ભારતનો એક જુદો ચહેરો જે વધુ પ્રામાણિક અને શાતાદાયી છે

29 September, 2020 03:51 PM IST  |  Mumbai | Taru Kajaria

ભારતનો એક જુદો ચહેરો જે વધુ પ્રામાણિક અને શાતાદાયી છે

વાસ્તવની ધરાતલ પર કંડારાયેલો એ ચહેરો વધુ પ્રામાણિક છે

ચોમેર નશાખોરી, સીમાવિવાદ, કિસાન ખરડા વિવાદ જેવા નકારાત્મક સમાચારોની વચ્ચે ‘વર્ચ્યુઅલ ભારત’ નામની શૉર્ટ ફિલ્મ્સની શ્રેણી હેઠળ બનેલી કેટલીક ફિલ્મો જોઈ અને ખરેખર દેશનો એક તદ્દન જુદો જ ચહેરો જોવા મળ્યો. વાસ્તવની ધરાતલ પર કંડારાયેલો એ ચહેરો વધુ પ્રામાણિક છે અને શાતાદાયી પણ...

છેલ્લા થોડા સમયથી દુનિયાની સાથે આપણો દેશ પણ કોવિડ-19ના ઝપાટામાં આવી ગયો છે. રોજ નોંધાતા નવા દરદીઓની યાદી દિવસે-દિવસે મોટી અને મોટી થતી જાય છે અને હવે તો દુનિયામાં સૌથી વધુ કોવિડ-19 દરદીઓ ધરાવતા દેશોમાં ભારત કદાચ મોખરાના સ્થાને આવી જાય એ પળ દૂર નથી. આ મહામારીએ દેશના અર્થતંત્ર, વિકાસકાર્યો, દેશની જીડીપી (ગ્રોસ નૅશનલ પ્રોડક્ટ), ઓવર ઑલ ગ્રોથ અને આમ માનવીના જીવન પર કરેલો કારમો પ્રહાર ઓછો હોય એમ દેશની સરહદે અને દેશની ભીતર પણ દુશ્મનો દ્વારા હુમલાઓ અને રમખાણો કરાવાઈ રહ્યાં છે, આવા કાવતરાખોરોના કારસાના પાકા પુરાવાઓ મળતાં તેમને પકડવામાં આવ્યા તો કહેવાતા લિબરલોનો એક મોટો વર્ગ મંડ્યો છે ગગન ગજાવતો ગોકીરો કરવા. સંસદમાં કૃષિ સંશોધન ખરડા સંસદનાં બન્ને ગૃહમાં શાસક પક્ષે પોતાની બહુમતીના જોરે પસાર તો કરાવી દીધા છે, પરંતુ એ ખરડાઓ ખેડૂતોના હિતમાં છે એવી સરકારની દલીલમાં દેશના ખેડૂતોને પૂરો ભરોસો પડ્યો હોય એમ લાગતું નથી, કારણ કે દેશભરમાં ખેડૂતો આ ખરડાઓનો વિરોધ કરી રહ્યા છે. અલબત્ત, આમાં પણ શાસક અને વિપક્ષોનું એકમેકનાં દરેક પગલાંના વિરોધનું રાજકારણ તો અગ્રીમ જ છે. આવાં જ સામસામા વિરોધી બયાનો અને ઇવન દેશના દુશ્મનની છાતીમાં ટાઢક થાય એવાં વિધાનો કાશ્મીરથી પણ આવી રહ્યાં છે. કાશ્મીરમાં ૩૭૦મી કલમ રદ થયાને વરસ થવા આવ્યું છતાં એના વિરોધીઓ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી. આવા અનેક પ્રશ્નો ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાથી મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ચાલી રહેલા બે શંકાસ્પદ મૃત્યુની તપાસમાંથી બહાર આવેલા નશીલા પદાર્થોના કૌભાંડમાં એક પછી એક જે હદની સંડોવણી ઉજાગર થઈ રહી છે એ ખરેખર ધ્રુજાવી દેનારી છે.
દેશથી દૂરબેઠાં આ બધી નકારાત્મક ઘટનાઓ જોનાર ભારતીયો કે ભારત વિશે જાણવા ઉત્સુક કોઈ વિદેશી બંદો આ બધું જોઈ-વાંચી-સાંભળીને ચોક્કસ ડરી જ જાય. આ સમાચારોથી આપણે પોતે પણ કેટલા હચમચી જઈએ છીએ?! ઘણી વાર થાય કે ભલા માણસ, દેશમાં ક્યાંય કંઈ જ સારું કે શાંતિ અનુભવાય એવું નહીં થતું હોય? ક્યાંક તો થતું હશે ને? અને એવું કંઈક શોધવાની મથામણમાં નજરે ચડી એક ચીજ. ‘વર્ચ્યુઅલ ભારત’ નામની શૉર્ટ ફિલ્મ્સની શ્રેણી હેઠળ બનેલી કેટલીક ફિલ્મો જોઈ અને ખરેખર દેશનો એક તદ્દન જુદો જ ચહેરો જોવા મળ્યો. વાસ્તવની ધરાતલ પર કંડારાયેલો એ ચહેરો વધુ પ્રામાણિક છે અને શાતાદાયી પણ. ચેન્નઈના તેજસ્વી અને પ્રતિભાવંત ફિલ્મસર્જક ભારત બાલાએ ગયા વરસે નવેમ્બરમાં ‘વર્ચ્યુઅલ ભારત’ પ્રોજેક્ટ હાથ ધર્યો છે, આ શ્રેણી હેઠળ તેઓ ભારતની અનોખી અસ્મિતા, અસીમ કલાપ્રતિભા, અનન્ય સંસ્કૃતિ અને સાચકલી ભારતીયતાનો દુનિયાને નક્કર પરિચય કરાવે એવી ૧૦૦૦ કલાત્મક શૉર્ટ ફિલ્મ્સ બનાવવાનાં છે.


