ચાર ટંક ખાધા પછી પણ કંઈક નવું મળી જાય તો હું તૈયાર હોઉં

07 October, 2020 02:25 PM IST  |  Mumbai | Rashmin Shah

ચાર ટંક ખાધા પછી પણ કંઈક નવું મળી જાય તો હું તૈયાર હોઉં

હેમાંગ દવે

‘ટૂ સ્ટેટ્સ’, ‘ડી-ડે’, ‘મેડ ઇન ચાઇના’, ‘પાગલપંતી’ જેવી અનેક હિન્દી ફિલ્મો કરનારા હેમાંગ દવેએ ‘કેવી રીતે જઈશ?’, ‘છૂટી જશે છક્કા’, ‘થઈ જશે’, ‘ઑર્ડર ઑર્ડર - આઉટ ઑફ ઑર્ડર’, ‘તંબૂરો’ જેવી અનેક ગુજરાતી ફિલ્મો પણ કરી છે. હેમાંગ શૂટિંગ માટે બહાર જાય તો પહેલું કામ જે-તે સિટીના નાસ્તા ખરીદીને પોતાની રૂમમાં ભરવાનું કરે.
મિડ-ડેના રશ્મિન શાહ સાથેની વાતમાં હેમાંગ શબ્દો ચોર્યા વિના કહે છે, ‘હું ફૂડનો દુશ્મન છું, જોઉં એટલે મને એ ખતમ કરવા જોઈએ. જ્યાં સુધી હું ખતમ ન કરું ત્યાં સુધી મને ચેન પડે નહીં.

