આવનજાવન થતી હતી. કરાચી થઈ સિંધમાં આવેલાં હિંગળાજ માતાની શક્તિપીઠનાં દર્શન કરવા ભક્તો કચ્છથી જતા, તો કરાચીથી અનેક લોકો કચ્છમાં આવેલા હાજીપીરના દરબારમાં હાજરી પુરાવવા આવતા. સંત મેકણદાદા કચ્છના રણમાંથી અઘરો પ્રવાસ કરી હિંગળાજ માતાનાં દર્શન કરવા ગયેલા. અંદાજે ૧૩૦૦ વર્ષ પહેલાં માછીમારો દ્વારા સ્થપાયેલ કરાચી આજે તો પાકિસ્તાનનું મુખ્ય શહેર બની ગયું છે. જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે એ કરાચીમાં માધુબાપાનો જન્મ થયો. નાના એવા કરાચી શહેરમાં હિન્દુ, મુસ્લિમ, પારસી, ઈશાઈ કોમના લોકો સંપથી રહેતા હતા. માધવજીભા (માધુબાપા)ના પિતા જેઠાનંદબાપા કરાચીમાં વસતા હિન્દુઓના ઘરે પૂજા-પાઠ કે કર્મકાંડ કરતા અને ત્યાંનાં હિન્દુ મંદિરોમાં યજ્ઞો કરાવતા. આ સારસ્વત બ્રાહ્મણ સ્વમાનને કારણે યજમાન પાસે હાથ ન લંબાવતા. અહીં પોતાના સ્વમાનને કારણે કોઈ યજમાન પાસે હાથ લંબાવતા નહીં, પોતાનું સ્વમાન અને ટેક સાચવતાં-સાચવતાં યજ્ઞો-પૂજાપાઠ ઉપરાંત દૂધનો ધંધો કરતા. પિતા જ્યારે કોઈ યજ્ઞ કે ધાર્મિક ક્રિયામાં વ્યસ્ત હોય ત્યારે બાળ માધવજી ઘરે-ઘરે દૂધ પહોંચાડતા. માધવજીના મોટા ભાઈ શામજીભાએ કરાચીમાં અંગ્રેજ સિપાઈઓનો રૂવાબ જોઈ અંગ્રેજી લશ્કરમાં જોડાવાનું સપનું જોયું. લશ્કરમાં જોડાયા પણ ખરા, પરંતુ લશ્કરમાં ગોરાઓનો હિન્દુઓ પ્રત્યેનો ભેદભાવ જોઈ તેમણે લશ્કરની નોકરી ત્યાગી. નાનકડા માધવને આ જોઈ અંગ્રેજો પ્રત્યે અભાવ જાગ્યો. તેમના હૃદયમાં છુપાયેલી સ્વતંત્રતાની ભાવનાએ જાણે શંખનાદ કર્યો અને નાનકડા માધવ જોષીએ પ્રભાતફેરી કે સરઘસોમાં આગેવાની લેવા માંડી, અંગ્રેજોએ તેમની બે-ત્રણ વાર ધરપકડ પણ કરી, પરંતુ બાળકને જેલમાં ગોંધી રાખવા કે શિક્ષા કરવાની સત્તા કરાચીના ગોરાસાહેબ પાસે નહોતી એટલે નછૂટકે તેમને મુક્ત કરવા પડ્યા.

