કૉલમ: સાચી વાત સ્વીકારો તો શાણપણ બાકી દેખાદેખી કરો તો ગાંડપણ

07 July, 2019 10:29 AM IST  |  મુંબઈ | આરંભ હૈ પ્રચંડ - ભવ્ય ગાંધી

કૉલમ: સાચી વાત સ્વીકારો તો શાણપણ બાકી દેખાદેખી કરો તો ગાંડપણ

કબીર સિંહ

શું જોવું એની સભાનતા આજના આ મોંઘવારીના સમયમાં જેટલી જરૂરી છે એટલું જ આજના સમયમાં એ પણ જરૂરી છે કે શું ન જોવું અને સાથોસાથ એ પણ એટલું જ અનિવાર્ય છે કે શું ન બતાવવું જોઈએ? વાત ફિલ્મની હોય કે વેબ-સિરીઝની હોય. કન્ટ્રોલ અને મર્યાદાઓ બિલકુલ નીકળી ગયાં છે. ક્યાંય કોઈ જાતની શરમ નથી દેખાઈ રહી અને ક્યાંય કોઈ જાતનો સંકોચ નથી દેખાઈ રહ્યો. વાત ખરેખર હવે ગંભીર રૂપ પર છે એવું મને લાગે છે અને જો મારા જેવડા ૨૦-૨૨ વર્ષના યંગસ્ટરને આ લાગતું હોય તો વિચારો કે આ વાત કયા સ્તરે જઈ રહી હશે.

આપણી પાસે બહુ સારા સબ્જેક્ટ છે જેને આજે એક્સપ્લોર કરી શકાય છે અને એ થવું જ જોઈએ. આપણી પાસે પુષ્કળ સબ્જેક્ટ છે, હું તો કહીશ કે આપણો દેશ જેમ ધર્મ, મંદિર અને ભાષાઓનો દેશ છે એવી જ રીતે આપણો દેશ સાહિત્યનો દેશ છે. જેટલી વાર્તાઓ આપણી પાસે છે એનાથી ૧૦ ટકા વાર્તાઓ પણ જગત પાસે નથી. આપણી વાર્તાઓમાં નાવીન્ય છે અને એની સાથોસાથ એમાં સત્ત્વ પણ છે. આજે જ્યારે ઑડિયન્સ નવી દુનિયા સ્વીકારવા તૈયાર થયું છે ત્યારે એ વાર્તાઓને, એ સબ્જેક્ટ્સને માન મળવું જોઈએ. આજે જ્યારે ટેક્નૉલૉજીનો વ્યાપ વધ્યો છે, પ્રોડ્યુસર સાહસ કરવા તૈયાર થયા છે, ઍક્ટર અને ડિરેક્ટર્સ નવું માગતા થયા છે ત્યારે એ દિશામાં કામ કરવામાં આવે તો કશું ખોટું નથી. હું એવું ચોક્કસ કહીશ કે આ પ્રકારના વિષય પર કામ કરનારાઓ નથી એવું બિલકુલ નથી, છે જ એવા લોકો પણ એનો આંકડો બહુ નાનો છે અને એ શરમની વાત છે. જેમ તમને એ ખબર છે કે શું બનાવવું છે અમારે એમ તમને એ પણ ખબર હોવી જોઈએ કે તમારે શું નથી બનાવવું અને શું કામ નથી બનાવવું? તમને જ્યારે સત્તા મળતી હોય છે ત્યારે એ સત્તાની સાથોસાથ અનેકગણી જવાબદારીઓ પણ આવી જતી હોય છે અને એ જવાબદારીની સભાનતા તમારે સ્વીકારવાની હોય છે. તમે જોઈ લો ઘરમાં વડીલ તરીકેનું માન આપણા પપ્પાને મળતું હોય છે ત્યારે પપ્પા વધારે ગંભીર બની જાય છે. જો તેમને કદાચ સિગારેટની આદત હશે તો તેઓ જાહેરમાં અને ખાસ કરીને બાળકોની હાજરીમાં સિગારેટ નહીં જ પીએ. તેઓ ડ્રિન્ક્સ પણ ઘરના સભ્યોની હાજરીમાં નહીં લે. હસબન્ડ અને વાઇફ બન્ને સાથે હશે ત્યારે લેશે, પણ દીકરીની હાજરીમાં તેઓ આવું કામ નહીં કરે. શું કામ, શું તેમને કોઈએ ના પાડી છે કે પછી કોઈ તેમને રોકવા ગયું?