ફૂડ અને હું?
બને જ નહીં અમારે. મારી સામે જો એ આવે એટલે હું એને ખતમ જ કરી નાખું. રહેવા જ ન દઉં. જોઈએ જ નહીં મને એ આ ધરતી પર. ફૂડ મારા પેટમાં જ હોવું જોઈએ. જોક-અ-પાર્ટ, પણ હા, ફ્રેન્ડ્સ, હું ભયંકર ફૂડી છું. ભયાનક ફૂડી. દિવસમાં ચાર ટાઇમ જમ્યા પછી પણ જ્યાં પણ અને જ્યારે પણ કંઈ ખાવા મળે ત્યારે તૈયાર રહેવાનું. તમને મારું ટાઇમટેબલ કહું. સવારે મને હેવી નાસ્તો જોઈએ. નાસ્તામાં ચા સાથે ભાખરી, પરોઠાં હોય અને સાથે ગાંઠિયા કે ખાખરા કે એવું કશું હોય. પછી બપોરનું લંચ આવે. લંચ પછી પાંચેક વાગ્યે ફરી નાસ્તો અને રાતે ડિનર. આ ફિક્સ, એના પછી વચ્ચે જેકંઈ આવતું જાય એ ખાતા જવાનું. ક્યાંય શૂટ પર હોઈએ તો ત્યાંની લોકલ વરાઇટી ખાવાની અને જો ઘરે હોઈએ તો પણ કશુંક ખાધા કરવાનું. મોટા ભાગે કેવું હોય કે ઍક્ટર ફિલ્મ સાઇન કરે એટલે કૅરૅક્ટરનું પ્રિપરેશન કરે. મારા કેસમાં બે પ્રિપરેશન થાય. એક તો કૅરૅક્ટરનું અને બીજું, શૂટિંગ માટે જ્યાં જવાનું હોય ત્યાંનું બેસ્ટ શું એ નોટ કરતા જવાનું. હા, હું લિટરલી નોટ કરી લઉં મોબાઇલમાં અને ત્યાં જઈને ક્રમવાર એને ન્યાય આપું.
રાજકોટમાં શૂટિંગ હોય તો પહેલા જ દિવસે ચીકી લઈ લીધી હોય અને છેલ્લા દિવસે ઘરે લઈ આવવા માટે લીધી હોય. રાજકોટની લીલી ચટણી અને વેફર્સનું પણ એવું જ કરવાનું. ખાવા માટે એકાદ કિલો વેફર્સ અને ચેવડો લઈ લેવાનાં અને નીકળતી વખતે ઘર માટે પણ લેતા આવવાનું. અમદાવાદ ગયો હોઉં તો દોથાપૂરી અને નાનખટાઈ લઈ લીધાં હોય, વડોદરામાં લીલો ચેવડો અને ભાખરવડી કે પછી સુરતમાં માખણિયા બિસ્કિટ અને ભૂસું લઈ લેવાનું. હજી હમણાં જ હું બનારસથી શૂટિંગ કરીને આવ્યો, ત્યાંની તમને વાત કરું હું. ચારેક વીક અમે ત્યાં રહ્યા પણ આ ચાર વીકમાં મેં એટલું ખાધું કે ન પૂછો વાત અને મજા કઈ સાહેબ ખબર છે, હજી હું એમાં કોઈને પહેલા નંબરે અને બીજા નંબરે મૂકી નથી શક્યો. બધું અફલાતૂન. લસ્સી, સમોસાં અને ચા, કચોરી. આહાહાહા. શું વાત કરું. અમે જે હોટેલમાં ઊતર્યા હતા એ હોટેલમાં રાતે મને ભૂખ લાગી. મેં મેન્યૂ જોઈ નવી લાગતી વરાઇટી એવી સ્ટફ્ડ મશરૂમ મગાવ્યા. શું અદ્ભુત સ્ટફ્ડ મશરૂમ હતા. મારી લાઇફમાં મેં પહેલી વારે એ ટેસ્ટ કર્યા. મેં હોટેલમાં પૂછ્યું ત્યારે ખબર પડી કે એ મશરૂમ ગંગાના પાણીમાં ઉગાડેલા મશરૂમ હતા. બીજા દિવસે મેં યુનિટના બધા માટે પરાણે ઑર્ડર કર્યા. એ બધાને પણ એ લેવલ પર ભાવ્યા કે પછી તો સ્ટફ્ડ મશરૂમ એ અમારી બ્રેકફાસ્ટ આઇટમ બની ગઈ.
મને બધું ભાવે. કારેલાં, તુરિયાં અને ગલકાંને છોડીને શાક પણ બધાં ભાવે. મેક્સિકન ફૂડ બહુ ભાવે, ગુજરાતી થાળી આપણી ફેવરિટ. પંજાબી ફૂડ પણ મને પ્રિય અને એમાં પણ પનીર લબાબદાર, દાલ મખની, કુલચા મારાં ફેવરિટ. જો દાલ મખનીની વાત કરું તો અમદાવાદના એસ. જી. રોડ પર ગોતા પાસે ‘પંજાબ માલવા’ નામનો એક ઢાબો છે. એના જેવું ઑથેન્ટિક પંજાબી ફૂડ મેં ક્યાંય ખાધું નથી. ત્યાં જઈને ત્રણ જ આઇટમ મગાવવાની. દાલ મખની, રોટી અને ખીર. ત્યાં મળે છે એવી દાલ મખની મેં અમ્રિતસરમાં એક વાર ટેસ્ટ કરી હતી. અમ્રિતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે એક જગ્યા છે. એવું કહેવાય છે કે ત્યાં ૧૫૦ વર્ષથી એક જ વાસણમાં દાલ મખની બને છે અને એ વાસણ ક્યારેય ખાલી નથી થયું. જેવું ખાલી થાય કે તરત જ નવી દાળ બનવાની શરૂઆત થઈ જાય. ૨૪ કલાક ફૂડ મળતું હોય અને એ પછી પણ એકદમ હાઇજીન ફૂડ છે. મારું વતન રાજસ્થાનનું સિરોહી નામનું ગામ. સ્વીટ હું અવૉઇડ કરતો હોઉં છું, પણ સિરોહી જાઉં ત્યારે દૂધનો હલવો ખાધા વિના પાછો ન જ આવું. પહેલાં દાલ-બાટી ખાવાની અને પછી દૂધનો હલવો.
મને ફાઇવસ્ટાર કરતાં રોડ-સાઇડ અને ઢાબાનું ફૂડ વધારે ભાવે. મોટી હોટેલનું સેટઅપ મોટું હોય એટલે એ લોકો વેજિટેબલ્સથી માંડીને ગ્રેવી જેવી વરાઇટી ફ્રોઝન કરી શકે પણ ઢાબાવાળાને
એવું બધું પોસાવાનું નથી એટલે એ રોજેરોજ ફ્રેશ બનાવે અને તમને ફ્રેશ અને ટેસ્ટી ફૂડ જ મળે. આ મારું ગણિત છે. બને કે હું આમાં ખોટો હોઉં, પણ આજ સુધી તો હું આ વાતમાં ખોટો નથી પડ્યો.
ફૂડ-મેકિંગમાં હું એટલો એક્સપર્ટ નથી. વાઇફ જલ્પા બહુ સારી કુક છે, ઘરમાં એ જ ફૂડ બનાવે છે, પણ હા, હું ચા બહુ સરસ બનાવું છું. ચામાં એક વખત મેં મસ્ત બ્લન્ડર માર્યું હતું. નવાં-નવાં લગ્ન થયાં હતાં અને મેં ચા બનાવવાનું શરૂ કર્યું. ભૂલથી મેં દૂધને બદલે છાસ લઈ લીધી અને એને ગરમ પણ કરી નાખી. બસ, ચાની પત્તી નાખવા જતો હતો ત્યાં વાઇફનું ધ્યાન ગયું. એ ઘટના પછી થોડા મહિના મને કિચનમાં એન્ટ્રી માટે મનાઈ થઈ ગઈ હતી. જોકે એ ઘટના ભુલાઈ અને હું ફરીથી કિચનમાં જઈને ચા બનાવવા લાગ્યો. ચા બનાવવામાં મને દૂધ અને પાણીના માપમાં ખબર ન પડે એટલે કોઈ વાર દૂધ વધારે પડી જાય અને કોઈ વાર પાણી વધારે પડી જાય એવું બને, પણ પછી ચાનો ટેસ્ટ મેં ક્યારેય બગડવા નથી દીધો. લૉકડાઉનમાં તો અમારો નિયમ જ હતો કે સાંજની ચા મારે જ બનાવવાની. સરસમજાની મસાલા ચા બનાવું. ફુદીનો, એલચી, લીલી ચાનાં બેચાર મસળેલાં પાન, છીણેલું આદું અને ચાનો મસાલો. અમારે ત્યાં ચાનો મસાલો શ્રીનાથજીથી આવે છે. ચાનો મસાલો એ જ વાપરવાનો. આજ સુધી તો અમે એને ખાલી થવા નથી દીધો અને જો ખાલી થવા આવે તો તરત જ અરેન્જમેન્ટ કરીને મગાવી લઉં.
રેગ્યુલર વેજિટેબલ સૅન્ડવિચ હોય એમ જ પણ એમાં હું મારા દીકરાને ભાવે એ રીતે મશરૂમ, ઑલિવ્સ એવું બધું ઍડ કરું, પછી માર્કેટમાં અલગ-અલગ સૉસ મળે છે મેયો કે રેડ ચિલી, એ બધા સૉસ ઍડ કરીને ઉપરથી ચીઝ ઍડ કરીને મસ્ત સૅન્ડવિચ બનાવું છું. જો વડાં મારી વાઇફ બનાવી આપે તો આ બધા સૉસ ઍડ કરીને મસ્ત વડાપાઉં પણ બનાવી લઉં, પણ આપણને વડાં બનાવતાં ન આવડે. આ વડાપાઉં સાથે અંદર જયારે સૉસ સ્પ્રેડ કરો કે લસણની ચટણી સ્પ્રેડ કરો ત્યારે એમાં આ વખતે મસાલા વેફરનો ભુક્કો નાખીને ઉપરથી વડું મૂકીને ખાજો, મસ્ત ક્રિસ્પી અને સ્પાઇસી ટેસ્ટ આવશે.

