કૉલમ : લાઇફ ઇઝ બ્યુટીફુલ

31 March, 2019 11:16 AM IST  |  | ભવ્ય ગાંધી

કૉલમ : લાઇફ ઇઝ બ્યુટીફુલ

પ્રતીકાત્મક તસવીર

આરંભ હૈ પ્રચંડ

આજે મારે જે વાત કરવી છે એ તમને એક વાર્તાસ્વરૂપે કહેવી છે. સહજ અને સરળ રીતે તમને સમજાય એવા હેતુથી. મારા બહુ નજીકના ફ્રેન્ડની જ વાત છે એવું કહું તો ચાલે. નામ એનું હાર્દિક.

લાઇફ ઇઝ બ્યુટિફુલ.

સાવ સિમ્પલ એવું પણ સરસ મીનિંગ સાથેનું આ સેન્ટેન્સ જો કોઈ હાર્દિક સામે બોલે તો હાર્દિક તેને મારવા દોડે. હાર્દિકને હું આમ તો વર્ષોથી ઓળખું છું, પણ સિરિયલ છોડ્યા પછી મારું તેને મળવાનું નિયમિત થઈ ગયું અને નિયમિત થયું એટલે મને મજા પણ આવવા માંડી. હમણાં હું અને હાર્દિક એક ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જતા હતા. બાંદરામાં પાર્ટી હતી અને સાંજનો સમય હોય એટલે નૅચરલી બાંદરા-ખાર વચ્ચે ટ્રાફિક તમને મળે જ મળે. એ દિવસે પણ બહુ ટ્રાફિક હતો. હું તો મારા રૂટીન પ્રમાણે એફએમ પર ગીતો સાંભળતો હતો અને સાથે જોરજોરથી ગાતો પણ હતો. મને તો આમાં મજા આવતી હોય છે અને હું તો આને એન્જૉય પણ કરતો હોઉં છું. આનું કારણ પણ છે. મારે તો આખો દિવસ આમ પણ કરવાનું શું હોય. જિમ, મારી ટેરેસ ગાર્ડનમાં રાખેલા પ્લાન્ટનું ધ્યાન રાખવાનું, ફૂડ, રીડિંગ, મૂવી જુઓ. પછી ફરી એ જ પ્લાનનું રિપીટેશન. ઇનશૉર્ટ, મજ્જાની લાઇફ.

બીજાની નજરે જોઈએ તો મારી લાઇફમાં ખરેખર જલસા જ જલસા છે અને મને પણ એવું લાગે છે, પણ અત્યારે આપણે મારી વાત નથી કરવાની, આપણે વાત કરવાની છે હાર્દિકની. હાર્દિક બિચારો દરરોજ સવારે સાત વાગ્યે જાગે અને પછી ફટાફટ તૈયાર થઈને ૮ ને ૧૦ મિનિટની લોકલ પકડવા ઘરેથી ભાગે. એની પાસે ઍક્ટિવા છે. તે ઍક્ટિવા સ્ટેશન પાસે પોતાના એક ફ્રેન્ડની શૉપ પાસે પાર્ક કરે અને પછી દોડતો ટ્રેન પકડે. ટ્રેનમાં ધક્કા ખાતો તે ઓફિસે પહોંચે અને ત્યાં જઈને કામ શરૂ કરે. હાર્દિકના નસીબમાં કામ કરવાનું ઓછું અને બૉસના ટાર્ગેટ પૂરા કરવાનું વધારે લખાયેલું છે. ટાર્ગેટ પણ એવા મળે કે જે પૂરા કરવા ઇમ્પૉસિબલ હોય. ઇમ્પૉસિબલ ટાર્ગેટને પણ તે બિચારો અચીવ કરવાની ટ્રાય કરે, પણ એ ન થાય એટલે તેના ભાગે આવે બૉસની ગાળો ખાવાનું. ગાળો ખાવ અને કામ કરો, ગાળો ખાવ અને કામ કરો, ગાળો ખાવ અને કામ કરો. આખા દિવસની આ પ્રક્રિયા અને એ પ્રક્રિયા પૂરી થાય સાંજે સાત વાગ્યે. સાત વાગ્યે ઑફિસથી નીકળે એટલે સાવ તૂટી ગયેલી હાલતમાં ફરી સ્ટેશને આવે અને ફરી એ જ ટ્રેન, એ જ ધક્કામુક્કી અને ફરી એ જ રાડારાડી અને ગાળાગાળી. ઘરે પાછો આવે ત્યારે તેના માટે મમ્મી-પપ્પાની કચકચ ઊભી હોય. એ સાંભળવાનું અને સાંભYયા પછી થોડી વાર માટે સોસાયટીના કૅમ્પસમાં જઈને વૉક કરી પાછા આવવાનું. રાતે થોડી વાર માટે મોબાઇલમાં ગેમ રમે તો એટલી વારમાં નવેસરથી મમ્મીની કચકચ શરૂ થઈ જાય એટલે મોબાઇલ પડતો મૂકીને સૂઈ જવાનું. બીજો દિવસ. એ જ રૂટીન, એ જ લાઇફ અને એ જ દુનિયા.