વિદ્રોહ એ માધવ જોષીની પ્રકૃતિ હતી. બંધીયાર જળમાં રહેવાને બદલે ખડખડ વહેતી નદીની જેમ વહેતા રહેવું ગમતું. માધવ જોષી અને મોટા ભાઈ શામજીભા કરાચીથી દેશી વહાણમાં બેસી દરિયામાર્ગે ૭૦ નોટિકલ માઇલ દૂર નારાયણ સરોવર આવતા. એમાં કિનારો પાંચ-છ નોટિકલ માઇલ દૂર હોય ત્યારે વહાણમાંથી કૂદી કિનારે તરતા પહોંચવાનું સાહસ દર વખતે કરતા. ભારત-પાકિસ્તાનના ભાગલા પડવાનો અંદાજ આવી જતાં ભગ્ન હૃદયે જેઠાનંદભા, પત્ની લેખમીમા (લક્ષ્મીબા) અને કુટુંબીજનો સાથે કરાચીને અલવિદા કહી નારાયણ સરોવર ગામે રહેવા આવી ગયા. નારાયણ સરોવર આમ તો એક તીર્થસ્થાન છે. પૌરાણિક કથા મુજબ પ્રચેતા નામના ઋષિમુનિએ કઠોર તપ આદરી પોતાનું દમન કર્યું એટલે ભગવાન નારાયણે દર્શન દીધાં અને પોતાના જમણા પગના અંગૂઠામાંથી પાણી પ્રગટ કર્યું અને જે સરોવર બન્યું એ નારાયણ સરોવર! ભારતનાં પાંચ પવિત્ર સરોવરોમાંનું એક આ નારાયણ સરોવર ગણાય છે. શ્રદ્ધાળુઓ નજીકના કોટેશ્વર મહાદેવનાં દર્શનની સાથે નારાયણ સરોવર આવી પવિત્ર જળની અંજલિ માથા પર ચડાવે છે. નારાયણ સરોવરમાં રામ, લક્ષ્મણ અને શેષ ગુફાઓ છે જે રામાયણ કાળની હોવાની મનાય છે.
આઝાદી પછી પણ કચ્છના છેવાડાનાં ગામડાંઓમાં શિક્ષણની વ્યવસ્થા ખાસ સારી નહોતી એટલે ચાર-પાંચ ધોરણ ભણેલા માધવભા નારાયણ સરોવરની દરબારી નિશાળમાં શિક્ષક તરીકે જોડાઈ ગયા, પણ ત્યારે સ્થાનિક લોકોમાં પોતાનાં બાળકોને શિક્ષણ મળે એ માટે કોઈ ખાસ ઉત્સાહ ન હતો એટલે માધવભા શિક્ષક તરીકે રાજીનામું આપી પોલીસમાં ભરતી થયા. જીવનમાં રોમાંચકતા મેળવવા તાજી મૂછો ફૂટેલા આ જુવાનિયાએ લખપત, નલિયા ઇત્યાદિમાં ફોજદાર તરીકે સેવા આપી. એ સમયે પોલીસનો ડ્રેસ જાંબુડી કલરના કપડા‍માંથી તૈયાર થતો હોવાથી ગામડાંના લોકો પોલીસને ‘જાંબુડિયા’ તરીકે ઓળખતા. માધવભાને આ ખટકતું. તેમના સારા અક્ષર અને લખાણની ફાવટને કારણે સરકારના ગૃહખાતા સાથે લાંબો પત્રવ્યવહાર કરી આ જાંબુડિયા કલરને રદ કરાવી ખાખી કલરના ડ્રેસનું ચલણ અમલમાં લાવીને જંપ્યા, જે આજ સુધી ચાલુ છે. માધવભા પોલીસમાં પણ વધુ ટક્યા નહીં.
સાવ બચપણથી કરાચીમાં સિંધી અને કચ્છીભાષાના સર્જકો સાથેના સંબંધોને કારણે તેમના મનમાં કચ્છીભાષાનો અજબનો મોહ હતો. જાણે કચ્છીભાષા નામની સુંદરીને દિલોજાનથી ચાહતા હતા. પોલીસની નોકરી છોડી ત્યાં તેમનો ભેટો દરબારી વકીલ લાલજી નાનજી જોષી સાથે થયો. આ લાલજીબાપા દરબારી વકીલ ઉપરાંત ઉર્દૂ, હિન્દી, ગુજરાતી ભાષાના જાણકાર હતા. તેમણે એ સમયે