કોઈના મનમાં નહીં, દિલમાં રહેવાનું છે

10 February, 2019 10:44 AM IST  |  | ભવ્ય ગાંધી

કોઈના મનમાં નહીં, દિલમાં રહેવાનું છે

એક્વામેન

આરંભ હૈ પ્રચંડ

એક ફિલ્મ તમે કેટલી વાર જોઈ શકો?

એક વાર, બે વાર, ટીવી પર આવતી હોય અને પૈસા ખર્ચવાના ન હોય તો ત્રણ વાર કે પછી ચાર વાર? અરે ધારો કે એ તમારી ફેવરિટ ફિલ્મ છે તો વધીને પાંચ વાર, પણ એનાથી વધારે વખત તમે ફિલ્મ જોઈ શકો ખરા? કદાચ ના, આજના સમયમાં તો નહીં જ. હા, મારા પપ્પા અને મમ્મીની ઉંમરનાં જે કોઈ અંકલ-આન્ટી હશે તે કદાચ મનમાં ને મનમાં પોતે તેમની ફેવરિટ ફિલ્મ કેટલી વખત જોઈ હશે એ યાદ કરી લેતાં હશે, પણ એ સમયની વાત થોડી જુદી છે એવું મને લાગે છે. એ ટાઇમમાં ટીવી આટલું બધું પૉપ્યુલર નહોતું થયું અને પ્રાઇવેટ ટીવી-ચૅનલ પણ આવી નહોતી એટલે એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ માત્રામાં હતું, જેનો બેનિફિટ ફિલ્મોને મળતો હતો. મેં મારા પેરન્ટ્સ અને અંકલ-આન્ટી પાસે સાંભળ્યું છે કે ‘દીવાર’, ‘ત્રિશૂલ’, ‘શોલે’ કે ‘એક દૂજે કે લિએ’ અને ‘કયામત સે કયામત તક’ જેવી ફિલ્મો એ લોકોએ આઠ-દસ અને પંદર વખત જોઈ હતી અને આજે પણ જો ભૂલથી તેમને જોવા મળી જાય તો આ ફિલ્મો જોવા તે બેસી જાય. મને ખરેખર બહુ નવાઈ લાગતી કે આટલી વાર એકને એક ફિલ્મ કઈ રીતે જોઈ શકાય. મને થોડું એ ગાંડપણ પણ લાગતું, પણ હું ખોટો હતો. જોયા જ કરવાનું મન થાય અને તમે ફિલ્મ જોયા જ કરો એવી કોઈ ફિલ્મ મારી લાઇફમાં હમણાં સુધી આવી નહોતી, પણ હમણાં એવી એક ફિલ્મ આવી, જે જોયા પછી મને થયા કરે કે એ ફિલ્મ હું જોયા જ કરું. તમે માનશો નહીં પણ એ ફિલ્મ મેં છેલ્લા એક મહિનામાં સાત વખત જોઈ લીધી છે અને હજી એમ થાય છે કે એ હું જોવા જાઉં. ફિલ્મનું નામ છે ‘ઍક્વામૅન’.

ફ્રેન્ડ્સ, પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રકારના સુપરહીરોની ફિલ્મો બનાવવામાં માર્વલ કૉમિક્સ અને DC કૉમિક્સનું બહુ મોટું નામ છે, પણ હું કોઈ એકનો ફૅન નથી. સુપરહીરોની બધી ફિલ્મો મને ગમે એટલે હું બેઉ પ્રોડક્શન હાઉસની ફિલ્મો જોઉં. DC કૉમિક્સની છેલ્લી ફિલ્મ એટલે આ ‘ઍક્વામૅન’. આ જે ઍક્વામૅન હતો એ અગાઉ ઇન્ટ્રોડ્યુસ કરી દેવામાં આવ્યો હતો અને એ પછી એની સેપરેટ ઍડ્વેન્ચર સ્ટોરી લાવવામાં આવી. હૉલીવુડની આ ખાસિયત બહુ સરસ છે. પોતાના દરેક કૅરૅક્ટરનો આછો સરખો ભાગ તમને એ લોકો પહેલાં જ દેખાડી દે અને પછી એની પૉપ્યુલરિટી ચેક કરીને એ કૅરૅક્ટરને ઇન્ટ્રોડ્યુસ કરે. આપણે ત્યાં આ કામ હવે શરૂ થયું છે. હમણાં રોહિત શેટ્ટીએ ‘સિમ્બા’માં એ દેખાડ્યું કે અગાઉ આ સિમ્બાએ અજય દેવગનના ‘સિંઘમ’ને મળી લીધું હતું અને એવા સીન પણ ફિલ્મમાં દેખાડ્યા. આને સીડ્સ કહેવાય. ધર્મા પ્રોડક્શનમાં પણ મને હમણાં આવો જ એક સબ્જેક્ટ સાંભળવા મળ્યો, જેનાં સીડ્સ છેક ‘કુછ કુછ હોતા હૈ’ની સ્ટોરીમાં હતાં.

આપણે વાત કરીએ ‘ઍક્વામૅન’ની.

‘ઍક્વામૅન’માં જેસન મોમોઆ છે, વ્યક્તિગત તો તે સારો છે જ, પણ ફિલ્મમાં તેણે શું પર્ફોર્મન્સ આપ્યો છે- અદ્ભુત, અકલ્પનીય. પહેલી વાર મેં ફિલ્મ ઑબેરૉય મૉલના નવા થિયેટર PXLમાં જોઈ અને એ પછી ફિલ્મ જોવાનો દોર ચાલુ જ રહ્યો છે અને એવું કહું તો પણ ચાલે કે સાઠ-સિત્તેરના દશકમાં જન્મેલા અંકલને પોતાના સમયની ફિલ્મો જોઈને જે ફીલ આવતી એવી ફીલ મને આ ‘ઍક્વામૅન’ આપે છે.

એક સમય હતો કે હીરોની વ્યાખ્યા જુદી હતી. હિરોઇન સાથે ગીતો ગાય, ગુંડાઓને મારે અને છેલ્લે જીતે તેનું નામ હીરો, પણ ના, હવે એવું નથી રહ્યું, આજના હીરોની વ્યાખ્યા જુદી છે. હીરો એટલે એવું કૅરૅક્ટર જે પોતાને મૅચોમૅન નથી માનતો. એને ખબર છે કે એ મારામારી કરવા પર આવશે તો કોઈને ઊભો રહેવા નહીં દે, પણ એમ છતાં એ મારામારી કરવા નીકળતો નથી. હીરોને ડર હોય પણ ખરો અને ડરને જીતવાનું કામ પણ આ હીરો કરે. આજનો હીરો લૉજિકલ છે, બીજા કોઈ ગ્રહ પરથી આવેલા એલિયનની જેમ એણે બધું જીતવું જ પડે એવું હવે નથી રહ્યું. ‘ઍક્વામૅન’ પણ આવા જ હીરોની વાત કરે છે.

