પાઠ શીખવા જેવો (લાઇફ કા ફન્ડા)

19 March, 2020 08:26 PM IST  |  Mumbai Desk | Heta Bhushan

પાઠ શીખવા જેવો (લાઇફ કા ફન્ડા)

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બન્યા બાદ શ્રીમાન બિલ ગેટ્સનો એક ચૅનલ પર ખાસ ઇન્ટરવ્યુ હતો. બિલ ગેટ્સના સ્વાગત બાદ ઇન્ટરવ્યુ લેનાર પત્રકારે બિલ ગેટ્સને તેમના બાળપણથી લઈને સફળતા સુધીના પ્રશ્નો પૂછ્યા...પછી એક પ્રશ્ન જેના વગર ઇન્ટરવ્યુ અધૂરો ગણાય તે પૂછ્યો કે ‘સર, તમારી સફળતાનું રહસ્ય શું છે?’
આ પ્રશ્ન સાંભળી બિલ ગેટ્સ હસ્યા, કંઈ ન બોલ્યા...ઊભા થયા, ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને એક ચેક સહી કરી ઇન્ટરવ્યુ લેનાર પત્રકારના હાથમાં આપ્યો અને કહ્યું કે ‘આ ચેક તારા માટે છે જે આંકડો ભરવો હોય તે ભરી લેજે!’ પત્રકારને કંઈ સમજાયું નહીં કે શું કરવું... તે અવઢવમાં પડી ગઈ. પછી ધીમેથી બોલી, ‘સર, આ શું કરો છો? હું આ ચેક કઈ રીતે લઈ શકું?’ બિલ ગેટ્સે ઘણો આગ્રહ કર્યો પણ ઇન્ટરવ્યુ લઈ રહેલ પત્રકારે ચેક ન સ્વીકાર્યો અને ઇન્ટરવ્યુ આગળ ચલાવવા વિનંતી કરી.
બિલ ગેટ્સ હસ્યા અને પત્રકારના પ્રશ્નોના જવાબ આપવા લાગ્યા. થોડા પ્રશ્નો બાદ પત્રકારે પોતાનો પ્રશ્ન થોડા જુદા શબ્દોમાં પૂછ્યો કે ‘સર, જે યુવાનો જીવનમાં સફળતા મેળવવા માગતા હોય તેમણે શું કરવું જોઈએ?’ બિલ ગેટ્સ ફરી ઊભા થયા અને ફરીથી ચેક પત્રકારને આપ્યો ...પત્રકાર વળી મૂંઝાઈ, તેણે ફરીથી ચેક લેવાની મક્કમતાથી ના પાડી. પાછો પ્રશ્ન પૂછ્યો, ‘સર તમને જે રોલ મોડેલ માને છે તેમણે તમારી પાસેથી ખાસ શું શીખવું જોઈએ?’ બિલ ગેટ્સે વળી ચેક આપ્યો અને પત્રકારને ખૂબ જ આગ્રહ કર્યો કે તે ચેક લઈ લે, પણ પત્રકારે ચેક લેવાની ના પાડી અને વિનંતી કરી, ‘સર, હું આમ તમારી પાસેથી પૈસા લઈ ન શકું, આપ ચેક ન આપો... મારા પ્રશ્નનો જવાબ આપો કે તમારી સફળતાનું રહસ્ય શું છે...? સફળતા મેળવવા શું કરવું જોઈએ?’
બિલ ગેટ્સે ફરી એક વાર ચેક આપ્યો પણ પત્રકારે સ્વીકારવાની ના પડતા તેઓ હસ્યા અને કૅમેરા સામે ચેક ફાડી નાખ્યો અને પછી બોલ્યા, ‘ડિયર, મારી સફળતાનું રહસ્ય એ છે કે હું કોઈ પણ નાની કે મોટી તક છોડતો નથી...જેમ તે એક તક અત્યારે છોડી, જો તે ચેક સ્વીકારી લીધો હોત તો તું અત્યારે દુનિયાની સૌથી પૈસાદાર પત્રકાર હોત...પણ તે ચેક ન સ્વીકાર્યો...તક ગુમાવી, જીવનમાં સામેથી આવતી કોઈ પણ તક ન ગુમાવો - આ પાઠ યાદ રાખો, સફળતા મળશે.’

heta bhushan columnists