વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ ભૂલી જાય છે આ પડકારોને

23 June, 2026 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેટલીક વાર વિદ્યાર્થી પોતે જ ફ્રેન્ડ્સની દેખાદેખીમાં યુનિવર્સિટી અને કોર્સની સંપૂર્ણ જાણકારી વગર વિદેશ ભણવા જવાની જીદ પકડીને નીકળી જાય અને પછી ત્યાં સર્વાઇવ ન કરી શકે

કેતન સંઘવી (સંગોઈ) શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, દાદરના સેક્રેટરી અને ટ્રસ્ટી તેમ જ શ્રી ક. વી. ઓ. જૈન સ્થાનકવાસી મહાજનના સેક્રેટરી તરીકે સક્રિય છે.

હાયર એજ્યુકેશન માટે ફૉરેન જવાનો ટ્રેન્ડ સતત વધતો ગયો છે. જો પરિવારની પરિસ્થિતિ ન હોય તો ઘર ગિરવી મૂકીને અને તોતિંગ લોન લઈને પણ સંતાનોની જીદને વશ થઈને પેરન્ટ્સ તેમને મોકલી દે છે. પેરન્ટ્સને પણ એમ હોય છે કે વિદેશમાં ભણ્યા પછી ત્યાંની મોટી આવકથી બાળક પોતે જ થોડાક સમયમાં આ લોનની ભરપાઈ કરી દેશે. હોય છે કેવું ખબર છે? આપણે મોટા ભાગે આવા જ કિસ્સાઓ વધુ જોયા છે જેમાં છોકરો વિદેશ ભણવા ગયો, ત્યાં તેણે ભણવાની સાથે જૉબ કરીને પોતાની આવક શરૂ કરી. ડિગ્રી મળ્યા પછી તરત જ નોકરી મળી જાય એટલે બેથી ત્રણ વર્ષમાં લોન ઉતારી દીધી હોય. જોકે મિડલ ક્લાસ પેરન્ટ્સ માટે શરૂઆતનો જ એક વર્ષનો ચાલીસથી પચાસ લાખનો ખર્ચ પહોંચી વળવો અઘરો હોય છે જેની સામે લોન જ એક પર્યાય બચે છે. જોકે આવામાં જો વિદ્યાર્થી ભણે નહીં અથવા તો તેઓ જે દેશમાં જાય છે ત્યાં તેમને ભણવાનું પત્યા પછી પણ સરખી નોકરી ન મળે અથવા તો તેમણે અધવચ્ચે પાછા આવવું પડે તો શું એ પ્રશ્ન વિકટ બન્યો છે.

કેટલીક વાર વિદ્યાર્થી પોતે જ ફ્રેન્ડ્સની દેખાદેખીમાં યુનિવર્સિટી અને કોર્સની સંપૂર્ણ જાણકારી વગર વિદેશ ભણવા જવાની જીદ પકડીને નીકળી જાય અને પછી ત્યાં સર્વાઇવ ન કરી શકે. કેટલીક વાર તમારા વીઝામાં ગોટાળો થાય અને ડિગ્રી પૂરી થયા પછી તમારી નોકરીમાં કંઈક સમસ્યા આવે અને તમે અટકી પડો. હમણાં મારી પાસે એક કેસ આવ્યો જેમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન માટે છોકરો અમેરિકા ગયો. ભણી લીધું. બહુ જ સારી જૉબ મળી ગઈ. ખમતીધર ઘર હતું એટલે ભણવા માટે તો લોનની જરૂર ન પડી, પરંતુ સારી નોકરી અને મજબૂત આવકને કારણે ધીમે-ધીમે તેની અમેરિકામાં લાઇફસ્ટાઇલ લૅવિશ થઈ ગઈ. તેણે પોતાનું ઘર લોન પર ખરીદી લીધું. હવે બન્યું એવું કે તેની નોકરી છૂટી ગઈ. ઘરના હપ્તા ચાલુ જ રહ્યા અને નોકરી છૂટવાને કારણે તેના વીઝા કૅન્સલ થઈ ગયા. તેને ૬૦ દિવસમાં અમેરિકા છોડવાની નોટિસ મળી ગઈ. હવે તે ઘર વેચવા જાય છે તો તેને ઘરની અડધા ભાગની રકમ મળી રહી છે. સારો રેટ મેળવવા તેઓ રાહ જોઈ શકે એમ નથી. બીજી બાજુ ઘર અને ગાડીની લોન તો માથા પર લટકી જ રહી છે. હવે તે ઘર કે ગાડી કંઈ જ ઉપયોગ કરી શકવાનો નથી પણ લોન ભરવાની છે અને એ બન્ને વસ્તુ અડધા ભાગની રકમમાં વેચીને નીકળી જવાનું છે. તેના માટે અત્યારે ભયંકર અસમંજસની સ્થિતિ છે. અત્યાર સુધી જે કમાયું એ બધું જ શૂન્ય થઈ ગયું. હવે ફરીથી ભારત આવીને નવી શરૂઆત કરવાની છે અને બાકી રહેલી લોન ચૂકવવાની છે.

તમે જ્યારે વિદેશમાં ભણવા જાઓ ત્યારે આ પ્રકારની સંભાવનાઓને નકારી ન શકાય. ધારો કે ત્યાં જૉબ ન મળી અથવા તો જૉબ મળ્યા પછી અચાનક છૂટી ગઈ અથવા તો ત્યાંના કાયદા અચાનક બદલાઈ ગયા અથવા તો તમે ગ્રીન કાર્ડ માટે અપ્લાય કર્યું પણ ન મળ્યું તો શું? આ બધા જ પર્યાયો વિચારીને આગળ વધવું જોઈએ. તમે તમારા જીવનની બધી જ મૂડી આમાં લગાવીને આવા કોઈ સંજોગોમાં ક્યારેક અટવાઈ જાઓ તો શક્ય છે કે ત્યારે ન ઘરના, ન ઘાટના જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

columnists exclusive gujarati mid day