વાગડ જાઉં, પીલુ ખાઉં !

28 April, 2020 08:23 PM IST  |  Mumbai | Mavaji Maheshwari

વાગડ જાઉં, પીલુ ખાઉં !

કચ્છ પ્રદેશમાં એક સ્થાનિક વૃક્ષ થાય છે જેનું નામ પીલુડી છે. આમ તો પીલુડી ત્રણ જાતની થાય છે, પણ કચ્છમાં બે જાતની જોવા મળે છે. મીઠી અને કડવી. બેય પર જુદા-જુદા રંગનાં ફળ લાગે છે. મીઠી પીલુડીનાં ફળ પીળા રંગના મોતી જેવા દેખાય છે. ખારી પીલુડીનું ફળ બુલબુલ પક્ષીનો પ્રિય ખોરાક છે. કડવી પીલુડીને જાંબલી રંગનાં ફળ લાગે છે જે સ્વાદે સહેજ કડવાં હોય છે અને કદમાં નાનાં હોય છે. અન્ય ત્રીજી જાત છે જેને સફેદ ફળ લાગે છે. જે ભારતમાં બહુધા જોવા મળતી નથી. પીલુડી કુદરતી રીતે ઊગતું એક જંગલી વૃક્ષ છે. તેનો છાંયો ઘાટો હોય છે. આ વૃક્ષનું થડ અને શાખાઓ આછા પીળા રંગની હોય છે. સામાન્ય રીતે રેતાળ અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં થાય છે. કડવી અને મીઠી પીલુડીને એનાં પાનના આકાર પરથી જુદી પાડી શકાય છે. કડવી પીલુડીનાં પાન ઘેરા લીલા અને ટૂંકાં હોય છે, જ્યારે મીઠી પીલુડીનાં પાન આછા લીલા રંગના સાંકડાં અને લાંબાં હોય છે. પીલુડીનાં ફળને પીલુડાં કહે છે. આ ફળ વિણવું અને ખાવું એક કલા છે. વિણવા જતાં એ ખરી પડે છે. એટલે જ આંસુને પીલુડાં પણ કહે છે. કચ્છીભાષામાં પીલુડી જાર કહે છે.