ટ્રેન, બૉસ, કામો, ગાળો, ઍક્ટિવા અને એ જ વિશ્વ.

નવું કશું નહીં.

હાર્દિક છેલ્લાં ચાર વર્ષથી ફરવા જવાનો પ્લાન બનાવે, પણ તે નથી જઈ શક્યો. એક નહીં, અનેક કારણો છે એનું આવું સરળ સપનું પૂરું નહીં થવા પાછળ. કાં તો બજેટ વિખેરાઈ ગયું હોય અને બજેટનો મેળ પડી જાય તો તેની પાસે રજાઓ ન હોય. રજાઓ હોય તો બૉસની પરમિશન ન હોય અને બૉસની પરમિશન પણ હોય, રજા પણ હોય, બજેટ પણ હોય તો અચાનક ફૅમિલીમાં કંઈક એવું બની જાય કે ભાઈએ બધું કૅન્સલ કરવું પડે. હવે તેણે બિચારાએ વેકેશન વિશે બોલવાનું, ફરવા જવાનું પણ લગભગ કૅન્સલ જ કરી નાખ્યું છે. બિચારાને બીજા સામે આ બોલતાં પણ હવે શરમ આવવા માંડી છે. તેને એવું લાગે છે કે હવે જો એ બોલશે તો બધા તેની હાંસી ઉડાડશે, હાંસી ઉડાડવી ન પડે એ માટે તેણે સિમ્પલ નિયમ કરી નાખ્યો છે, કોઈની પાસે પોતાના એક પણ સપનાની વાત કરવી નહીં. હવે તેને ટાઇમ મળે છે તો એ માત્ર ફ્રેન્ડ્સને મળે છે અને પછી થોડી વાર એ બધાની વાતો સાંભળીને છૂટો પડી જાય છે. છૂટા પડ્યા પછી એ વધારે ને વધારે ડિપ્રેસ થાય છે. મનમાં ને મનમાં બળતરા કાઢ્યા કરે છે અને અફસોસ વ્યક્ત કર્યા કરે છે કે આવી તે કેવી રીતે જીવી શકાય, પણ એ પછી, તે પછી બિચારો અગેઇન એ જ રૂટીનમાં ગોઠવાઈ જાય છે. પેલા ગીતની જેમ, જીના ઇસી કા નામ હૈ...

પેલા દિવસે અમે ટ્રાફિકમાં હતા ત્યારે હું તો એ ટ્રાફિકને પણ માણતો હતો અને હાર્દિક ગુસ્સે થતો હતો. મેં તેને શાંત કરવાની કોશિશ કરી તો એ તરત જ મારા પર ગુસ્સે થવા માંડ્યો. તેની દલીલો પણ ગજબ હતી. મને કહે, ‘તું તો રહેવા જ દે, તારી લાઇફ એકદમ હેપનિંગ છે, મારી લાઇફ શું છે એનો તને કોઈ વિચાર પણ નહીં હોય.’

હું તેને સાંભળું અને સાથે-સાથે એફએમ પર વાગતાં ગીતો પણ સાંભળું. મને આવું કરતો જોઈને હાર્દિકે રેડિયો બંધ કરી દીધો અને ગુસ્સે થઈને મોં ફુલાવીને બેસી ગયો. હું તરત જ સમજી ગયો કે ભાઈની કમાન આજે થોડી વધારે છટકેલી છે.

