સાથે હરશું સાથે ફરશું, સાથે જીવશું સાથે મરશું

28 October, 2020 03:33 PM IST  |  Mumbai | Rashmin Shah

સાથે હરશું સાથે ફરશું, સાથે જીવશું સાથે મરશું

મહેશ કનોડિયા- નરેશ કનોડિયા

કનોડિયા ફૅમિલીને જે કોઈ નજીકથી ઓળખે છે, લાંબા અરસાથી જે મહેશ-નરેશને નજીકથી જાણે છે તેમણે મનોમન ભાખી લીધું હતું કે નરેશભાઈ હવે લાંબું નહીં ટકે.
હા, આ શબ્દો આકરા છે, સંવેદનાહીન લાગી શકે એવા છે પણ આ સત્ય વચન છે. મ્યુઝિક-ડિરેક્ટર મહેશ કનોડિયાના અવસાન સમયે જ બન્ને ભાઈઓને નજીકથી ઓળખનારાઓને અંદેશો આવવા માંડ્યો હતો કે હૉસ્પિટલમાં કોવિડ સામે લડી રહેલા નાના ભાઈ હવે લાંબું નહીં ટકે. આની પાછળનું વાજબી કારણ પણ છે. મહેશ-નરેશ જોડિયા ભાઈઓ નહોતા પણ બન્ને ભાઈઓ વચ્ચેને સંવેદનશીલતા એ સ્તર પર જોડાયેલી હતી કે એક ભાઈને કોઈ તકલીફ આવે તો બીજા ભાઈને આપોઆપ એ તકલીફ આવે જ આવે. મહેશભાઈએ બાયપાસ સર્જરી કરાવી એના થોડા જ સમયમાં નરેશભાઈએ બાયપાસ સર્જરી કરાવવી પડી હતી. મહેશભાઈનો ઍક્સિડન્ટ થયો એના પાંચમા કે છઠ્ઠા જ દિવસે નરેશભાઈનો ઍક્સિડન્ટ થયો હતો. મહેશભાઈને માથું દુખે એટલે ગણતરીના કલાકોમાં જ નરેશભાઈને પણ માથું દુખવાનું શરૂ થાય. મહેશભાઈને તાવ આવે તો થોડી જ વારમાં નરેશભાઈનું શરીર પણ ગરમ થવા માંડે. બન્ને ભાઈઓએ પણ આ વાત સ્વીકારી છે અને નરેશ કનોડિયાએ તો ‘મિડ-ડે’ને જ આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું પણ હતું કે સારો સમય અમારા બન્નેનો સાથે આવ્યો છે તો ખરાબ સમય પણ સાથે આવે એમાં કશી નવાઈ નથી.
બન્યું પણ એવું જ. મોટાભાઈની વિદાયના અડતાલીસ કલાકમાં અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલમાં કોવિડની સારવાર લેતા નાના ભાઈ નરેશ કનોડિયાએ પણ અંતિમ શ્વાસ લીધા. મહેશ-નરેશની જોડીએ જે ધમાલ મ્યુઝિકમાં મચાવી હતી એવી જ ધમાલ એકલા હાથે નરેશભાઈએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મચાવી હતી. ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ફિલ્મોને સન્માન આપ્યું એવું જો કહેવાતું હોય તો કહેવું પડે કે નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મને સ્ટારડમ અપાવ્યું. સિત્તેરથી નેવુંના ઉત્તરાર્ધ સુધીનો સમયગાળો એવો હતો કે હિન્દી ફિલ્મના પ્રોડ્યુસરો પણ ગુજરાતમાં ફિલ્મ રિલીઝ કરતાં પહેલાં તપાસ કરતા કે નરેશ કનોડિયાની ફિલ્મ નજીકના ભવિષ્યમાં રિલીઝ થવાની હોય તો રિલીઝ પોસ્ટપોન કરતા અને એવું બનતું પણ ખરું. જો નરેશભાઈની ફિલ્મ રિલીઝ થવાની હોય
તો લિટરલી હિન્દી ફિલ્મ ગુજરાતીમાં રિલીઝ ન થતી.
જશ બધો મોટાભાઈને...
કુલ ૩૧૨ ફિલ્મો અને હીરો તરીકે સવાસોથી વધારે ફિલ્મો કરનારા નરેશભાઈએ પોતાની કરીઅર દરમ્યાન ૭૨ ઍક્ટ્રેસ સાથે લીડ પેરમાં કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મના જાણીતા પ્રોડ્યુસર ગોવિંદભાઈ પટેલના દીકરા અને હિન્દી ફિલ્મોના પ્રોડ્યુસર હરીશ પટેલ કહે છે, ‘બન્ને ભાઈઓનું એકબીજા માટેનું માન અને પ્રેમ જુઓ તો તમને એમ જ લાગે કે આપણે સતયુગમાં જીવીએ છીએ. નરેશભાઈની દરેક વાતના ત્રીજા વાક્યમાં મહેશભાઈની વાત આવે તો મહેશભાઈના બીજા વાક્યમાં નરેશભાઈનો ઉલ્લેખ હોય. નરેશભાઈ દૃઢપણે માનતા કે તેમનું સ્ટારડમ મહેશભાઈને આભારી છે. આ વાતને તે વિનમ્રતા સાથે જાહેરમાં સ્વીકારતા પણ ખરા.’