કચ્છીભાષામાં ‘કચ્છજો કુરુક્ષેત્ર જારો’ નામનું અદ્ભુત ઐતિહાસિક પુસ્તક લખ્યું હતું. જેમ ખોજાઓની ખોજતીભાષા (કચ્છીમાં) છે એમ લાલજીબાપાએ ‘લાલજી નાનજી કચ્છી’ શોધી હતી. એ લિપિ બાળકોને શીખવાડવા નિશાળમાં જતા. આ લાલજીબાપાને કારણે માધવભાનો કવિજીવ જાગી ઊઠ્યો અને માધવજીભા બન્યા કવિ માધવ જોષી ‘અશ્ક’! અને અત્યંત યુવાન વયે તેમણે ‘ફૂલડા’ નામનું કચ્છી કાવ્યસંગ્રહ લખ્યું અને પ્રકટ કરાવ્યું. તેમણે પુસ્તક ‘કચ્છીભાષા ન્યાય માગે છે’, કવિતાસંગ્રહ ‘સંભરે મુકે શેર’, કચ્છીના ખ્યાતનામ વાર્તાકારોની ટૂંકી વાર્તાઓનું સંપાદન ‘હલ સંજાબ’ તેમણે પ્રકટ એવા સમયે કરાવ્યા જ્યારે કચ્છમાં મર્યાદિત પ્રિન્ટિંગ ટેક્નૉલૉજી હતી અને સખત નાણાભીડથી તે પીડાતા હતા. તેમનું સૌથી સફળ પુસ્તક એટલે ૪૦ વર્ષમાં જેની ૧૦ આવૃત્તિ પ્રગટ થઈ ચૂકી છે એ ‘નારાયણ સરોવર - કોટેશ્વર - માતાનો મઢ’ જેને અપ્રતિમ સફળતા મળી અને તમામ રેકૉર્ડસ તોડી નાખ્યા. માધુબાપા મૂળ શૃંગાર રસના કવિ. મુશાયરોમાં તેમનાં શૃંગાર રસનાં કાવ્યોથી અલગ માહોલ રચાતો. તેમનાં કાવ્યસંગ્રહ ‘નેર્યુ’ અને ‘સંભરે મુકે શેર’ પણ નોંધનીય હતાં.
કચ્છીભાષાની સ્વપ્નસુંદરીને દિલોજાન ચાહતા માધવભાએ ૨૦-૨૦ વર્ષ સુધી કચ્છીભાષામાં ‘કુંજલજી કુણકાર’ નામના સાહિત્યિક મૅગેઝિનના તંત્રી અને પ્રકાશક તરીકે કાર્ય કરી અસંખ્ય કચ્છીસર્જકોની ઓળખાણ વાચકોને કરાવી. કેન્દ્ર અને રાજ્ય સ્તરે કચ્છીભાષાને માન્યતા મળે એ માટે સાથીદારો સાથે મળીને સંઘર્ષ કર્યો. ગુજરાતના એ સમયના મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા પાસે કચ્છી સાહિત્ય ઍકૅડેમી માટે સાથીદારો સાથે સફળ રજૂઆતો વારંવાર કરી પરિણામે આજે કચ્છના સાહિત્યકારો પાસે ‘કચ્છી સાહિત્ય ઍકૅડેમી’ છે.
ડાયરા એ ગુજરાતી અને કચ્છી સંસ્કૃતિના ઍમ્બૅસૅડરનું કાર્ય કરે છે. મુંબઈનાં શ્રીમતી નીમુ નાગડાએ ‘કચ્છી બાલડાયરો’ પ્રસ્તુત કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. માધુબાપા આ બાલડાયરા જોવા છેક દિલ્હી જઈ કેન્દ્રીય ઍકૅડેમીના સેક્રેટરી મિસ્ટર રોયને મુંબઈ ખેંચી લાવ્યા. અંગ્રેજી ભાષામાં ભણતા આ બાળકલાકારોની મહેફિલ માણી કેન્દ્રીય સાહિત્ય ઍકૅડેમીના સેક્રેટરી રોયે પ્રતિભાવ આપતાં કહેલું, ‘બાપા તમારા નાનકડા કચ્છ પ્રદેશની ભાષાની છલાંગ મોટી છે.’ માધુબાપા આ સાંભળી ધન્ય બની ગયા. શું કામ ન બને. આ બાળડાયરામાં પ્રથમ વાર ઢોલ વગાડનાર નૈતિક નાગડા આજે જગપ્રસિદ્ધ કલાકાર બની ગયો છે. તો ભાગ્યે જ સાંભળવા મળે એવી સ્વરની માલિક અંકિતા રાંભિયા-દેઢિયા આ બાલડાયરાની ભેટ છે. તો બાલડાયરાના સો એક પ્રયોગનું સંચાલન કરનાર બાળકલાકાર નિમિત આજે ડૉ. નિમિત નાગડા તરીકે પ્રસિદ્ધ વૉકહાર્ડ હૉસ્પિટલમાં કન્સલ્ટન્ટ ફિઝિશ્યન તરીકે અને નિયતિ આજે ડૉ. નિયતિ નાગડા જૈન ગાયનેકોલૉજિસ્ટ તરીકે પશ્ચિમ પરાની પ્રસિદ્ધ હૉસ્પિટલમાં કાર્યરત છે. આ જ બાલડાયરાઓમાં પોતાની મીઠડી વાણીથી ‘કિસ્સા’ (કચ્છી હાસ્ય ઘટનાઓ) રજૂ કરનાર કૃતિ પંકજ ગોસર આજે સીએ કૃતિ ગોસર તરીકે ધીખતી પ્રૅક્ટિસ કરે છે. નૃત્યાંગના અદિતિ મનીષ ગાલા આજે ડૉ. અદિતિ ગાલા બની પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે. શ્રીમતી નિમુ નાગડા પ્રસ્તુત બાલડાયરા તથા ૨૭ વર્ષથી કચ્છી નાટક જોઈ માધુબાપાને ખાતરી થઈ ગયેલી કે કચ્છીભાષાને એક દિવસે સરકારી સ્તરે ચોક્કસ માન્યતા મળશે જ મળશે!
નિર્ણાયક તરીકે માધુબાપા બારીક નજરથી કચ્છનાં વિવિધ ક્ષેત્રોના કલાકારોને શોધી, મુંબઈ લાવી ‘શ્રીમતી તારામતી વસનજી સાહિત્ય પુરસ્કાર’ના ઉપક્રમે રોકડ પુરસ્કાર તથા સન્માનથી નવાજવા નિમિત્ત બન્યા. તો વર્ષો સુધી બન્નીના માલધારીઓના ઉત્કર્ષ માટે સેવા કરી છે. તેમના પ્રશ્નોની રજૂઆત સરકારમાં કરી છે. માલધારીઓને વ્યસનમુક્તિ દ્વારા સારા માર્ગે વાળ્યા છે. તેમના સમાજમાં ચાલતા ઝઘડાઓમાં વચ્ચે પડી સમાધાન કરાવ્યા છે. માધુબાપાએ માલધારીઓ સાથે રહી તેમના પ્રશ્નોને ઉકેલવા વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે.
નારાયણ સરોવર ખાતે ૧૦૦ કરોડ રૂપિયાની માતબર રકમથી સિંધી ટ્રસ્ટ ‘જય જૂલેલાલ ટ્રસ્ટ’ દ્વારા બહુહેતુક સામાજિક પ્રકલ્પ આકાર પામી રહ્યો છે. માધુબાપા એના ટ્રસ્ટી હતા. નાજુક તબિયત વચ્ચે ટ્રસ્ટનું કાર્ય કરતાં-કરતાં માધુબાપાએ ગયા અઠવાડિયે આ જગતમાંથી વિદાય લીધી એ સમાચાર જાણી મુંબઈના ક્લાસિક સાંસ્કૃતિક સાહિત્યિક કાર્યક્રમના આયોજક શ્રી પરેશ ગાંગજી શાહ બોલી ઊઠેલા કે ‘કેન્દ્રીય સાહિત્ય એકાદમી દિલ્હી દ્વારા ‘ભાષા સન્માન’ મેળવનાર, કચ્છિયતને ગૌરવ અપાવનાર સારસ્વત માધવ જોષી અશ્ક કદી મૃત્યુ પામી જ ન શકે.’ પૂરક માહિતી માટે પદ્મશ્રી નારાયણ જોષી અશ્ક અને બાપાના ભત્રીજા હસમુખભાઈ શામજી જોષીનો આભાર માની પરેશભાઈ શાહના પ્રત્યાઘાતને દોહરાવી ‘માધવ જોષી અશ્ક મૃત્યુ પામી જ ન શકે’ અનુસંધાનમાં કહીશ અલવિદા માધુબાપા, પણ ફરીથી કચ્છડાની માટીમાં રમવા પધારજો પ્રભો! અસ્તુ.

kutch vasant maru columnists