ભારત બાલા નામ તમને કદાચ અજાણ્યું લાગે, પરંતુ તેના અફલાતૂન કામથી તો તમે પરિચિત જ છો. યાદ કરો એ. આર. રહેમાનનું ગીત ‘મા, તુજે સલામ.... વંદે માતરમ્’ ભારતની ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીની ભાતીગળ વિવિધતા કેવી અદ્ભુત કલાત્મકતા અને સૂક્ષ્મતાથી એ આલબમમાં વણી લેવાઈ હતી! દેશના ૫૦મા સ્વાતંત્ર્યદિન નિમિત્તે ૧૯૯૭ની ૧૨ ઑગસ્ટે એકસાથે ૨૮ દેશોમાં એ આલબમ રિલીઝ થયેલું.
તાજેતરની જ વાત કરું તો આ વરસે ૧૫મી ઑગસ્ટે ગૂગલ અને પ્રસારભારતી સાથે મળીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી અનેક ભારતીયોને એકસાથે લાગણીભીના સ્વરમાં રાષ્ટ્રગીત ગાતાં જોયેલા અને સાંભળેલા ને? એ પણ ભારત બાલાનું સર્જન હતું. હા, તો તેમના આ નવા પ્રોજેક્ટને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનનો સહકાર પ્રાપ્ત થયેલો છે. ભારત બાલા અને તેમની ‘વર્ચ્યુઅલ ભારત’ની ટીમ દ્વારા બનેલી આ ફિલ્મો યુટ્યુબ પર જોઈ અને આફરીન થઈ જવાયું. દેશના અંતરિયાળ ખૂણે બેઠેલા નોખા-અનોખા વીરલ ભારતીયો અને તેમનાં કામ, કલા-કસબ કે કરતબનો ચિતાર ઝિલતી આ ફિલ્મો નિતાંત અને નખશીખ કલાકૃતિ ભાસે છે. એ મહેનતકશ કલાકારોની કર્મભૂમિ, એ લૅન્ડસ્કેપ કે દરિયા કે પહાડીઓને પણ ફિલ્મમાં ખૂબ જ સર્જનાત્મકતાથી રજૂ કરાયાં છે. ભારતના આ સંનિષ્ઠ કલાકારો, કર્મવીરો કે જ્ઞાનવીરોની જીવની અને કર્મસાધનાની સાથે જ ભારતનું અપાર વિવિધતાભર્યું કુદરતી સૌંદર્ય આલેખતી આ ફિલ્મો પંચેન્દ્રિયો માટે એક ટ્રીટ સમાન છે. ઉત્તર પ્રદેશના મિરજમાં તૂમડાંમાંથી નખશીખ સુંદર તાનપુરા બનાવતાં કે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કોલ્હાપુરી ચંપલ બનાવતા કુશળ અને મહેનતકશ કારીગરોને પોતાના સમગ્ર અસ્તિત્વથી ઓતપ્રોત થઈને કામ કરતાં જોઈએ ત્યારે લાગે કે એ લોકો જે કરી રહ્યા છે એ કોઈ પ્રાર્થનાથી કમ નથી! કેટલાક તો સારી ડિગ્રી ધરાવતા કલાકારો પણ આ વ્યવસાયમાં છે. મહેનતના પ્રમાણમાં વળતર ન હોવા છતાં પોતાના પૂર્વજો પાસેથી શીખવા મળેલી આ કળા અને દેશનો આ કળાવારસો જાળવી રાખવા