૧૯૪૩ની ૨૦ ઑગસ્ટે નરેશભાઈનો જન્મ અમદાવાદના શાહપુરના મહેસાણિયા મહોલ્લામાં થયો હતો. મહેસાણાના કનોડા ગામથી અમદાવાદમાં નવા-નવા સેટલ થયેલા નરેશભાઈ છ મહિનાના હતા ત્યાં જ તેમનાં માતુશ્રીનું મૃત્યુ થયું અને બધી જવાબદારી મોટી બહેન કંકુબહેન અને ભાઈ શંકર તથા મહેશ પર આવી ગઈ. શંકરભાઈ તો પપ્પા સાથે મિલમાં નોકરીએ જવા માંડ્યા હતા એટલે આખો દિવસ કંકુબહેન અને મહેશભાઈ નાના ભાઈને સાચવે. ભાઈ હતો એટલે સ્વાભાવિક રીતે મહેશભાઈના પક્ષે વધારે જવાબદારી આવે. આર્થિક પરિસ્થિતિ અત્યંત કફોડી એટલે મહેશભાઈ પૈસા કમાવા માટે બજાણિયા બનવાનું પણ કામ કરી લે અને જાહેરમાં ગીતો લલકારવાનું કામ પણ કરી લે.
નરેશભાઈ સમજણા થયા ત્યાં સુધીમાં મહેશભાઈએ બે જણની ઑર્કેસ્ટ્રા પાર્ટી બનાવી લીધી હતી. પોતે ગાય અને હાર્મોનિયમ વગાડે તો સાથે એક જણ હોય જે ઢોલક વગાડે. ધીમે-ધીમે એમાં નરેશભાઈને પણ સાથે લઈ જવાનું શરૂ થયું. નરેશભાઈએ આ બે જણના ઑર્કેકેસ્ટ્રામાં ખંજરી વગાડવાનું શરૂ કર્યું. આ તેમનું મ્યુઝિક અને પર્ફોર્મન્સની દુનિયાનું પહેલું પગલું. સફર ચાલતી રહી અને નરેશભાઈ નવા-નવા અખતરા કરતા રહ્યા. માથે ચૂંદડી મૂકીને કોઈ ગીત પર નાચવું તો જૉની વૉકરની મિમિક્રી કરીને લોકોને હસાવવા, મેહમૂદ બનીને હસાવતા-હસાવતા લોકોને રડાવવા કે પછી શમ્મી કપૂર બનીને હાજર રહેલા સૌકોઈ સામે ભાન ભૂલીને નાચવું. લોકોને મજા આવવા લાગી અને નસીબજોગે મહેશકુમાર ઍન્ડ પાર્ટીનો વ્યાપ પણ વધતો ગયો. જોકે ફિલ્મ વિશે ક્યારેય કોઈ
કલ્પના પણ બેમાંથી એક પણ ભાઈએ નહોતી કરી અને વાત રહી હીરોની તો નરેશભાઈ કહેતા, ‘એવાં તો સપનાં પણ ક્યારેય નહોતાં આવ્યાં.’
મુંબઈ મારું વહાલુ વહાલું...
મુંબઈમાં જ નરેશ કનોડિયાને પહેલી ફિલ્મની ઑફર મળી હતી. બન્યું એવું હતું કે મહેશકુમાર ઍન્ડ પાર્ટીનો શો બિરલા માતુશ્રીમાં હતો. શો પૂરો થયો એટલે બન્ને ભાઈઓ ગ્રીન રૂમમાં મેકઅપ ઉતારતા હતા ત્યાં મનુભાઈ પટેલ નામના એક ભાઈ આવ્યા. આવીને સીધી જ તેમણે વાત કરી કે મારી ત્રણ ઇચ્છા છે. પહેલી, હું ફિલ્મ બનાવું. બીજી, એ ફિલ્મમાં મ્યુઝિક મહેશકુમાર આપે અને ત્રીજી ઇચ્છા, ફિલ્મમાં હીરો તરીકે નરેશ કનોડિયા આવે. એ ફિલ્મ એટલે ‘વેલીને આવ્યાં ફૂલ’. સિત્તેરના દશકની શરૂઆતમાં બનેલી આ ફિલ્મ રિલીઝ કરવાના સમયે પ્રોડ્યુસર પાસે પૈસા ખૂટી ગયા એટલે નરેશભાઈએ તેના ભાઈબંધ પાસેથી પૈસા ઉછીના અપાવ્યા અને ફિલ્મ રિલીઝ થઈ.
બિરલા માતુશ્રી ઑડિટોરિયમમાં પોતાને ઑફર આવી હતી એ વાતને નરેશભાઈ ક્યારેય ભૂલ્યા નહોતા. મુંબઈમાં રહેતા એ દરમ્યાન જ્યારે પણ તે બિરલા ઑડિટોરિયમ પાસેથી પસાર થાય તો બિરલા સામે જોઈને તે આંખો નમાવી લે અને જો ઑડિટોરિયમ પર જવાનું બને તો એના પહેલા પગથિયે ચરણસ્પર્શ કરવાનું પણ ચૂકે નહીં. મુંબઈ છોડીને છેલ્લા દોઢેક દશકથી ગુજરાતમાં સેટલ થયા પછી પણ નરેશભાઈનો નિયમ હતો કે તે જ્યારે પણ મુંબઈ આવે ત્યારે એક વાર અચૂક બિરલા માતુશ્રી જવાનું રાખે.
રજનીકાંત અને બચ્ચન
નરેશ કનોડિયાની સરખામણી ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન તરીકે થતી અને સોશ્યલ મીડિયાનો વ્યાપ વધ્યો ત્યારે તેમની સરખામણી ગુજરાતી રજનીકાંત તરીકે થતી. નરેશભાઈએ આ બન્ને વાતો સ્વીકારી લીધી હતી પણ તેમને અમિતાભ બચ્ચન સાથેની સરખામણી થોડી ઓછી ગમતી. નરેશભાઈ કહેતા, ‘કોઈની મહાનતાને સરખામણીમાં ન ખર્ચવી જોઈએ. અમિતાભ બચ્ચન મહાનાયક છે અને તે મહાનાયક જ રહેશે, તેમની સાથે સરખાવીને લોકો મહાનાયકના પદનું અપમાન કરી રહ્યા છે.’
રજનીકાંત સાથેના તેમના મીમ્સ એટલા પૉપ્યુલર થયા હતા કે નરેશભાઈ પોતે પણ સામેથી મિત્રો અને યારદોસ્તોને એ ફૉર્વર્ડ કરતા અને તેમની પાસેથી મગાવતા પણ ખરા.