બનાવો મસાલા ભાખરી
મેં તમને કહ્યું એમ, ભાખરી મને અતિપ્રિય. દિવસમાં એકાદ વાર તો મેં ખાધી જ હોય. ભાખરી મારો દીકરો વંશ ખાય નહીં એટલે મેં ભાખરી પર એક એવો એક્સપરિમેન્ટ કર્યો જેથી એ પણ ખાવાનું શરૂ કરે. તમે પણ કરજો, તમારા ઘરમાં પણ બાળકો ખાતાં થઈ જશે એવું હું માનું છું.
આપણી ભાખરી હોય એ જ એમાં લેવાની છે, પણ ગરમ નહીં. ઠંડી ભાખરી લેવાની અને પછી એના પર ઘી લગાવવાનું. ઘી લગાડીને એના પર લાલ મરચું, મરી પાઉડર, સંચળ, જીરું પાઉડર, હિંગ અને ઓરેગાનો સ્પ્રેડ કરી દેવાનાં. આપણી મસાલા ભાખરી તૈયાર પણ બાળકોને મજા કરાવવા માટે હજી એમાં તમે ચીઝ ઍડ કરી શકો છો. આ મસાલા ભાખરી, રતલામી સેવ અને ગરમાગરમ મસાલા ચાનું કૉમ્બિનેશન એકદમ સુપર્બ હોય છે. મારા દીકરા માટેની મસાલા ભાખરીમાં તો હું ભાખરી પર ઑલિવ્સ પણ નાખી દઉં. ઑલિવ્સ હેલ્થ માટે ખૂબ સારા છે જેની તમને પણ ખબર હશે. સોયબીનની વડી પણ હેલ્થ માટે ખુબ સારી છે. હું મારા દીકરા માટે વેજિટેબલ સૅન્ડવિચ બનાવું છું એમાં આ બન્ને વરાઇટી નાખું તો એની સાથે હું આ સૅન્ડવિચમાં બાફેલા મગનું લેયર પણ બનાવું અને એના પર અલગ-અલગ સૉસ નાખું. કાકડી અને ટમેટાં તો હોય જ હોય, પણ મગ, સોયબીન એવી આઇટમ છે જે બાળકો ખાવા માટે જલદી રાજી નથી થતાં. લૉકડાઉનમાં તો મેં ઘરમાં જ ચોરસ ભાખરી બનાવીને એ ભાખરીમાં વેજિટેબલ સૅન્ડવિચ બનાવી હતી.

તને છોડાય?: પીત્ઝા સામે હોય અને એ જો બચી જાય તો તો આ ભૂદેવનું પેટ લાજે.

પૂરી તૈયાર : લોટ બાંધી દીધો હોય તો તમને એકદમ પાક્કી પૂરી મળે એની ગૅરન્ટી મારી.

હવે જવું ક્યાં?: એક હાથમાં ભેળ અને બીજા હાથમાં જૂસ, શરૂઆત ક્યાંથી કરવી મારે?

Rashmin Shah columnists Gujarati food indian food