કચ્છનો વાગડ વિસ્તાર પીલુડીનાં ફળ માટે જાણીતું છે. એટલે જ કહેવત પડી છે કે ‘વાગડ જાઉં, પીલુ ખાઉં’. જોકે આમ તો આ વૃક્ષ રણકાંધીનાં ગામડાંઓમાં વિશેષ જોવા મળે છે. તેમ છતાં આ વનસ્પતિને આખુંય કચ્છ માફક આવી ગયું છે. માંડવી અબડાસાને જોડતા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પીલુડીનાં વૃક્ષો જોવા મળે છે. કચ્છમાં અનુભવી ખેડૂતો પીલુડીનાં વૃક્ષો પર લાગતાં ફૂલો પરથી આવનારું ચોમાસું કેવું જશે એનો વર્તારો બાંધે છે. જો વૃક્ષો ફૂલોથી લચી પડે તો ચોમાસું સારું જાય એવું સ્થાનિક ખેડૂતો માને છે. આ વૃક્ષ વગડામાં અનેક જીવો માટે આધાર બની રહે છે. જ્યારે ઉનાળામાં પાણીના સ્ત્રોત ઘટી જાય છે ત્યારે પક્ષીઓ માટે ખોરાક ઉપરાંત પાણીની જરૂરિયાત સંતોષે છે. એના પર થતાં ફૂલોને કારણે કુદરતી રીતે મળતા મધનો જથ્થો પણ જળવાઈ રહે છે. પીલુનું વૃક્ષ જે ફળ આપે છે એનાં બીમાં એક જાતનું તેલ હોય છે જે જામી ગયેલી સ્થિતિમાં હોય છે. આ તેલને ખાખણ કહે છે. એ ખવાતું નથી, પણ ગોટલાના સોજા તેમ જ સંધીવામાં વપરાય છે. પીલુડીમાં એક જાતનું રસાયણ છે જે દાંત અને પેઢાને મજબૂત બનાવે છે તેમજ સડો થતો અટકાવે છે. ભારતમાં ટૂથપેસ્ટ બનાવતી એક કંપની પોતાનાં ઉત્પાદનમાં પીલુડીનાં રસાયણો વાપર્યાંનો દાવો કરે છે. યુનાની વૈદ્યો પણ આ વૃક્ષની ડાળીનો દાંતણ તરીકે ઉપયોગ કરવાની સલાહ આપે છે. કચ્છમાં આ વૃક્ષ પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં એનો દાંતણ તરીકે ઉપયોગ થતો નથી. કદાચ એના તુરા-કડવા સ્વાદને કારણે એવું બન્યું હશે. પીલુડીનાં ફળ ક્યારેક શહેરોમાં પણ વેચાવા માટે આવતાં હોય છે, પણ આ ફળનો સ્વાદ ચાખ્યો ન હોય તો જલદી ભાવતા નથી. પીલુડાં ખાવાની એક ચોક્કસ રીત છે. પીલુડાં એક-એક કરીને ખાવાથી જીભ ઊઠી આવે એવું બને એટલે એનો ફાકડો ભરવો પડે છે. આ ફળમાં કૅલ્સિયમનું પ્રમાણ ઊંચું હોવાનો જાણકારોનો મત છે. પીલુડીનાં ફળ ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે. મીઠી પીલુડીનાં ફળનો રસ સ્કર્વી નામના રોગ સામે રક્ષણ આપે છે. કેટલાક લોકો મીઠી પીલુડીનાં પાનના ઉકાળામાં ગોળ નાખી પીએ છે. તો કેટલાક તેનાં પાન ગરમ કરી છાતીએ બાંધે છે. આમ કરવાથી શરદી મટી જતી હોવાનું કહેવાય છે.
પીલુડીનો ઉલ્લેખ ૭૦૦ વર્ષ પૂર્વે બાબુલિયા સંસ્કૃતિમાં જોવા મળે છે. ગ્રીક, રોમન સામ્રાજ્ય, પ્રાચીન મિસર સહિતની સંસ્કૃતિમાં એનો ઉપયોગ થયાના પ્રમાણ છે. પીલુડીનું બોટનિક નામ સાલ્વાડોરા છે, પણ એ અંગ્રેજીમાં ટૂથબ્રશ ટ્રી તરીકે જાણીતું છે. ફારસી, અરબી અને હિન્દીમાં એને મેશ્વાક કહેવાય છે, જ્યારે મરાઠીમાં ખાકન અને સંસ્કૃતમાં ગુંદાફલા કહેવાય છે. કચ્છના હવામાનમાં કુદરતી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતું આ વૃક્ષ નિરુપદ્રવી છે. ખેતરના શેઢાઓ પર વાવવાથી એ રેતીને આવતી અટકાવે છે. એ સદાપર્ણ વૃક્ષ હોવાથી ઉનાળામાં માનવ તેમ જ પશુઓને છાંયો આપે છે. ભારતમાં પંજાબ, રાજસ્થાન, ઉત્તર-પૂર્વના પ્રદેશો, મહારાષ્ટ્રમાં રાયગઢ વિસ્તાર, ગુજરાતમાં જામનગર, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર વિસ્તારોની ખારી અને ડુંગરાળ જમીનમાં એ જોવા મળે છે. કચ્છમાં વાગડ, પાવરપટ્ટી, રણ પંથક, ડુંગરાળ અને દરિયાકિનારા તેમ જ ખારાપાટમાં વધારે જોવા મળે છે. ખારી પીલુડીમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન ફળ આવે છે જે ચણોઠીના દાણા જેવડાં હોય છે અને એમાં બી હોતાં નથી, જ્યારે માર્ચ-એપ્રિલ પછી મીઠી પીલુડી પર ફાલ આવે છે. આ ફળમાં બી હોય છે. કેટલાક લોકો આ ફળની સૂકવણી કરી રાખે છે. ફળની અંદરનું પાણી ઊડી ગયા પછી ચીમળાઈ ગયેલું ફળ સ્વાદમાં ગળચટ્ટું લાગે છે. સામાન્ય રીતે મીઠું ઝાડ ત્રણથી પાંચ કિલો ઉતાર આપે છે.
કચ્છમાં વન ખાતું દર વર્ષે વૃક્ષો ઉછેરે છે. વન ખાતાની નર્સરીઓ દ્વારા રસ્તાઓની ધારે અને જંગલ વિસ્તારમાં વિવિધ વૃક્ષો વવાય છે, પરંતુ હજી સુધી પીલુડીનાં બી વાવવાનો વિચાર અમલમાં મુકાયો નથી. કુદરતી રીતે પીલુડીનું વૃક્ષ ઊગે છે ખરું, પરંતુ કચ્છમાં હજી આ વૃક્ષની ઉપયોગીતા વિશે જાગૃતિ નથી. ઉપરાંત આ વૃક્ષ સીધી રીતે ઉત્પાદન આપતું ન હોવાથી કોઈને એમાં રસ પણ પડ્યો નથી. એનું લાકડું સીધું વધતું નથી. વળી એની શાખાઓ એટલી મજબૂત પણ નથી હોતી એટલે આ વૃક્ષનું લાકડું બળતણ સિવાય કામ લાગતું નથી, પરંતુ ઓછા વરસાદ અને નબળી જમીન વચ્ચે પાંગરી શકવાની તેની શક્તિને કારણે કચ્છમાં આ વૃક્ષનું વાવેતર જરૂરી છે. આ વૃક્ષ ભલે કમાવી ન આપતું હોય, પરંતુ પર્યાવરણની સમતુલા જાળવવામાં ખૂબ જ ઉપયોગી છે. ખારી જમીનનું ધોવાણ તો અટકાવે જ છે, એ વન્ય જીવોને રક્ષણ આપે છે. સામાન્ય રીતે ઊધઈને આધુનિક મનુષ્ય પોતાની દુશ્મન માને છે, પરંતુ જમીનના સેન્દ્રીય ઘટકોના વિઘટનની પ્રક્રિયામાં ઊધઈનો બહુ મોટો ફાળો છે. પીલુડીનું વૃક્ષ ઊધઈને રક્ષણ આપે છે. જ્યાં પીલુડી હોય છે ત્યાં આસપાસ ઊધઈના રાફડા જોવા મળે છે. કચ્છમાં ફેલાતા જતા ઉદ્યોગોને કારણે વનસંપદાનો નાશ થઈ રહ્યો હોવાની ચર્ચા પર્યાવરણની ચિંતા કરનારા અવારનવાર કરતા રહે છે. ખાસ કરીને કચ્છમાં આડેધડ પવનચક્કીઓને મળેલી મંજૂરી પીલુડી જેવાં વૃક્ષોના ભવિષ્ય માટે ચિંતાજનક છે. જેમ કચ્છમાં ગૂગળનાં વૃક્ષો સાવ ઘટી ગયાં એમ હવે પીલુડી પણ પાંખી થતી જાય છે. ખુદ કચ્છના લોકોએ આ શાંત અને ભેરુબંધ જેવી વનસ્પતિના બચાવ માટેના માર્ગો વિચારવા પડશે, કારણ કે જે-તે પ્રદેશમાં થતી વનસ્પતિ એ પ્રદેશના પર્યાવરણ માટે ઉપયોગી હોય છે. એનો એક ચોક્કસ હેતુ હોય છે.

kutch mavji maheshwari gujarat columnists