અને એને પોતાની નવી પેઢીને સોંપવા તેઓ આ વ્યવસાયમાં રહ્યા છે. ૧૨૩ વર્ષના શિવાનંદ બાબાની અખંડ યોગસાધના હોય કે આ આઠ દાયકાથી નર્તનમાં રત રહેતા નૃત્યગુરુની નૃત્યસાધના હોય, ભારત બાલાની આ ફિલ્મો માત્ર એ કલા કે કસબને જ નહીં, એની સાથે જોડાયેલાં સંવેદનોની પણ આગવી અભિવ્યક્તિ કરે છે. એમાંય કુદરતનાં તત્ત્વોને આ ફિલ્મકાર જે કમનીયતાથી સ્ક્રીન પર સાકાર કરે છે એ કરિશ્મૅટિક છે. તમે માનશો, પ્રથમ લૉકડાઉન પછી આ વર્ચ્યુઅલ ભારતે બનાવેલી ફિલ્મમાં દેશભરમાં છવાયેલા સન્નાટાને જે રીતે ઝડપ્યો છે એ જોઈને સ્તબ્ધ થઈ જવાય એવું છે. ખરેખર ભારતનો આ ચહેરો જોઈને દિલ ખુશ થઈ ગયું. બાલા અને તેની ટીમે સર્જેલી આ ફિલ્મો જોઈને પેલી વાત યાદ આવી ગઈ કે કોઈ કાબેલ તસવીરકાર પોતાની માશુકાની તસવીરો લેતો હોય ત્યારે તેની સર્વોચ્ચ પ્રતિભા પ્રકટ થતી હોય છે.
‘વર્ચ્યુઅલ જન ગન મન’ ફિલ્મ અંગે તેમણે જે શબ્દો કહ્યા છે એમાં તેમનો રાષ્ટ્રપ્રેમ છલકે છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે આ ૨૦૨૦નું વર્ષ ગજબનું નીવડ્યું. આપણને ભારતીયોને તેણે એકમેકથી દૂર-દૂર કરી દીધા. સંગીતની પરમ શક્તિમાં અસીમ વિશ્વાસ ધરાવતા બાલાને આ અંતર (ડિસ્ટન્સિંગ)ના કાળમાં ભારતીયોને એકસૂત્રે બાંધી શકે એવાં લાગણીનાં તંતુ અને એક ગીતની ખોજ હતી અને એ માટે રાષ્ટ્રગાનથી ઉત્તમ શું હોઈ શકે? બાલા માને છે કે રાષ્ટ્રગીત તેના બોલ અને તેનું સંગીત માનવીના હૃદયમાં દેશ પ્રત્યે એક એવી લાગણી જન્માવે છે જે તેના અસ્તિત્વનો હિસ્સો બની જાય છે અને તેના હૃદયમાં દેશ માટે પ્રેમ અને ગર્વની લાગણી અંકુરિત થાય છે.
દેશથી દૂરબેઠાં આ બધી નકારાત્મક ઘટનાઓ જોનાર ભારતીયો કે ભારત વિશે જાણવા ઉત્સુક કોઈ વિદેશી બંદો આ બધું જોઈ-વાંચી-સાંભળીને ચોક્કસ ડરી જ જાય. આ સમાચારોથી આપણે પોતે પણ કેટલા હચમચી જઈએ છીએ?! ઘણી વાર થાય કે ભલા માણસ, દેશમાં ક્યાંય કંઈ જ સારું કે શાંતિ અનુભવાય એવું નહીં થતું હોય? ક્યાંક તો થતું હશે ને?

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

taru kajaria columnists