ના, સભાનતા અને જવાબદારી.

પ્રોડ્યુસર, ડિરેક્ટર અને અમુક અંશે ઍક્ટર પાસેથી પણ આ અપેક્ષા રાખવી જોઈએ અને એ અપેક્ષા છે જ. સબ્જેક્ટની ડિમાન્ડ છે એવી વાહિયાત વાત કહીને બેફામ બનવું મને તો ગેરવાજબી લાગે છે. આપણને બધાને મા, બહેન, દીકરીઓ છે. એવા સમયે શું આપણે પહેલો વિચાર એ કરવો જોઈએ કે આપણે જેકોઈ કામ કરીએ છીએ એ કામ શું આપણે તેમની સાથે બેસીને જોઈ શકીશું ખરા? જેમાં કોઈ જાતનો કન્ટ્રોલ નથી, કોઈ જાતના શરમસંકોચને ધ્યાન રાખવામાં નથી આવ્યાં એવાં કામને તમે તમારી દીકરી સાથે જોવા રાજી થશો ખરા? ધારો કે તમારો જવાબ હા હોય તો મારે એટલું જ કહેવું છે કે બને, તમારામાં લાજશરમ ન હોય, પણ આ દેશની જનતામાં હજી પણ લાજશરમ છે એટલે એનો વિચાર કરો.

આપણે વાત કરીએ છીએ શાહિદ કપૂરની ‘કબીર સિંહ’ની. ફિલ્મ આજે પણ થિયેટરમાં ચાલે છે અને આંકડાઓ કહે છે કે એણે કરોડો રૂપિયાનો બિઝનેસ કરી લીધો પણ એમ તો પૉર્ન ફિલ્મ બનાવો તો એનો બિઝનેસ હજી પણ મોટો થઈ શકે છે તો શું એ બનાવવી જોઈએ ખરી. કહેવાનો ભાવાર્થ એટલો જ કે આંકડા અને બિઝનેસ એ નફાનો માપદંડ હોઈ શકે, સફળતાનો નહીં. ફિલ્મમાં કબીર સિંહનું જે કૅરૅક્ટર છે શું આ હદે કોઈ માણસ હોઈ શકે? આ હદે કોઈ દારૂ, સિગારેટ અને ગુસ્સો એકસાથે પી શકે? તમારી આસપાસ છે કોઈ આવું? માન્યું કે આસપાસ હોય એવા લોકો પર ક્યારેય ફિલ્મ નથી બનતી, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે શું આસપાસ આવું કોઈ હોય તો તમે એને ચલાવી લો ખરા? તમને એવો માણસ તમારી આજુબાજુમાં હોય એ ગમે? કબીર સિંહ જેવી વ્યક્તિ જો તમારી આસપાસ હોય તો હું ગૅરન્ટી સાથે કહીશ કે કોઈ તેની પાસે ઊભું ન રહે. તમે કોઈને પણ થપ્પડ મારી લો અને લોકો તાળીઓ પાડે, બને એવું કોઈ દિવસ? અને બને તો પણ એવું શું કામ બને?

એક વખત માત્ર આ સ્થિતિને ઘર સાથે જોડીને જરા કલ્પના કરો. કરો કલ્પના કે તમારી બહેનને કે ભાભીને તમારા બનેવી કે તમારા ભાઈ થપ્પડ મારે છે. શું કરશો એવા સમયે તમે? એ થપ્પડ વખતે તમે ‘કબીર સિંહ’ના એ સીનને યાદ કરીને સંજોગોને જસ્ટિફાય કરવાનું પસંદ કરશો, તાળીઓ પાડશો કે તમારી બહેન પર હાથ ઉપાડનારાનો હાથ તોડી નાખવાનું પસંદ કરશો? એક સ્પષ્ટતા કરવી છે નાનકડી.