મોટા ભાઈની વિદાયના ૪૮ કલાકમાં
જ નરેશ કનોડિયાની પણ વિદાય

ત્રણસોથી વધારે ફિલ્મોમાં ૭૦થી વધારે ઍક્ટ્રેસ સાથે કામ કરનાર ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા કોવિડને કારણે હૉસ્પિટલાઇઝ્‍ડ હતા

મહેશ-નરેશ તરીકે ગુજરાતી ફિલ્મોમાં અદ્ભુત મ્યુઝિક આપનારા મહેશ કનોડિયાના નિધનના એક્ઝૅક્ટ ૪૮ કલાક પછી ગઈ કાલે ગુજરાતી ફિલ્મોના એક સમયના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો પણ ૭૭ વર્ષની વયે દેહાંત થયો હતો. નરેશભાઈને ગયા મંગળવારે કોવિડ-સંક્રમણ થતાં તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તેમને ઍડ્મિટ કર્યાના ૩૬ જ કલાકમાં તેમના નિધનની અફવા
ઊડી હતી અને ગુજરાત બીજેપીના સિનિયર નેતા પુરુષોત્તમ રૂપાલાએ ટ્વિટર પર તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી દીધી હતી. મૃત્યુના
સમાચાર સાચા ન હોવાનો ખુલાસો નરેશભાઈના દીકરા અને ગુજરાતના બીજેપીના વિધાનસભ્ય હિતુ કનોડિયાએ સોશ્યલ મીડિયા પર કરવો પડ્યો હતો.
રીમાબહેન સાથેના લગ્નજીવનથી નરેશભાઈને હિતુ અને સૂરજ નામે બે દીકરાઓ છે. સૂરજ મુંબઈમાં રહે છે અને હિતુ ગાંધીનગરમાં પપ્પા અને મહેશબાપા સાથે રહેતો.
નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે સહિતના દેશના અનેક ખ્યાતનામ અવૉર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૦૨માં નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાત વિધાનસભાની કરજણ બેઠક પરથી ઉમેદવારી આપી અને નરેશભાઈએ જીતી પણ હતી. જોકે એ પછી તે ક્યારેય પૉલિટિક્સમાં આવ્યા નહીં અને તેમણે દીકરા હિતુને આ જવાબદારી સોંપી.
૭૨ ઍક્ટ્રેસ સાથે ઍક્ટિંગ કરનારા નરેશભાઈએ ૩૧૪ ફિલ્મોમાં ઍક્ટિંગ કરી, જેમાંથી ૧૫૦થી વધુ ફિલ્મો સુપરહિટ થઈ હતી.