મેં હાર્દિકને કહ્યું કે જો તને એમ લાગતું હોય કે તારી લાઇફ બેકાર છે તો તું તારું ગમતું કામ કર, કામ નહીં તો તને ગમે એ કર અને સાથે સાથે એવું કરવાની કોશિશ કર કે તને એમાં મજા આવે. મને તેની પેલી જૂની ઇચ્છા યાદ આવી ગઈ. મેં તેને કહ્યું કે મૂક બધી ચિંતા અને તું ફરી આવ, પણ હાર્દિકે કહ્યું કે જો હું કામ છોડીને ફરવા જાઉં તો મારી પાછળ કશું વધે નહીં. અમારી વાતો ચાલતી હતી અને એ દરમ્યાન મને ટ્રાફિકમાંથી થોડી જગ્યા મળી એટલે મેં ગાડી આગળ લીધી અને અમે નીકળી ગયા.

ગાડી આગળ ચાલતી રહી અને મારા વિચારો પણ. આપણી લાઇફે કેવી થઈ ગઈ છે. સ્કૂલ સમયથી આપણે શેડ્યુલ સાથે જીવવા માંડ્યા છીએ. સ્કૂલ પછી કૉલેજ અને કૉલેજ પછી જૉબ અને જૉબ પછી મૅરેજ, બાળકો અને પછી બાળકો મોટાં કરીને તેમને ભણાવો, પરણાવો અને પછી ગુજરી જાવ. આવું નહીં ચાલે. તમારે તમારા પોતાના માટે તો સમય કાઢવો જ પડે અને સમય કાઢીને કંઈક એવું કરવું પડે જે તમને ગમતું હોય. ગમતું કરવાની જવાબદારી તમારી છે અને તમારે એ ઉપાડવાની છે. તમને ખુશ રાખવાની જવાબદારી બીજો કોઈ ક્યારેય લઈ જ ન શકે. જો તમે તમારી જાત માટે સમય ન ફાળવી શકો તો પછી કેવી રીતે બીજો કોઈ એ જવાબદારી લે. હું તો હસબન્ડ અને વાઇફમાં પણ આ જ વાત કહેવા માગું છું. આજે ઘણી વાઇફ એવું કહ્યા કરતી હોય છે કે તમે મને ક્યાંય લઈ જ નથી જતાં, પણ મારું કહેવું છે કે કોઈએ તમને લઈ પણ શું કામ જવાં પડે. તમે નાનાં તો છો નહીં કે આંગળી પકડીને લઈ જવા પડે. જો હસબન્ડ કોઈ જાતની કચકચ ન કરતા હોય તો જીવોને લાઇફ મસ્ત રીતે. તમારી લાઇફ છે, એને મસ્ત રાખવાની જવાબદારી તમારી છે અને તમારે એ જવાબદારી નિભાવવાની છે. તમારી જવાબદારી તમે બીજા પર કેવી રીતે થોપી શકો. એ તનું કામ જ નથી. માન્યું કે એ માણસ બહુ સારો હશે તો એ બિચારો આ કામ કરી લેશે, પણ ધારો કે એ એવો નથી તો પછી શું કામ તમે આવા આક્ષેપો કરીને તેને પણ ગિલ્ટ આપો છો. સિમ્પલ નિયમ રાખવાનો. મારી લાઇફ છે અને એ લાઇફને એક જ વાત લાગુ પડે છે: લાઇફ ઇઝ બ્યુટિફુલ.

આ પણ વાંચો : વેબસિરીઝ, નાટક, સિરિયલ અને તમારું ફેવરિટ પ્લે-લિસ્ટ

તમારી લાઇફને બ્યુટિફુલ બનાવવા માટે જો તમને કોઈ ત્રાહિતની જરૂર પડતી હોય તો માનજો તમે ખોટી દિશામાં જીવી રહ્યા છો અને તમે તમારી હૅપીનેસને સાચા રસ્તે વાળવાનું ભૂલી ગયા છો. તમે જીવો અને બીજાને પણ સરસ રીતે જીવવા દો. બધા કહે છે કે માનવજીવન એક વાર મળે છે તો આ એક વાર મળી રહેલા માનવજીવનને શું કામ તમારે બ્લેમ-ગેમ બનાવી દેવું છે? એક વખત લીધેલા જન્મને ઉત્સવની જેમ ઊજવી લો અને એને હાર્દિક જેવું બનાવી રાખવાને બદલે એને લહેરાતું છોડી દો. તકલીફો રહેવાની છે, મુશ્કેલીઓ રહેવાની છે અને એ હશે તો જ લાઇફની બ્યુટીનો સાચો આનંદ આવશે. ભૂલતા નહીં, દરરોજ ખાવા મળતાં ડ્રાયફ્રૂટ્સ પણ ખીચડીનો સ્વાદ યાદ કરાવી દે છે.

Bhavya Gandhi columnists