‘ઍક્વામૅન’ પોતે જે દુનિયામાંથી આવ્યો છે એ જ દુનિયાથી પોતે અજાણ છે, પણ એક દિવસ એવો આવે છે જેમાં તેણે પોતાના જ ભૂતકાળનો સામનો કરવાનો આવે છે. ભૂતકાળનો પણ અને વર્તમાનનો પણ. તેની સામે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે હવે તેણે કરવું શું, દુનિયાને બચાવવા આગળ આવવું અને બધાનો સામનો કરવો કે પછી બધું ભૂલીને એ દુનિયામાં પાછા ચાલ્યા જવું જે તેની દુનિયા છે. ઍક્વામૅનનો એક ભાઈ છે, જે સમુદ્રની અંદર રહે છે. આ ભાઈની ઇચ્છા છે કે જગતનાં સાતેસાત સમુદ્ર પર પોતાનું રાજ સ્થાપી દે અને દુનિયાનો રાજા બની જાય, પણ એ માટે તેણે પૃથ્વી આખી પર પાણી ફેરવી દેવાનું છે અને એમાં તેની સામે જો કોઈ વિલન બનીને ઊભો છે તો એ છે તેનો જ ભાઈ એટલે કે આપણો હીરો ઍક્વામૅન. અહીંથી જંગ શરૂ થાય છે બે ભાઈઓનો. આવી અઢળક વાર્તાઓ આપણે ત્યાં આવી ગઈ છે, પણ આ વાર્તાની બ્યુટી એ છે કે એમાં પૃથ્વી બચાવવાની વાત છે અને સુપરપાવર પણ છે. સુપરપાવર હંમેશાં લોકોને ગમતો રહ્યો છે, પણ આ જે સુપરપાવર ફિલ્મ છે એનો એન્ડ લૉજિક સાથેનો છે. ઍક્વામૅનનું યુદ્ધ શરૂ થાય છે પણ એ યુદ્ધમાં તે હારવા સુધી પહોંચી જાય છે ત્યારે હિરોઇન તેને બચાવે છે. આ લૉજિક આજે પણ દરેક ફૅમિલીમાં જોવા મળે છે. જ્યારે પણ આપણી લાઇફમાં પ્રૉબ્લેમ આવે છે ત્યારે આપણા ઘરની ફીમેલ મેમ્બર સેવિયર બનીને ઊભી રહી જાય છે. ફિલ્મની વાર્તા તો આગળ ચાલુ જ છે. ઍક્વામૅન હવે એવા હથિયારની શોધમાં નીકળે છે જેની પેલા યુદ્ધમાં ખૂબ આવશ્યકતા છે. જો એ હોય તો જ દુનિયા બચી શકે એમ છે. જોકે હથિયાર શોધવાની આ જે જર્ની છે એ જર્ની ઈઝી નથી. જર્ની આગળ ચાલે છે અને ચાલતી જ રહે છે, પણ મુદ્દો એ છે કે ઍક્વામૅનની વાર્તા એવી છે કે તમે જાણે કે નાનું બાળક હો એ રીતે તેની સાથે ઓતપ્રોત થઈ જાઓ. તમને મજા આવે અને તમને એવું જ લાગે કે આ દુનિયામાં જ રહીએ.

હાર-જીત, હથિયાર, પાણી, રાક્ષસ, ભાઈની ભાઈ સાથેની લડાઈ અને એ પછી પણ અનીતિ પર નીતિનો વિજય. આ જે વિજય છે એ વિજય જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી લડતાં રહેવાનું. જો તમે તમારી હિંમત વચ્ચે જ છોડી દેશો તો નહીં ચાલે. તમારે તમારા માટે નહીં તો બીજા માટે પણ સતત સંઘર્ષ કરતાં રહેવાનું છે અને આ સંઘર્ષમાં તમને જીતથી ઓછું કંઈ મળવું પણ ન જોઈએ. જો તમે ઇચ્છતા હો કે તમારે સંઘર્ષ નથી કરવો તો પણ તમારે એ સ્તર સુધી સંઘર્ષ કરી લેવાનો છે જેના પછી તમે આરામથી પગ પ્રસરાવીને બેસી શકો. ‘ઍક્વામૅન’ના એકેક સીનમાં એક સંદેશ છે, જે લાઇફને મોટિવેટ કરવાનું કામ કરે છે. મોટિવેટ થયા પછી પણ ઍક્વામૅન તમને પછડાટ ખાતો દેખાય અને એ પછડાટ જોયા પછી તમને સમજાય પણ ખરું કે ઊભા થયા વિના જીવનમાં છૂટકો પણ નથી. તમારે જો ટકવું હશે તો લડવું પડશે અને જો લડવું હશે તો તમારે બધું ભૂલવું પડશે. મને લાગે છે કે આ વાત આપણે સૌકોઈએ સમજી લેવાની જરૂર છે. જો તમે એ સમજી શકો તો તમારામાં લડવાની ભાવના અકબંધ રહેશે અને જો તમે એ સમજવામાં ક્યાંક માર ખાઈ ગયા તો તમે વાસ્તવિકતાથી દૂર નીકળી જશો.

આ પણ વાંચો : વાત બે ડાયમન્ડની

વાસ્તવિકતા એક જ છે, સંઘર્ષ. અને જો સંઘર્ષથી તમે ડરી ગયા તો તમને કોઈ બચાવી નથી શકવાનું. ‘ઍક્વામૅન’માં એક ડાયલૉગ છે, જેનો ભાવાર્થ તમને કહું છું. લોકોના મનમાં તું છે, પણ એ બધાના દિલમાં તો હું જ છું.

Bhavya Gandhi columnists