અધૂરી ઇચ્છા
અનેક પાત્રો કર્યાં, અઢળક સુપરહિટ ફિલ્મો આપી અને એ પછી પણ નરેશભાઈની ઇચ્છા હતી કે તેમને એક એવું કૅરૅક્ટર કરવા મળે જેમાં પિતા અને પુત્રની રિલેશનશિપ બહાર આવતી હોય. નરેશભાઈએ પોતે કહ્યું છે કે બાપનાં કૅરૅક્ટર પણ કર્યાં મેં પણ મને જેવું જોઈએ છે એવું પાત્ર હજી સુધી કોઈએ ઑફર નથી કર્યું.
દીકરા હિતુ કનોડિયા સાથે સતત વાતો થતી હોય એ વાતો પરથી હિતુએ એક સ્ક્રિપ્ટ તૈયાર કરી અને એમાં એક પિતાનું એવું કૅરૅક્ટર ડેવલપ કર્યું જેવું નરેશભાઈ કરવા માગતા હતા. આ જે સ્ક્રિપ્ટ હતી એનું નામ પણ ફાઇનલ થઈ ગયું હતું, ‘માય ફાધર’. નરેશભાઈની ઇચ્છા હતી કે તે આ ફિલ્મ કરીને ઑફિશ્યલ ઍક્ટિંગ ફીલ્ડમાંથી રિટાયરમેન્ટ લે.

જીવતાજીવ પાંચ વખત શ્રદ્ધાંજલિ...

હા, આ સાચું છે. નરેશભાઈને જીવતાજીવ પોતાની જ પાંચ વખત શ્રદ્ધાંજલિ વાંચવી પડી છે. પોતાના મૃત્યુ માટે વાંરવાર ઊડતી અફવાને તેમણે ધીમે-ધીમે ગણકારવાનું છોડી દીધું હતું અને સમય જતાં તો તે પોતે પણ આ વાત પર હસતા અને કહેતા કે એ બહાને ઈશ્વર મારું આયુષ્ય લાંબું કરતો જાય છે.
છેલ્લે જ્યારે તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા એના બીજા દિવસે પણ અફવા ઊડી હતી કે નરેશભાઈએ દેહત્યાગ કર્યો. આ અફવાને સાચી માનીને બીજેપીના સિનિયર નેતા પુરુષોત્તમ રૂપાલાએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી દીધી. પાંચમી વારની આ શ્રદ્ધાંજલિ નરેશભાઈ હૉસ્પિટલમાં હતા એટલે વાંચી નહોતા શક્યા. જો તેમણે વાંચી લીધી હોત તો આ વખતે પણ તેમણે હસીને કહ્યું હોતઃ આ બહાને ભગવાન મારું આયુષ્ય લંબાવે છે.

અંતિમ દિવસોમાં નરેશ કનોડિયા સૌને શું સલાહ આપતા?

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા લૉકડાઉનના સમયથી બધાને હાથ જોડીને એક સલાહ આપતા કે દાન કરવાનું આવે ત્યારે ભગવાન કે મંદિરમાં દાન કરવાને બદલે હૉસ્પિટલ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ જેવી જરૂરિયાતની જગ્યાએ દાન કરો જેથી જરૂરિયાતમંદ સુધી એ દાન પહોંચે. લૉકડાઉન જાહેર થયા પછી અનેક સોશ્યલ મીડિયા અને ટીવી ચૅનલે નરેશભાઈના ઇન્ટરવ્યુ કર્યા હતા. એ ઇન્ટરવ્યુમાં પણ નરેશભાઈ પોતાના મનની આ વાત બે હાથ જોડીને કરતા અને જો કોઈને ખરાબ લાગે તો ફરી બે હાથ જોડીને માફી પણ માગી લેતા.
નરેશ કનોડિયા કહેતા કે હજાર હાથવાળાને કોઈ ચીજની કમી નથી. તેણે જ તો આપણને આ સુખ, આ સાહ્યબી આપી છે તો પછી આપણે તેને દાન આપીએ એ કેવું કહેવાય? જો દાન કરવું હોય તો એવી જગ્યાએ દાન આપો કે ભૂખ્યાને ધાન મળે, નબળા વર્ગનાને સારવાર મળે, જરૂરિયાતવાળાઓની જરૂરિયાત પૂરી થાય.નરેશ કનોડિયાની ગેરહયાતીમાં તેમના આ શબ્દો ગોલ્ડન વર્ડ્સ બની ગયા છે. એ જીવનમાં ઉતારવા જોઈએ.

Rashmin Shah columnists