હું જરા પણ એવો અંદેશો આપવા નથી માગતો કે અહિંસા જ જગતનું શ્રેષ્ઠ હથિયાર છે અને પ્રેમભાવ જ વિશ્વની શ્રેષ્ઠ ઔષધિ છે. ના, જ્યાં જરૂરી છે ત્યાં હિંસા પણ વાજબી છે અને એટલે જ હું મહાવીરના કુળમાં આવ્યા પછી પણ શિવજીનો પરમ ભક્ત છું. પાકિસ્તાન પ્રેમની ભાષા ન સમજે એટલે એ જગ્યાએ એવો પ્રયાસ ન કરવાનો હોય અને સોસાયટીના પાડોશી સામે તોપ માંડવાનો કોઈ અર્થ સરતો નથી, કારણ કે તકલીફના સમયમાં સૌથી પહેલો તે જ પડખે આવીને ઊભો રહે છે. આવી જગ્યાએ પ્રેમભાવને મહત્ત્વ મળવું જોઈએ. વાત ફિલ્મની છે અને જ્યારે ફિલ્મ, નાટક કે સિરિયલની ચર્ચા થતી હોય એવા સમયે તમારી પહેલી જવાબદારી છે કે તમે તમારી જાતને એમાંથી બહાર કાઢીને દેશની જનતાને જુઓ. આમ તો આ ધ્યાન રાખવા માટે સેન્સર છે, પણ ત્યાં દલીલ એવી રજૂ કરી દેવામાં આવે છે કે આ તો ક્રીએટિવ લિબર્ટી છે.

જરૂરી નથી કે દરેક વખતે ક્રીએટિવ લિબર્ટીના નામે બધું ચલાવી લેવામાં આવે, ના બિલકુલ નહીં. ફિલ્મો કોઈને ખરેખર બગાડવાનું કામ કરતી હોય તો એને બનાવવાની કોઈ જરૂર નથી. સબ્જેક્ટ ગમે એટલો સારો હોય તો પણ એ સબ્જેક્ટની ફાઇલને બંધ અલમારીમાં તાળું મારીને એ અલમારી દરિયામાં ફેંકી દેવી જોઈએ. આવી ફિલ્મો જોયા પછી શું એ શીખવાનું કે તમે કોઈ છોકરીને પ્રેમ કરો એટલે તમારો હક છે તેના પર અને તમે ધારો ત્યારે તેને પ્રેમ કરો અને ધારો ત્યારે એને થપ્પડ ઠોકી દો? શું એ શીખવાનું કે તમે ડૉક્ટર છો પણ એ તો સમજ્યા ભાઈ, તમારે બેફામ દારૂ ઢીંચવાનો, સિગારેટ ફૂંકવાની. ભલે પછી સ્ક્રીનની નીચે તમારા આ કાંડ વખતે વૉર્નિંગ આવ્યા કરે. મને ખરેખર નવીન લાગે છે કે દિલ તૂટે ત્યારે દારૂ અને સિગારેટ શું કામ પીવાં પડે. સાચે જ આ વાત સમજાતી નથી. આ બધી ૭૦ અને ૮૦ના દસકાની માનસિકતા હતી. આજે એક પણ છોકરો એવો નથી જે આ રીતે પોતાની જાતને બરબાદ કરતો હોય. તમે ‘લૈલા-મજનુ’ બનાવો અને એમાં મજનુને મજનુગીરી કરતો દેખાડો તો એ જસ્ટિફાય થાય, પણ અહીં તો એવી કોઈ વાત નથી અને એ પછી પણ દારૂ-સિગારેટના ફુવારા થયા કરે છે. ધારો કે તમને જીવવું જ નથી, કબીરનું પેટ ભરાઈ ગયું, હવે તો તેણે મરી જવું જોઈએ.

આ પણ વાંચો : કૉલમ: પેન-ફ્રેન્ડ્સની એ દુનિયા અને ફૉરેનથી આવતા પત્રો

એક ઘા ને બે કટકા.

કબીર સિંહ તો ડૉક્ટર છે, બહુ ઇઝીલી તે સુસાઇડનો રસ્તો શોધી શક્યો હોત, પણ ના, તેણે એવું કર્યું નથી તો પછી શું કામ આ બધું જસ્ટિફાય થાય એ રીતે ઑડિયન્સની સામે મૂકવાનું? હું માનું છું કે આપણે હવે આગળ વધી રહ્યા છીએ, મૉડર્ન બનતા જઈએ છીએ, પણ મૉડર્નિઝમની વ્યાખ્યા એ નથી કે તમે કપડાં કાઢીને ફરો અને તમે આવા છાકટા બનીને દુનિયાને દેખાડો. ના જરાય નહીં. મૉડર્ન હોવાનો અર્થ એ છે કે રૂઢિવાદને તમે નકારો અને નવી વિચારધારાને, એવી નવી વિચારધારાને અપનાવો જે સ્વીકારવામાં શાણપણ છે. કબીર સિંહ જેવી વ્યક્તિને સ્વીકારવો એ ગાંડપણ માત્ર છે. મારે માટે પણ અને મારી સોસાયટી માટે પણ.

Bhavya Gandhi columnists